પહેલી ફેબ્રુઆરીથી તમાકુ-પાનમસાલા પરનો GST 40 ટકા થઈ જશે, સિગારેટના ભાવ 11 ટકા વધી જશે

- સિગારેટ 11 ટકા મોંઘી થઈ જશે, પાનમસાલા બનાવતી કંપનીઓની ઉત્પાદન ક્ષમતાને આધારે તેમની પાસે વેરો વસૂલવામાં આવશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર
પહેલી ફેબ્રુઆરીથી પાન મસાલા, ગુટકા અને તમાકુ તથા તમાકુની બનાવટો પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વધીને 40 ટકા કરી દેવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર જીએસટીના વર્તમાન દર ઉપરાંત તેના પર વધારાની એક્સાઈઝ ડ્યૂટી અને હેલ્સ સેસ-આરોગ્ય ઉપકર લગાવવામાં આવશે. પરિણામે સિગારેટના ભાવમાં 11 ટકાનો વધારો આવી જશે.
નવી વ્યવસ્થા અમલમાં આવતા આરોગ્ય માટે હાનિકારક ગણાતા સિન ગુડ્સ પર લાગુ કરેલી કોમ્પેન્સેશન સેસ નાબૂદ થઈ જશે. તેને સ્થાને તમાકુ અને તમાકુની બનાવટો તથા પાનમસાલા-ગુટકા પર નવા જીએસટીના દર લાગુ પડશે. તમાકુ અને તમાકુની બનાવટ પર વધારાની એક્સાઈઝ લાગુ પડશે. તેમ જ પાન મસાલા પર હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ લાગુ પડશે.
સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ પાન મસાલા, સિગારેટ અને તમાકુ અને તેના જેવા અન્ય ઉત્પાદનો પર 40 ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ્ વસૂલવામાં આવશે. જોકે બીડી પર 18 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. સિગારેટની કિંમતમાં તેને પરિણામે 11 ટકાનો વધારો આવી જવાની સંભાવના છે. બીડી પરના જીએસટીના આ દર ચાલુ રહેશે, પરંતુ તેના પર નવા વેરાઓ લાગુ કરવામાં આવશે.
ચાવવાની તમાકુ, સુગંધીદાર જરદા, ગુટકાના પેકિગ મશીનની ક્ષમતા એટલે કે એક દિવસની ક્ષમતા પ્રમાણે તેમની પાસેથી ડ્યૂટી વસૂલવામાં આવશે. ઉત્પાદન ક્ષમતા પ્રમાણે વેરો વસૂલવાનું માળખું તૈયાર કરવાાં આવ્યું છે. આ વ્યવસ્થા અને નિયમો 2026થી અમલમાં આવી જશે.
આ માટેનું બિલ ડિસેમ્બરમાં સંસદમાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. તેથી કોમ્પેન્સેશન સેસના વિકલ્પ અન્ય સેસ લાગુ કરવાના દરવાજા ખૂલી ગયા છે. પહેલી ફેબ્રુઆરીથી નવી લેવી-નવા વેરાઓ લાગુ પડી જશે તેવી જાહેરાત કરતું નોટિફિકેશન પણ સરકારે બહાર પાડી દીધું છે. પહેલી ફેબ્રુઆરીથી જ જીએસટી કોમ્પેન્સેશન સેસ લેવાનું બંધ કરી દેવામાં આવશે. તેમ જ જુદા જુદાં વેરા પણ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં જ આવી જશે.



