તમાકુ અને સિગારેટ પરનો GST વધતાં ITCના શેરમાં ગાબડું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર
ભારત સરકારે પહેલી ફેબ્રુઆરીથી તમાકુ, તમાકુની બનાવટો અને સિગારેટ તથા પાનમસાલા પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વધારવાનો નિર્ણય લેતા ITC લિમિટેડના શેરમાં છેલ્લા છ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ITCને તેના કુલ આવકનો 40 ટકાથી વધુ હિસ્સો સિગારેટમાંથી મળે છે. શેરબજારના અને તમાકુના બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર જીએસટીના દર અને એક્સાઈઝ ડ્યૂટી તથા હેલ્થ સેસ લાગુ કરવાના નિર્મયને પરિણામે તેના ગ્રાહકોનો ખર્ચ બોજ વધશે.
નવા વેરાને કારણે ITCએ સિગારેટના ભાવમાં “ઓછામાં ઓછા 15 ટકા”નો વધારો કરવો પડી શકે છે, અને શક્ય છે કે તેનાથી પણ વધુ ભાવવધારો કરવો પડશે. ભારતની સૌથી મોટી સિગારેટ ઉત્પાદક કંપની ITC લિમિટેડના શેરમાં ભારે ઘટાડો થયો છે. ITC ભારતની સૌથી મોટી સિગારેટ ઉત્પાદક કંપની છે અને તેની કુલ આવકનો લગભગ 40 ટકા હિસ્સો આ ઉત્પાદન શ્રેણીમાંથી આવે છે.
સરકારી નોટિફિકેશનમાં નક્કી કરવામાં આવ્યા મુજબ પહેલી ફેબ્રુઆરી 2026થી સિગારેટ પર પ્રતિ 1,000 સ્ટિક્સ રૂ. 2,050થી રૂ. 8,500 સુધી એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે. ઉપરાંત તમાકુ આધારિત ઉત્પાદનો અને સિગારેટ પર 40 ટકા જીએસટી પણ લાગુ થશે. જીએસટીના નવા દર પણ પહેલી ફેબ્રુઆરીથી જ અમલમાં આવશે.
આ જાહેરાત બાદ આજે ITCના શેરમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન 9.8 ટકાનો ઘટાડો નોંધાયો, જે 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. આ નિર્ણયની જાહેરાત સાથે જ ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડના શેર બીએસઈ પર 17.6 ટકા તૂટ્યા હતા. ITC ‘ક્લાસિક’ અને ‘ગોલ્ડ ફ્લેક’ જેવી બ્રાન્ડ્સ વેચે છે, જ્યારે ગોડફ્રે ‘માર્લબોરો’ અને ‘ફોર સ્ક્વેર’ બ્રાન્ડ્સનું વેચાણ કરે છે.
22 સપ્ટેમ્બર 2025ના રોજ નરેન્દ્ર મોદી સરકારે સાબુથી લઈને નાની કાર સુધીના ઉત્પાદનો પર જીએસટી દરમાં ઘટાડો કર્યો હતો. આ દર પહેલી જુલાઈ 2017થી લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કરવામાં આવેલો જીએસટીના દરનો આ મોટામાં મોટો ઘટાડો હતો. આ પ્રક્રિયામાં જીએસટીના સ્લેબ્સ ચારથી ઘટાડીને બે (5 ટકા અને 18 ટકા) કરવામાં આવ્યા. તે સાથે ‘સિન ગુડ્સ’ માટે 40 ટકાનો નવો જીએસટી સ્લેબ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં તમાકુ ઉત્પાદનો અને લક્ઝરી વસ્તુઓ જેમ કે એસયુવી, સ્વિસ ઘડિયાળ અને હેન્ડબેગ્સનો સમાવેશ થાય છે.
જીએસટી કોમ્પેન્સેશન સેસ રદ કરવામાં આવ્યો હતો, જેના કારણે તમાકુ પર લાગતો અસરકારક કર દર ઘટી શકે તેમ હતો. પરંતુ તેના સ્થાને વધુ ઊંચી એક્સાઈઝ ડ્યૂટી લાદવામાં આવી છે. આ કરવેરા વ્યવસ્થાથી અન્ય ઉત્પાદન શ્રેણીઓમાં જીએસટી આવકમાં થતી ઘટને પૂરું કરે તેવી ધારણા કે ગણતરી છે. ભારતમાં આશરે 25.3 કરોડ લોકો તમાકુનો ઉપયોગ કરે છે, જે વિશ્વમાં તમાકુ વપરાશકર્તાઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતને બીજા ક્રમે છે.
વિશ્લેષકો અને રોકાણકારોની અપેક્ષા કરતા સિગારેટ પરનો કર વધારો વધુ ઊંચો હોવાનું માનવામાં આવે છે. જો નેશનલ કાલેમિટી કન્ટિન્જન્ટ ડ્યૂટી યથાવત રહેશે તો કુલ કરમાં 30 ટકાથી વધુનો વધારો થશે. વિશ્લેષકોનું કહેવું છે કે કે અંતિમ પરિણામ અંગે હજી અનિશ્ચિતતા છે, પરંતુ જો આ કરવેરા વ્યવસ્થા પુષ્ટિ પામે તો વોલ્યુમ પર નકારાત્મક અસર પડશે અને ગેરકાયદેસર ઉદ્યોગ તરફ વેચાણ ખસી જવાની ચિંતા ફરી ઊભી થશે.
ITCની સૌથી મોટી હિસ્સેદાર બ્રિટિશ અમેરિકન ટોબેકો પીએલસી છેલ્લા કેટલાક સમયથી પોતાની હિસ્સેદારી ઘટાડતી આવી છે. મે મહિનામાં તેણે લગભગ 1.5 અબજ ડોલરના શેર વેચીને પોતાની હિસ્સેદારી ઘટાડીને 22.91 ટકા કરી હતી.




