• 16 January, 2026 - 1:33 AM

મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે DoPએ  બે સ્કીમ માટે દરખાસ્તો મંગાવી

અમદાવાદઃ દેશમાં સ્થાનિક મેડિકલ ડિવાઇસ ઉદ્યોને મદદરૂપ થવાના ઇરાદા સાથે અને તેની કામગીરીને મજબૂત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સે આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ક્લિનિકલ અભ્યાસોને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ અરજી કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 6 વાગ્યા સુધીની છે.

આ અરજીઓ “મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને મજબૂત બનાવવા માટેની યોજના” હેઠળની બે પેટા સ્કીમ માટે આમંત્રિત કરવામાં આવી છે. એક, આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટેની માર્જિનલ ઇન્વેસ્ટમેન્ટ યોજના છે અને બીજી  મેડિકલ ડિવાઇસ ક્લિનિકલ સ્ટડીઝ સપોર્ટ યોજના છે. આ યોજનાઓ મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને મહત્વના ક્ષેત્રોમાં ટેકો આપીને મજબૂત બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં મુખ્ય ઘટકો અને એસેસરીઝનું ઉત્પાદન, સ્કિલ ડેવલપમેન્ટ, ક્લિનિકલ અભ્યાસોને ટેકો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવો DoPની અધિકૃત પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી — લાઇફ સાયન્સિસ સેક્ટર સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LSSSDC)ને સબમિટ કરી શકાય છે.

મેડિકલ ડિવાઈઝમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટેની માર્જિનલ ઇન્વેસ્ટમેન્ટ યોજનાનો હેતુ મેડિકલ ડિવાઇસના ઉત્પાદન માટે જરૂરી મુખ્ય ઘટકો, કાચા માલ અને એસેસરીઝનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવાનો છે. તેમાં ઇન-વિટ્રો ડાયગ્નોસ્ટિક ડિવાઇસ પણ સામેલ છે. આ યોજના દ્વારા ભારતીય મેડિકલ ડિવાઇસ ઉત્પાદકોની આયાત પરની નિર્ભરતા ઘટાડીને ભારતની વેલ્યુ ચેઇનને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે.

મેડિકલ ડિવાઇસ ક્લિનિકલ સ્ટડીઝ સપોર્ટ યોજનાનો હેતુ ક્લિનિકલ પુરાવા આધારિત ડિવાઇસોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ ભારતમાં બનાવવામાં આવતા મેડિકલ ડિવાઇસની સલામતી અને અસરકારકતા દર્શાવતો ક્લિનિકલ ડેટા તૈયાર કરવામાં સહાય આપવામાં આવશે. પરિણામે ઉચ્ચ ગુણવત્તાવાળા, વધુ અસરકારક અને સુરક્ષિત ઉત્પાદનોના ઉત્પાદનને વેગ મળશે. તેની સાથેસાથે જ સ્થાનિક ઉત્પાદકોની વિશ્વસનીયતા વધશે અને તેમને વિદેશી બજારોમાં તેમના પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરવાની તક પણ મળશે.

કેન્દ્ર સરકારે “મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને મજબૂત બનાવવા માટેની તૈયાર કરેલી યોજનાનો અમલ આમ તો 8 નવેમ્બર 2024ના રોજ શરૂ કરી હતી. આ યોજના હેઠળ પાંચ પેટા યોજનાઓનો સમાવેશ થાય છે. પાંચ પેટા યોજનાઓમાં કેટલીક પહેલેથી ચાલી રહેલી યોજનાઓ પણ સામેલ છે. આ યોજનાનો કુલ ખર્ચ રૂ. 500 કરોડનો છે અને તેની અવધિ નાણાકીય વર્ષ 2024-25થી 2026-27 સુધી ત્રણ વર્ષની છે.

અન્ય ઉપયોજનાઓમાં “મેડિકલ ડિવાઇસ ક્લસ્ટર્સ માટે કોમન સુવિધાઓ”, “મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને સ્કિલ ડેવલપમેન્ટ” અને “મેડિકલ ડિવાઇસ પ્રમોશન યોજના”નો સમાવેશ થાય છે. મેડિકલ ડિવાઇસ ક્લસ્ટર્સ માટે કોમન સુવિધાઓ યોજનાનો હેતુ વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે. તેના અંતર્ગત મેડિકલ ડિવાઇસ ક્લસ્ટર્સને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. તેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવાનો, ક્લસ્ટરની ગુણવત્તા સુધારવાનો અને વધુ મેડિકલ ડિવાઇસ ટેસ્ટિંગ લેબોરેટરીઓ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમ કરવાથી ગુણવત્તાવાળા મેડિકલ ડિવાઇસનું ઉત્પાદન વધશે.

મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને સ્કિલ ડેવલપમેન્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને સંશોધનમાં રહેલી ખામીઓને દૂર કરવાનો છે. તેના માધ્યમથી ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, તાલીમ અને મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા વિકસાવીને ઝડપી નવીનતા ધરાવતા મલ્ટિડિસિપ્લિનરી ક્ષેત્ર માટે પ્રશિક્ષિત માનવ સંસાધન તૈયાર કરવાનો તેમજ R&D ઇકોસિસ્ટમ ઉભું કરવાનો ઉદ્દેશ પાર પાડવાનો છે.

મેડિકલ ડિવાઇસ પ્રમોશન યોજનાનો હેતુ ઉદ્યોગ નેતાઓ, અકાદમીના સ્તરે અને નીતિ નિર્માતાઓને એક મંચ પર લાવી જ્ઞાન અને અનુભવની આપ-લે કરીને ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ અભ્યાસો કરવી, જાગૃતિ કાર્યક્રમો યોજવા, ડેટાબેઝ તૈયાર કરવું અને ઉદ્યોગના પ્રચાર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવાનો ઉદ્દેશ છે.

Read Previous

નવા સપ્તાહમાં ભારતના શેરબજાર પર કોનો પ્રભાવ જોવા મળશે

Read Next

નિકાસ વધારવા માટે EPM–NIRYAT DISHA હેઠળ માર્કેટ એક્સેસ સપોર્ટ આપવાનું શરૂ કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular