નવા સપ્તાહમાં ભારતના શેરબજાર પર કોનો પ્રભાવ જોવા મળશે

Q3ના પરિણામોની સીઝન, PMI ડેટા, વેનેઝુએલાના વિસ્ફોટની ઘટનાનો પ્રભાવ શેરબજાર પર જોવા મળશે
પાંચમી જાન્યુઆરીથી નવમી જાન્યુઆરી 2026 દરમિયાન શેરબજારની દિશા મહત્વના આર્થિક આંકડા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામોથી નક્કી થશે. સોમવારથી શરૂ થતાં સપ્તાહમાં શેરબજારની ચાલ પર પ્રભાવ પડી શકે છે. કંપનીઓ 5 જાન્યુઆરીથી Q3 FY26ના પરિણામ જાહેર કરવાનું શરૂ કરશે. તેમ જ અમેરિકા મેન્યુફેક્ચરિંગ PMI, સર્વિસિસ PMI, નોન-ફાર્મ એમ્પ્લોયમેન્ટ, પેરોલ અને બેરોજગારીના દાવાના આંકડા જાહેર કરશે. ભારતનો સર્વિસિસ PMI ડેટા 6 જાન્યુઆરીએ જાહેર થશે
ગયા સપ્તાહની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર નબળા રૂખ સાથે ખુલ્યું હતું અને બેન્ચમાર્ક સૂચકાંકોએ સતત બે સેશન સુધી ઘટાડો નોંધાવ્યો હતો. જોકે, સપ્તાહના બીજા ભાગમાં બજારમાં તેજી આવી અને વચ્ચે એક દિવસનો વિરામ લઈને બાકીના સેશનમાં તેજી યથાવત જળવાઈ રહી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે 2 જાન્યુઆરી 2026ના રોજ નિફ્ટી 50એ નવો ઓલ-ટાઈમ હાઈ બનાવ્યો અને રેકોર્ડ ક્લોઝિંગ સ્તરે બંધ થયો હતો.
સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 720 પોઈન્ટ અથવા 0.85 ટકા વધીને 85,762.01 પર બંધ થયો હતો. બીજીતરફ નિફ્ટી 50 286.25 પોઈન્ટ અથવા 1.10 ટકા વધીને 26,328.55ના રેકોર્ડ ક્લોઝિંગ સ્તરે પહોંચ્યો હતા. 5 થી 9 જાન્યુઆરીની આવતી સપ્તાહમાં મહત્વના આર્થિક આંકડા અને કંપનીઓના પરિણામો રોકાણકારો અને વિશ્લેષકો નજીકથી નિરીક્ષણ કરશે.
નવા અઠવાડિયામાં ધ્યાનમાં રાખવા પાત્ર શેરબજાર સંકેતો
Q3ના પરિણામોની સીઝનની શરૂઆત થશે. ઓક્ટોબર–ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળાના (Q3 FY26) પરિણામો કંપનીઓ 5 જાન્યુઆરી 2026થી જાહેર કરવાનું શરૂ કરશે. ટાટા ગ્રુપની ટેલિકોમ સાધન ઉત્પાદક કંપની તેજસ નેટવર્ક્સ અને દારૂ ઉત્પાદક ગ્લોબસ સ્પિરિટ્સ જેવી મોટી કંપનીઓ 9 જાન્યુઆરીએ તેમના પરિણામ જાહેર કરશે. ઉપરાંત, પંજાબ નેશનલ બેંક, મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસિસ, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક અને CSB બેંક જેવી નાણાકીય સંસ્થાઓએ બજાર બંધ થયા બાદ તેમના Q3 બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે.
RBI લોન અને ડિપોઝિટ વૃદ્ધિના આંકડા
રોકાણકારો 26 ડિસેમ્બર 2025ના પૂર્ણ થયેલા પખવાડિયાના બેન્ક લોન અને ડિપોઝિટ વૃદ્ધિના આંકડાઓ પર પણ નજર રાખશે. આ આંકડાઓ આગામી સોમવારથી શુક્રવાર વચ્ચે જાહેર થવાની સંભાવના છે. સતત વિદેશી ફંડ આઉટફ્લો વચ્ચે ક્રેડિટ ડિમાન્ડ અને લિક્વિડિટી સ્થિતિ અંગે આ આંકડાઓ બજારની ચાલનો સંકેત આપશે.
અમેરિકાના મહત્વના આર્થિક આંકડા
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની સ્થિતિ અને ફેડરલ રિઝર્વના વ્યાજદરો અંગેની નીતિ સમજવા માટે અમેરિકા સપ્તાહ દરમિયાન અનેક મહત્વના આંકડા જાહેર કરશે. ISM દ્વારા 5 જાન્યુઆરીએ ડિસેમ્બર 2025 માટે મેન્યુફેક્ચરિંગ PMI અને 7 જાન્યુઆરીએ નોન-મેન્યુફેક્ચરિંગ PMI જાહેર કરવામાં આવશે. S&P ગ્લોબલ 6 જાન્યુઆરીએ કોમ્પોઝિટ PMI અને સર્વિસિસ PMI જાહેર કરશે. ADP 7 જાન્યુઆરીએ નોન-ફાર્મ એમ્પ્લોયમેન્ટ ડેટા અને 9 જાન્યુઆરીએ નોન-ફાર્મ પેરોલ ડેટા જાહેર કરશે. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ 8 જાન્યુઆરીએ પ્રારંભિક બેરોજગારી દાવાઓ જાહેર કરશે.
ભારતનો PMI ડેટા – ડિસેમ્બર 2025
S&P ગ્લોબલ 6 જાન્યુઆરીએ ભારતનો સર્વિસિસ PMI અને કોમ્પોઝિટ PMI જાહેર કરશે, જે દેશની કુલ આર્થિક ગતિ અંગે સંકેત આપશે. 2 જાન્યુઆરીએ જાહેર થયેલા મેન્યુફેક્ચરિંગ PMI મુજબ, ડિસેમ્બરમાં સૂચકાંક ઘટીને 55 થયો હતો, જે નવેમ્બરના 56.60ની સરખામણીએ બે વર્ષમાં સૌથી નબળું વિસ્તરણ દર્શાવે છે. ઉત્પાદન અને વેચાણમાં નરમાઈ, નિકાસ ઓર્ડરમાં ઘટાડો અને વ્યવસાયિક આશાવાદ ઓક્ટોબર 2022 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હોવાનું તેમાં દર્શાવાયું છે.
વેનેઝુએલાના વિસ્ફોટ
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તેલ ટેન્કરો મુદ્દે ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ તેલના ભાવ પર અસર પડી શકે છે. તાજા અહેવાલો મુજબ, 3 જાન્યુઆરી 2026ના રોજ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. અમેરિકાએ વેનેઝુએલાના શાસકનું અપહરણ કરી લીધું છે. અમેરિકાની નજર વેનેઝુએલાના 303 અબજ બેરલ ક્રૂડ ઓઈલના જથ્થા પર છે. અમેરિકાના દબાણમાં ભારતે પણ અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી કરવાની ફરજ પડશે.
અન્ય મહત્વના સંકેતો
રશિયા–યુક્રેન યુદ્ધ સંબંધિત ઘટનાઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શાંતિ કરાર માટેના પ્રયાસો પર પણ નજર રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર નજીક હોવાથી, કોઈ સકારાત્મક અપડેટ કે તેની ગેરહાજરી પણ મહત્વપૂર્ણ સાબિત થશે. તેની સાથે જ સતત વિદેશી ફંડ આઉટફ્લો અને વૈશ્વિક જોખમોને કારણે ડોલર સામે રૂપિયાની ચાલ પર પણ બજારની નજર રહેશે.



