ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સને રૂ. 5 લાખનો ક્લેઈમ ચૂકવી આપવા કન્ઝ્યુમર ફોરમે ફરજ પાડી

દરદીએ જૂની બીમારી છુપાવી રાખી હોવાના વીમા કંપનીના દાવાને પણ કન્ઝ્યુમર ફોરમે રિજેક્ટ કરી દીધો
અમદાવાદઃ વીમાની પોલીસી ખરીદતા પહેલા જ દરદીને બીમારી હતી તે છુપાવી હોવાનું કારણ આગળ કરીને ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ વીમાનો ક્લેઈમ(Mediclaim) ફગાવી દેવાના કેસમાં અમદાવાદના કન્ઝ્યુમર ફોરમે ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ(Oriental insurance comapany) કંપનીને રૂ. 5 લાખનો વીમા ક્લેઈમ ચૂકવી આપવાની ફરજ પાડતો ચૂકાદો આપ્યો છે. ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ વ્યક્તિનો ક્લેઈમ રિજેક્ટ કર્યો હતો.
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે આ કેસ 2019માં હાથમા લીધો હતો. સીઈઆરસીએ વીમા કંપનીને નોટિસ આપી હોવા છતાંય તેમણે મચક આપી નહોતી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વન્ના મહાદેવિયા(Vanna and Anil Mahadevia) નામની અમદાવાદની વ્યક્તિએ મેડિક્લેઈમની પોલીસી લીધી હતી. વન્ના મહાદેવિયા પાસે ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સની જૂની પોલીસી હતી, તે જ પોલીસી ફરીથી રિન્યુ કરાવી હતી. ચોથી એપ્રિલ 2018થી ત્રીજી એપ્રિલ 2019ના સમયગાળા માટેની આ પોલીસી હતી.
પોલીસીના જ સમયગાળામાં એટલે કે ડિસેમ્બર 2018થી જાન્યુઆરી 2019ના ગાળામાં વન્ના મહાદેવિયાના પતિ અનિલ મહાદેવિયાને ત્રણવાર હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. ડિસેમ્બર 2018માં હૃદયના ધબકારા વધી જતાં અનુભવાયેલી અસ્વસ્થતાની સારવાર માટે અનિલ મહાદેવિયાને એડમિટ કરવામાં આવ્યા હતા.. ત્યારબાજ જાન્યુઆરી 2019માં તેમને ભારે કફ અને યુરોલોજિકલ પ્રોબ્લેમ માટે હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા.
ત્રણવાર હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને સારવાર લેવી પડી તે માટે કુલ રૂ. 5.65 લાખનો ખર્ચ કરવો પડ્યો હતો. છતાં ફરિયાદીએ રૂ. 5 લાખનો જ મેડિક્લેઈમ મૂક્યો હતો. પરંતું ત્રણેય સારવારના ખર્ચનો ક્લેઈમ ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સે રિજેક્ટ કરી દીધો હતો. અનિલ મહાદેવિયાને પહેલેથી જ હાયપર ટેન્શનની બીમારી હોવાનું અને આ બીમારી વીમા કંપનીથી છુપાવવામાં(Hiding sickness) આવી હોવાનું કારણ આપીને મેડિક્લેઈમ રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો.
અનિલ મહાદેવિયાના વકીલ શ્રીજીત પિલ્લાઈએ જણાવ્યું હતું કે અનિલ મહાદેવિયાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ત્યારે કોઈપણ હોસ્પિટલમાં તેમને હાયપર ટેન્શન હોવાની બાબત સંકળાયેલી નહોતી. તેમ જ તેમની નાદુરસ્ત તબિયત માટે હાયપર ટેન્શન જવાબદાર હોવાનો કોઈ જ ઉલ્લેખ તેમની સારવાર દરમિયાન કરવામાં આવ્યો નહોતો. અનિલ મહાદેવિયાને જે સારવાર આપવામાં આવી તે બીમારીને હાયપર ટેન્શન સાથે કોઈ જ સંબંધ નહોતો. તેમ જ હાયપર ટેન્શનની બીમારી અગાઉથી જ હતી અને તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની બાબત કોઈપણ રીતે પ્રસ્થાપિત થાય તેમ નથી.
આ કેસને સાંભળ્યા પછી કન્ઝ્યુમર ફોરમે અવલોકન કર્યુ હતું કે વીમા કંપની અનિલ મહાદેવિયાને પહેલેથી જ હાયપર ટેન્શનની બીમારી હોવાનું અને તેમણે તે બીમારી છુપાવી હોવાનું પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ છે. વીમા કંપનીના દાવાને ટેકો આપતા કોઈ પુરાવાઓ પણ રજૂ કરવામાં વીમા કંપની નિષ્ફળ ગઈ હતી. તેથી વીમા કંપનીને અનિલ મહાદેવિયાને રૂ. 5 લાખ ચૂકવી આપવાની વીમા કંપનીને ફરજ પાડતો ઓર્ડર કર્યો હતો. તેમને થયેલા માનસિક ત્રાસ માટે બીજા રૂ. 2000 ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.



