• 15 January, 2026 - 10:32 PM

બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી જાય તે પછી વણવેચાયેલા ફ્લેટના મેઇન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની

અમદાવાદઃ બિલ્ડિંગ યુઝની પરમિશન મળી જાય ત્યારથી માંડીને વણવેચાયેલા ફ્લેટ્સના રનિંગ મેઈન્ટેનન્સ જમા કરાવવા બિલ્ડર કાયદેસર બંધાયેલો હોવાનો ચૂકાદો ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(Gujarat RERA)એ આપ્યો છે. મેઈન્ટેનન્સની આ રકમ ફ્લેટ અન્ય કોઈને વેચાય ત્યાં સુધી જમા કરાવવાની જવાબદારી બિલ્ડરની છે. અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં ટી.પી. નંબર ૧ના ફાઈનલ પ્લોટ નંબર ૨૭૯ની ૧૯૦૪૨ ચોરસ મીટર બિનખેતીની જમીનના પ્લોટ પર મૂકવામાં આવેલી કાસા વ્યોમા કો.ઓ.હા.સર્વિસ સોસાયટીની સ્કીમ(CASA Vyoma co.op. Hsg. Society)ના રહેવાસીઓએ રેરા કોર્ટમાં આ અંગે કરેલી ફરિયાદનો નવમી જાન્યુઆરીએ ચૂકાદો આપવામાં આવ્યો છે. સુમેધા સ્પેસલિન્ક્સ એલ.એલ.પી. સામે કેસ કરવામાં આવ્યો હતો.

વસ્ત્રાપુરની હાઉસિંગ સર્વિસ સોસાયટીની  બે, ત્રણ અને ચાર બી.એચ.કે.ની ૫૫૪ ફ્લેટની સ્કીમના કેસમાં ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રસ્તુત ચૂકાદો આપ્યો છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બી.યુ. પરમિશન મળી ગયા પછી વેચાયેલા ન હોય તેવા ફ્લેટ્સના રનિંગ મેઈન્ટેનન્સ(Runing Maintainance)ની રકમ ખુદ બિલ્ડરે જ જમા કરાવવાની રહે છે. વાપુરની સોસાયટીના સંચાલકોએ રેરામાં ફરિયાદ કરી હતી કે ડેવલપરે રનિંગ મેઈન્ટેનન્સના નાણાં જમા કરાવ્યા જ નથી. ડેવલપરે વણવેચાયેલા ફ્લેટના રનિંગ મેઈન્ટેનન્સના નાણાં સોસાયટીની ચૂકવ્યા જ નથી. પરિણામે ફ્લેટ ખરીદીને રહેવા આવી ગયેલા લોકોને માટે બિલ્ડિંગના મેઈન્ટનન્સ માટે વારે ખર્ચ કરવાનો બોજો આવી ગયો છે. બીજું, બિલ્ડરે મલ્ટી પર્પઝ હો, કોમન એરિયા માટે સોલાર વોટર હિટિંગ સિસ્ટ અને વિઝિટર્સ તથા ગેસ્ટ પાર્કિંગની સુવિધા આપી નથી.

તેની સામે બિલ્ડર-ડેવલપરે એવી દલીલ કરી હતી કે વણવેચાયેલા ફ્લેટના મેઈન્ટેનન્સની રકમ ચૂકવવા તે બંધાયેલા નથી. તેમ જ આ મુદ્દો રેરાના કાર્યક્ષેત્રમાં આવતો પણ નથી. મકાનમાં રહેનારાઓની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૯ની સાલમાં મકાન તૈયાર થઈ ગયું હતું અને તેને બિલ્ડિંગ યુઝની પરમિશન પણ આપી દેવામાં આવી હતી. આ સમયે વણવેચાયેલા ફ્લેટની માલિકી બિલ્ડરની જ રહે છે. બીજા ફ્લેટ માલિકોની માફક વણવેચાયેલા ફ્લેટનો માલિક બિલ્ડર જ રહે છે. તેથી સોસાયટીના મેઈન્ટેનન્સ માટે કરવા પડતા સામાન્ય ખર્ચમાં ફાળો આપવા બિલ્ડર બંાયેલો જ છે.

આ કેસમાં બિલ્ડરને વણવેચાયેલા ફ્લેટ્સના મેઈન્ટેનન્સના બાકી નાણાં ચૂકવી આપવા બિલ્ડરને ફરજ પાડવામાં આવી છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૧૬ની કલમ ૧૧(૪) (જી) અને કલમ ૧૭(૧) તથા ૧૭(૨)માં કરવામાં આવેલી જોગવાઈને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત ચૂકાદો આપ્યો છે. બિલ્ડર કે ડેવલપર વણવેચાયેલા ફ્લેટ પર મેઈન્ટેનન્સ આપવું જોઈએ.

અમદાવાદના અન્ય બિલ્ડરો સામે બીજી સામાન્ય ફરિયાદો

– અમદાવાદના બિલ્ડરો રનિંગ મેઈન્ટેનન્સનો હિસાબ આપતા નથી. તેમાંથી બચેલા નાણાં સોસાયટીને પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે.

– કાયમને માટે લેવાતી મેઈન્ટેનન્સ ડિપોઝિટ પર વ્યાજ ચૂકવવા તૈયાર નથી. તેમાંથી રાતી પાઈ પણ ખર્ચવાનો અધિકાર ન હોવા છતાં અલગ ખાતામાં તે રકમ રાખીને સોસાયટીનો ચાર્જ સોંપે ત્યારે તે પરત કરવામાં ગલ્લાતલ્લાં કરે છે.

– વિઝિટર્સ પાર્કિંગ વેચી દઈને સોસાયટીમાં આવનારા મહેમાનોના પાર્કિંગની સુવિધા રહેવા દેતા નથી. પાર્કિંગ વેચવાનો બિલ્ડરને આધિકાર ન હોવા છતાં પાર્કિંગ રોકડા નાણાં લઈને વેચી દે છે

– ફ્લેટ વેચતી વેળાએ કે ફ્લેટની જાહેરાતના બ્રોશરમાં દાવો કર્યા પ્રમાણેની સુવિધા પણ  આપતા જ ન હોવાની પણ ફરિયાદો છે.

– ખર્ચ બચાવવાની લાયમાં બાંધકામમાં કસર કરીને રહેવાસીઓ અને તેમના સંતાનોની સલામતી સામે જોખમ ઊભા થાય તેવા બાંધકામ કરે છે.

– સોસાયટીમાં સભ્ય ન હોય તેવા લોકો પાસે માત્ર રુ. ૨૦૦થી ૫૦૦નો શેરફાળો લઈને તેની રિસિપ્ટ આપીને સોસાયટીની કમિટીમાં લઈને તેમને નામે ખોટા વહેવારો ચઢાવી દે છે. પ્રોજેક્ટમાં તેમનો ફ્લેટ ન હોવા છતાં સભ્ય બનાવી બિલ્ડરો ગેરરીતિઓ કરી રહ્યા છે.

– કરોડો રૃપિયાના ખર્ચે ફ્લેટ ખરીદ્યા પછી પણ છ મહિનામાં દિવાલમાંથી ભેજ નીકળવાની અને કલર ખરાબ થવાની સમસ્યા નડે છે.

– રેરાના અધિકારીઓને ફોડીને પોતાની મરજીના ચૂકાદાઓ લાવવાના પ્રયાસ કરે છે.

Read Previous

અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી

Read Next

ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સને રૂ. 5 લાખનો ક્લેઈમ ચૂકવી આપવા કન્ઝ્યુમર ફોરમે ફરજ પાડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular