નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા 37 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા

NPPAએ નક્કી કરી આપેલા ભાવ કરતાં એક પણ પૈસો વધુ વસૂલી શકાતો નથી, નક્કી કરેલા ભાવ કરતાં વધુ વસૂલે તો એપીપીએ વ્યાજ સહિત બાકી રકમની વસૂલી કરશે.
અમદાવાદઃ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ડ્રગ્સ પ્રાઇસિસ કંટ્રોલ ઓર્ડર (DPCO), 2013ની જોગવાઈઓ હેઠળ 37 નવી દવાઓના રિટેલ ભાવ નક્કી કર્યા છે. તેમાં બ્લડ પ્રેશર (હાઇપરટેન્શન), ડાયાબિટીસ તેમજ અન્ય કેટલાંક રોગોની દવાઓનો સમાવેશ થાય છે.
જે દવાઓના વિવિધ ફોર્મ્યુલેશન અને શક્તિ-પાવર (strength) માટે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેમાં સિપ્લા લિમિટેડની બિલાસ્ટિન અને મોન્ટેલુકાસ્ટ ટેબ્લેટ્સ, ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરીઝની બિસોપ્રોલોલ ફ્યુમારેટ અને ટેલ્મિસાર્ટન ટેબ્લેટ્સ, જર્મન રેમેડીઝની લેવોસેટિરિઝિન ડાયહાઇડ્રોક્લોરાઇડ અને મોન્ટેલુકાસ્ટ સોડિયમ સિરપ, તેમજ મેનકાઇન્ડ ફાર્મા, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સની માયો-ઇનોસિટોલ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (SR) ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે.
ઉપરાંત, ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સની મૉક્સિફ્લોક્સાસિન હાઇડ્રોક્લોરાઇડ અને કેટોરોલેક ટ્રોમેથામાઇન ઑફ્થેલ્મિક સોલ્યુશન, ઓત્સુકા ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાની મલ્ટિપલ ઇલેક્ટ્રોલાઇટ્સ અને 5 ટકા ડેક્સટ્રોઝ ઇન્જેક્શન (ટાઇપ-I USP), ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, સ્ટેડમેન ફાર્માસ્યુટિકલ્સ અને મેકલોડ્સ ફાર્માસ્યુટિકલ્સની પેરાસીટામોલ, ફેનાઇલએફ્રિન હાઇડ્રોક્લોરાઇડ અને ક્લોરફેનિરામિન મેલેટે ટેબ્લેટ્સ, ઇપ્કા લેબોરેટરીઝની પેરોક્સેટિન (CR) અને ક્લોનાઝેપામ કેપ્સ્યુલ્સ, તેમજ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની ડાપાગ્લિફ્લોઝિન અને ટેલ્મિસાર્ટન ટેબ્લેટ્સ તથા ગ્લાયકોપિરોનિયમ, ફોર્મોટેરોલ ફ્યુમારેટ અને બુડેસોનાઇડ ઇન્હેલેશન સસ્પેન્શનનો પણ સમાવેશ થાય છે.
આ અગાઉ 27મી નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી બેઠકમાં પણ NPPAએ DPCO, 2013 હેઠળ નવી દવાની રિટેલ કિંમત નક્કી કરી હતી, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને શ્વાસ સંબંધિત અનેક દવાઓનો સમાવેશ થતો હતો. આ બધી દવાઓ DPCO, 2013ના પેરાગ્રાફ 2(1)(u) મુજબ “નવી દવાઓ” તરીકે ગણવામાં આવે છે. DPCO, 2013ના પેરા 2(1)(u) મુજબ, નવી દવા એટલે એવી ફોર્મ્યુલેશન કે જે હાલના ઉત્પાદક દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)માં દર્શાવેલી નિર્ધારિત માત્રા અને શક્તિ ધરાવતી દવાઓમાં અન્ય દવા (NLEMમાં સમાવિષ્ટ હોય કે ન હોય) જોડીને બનાવવામાં આવી હોય, અથવા એ જ દવાની માત્રા કે શક્તિ (અથવા બન્ને)માં ફેરફાર કરીને નવી રીતે લોન્ચ કરવામાં આવી હોઈ શકે છે.
હાલના ઉત્પાદકો માટેની શેડ્યૂલ્ડ ફોર્મ્યુલેશન્સની નવી દવાઓના રિટેલ ભાવની ગણતરી અને નિર્ધારણની પદ્ધતિ DPCO, 2013ના પેરા 5 અને 15માં દર્શાવવામાં આવી છે. કંપનીઓ દ્વારા રજૂ કરાયેલી ફોર્મ-5માં કરવામાં આવેલી અરજીઓના આધારે NPPA આ જ પદ્ધતિ અનુસાર ભાવ નક્કી કરે છે.
જો કોઈ ઉત્પાદક અથવા માર્કેટિંગ કંપની દ્વારા આ નક્કી કરાયેલા રિટેલ ભાવનું પાલન ન કરવામાં આવે, તો NPPA દ્વારા જારી કરાયેલા ભાવ સૂચનાઓ અને નોંધો મુજબ, સંબંધિત કંપનીને DPCO, 2013 તથા આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, 1955 હેઠળ વ્યાજ સહિત વધારાની વસૂલાત (overcharged amount) જમા કરાવવી પડશે, એમ ભાવ નિયામક-પ્રાઈસ કંટ્રોલરનું કહેવું છે.



