• 15 January, 2026 - 8:26 PM

સફળ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની હવે એક સફળ બિઝનેસમેન બન્યો

ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ બહુ જ ટૂંકા ગાળામાં તેના બિઝનેસનું રૂ. 1000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું

ક્રિકેટર તરીકે અદભૂત કેરિયર બનાવનાર એમ.એસ. ધોનીનો બિઝનેસના સેક્ટરમાં મોટી સફળતા હાંસલ કરી રહ્યો છે. એમ.એસ. ધોનીનો આ એક એવો ચહેરો છે જે બહુ ઓછા લોકોને જોવા મળે છે. ભારત માટે ક્રિકેટના વર્લ્ડ ચેમ્પિયનશીપની ટ્રોફી ઉઠાવનાર માણસ બિઝનેસ મિટિંગ્સમાં પણ એટલો જ શાંત હોય છે, જેટલો શાંત મેચના રિઝલ્ટને હાર કે જીતમાં ફેરવવા સમર્થ છેલ્લી ઓવર રમતી વખતે હતો. કોઈ બૂમાબૂમ નહિ, કોઈ જ ઉતાવળ નહિ, કોઈ દેખાડો નહિ. ધીમે ધીમે તેણે રૂ. 1,000 કરોડથી વધુનું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરી લીધું છે. બિઝનેસ મેન તરીકેની આ સફર પણ બિલકુલ “ધોની સ્ટાઈલ”માં જ શરૂ થઈ છે. દૂરંદેશી સાથે નિર્ણય લેવો, યોગ્ય લોકો પર વિશ્વાસ મૂકવો અને ખોટા નિર્ણયોમાંથી પણ શીખવાની ક્ષમતા કેળવવાની માનસિકતા સાથેની મહેન્દ્રસિંહ ધોનીની બિઝનેસમેન તરીકેની સફળતાની આ સફર છે. પ્રામાણિકતા તેના દરેક બિઝનેસનો પાયો છે.

ચેન્નઈમાં ‘ધોની ધ બિલ્ડર’ તરીકેનો આરંભ

ચેન્નઈ સાથે ધોનીનું જોડાણ માત્ર ક્રિકેટ પૂરતું નથી. ઇન્ડિયન સુપર લીગ શરૂ થઈ ત્યારે તેણે મોટા શહેરોની ચમક ન જોઈ. તેણે ચેન્નઈયિન એફસીને પસંદ કર્યું, કારણ કે ચેન્નઈ શહેર તેને ઘર જેવું લાગતું હતું. ફૂટબોલર અનિરુદ્ધ થાપા મહેન્દ્રસિંહ ધોનીની ખાસિયતને યાદ કરતાં કહે છે કે ધોની ખેલાડીઓ સાથે જ બેસતો હતો. તે VIP ટેબલ પર નહોતો બેસતો. મહેન્દ્રસિંહ ધોની પહેલા  વિશ્વાસ બાંધે છે. આમ પહેલા માણસની અને ત્યારબાદ પૈસાની બાબતમાં ઊંડો ઉતરે છે.

₹32 કરોડની બિરયાની કહાની

House of Biryani નામની નાની કંપનીએ “મેરિ વાલી બિરયાની” નો વિચાર રજૂ કર્યો. ગ્રાહક પોતે પોતાની બિરયાની બનાવે. ધોનીને વિચાર ગમ્યો અને તેણે રૂ. 32 કરોડ રોકી દીધા. આજે તેમની એક બિરયાની જ કંપનીની કુલ આવકમાંથી 70 ટકા આવક લાવે છે. કુલ બાવીસ કિચન અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ સાથે કંપની EBITDA પોઝિટિવ છે. 2024માં Swiggy પર 8.3 કરોડ બિરયાની ઓર્ડર થયા હતા. આમ મેરીવાલી બિરિયાનીને સબકી બિરિયાની બનાવતા પહેલા જ મહેન્દ્રસિંહ ધોનીએ બજારની રૂખ પહેલા જોઈ લીધી હતી. હવે મેરી વાલી બિરિયાનીને મહેન્દ્રસિંહ ધોની દુબઈ, જાપાન અને બ્રિટનમાં લઈ જવાનું આયોજન કરી રહ્યો છે. તેમ જ પાંચ જ મિનિટમાં બિરિયાની તૈયાર થઈ જશે જેવા કિયોસ્ક લગાડવાનું આયોજન કરી રહ્યો છે. આમ બીજાને કદાચ જેમાં બિઝનેસ નથી દેખાતો તેમાં મહેન્દ્રસિંહ ધોનીને બિઝનેસની મજબૂત તક જોવા મળે છે. બજાર કઇ વસ્તુનું ભૂખ્યું છે તેની મહેન્દ્રસિંહ ધોનીને ખબર છે.

