હવે ખેડૂતો માટે શાકભાજીના અંકુરિત થયેલા કૂણા છોડની ખેતી કરીને કમાવાનો વિકલ્પ

200 ડિશમાં માઈક્રોગ્રીન્સની ખેતી કરવા માટે રૂ. 20000થી રૂ. 25000નો ખર્ચ કરીને રૂ. 25000નો રોકડો નફો કમાઈ શકે છે.
એક ડિશમાંથી અઠવાડિયે અંદાજે 250થી 300 ગ્રામ માઈક્રોગ્રીન્સ મેળવી શકાય છે. તેનો બજારમાં રૂ. 250થી રૂ. 300 ઉપજે છે.
આરોગ્ય અંગેની જાગૃતતા વધી રહી છે. આરોગ્ય અંગે સભાન લોકો પિત્ઝા અને રેડી ટુ ઇટ ફૂડના કલ્ચરથી દૂર જઈ રહ્યા છે. લીલીછમ્મ વનસ્પતિઓનો આહાર કરીને શરીરને તન્દુરસ્ત રાખવું હવે લોકોને ગમવા માંડ્યું છે. તેથી શાકભાજીના બીજ અંકુરિત થાય અને તેમાંથી કૂણા કૂણા પાન અને ડાળખી બેસવા માંડે તે તબક્કે જ તેનો આહાર તૈયાર કરીને ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. શહેરીજનોમાં વધી રહેલો આ ટ્રેન્ડ ખેડૂતોને કમાણી કરવાનો નવો વિકલ્પ પૂરો પાડે છે. માઈક્રોગ્રીન્સની ખેતી કરીને તેમાંથી આરોગ્યને તન્દુરસ્ત રાખતી ડિશ બનાવીને તેનો વેપાર કરવા સુધીનું આયોજન કરનાર તેમાંથી તગડી કમાણી કરી શકે છે. ખેડૂતો નાના પાયે એટલે કે એકાદ વિઘા જમીનમાં તેની ખેતી કરીને નવું સાહસ કરીને કમાણીનો નવો માર્ગ ખોલી શકે છે. શાકભાજી ઉપરાંત જડીબુટ્ટીઓના કૂણા છોડ પણ સલાડ તરીકે ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેનો સ્વાદ જીભ પર ચોંટી જાય તેવો , મનને ગમે તેવો અને આરોગ્ય માટે લાભદાયક હોવાથી તે લેવાનું વલણ ચલણ વધી રહ્યું છે.
માઈક્રોગ્રીન્સ શું છે?
માઈક્રોગ્રીન્સ(Microgreens) શાકભાજીનું કૂણામાં કૂણું સ્વરૂપ છે. શાકભાજીના કૂણા ડાળખા અને પાંદડાંને માઈક્રોગ્રીન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. તેના બીજું વાવેતર કરવામાં આવે કે રોપણી કરવામાં આવે તે પછી સાતથી એકવીસ દિવસના ગાળામાં અંકુરિત થયેલા છોડને માઈક્રો ગ્રીન્સ તરીકે ખાવાનું વલણ વધી રહ્યું છે. ફણગાવેલા મગ કે કઠોળ કરતાં તે કદમાં થોડા મોટા છા. પરંતુ નાના છોડવા કરતાં કદમાં ઘણાં નાના હોય છે. તેનો ઉપયોગ આહારમાં સારામાં સારા સ્વાદવાળા, ભરપૂર પોષક ઘટકો ધરાવતા આહાર તરીકે કરવામાં આવી રહ્યો છે. ગ્રીન સલાડ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યારે બ્રોકોલી, મૂળા-રેડીશ, રાયડા, સનફ્લાવર, વટાણી, તુલસી, સિલાન્ટ્રો-કોથમીર, તુલસી, બીટ, એમરન્થ-રાજગરો અને કેલ-KALE (કેળાંનું ફળ આપતી કેળ નહિ)ના કૂણા અંકુરિત થયેલા છોડનો ઉપયોગ હેલ્ધી ફૂડ તરીકે કરવામાં આવે છે. આ કૂણા છોડની ખેતી બહુધા ઇન્ડોર જ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘરના એક ઓરડામાં તેની ખેતી કરવામાં આવે છે. નાના નાની ટ્રે-ડિશ બનાવીને તેમાં તેને ઉગાડવામાં આવે છે.
ખેડૂતો પણ ગ્રીન હાઉસની નિયંત્રિત તાપમાન વચ્ચે અડધા વિઘામાં કે એક વિઘા જમીનમાં તેની આઉટડોર ખેતી કરી શકે છે. તેને માટે ડિશ તૈયાર કરીને તેમાં જ તેને ઉગાડી શકે છે. તેમને સતત પ્રકાશ-તડકા, તન્દુરસ્ત વાતાવરણની જરૂર પડે છે. વાવણી કર્યા પછીના સાતથી એકવીસ દિવસમાં તે કાઢી લેવાના હોવાથી અંકુશિત તાપમાન વચ્ચે તેની ખેતી કરવી વધુ લાભદાયી સાબિત થાય છે. ઘરની બહાર શેડ્સ બાંધીને, કૂલર લગાડીને તેની ખેતી કરી શકાય છે. પરંતુ અમુક અંશે તે જોખમી બની શકે છે. પરંતુ ઘરની બહાર તેની ખેતી કરવી અશક્ય નથી જ નથી.ઘરની બહાર તેની ખેતી કરવાથી તેની ગુણવત્તા જોઈએ તેવી મળે કે ન મળે તે શંકાસ્પદ છે. કારણે કે વાતાવરણમાં થોડે થોડે સમયે મોટો બદલાવ આવતો જોવા મળે છે. પરંતુ ઘરના પ્રાંગણમાં શેડ બાંધીને તેની ખેતી કરવાનું આયોજન ખેડૂતો કરી શકે છે. તેની ખરીદી કરવા હોટેલ્સ, રેસ્ટોરાં, પ્રીમિયમ રેસ્ટોરાં, છૂટક વેચાણ કરતાં શાકભાજીના વેપારીઓ-કાછિયાઓ તત્પર રહે છે. શહેરની ભાગોળે આવેલા વિસ્તારમાં માઈક્રોગ્રીન્સની ખેતી કરનારાઓને ખાસ્સો લાભ મળે છે. ટ્રાન્સપોર્ટનો પણ મોટો ખર્ચ કરવો પડતો નથી.
તેમની આ તત્પરતામાં ઊંડા ઉતરીએ તો આ અંકુરિત થયેલા શાકભાજીના કૂમળા છોડમાં ભરપૂર પોષક તત્વો હોય છે. રાંધણ કળાના નિષ્તાત શેફ્સ, પોતાના આરોગ્ય અંગે જાગૃત વ્યક્તિઓ તેના દિવાના બની રહ્યા છે. હોટેલ્સ, રેસ્ટોરાં, પ્રીમિયમ કાફે, ક્લાઉડ કિચન અને સુપર માર્કેટ તેના મોટા ગ્રાહક છે. માઈક્રોગ્રીન્સના બજારની તલાશ કરવા માટે વધુ જફા કરવી પડતી નથી. માઈક્રોગ્રીન્સની ખેતી ચાલુ કર્યા પછી સાતથી 21 દિવસમાં વળતર મળવાનો આરંભ થઈ જાય છે. એક વર્ષમાં તેની 15થી માંડીને 40 સાઈકલ થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક વર્ષમાં તેનો 15થી 40 વાર પાક લઈ શકાય છે.
માઈક્રોગ્રીન્સની ખેતીમાં નફાકારકતા ઊંચી
માઈક્રોગ્રીન્સના વેપારમાં માર્જિન પણ 50થી 75 ટકા જેટલા ઊંચા છે. જોકે નફાકારકતા પાક અને તે લેવાના સમય પર આધારિત છે. માઈક્રોગ્રીન્સની ખેતી કરવા માટે પાણીની પણ ઓછી જરૂર પડે છે. તેમાંય ખાસ કરીને હાઈડ્રોપોનિક્સની પદ્ધતિથી તેની ખેતી કરવામાં આવે તો પાણીની બહુ જ ઓછી જરૂર પડે છે.

રોપણી-વાવણી કેવી રીતે કરવી
માઈક્રોગ્રીન્સ માટેના બિયારણ અધિકૃત દુકાનમાંથી જ ખરીદવા જોઈએ. બ્રાન્ડેડ સીડ્સ હોવા જોઈએ. બિયારણને ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય તેવા બિયારણ લેવાનું ટાળો. મૂળા, બ્રોકોલી, રાયડો, સનફ્લાવર, વટાણા, બીટ અને તુલસીના બીજ લઈ શકાય છે. દસ ઇંચ બાય 20 ઇંચ કે 25 ઈંચ બાય 50 ઇંચની ટ્રે લઈને તેમાં નાળિયેરના છોતરાંનો ભૂકો-કોકોપીટ, માટી અને ખાતરનું બેથી ત્રણ સેન્ટીમીટરનું લેયર બનાવી દો. 10 બાય વીસ ઇંચની ટ્રેમાં મૂળાના 10થી 12 ગ્રામ, બ્રોકોલીને આઠ ગ્રામ, સન ફ્લાવરના 70થી 100 ગ્રામ બીજની જરૂર પડે છે. બિયારણને થોડા કલાક માટે પલાળી રાખીને રોપણી કે વાવણી કરવામાં આવે તો તેનાથી બીજ અંકુરિત થવા પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે. બીજને કોકોપીટ, ખાતર અને માટીના મિક્સરમાં અડધાથી એક સેન્ટીમીટર અંદર જવા દો.
બીજની રોપણી કર્યા પછી..બીજની રોપણી કર્યા પછી ટ્રે પર કાળું કપડું ઢાંકી દો. તેમ જ તેના પર બીજી એક ટ્રેડ ઊંધી વાળીને મૂકી દો. ત્રણ દિવસમાં બીજ અંકુરિત થઈ જશે. ત્રણ દિવસ બાદ તેને તડકો અને પ્રકાશ મળે તે રીતે રાખો. તડકો ન મળે તો એલઈડી લાઈટના પ્રકાશમાં રાખો. દિવસમાં 16 કલાક સુધી લાઈટનો કે તડકાનો પ્રકાશ મળે અને 8 કલાક અંધારામાં રહે તેવી વ્યવસ્થા કરી દો. તેમ જ જે રૂમમાં કે ગ્રીનહાઉસમાં તેની ખેતી કરવામાં આવે તે ગ્રીન હાઉસનું તાપમાન 24થી 27 ડિગ્રીથી ઉપર ન જાય તેની તકેદારી રાખો. કોકોપીટ, માટી અને ખાતરના મિશ્રણમાં સતત ભેજ જળવાઈ રહે તેની તકેદારી રાખો. પરંતુ પાણી છલોછલ ભરેલું ન રહે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાઈડ્રોપોનિકમાં બિછાવેલી ચટ્ટાઈની નીચેથી પાણી નાખવામાં આવે છે. પરિણામે વનસ્પતિનો ભેજ જળવાઈ રહે છે. તેને ખાતર પણ આપવું જરૂરી છે. પરંતું ખાતરનો ઓવરડોઝ ન થઈ જાય તેની તકેદારી લેવી જરૂરી છે. વર્મિકોમ્પોસ્ટ થોડા પ્રમાણમાં અને છાણિયું ખાતર થોડા પ્રમાણમાં આપવું જરૂરી છે. હાઈડ્રોપોનિક્સમાં પાણીમાં ઓગાળીને તથા ગાળીને જ ઉપર જણાવેલું ખાતર આપવું જોઈએ. માઈક્રોગ્રીન્સ પર કેમિકલ ફર્ટિલાઈઝર તેના પણ છાંટવું ન જોઈએ. ગૌમૂત્ર અને બાયો ફર્ટિલાઈઝરના લિક્વિડ ફોર્મમાં તેના પર જંતુનાશકો છાંટવા જોઈએ. તેના થકી ફૂગ સહિતની જુદી જુદી બીમારીઓનો ઉકેલ આવી શકે છે. મોલ્ડના બેક્ટેરિયા સામે પણ રક્ષણ મળી શકે છે. કુદરતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે તો જ તે માઈક્રોગ્રીન સલામત ગણાશે.
સાતથી એકવીસ દિવસના ગાળામાં જ તેની લણણી કરવાની આવે છે. માટીમાં તેના મૂળ રહી જાય તે રીતે તેને ચોખ્ખા કાતરથી કાપી લેવા જોઈએ. કાપતી વખતે તેના મૂળને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે. ત્યારબાદ તેને તરત જ ફ્રીજની ઠંડકમાં ગોઠવી દો. કાપણી કર્યા પછી તેના છેડા પર માટી લાગેલી હોય તો તે ધોઈને સાફ કરી નાખો. તેને ટીનના ડબ્બામાં પેક કરીને ફ્રીજમાં રાખી દો. ત્યારબાદ 24 કલાકમાં તેની ડિલીવરી કરી દો.
એક વિઘાની બારથી પંદર ટકા જમીન પર માઈક્રોગ્રીન્સની ખેતી કરી શકાય છે. માઈક્રોગ્રીન્સના પાકના પ્રમાણ મુજબ તેના ખર્ચમાં ફેરફાર કે વધઘટ થતી જોવા મળે છે. હાઈડ્રોપોનિક્સની ટ્રે અને છાણ માટી અને કોકોપીટની ટ્રેમાં અલગ અલગ ખર્ચ આવે છે. તેનો મજૂરી ખર્ચ અને માર્કેટના ભાવ પણ બદલાયા કરે છે. 200 ટ્રેના ક્રોપની વાત કરીએ તો દરેક ટ્રેમાંથી 10 ઇંચ બાય 25 ઇંચની ટ્રેમાંથી 250થી 300 ગ્રામ માઈક્રોગ્રીન્સ મળી રહે છે. એક ટ્રેમાં થતી ઉપજના અંદાજે રૂ. 300થી 400 મળી રહે છે. જુદાં જુદાં માઈક્રો ગ્રીન્સ લણવાની મુદતની સરેરાશ કરવામાં આવે તો તે અંદાજે 14 દિવસની આવે છે.
બસો ટ્રેમાં માઈક્રોગ્રીન્સની ખેતી કરવા માટે જુદાં જુદાં બિયારણ મળીને રૂ. 5000નો ખર્ચ આવે છે. કોકોપીટ, માટી અને ખાતર માટે રૂ. 6000નો ખર્ચ કરવો પડે છે. ટ્રે લેવાનો અને તેને માટેની રેક્સ તૈયાર કરાવવાનો અંદાજે રૂ. 4000ની આસપાસનો ખર્ચ આવે છે. એલઈડી બલ્બ અને પાણીના પમ્પિંગની સુવિધા કરવા માટે રૂ. 3000નો ખર્ચ કરવો પડે છે. આઠથી દસ દિવસનો લેબર ખર્ચ અંદાજે રૂ. 8000થી રૂ.10,000નો આવે છે. પાણી, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો અંદાજે રૂ. 3000નો ખર્ચ આવે છે. આમ કુલ ખર્ચ રૂ. 29000થી રૂ. 30000 સુધીનો આવે છે. એક સાઈકલ માટેનો આ ખર્ચ છે. એક ટ્રેમાંથી પંદર દિવસે સરેરાશ રૂ. 300 કે 250ની આવક ગણીએ તો રૂ. 6000થી 50000ની આવક 200 ટ્રેમાંથી થઈ શકે છે. આમ પંદર જ દિવસમાં તમારા પૈસા બમણા થઈ જાય છે. વરસની 27 સાઈકલ ગણવામાં આવે તો વરસે રૂ. 15 લાખથી રૂ. 16 લાખથી વધુની આવક થઈ શકે છે. તેમાંથી થતાં ખર્ચ રૂ. 7.5 લાખ ગણી લેવામાં આવે તો પણ વરસે રૂ. 7.5 લાખનો નફો થાય છે.
આમ તમારી રૂ. 30,000ની આરંભિક મૂડીના રોકાણની તુલનાએ 2500 ટકા જેટલું વળતર તેના પર મળી રહે છે. એક વિઘામાં તો 1200થી વધુ ટ્રે ગોઠવી શકાય છે. તેની સાથે ગુણાકાર કરવામાં આવે તો વરસે તેમાંથી રૂ. 40 લાખથી વધુની આવક કરી શકાય છે. આટલો વધારે ન ગણએ તો પણ તેમાંથી વરસે રૂ. 24 લાખની ચો ખ્ખી કમાણી થઈ શકે છે. હા, તેને માટે તમારે રેસ્ટોરાં, હોટેલ્સ, પ્રિમિયમ કાફે અને મોલ સાથે ટાઈઅપ કરી રાખવું જરૂરી છે. માર્કેટિંગનું મજબૂત નેટવર્ક ઊભું કરવું જરૂરી છે.
આ આવક કરતાં પહેલા ગ્રીન હાઉસ બનાવવા, રેક્સ ખરીદવા, ક્લાઈમેટ કંટ્રોલ કરવા, એલઈડી લાઈટ લગાડવા, મજૂરી ખર્ચ, પેકેગિંજગ, કોલ્ડ ચેઈન ડેવલપ કરવા અને માર્કેટિંગ કરવા માટે ખાસ્સો ખર્ચ કરવો પડે છે. મોટેપાયે કરો તેટલો ખર્ચ ઓછો અને આવક વધારે થાય છે. જાણીતા રસોઈયા મારફતે પણ ક્લાયન્ટ્સ નેટવર્ક વિસ્તારી શકાય છે. તેનો ઓનલાઈન વેપાર કરીને સીધા કન્ઝ્યુમરને વેચાણ પણ કરી શકાય છે.
ગુજરાતમાં માઈક્રોગ્રીન્સની ખેતી કરતાં પહેલા શું કરી શકાય
ગુજરાતમાં માઈક્રોગ્રીન્સની ખેતી પહેલા 200થી 500 ટ્રેથી ચાલુ કરી શકાય છે. પહેલા બેથી ચાર સાઈકલ ચલાવીને તેની ઉપજ અને તેના થકી થતી આવકનો અંદાજ મેળવી લેવો જરૂરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતની રેસ્ટોરાં, પ્રીમિયમ કાફેમાં કે હોટેલ્સમાં તેનું વેચાણ ચાલુ કરી શકાય છે. ભાડાંની જગ્યા લઈને પણ તેની ખેતી ચાલુ કરી શકાય છે. એફપીઓ-ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન કે પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ સામુદાયિક ધોરણે આ કામ કરી શકે છે. આરંભમાં પાકની ગુણવત્તાથી પ્રભાવિત કરવા માટે તેના સેમ્પલ્સ પણ આપવા પડે છે.
બિઝનેસના જોખમો
આ બિઝનેસમાં આવક જ આવક છે તેવી માન્યતામાં રહેવું ઉચિત નથી. તાજાંમાં તાજાં માઈક્રોગ્રીન્સની ડિલીવરી કરવામાં આવશે તો જ તેના સારા ભાવ મળી શકશે. તેને માટે તાજાં રહી શકે તેવી કોલ્ડ ચેઈન હોવી જરૂરી છે. ટ્રાન્સપોર્ટ વખતે પણ ઠંડકમાં રહે તે જરૂરી છે. દરેક વિસ્તારમાં માર્કેટની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે. માઈક્રોગ્રીન્સ સ્વચ્છ દેખાય અને હોય તે જરૂરી છે. તેની નફાકારકતાનો ચોખ્ખો અંદાજ મેળવવા માટે 30, 60 અને 90 દિવસના ખર્ચ અને આવકનો હિસાબ રાખો. માત્ર 200 કે 500 ટ્રે બનાવીને આ હિસાબ રાખો. તેમાં ખાતર, પાણી બિયારણ, ટ્રે, આખો માચડો ઊભો કરવાનો ખર્ચ ગણીને હિસાબ રાખો. તમને મળેલા દરેક વખતના ભાવની વિગતો પણ લખીને રાખો. તમારા વપરાશકારો કે ક્લાયન્ટ્સનું લિસ્ટ તૈયાર રાખો. શક્ય બને તો તેની પ્રિન્ટ કાઢી રાખો. તેમને કઈ વરાયટીની વધુ જરૂરિયાત છે તેની વિગતો પણ તૈયાર રાખો. તેમની જરૂરિયાત પ્રમાણેના માઈક્રોગ્રીન્સ ઉગાડો. આજે લોકપ્રિય બની ચૂકેલા માઈક્રોગ્રીન્સમાં બ્રોકોલી, મૂળા, સરસિયા, સનફ્લાવર, વટાણા, બીટ, તુલસી, ધાણા, પાલખ, રાજગરાની ભાજી અને મેથીનો સમાવેશ થાય છે. ઘરની ગેલેરીમાં કે ખુલ્લા ટેરેસમાં પણ માઈક્રોગ્રીન્સની ખેતી કરવામાં આવી રહી છે. માત્ર સો ચોરસ ફૂટ વિસ્તારમાં માઈક્રોગ્રીન્સની ખેતી કરીને તેના થકી મહિને રૂ. 15000થી 20000ની આવક કરી શકાય છે. ફાઈવ સ્ટાર હોટેલ્સમાં તેની ખાસ્સી ડિમાન્ડ રહે છે.
માઈક્રોગ્રીનમાંથી એનર્જી બુસ્ટર સલાડ બનાવી શકાય છે. તેમાં મૂળા, બ્રોકોલી, સનફ્લાવરના અંકુરિત કુમળા છોડની સાથે એક કાકડી મિક્સ કરીને તેમાં ટામેટાની સ્લાઈસ, લીંબુંનો થોડો રસ , એક ચમચી ઓલીવ ઓઈલ, મરી કે મરીનો થોડો પાવડર નાખીને તેમાં એકબે શેકેલી બદામ નાખીના પોષ્ટિક સલાડ બનાવી શકાય છે. તેમાંથી વિટામિન સી, એઝાઈમ્સ ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ મળી રહે છે. ડાયાબિટીસના દરદીઓ માઈક્રો ગ્રીનની સેન્ડવિચ બનાવીને પણ ખાઈ શકે છે. ટામેટાં કાકડી ઉપરાંત માઈક્રોગ્રીન્સના અંકુરો બે બ્રેડની વચ્ચે ગોઠવીને વેજીટેબલ સેન્ડવિચ તરીકે તેનો આહાર લઈ શકાય છે. તેમાં ફાઈબર વધુ હોવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. માઈક્રોગ્રીન્સમાંથી સ્મૂધી પણ બનાવી શકાય છે. એક કપ પાલખની અથવા તો રાજગરાની ભાજી લઈ શકાય છે. તેમાં એક કેળું અથવા તો સફરજન ઉમેરી શકાય છે. એક કપ નાળિયેર પાણી કે સાદુ પાણી તેમાં ઉમેરીને બ્લેન્ડરથી મિક્સ કરી દીધા પછી તેમાં એક ચમચી ચીયા સીડ નાખીને તેમાં બરફ નાખીને લિજ્જતથી તે પીણાને માણી શકાય છે.