ડ્રોન કંપનીમાં શાંતિથી ઊભેલો ધોની

Garuda Aerospace નામની ડ્રોન કંપનીમાં ધોનીએ રોકાણ કર્યું છે. ગરુડા એરોસ્પેસ ડ્રોન બનાવતી નવી જ કંપની છે. કંપની ખેતી માટેના ઉપકરણો, ડિફેન્સના મશીનો અને ઔદ્યોગિક હેતુઓ માટેના ડ્રોન પણ બનાવે છે. કંપનીએ મહેન્દ્રસિંહ ધોનીને તેમનું કામ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્લાન્ટમાં ધોનીએ ખાસ્સો સમય વીતાવ્યો હતો. જુદાં જુદાં પૂરજાઓ કેવી રીતે બનાવવામાં આ રહ્યા છે તેની સમજણ મેળવી હતી. આ બધું જ કોઈપણ વાતચીત કર્યા વિના જોયે રાખ્યું હતું. એક વર્ષ બાદ ધોની તેની બ્રાન્ડ ઇમેજ બનાવનાર બ્રાન્ડ બિલ્ડર બની ગયો અને તેમાં રૂ. 5 કરોડનું રોકાણ પણ કર્યું હતું. ગરુડા એરોસ્પેસે તાજેતરમાં જ રૂ. 100  કરોડ એકત્રિત કર્યા છે. તેનો ઉપયોગ કરીને નવું વિસ્તરણ કરવા માગે છે. મહેન્દ્રસિંહ ધોનીની ઉપસ્થિતિએ તેમના બિઝનેસને વધુ વેગ આપ્યો છે. આ ગતિ માર્કેટિંગ પાછળ નાણાં ખર્ચવાથી પણ આવી શકતી નથી

આમ ધોની જુદાં જુદાં બિઝનેસ સેક્ટરમાં રોકાણ કર્યા કરે છે. તેમ જ તેની આવકને વધારીને તેના બિઝનેસના સામ્રાજ્યનું ફલક વિસ્તારી રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીનું રોકાણ પોર્ટફોલિયો ખાસ્સો મોટો છે. તેના પોર્ટફોલિયો અને રોકાણમાં CARS24, Khatabook, EMotorad, Tagda Raho, 7InkBrews, Seven બ્રાન્ડ, Ranchi હોટલનો સમાવેશ થાય છે.  તદુપરાંત મહેન્દ્રસિંહ ધોની Ranchiમાં ખેતીની જમીન, Ranchi Rays (હોકી), Mahi Racing તથા Chennaiyin FCમાં રોકાણ કરી ચૂક્યો છે. હા, બિઝનેસમાં ચઢાવ ઉતાર આવે તેની પણ સમજ મહેન્દ્રિસિંહ ધોની ધરાવે છે. તેથી જ Blusmartના નામથી ચાલુ કરેલી EV ટેક્સી કંપનીમાં કરેલા રોકાણથી નુકસાન થયું, છતાં ધોનીએ ખોટ સ્વીકારી લીધી. આમ બિઝનેસના ચઢાવઉતારને કે સફળતા નિષ્ફળતાને સ્વીકારી લેવો તે પણ તેના સ્વભાવનો ભાગ જ બની ગયો છે.

મહેન્દ્રસિંહ ધોની ઝાકઝમાળથી અંજાતો નથી. તેથી ઝગારા મારતા સ્ટાર્ટઅપ્સમાં જોડાઈ જવાની અધીરાઈ તેનામાં નથી. વ્યવહારુ લાગે તેવા સાહસોમાં સાથીદાર કે ભાગીદાર બનવાનું પસંદ કરે છે. કોઈપણ બાબતમા હા પાડતા પહેલા ધોની પૂરો વિચાર કરી લે છે. કોઈ જાણીતી વ્યક્તિએ તેમાં રોકાણ કર્યું તેથી તેનો ટ્રેન્ડ હોવાનું માનીને મહેન્દ્રસિંહ ધોની રોકાણ કરતો નથી. ધોની પોતે રાહ જુવે છે. તે કોઈપણ સાહસ કરતાં પહેલા પાયાના સવાલ કરે છે. કંપનીના પ્રમોટર્સને પણ તેની વાત અચંબામાં મૂકી દે છે. કંપનીની ટેકનિકલ બાબત પર પૂછપરછ કરશે તેવી અપેક્ષા વચ્ચે મહેન્દ્રસિંહ ધોની પાયાના સવાલ પૂછે છે.

મહેન્દ્રસિંહ ધોની સેલીબ્રિટી હોવાથી તે સફળ થયો છે તેવું નથી જ નથી. સંખ્યાબંધ સેલીબ્રિટીઓ પૈસા વેરીને પ્રભાવ પાથરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ધોની જુદી માટીનો માનવી છે. તે બિઝનેસ હાઉસમાં જઈને તેની સાથે સંકળાયેલા લોકોને જ પહેલા સમજવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેમના એકમના કામદારોને મળીને વાત કરે છે. માત્ર સીઈઓને મળીને આ જતો નથી. દરેક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. તેમની પાસેથી મળતા નવા આઈડિયાનો વિચાર કરે છે. પછી જ પૈસા રોકવાનો નિર્ણય લે છે. તેને બહુ જ ઝડપથી કમાણી કરી આપતા ધંધા પાછળ દોટ મૂકવામાં જરાય રસ નથી. આ જ બતાવે છે કે તેનામાં ધીરજ છે. મહેન્દ્રસિંહ ધોનીની આ જ ધીરજ તેના બિઝનેસના સામ્રાજ્યને પણ સંગીન બનાવી રહી છે.

પત્ની સાક્ષીની કુશળતાથી ખોટા ખર્ચ પર કાપ

મહેન્દ્રસિંહ ધોનીના રોકાણોના આંકડા તેની પત્ની સાક્ષી ચકાસે છે. તેમાં બિનજરૂરી ખર્ચાઓને દૂર કરે છે અને નિર્ણયો સંતુલિત રાખે છે. એક સમયે એક જ બાબત કે બિઝનેસ પર ફોકસ કરીને પછી જ નિર્ણય લે છે. બહુ જ તાતી જરૂરિયાત ન ઊભી થાય ત્યાં સુધી તેમાં કોઈ મોટા ફેરફાર પણ મહેન્દ્રસિંહ ધોની કરતો નથી. રાંચીના નાનકડા રેલવે ક્વાર્ટરમાંથી શરૂ થયેલી સફર આજે ₹1,000 કરોડના બિઝનેસ સામ્રાજ્યમાં પરિણમી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આ સફરમાં  દેખાડો કર્યો નથી. હા, માત્ર ને માત્ર શાંતિ, ધીરજ અને વિશ્વાસની જાળવી રાખ્યો છે.

 

Read Previous

ક્રિકેટર અનિલ કુંબલેની કંપનીએ કોમ્પ્યુટર સેન્સર સાથેનું બેટ વિકસાવ્યું

Read Next

સોના-ચાંદીની તેજી કેટલી ટકશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular