GST રિટર્નમાં થયેલી સચ્ચાઈભરી અને અનિચ્છિત ભૂલો સુધારવાની છૂટ આપેઃ હાઈકોર્ટ
બોનાફાઈડ ભૂલને કારણે સરકારને કોઈ આવકનું નુકસાન ન થતું હોય, ત્યાં ભૂલ સુધારવાની મંજૂરી આપવી જ જોઈએ : ગુજરાત હાઇકોર્ટ
આ કેસમાં અરજદારો મોટર વાહનોના ખરીદનારાઓ હતા. તેમણે વેચનાર દ્વારા યોગ્ય રીતે જારી કરાયેલા ટેક્સ ઇનવોઇસના આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ની માગણી મૂકી હતી. ત્યારબાદ વેચનારએ સેલ્સ સ્કીમ હેઠળ પોસ્ટ-સેલ ડિસ્કાઉન્ટ માટે અરજદારોને ક્રેડિટ નોટ્સ જારી કરી હતી. તેના અનુસંધાનેમાં અરજદારોએ વેચનારને સમાન રકમની ડેબિટ નોટ્સ જારી કરી હતી. આ ડેબિટ નોટ્સ પર લાગતી GST જવાબદારી GSTR-1 અને GSTR-3B રિટર્નમાં દર્શાવીને ચૂકવી દીધી હતી. હકીકતમાં, અરજદારોએ ડિસ્કાઉન્ટ સંબંધિત ITC અસરકારક રીતે રિવર્સ કરી હતી. પરંતુ GST પોર્ટલ પર ક્રેડિટ નોટ મૅચિંગ દ્વારા ITC ઘટાડવા બદલે ડેબિટ નોટ પર ટેક્સ ચૂકવવાનો માર્ગ અપનાવ્યો હતો.
પરંતુ GST પોર્ટલની ટેક્નિકલ ડિઝાઇનને કારણે ખરીદનારાઓ દ્વારા જારી કરવામાં આવેલી ડેબિટ નોટ્સ auto-matching મિકેનિઝમમાં ગણવામાં આવતી ન હોવાથી Form GSTR-2Aમાં mismatch થયો હતો અને જીએસટીની કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ઇન્સ્પેક્શન દરમિયાન અધિકારીઓએ અરજદારોને કથિત રીતે દબાણ કરી રૂ.10,99,06,850 જેટલી ITC રિવર્સ કરવા જણાવ્યું હતું. તેમ જ Form DRC-03 ફાઇલ કરાવ્યું હતું. ત્યારબાદ, 06-10-2023ના રોજ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી, હતી. આ નોટિસમાં રૂ. 34,26,33,614ની ITC રિવર્સ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. તેની સાથે-સાથે અરજદારો દ્વારા ચૂકવવામાં આવેલા રૂ. 42,75,68,473/- આઉટપુટ ટેક્સને appropriation કરવાની પણ દરખાસ્ત આપવામાં આવી હતી. આ દરખાસ્ત પ્રસ્તાવિત ITC રિવર્સલ કરતાં વધારેની હતી. છતાં પણ, 26-12-2023ના રોજ એડિશનલ કમિશનરે appropriation નામંજૂર કરી અને કહ્યું કે અરજદારોને ડેબિટ નોટ્સ પર ચૂકવેલ ટેક્સની રિફંડ માંગવી જોઇતી હતી.
આ નિર્ણયથી નારાજ થઈને અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી અને રિફંડ-re-credit તથા GST રિટર્ન સુધારવાની મંજૂરી માગી હતી. તેમનો દાવો હતો કે આખી પરિસ્થિતિ revenue-neutral છે અને માત્ર અનિચ્છિત તથા સચ્ચાઈભરી ભૂલના કારણે ઊભી થઈ છે.
શું GST અધિકારીઓ માત્ર GST પોર્ટલની ટેક્નિકલ મર્યાદાઓ અને કાયદામાં નિર્ધારિત સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાના આધારે, bona fide અને revenue-neutral ભૂલ હોવા છતાં GSTR-1 અને GSTR-3Bમાં સુધારો કરવાની મંજૂરી ન આપવી જોઈએ? બીજો સવાલ એ છે કે ITC રિવર્સલની માંગ કાયદેસર ગણાય?
ગુજરાત હાઇકોર્ટના ચૂકાદામાં જણાવવામાં આવ્યું છે કે CGST–SGST એક્ટની કલમ 37, 38 અને 39નું હેતુલક્ષી અને વ્યાવહારિક અર્થઘટન કરવું જરૂરી છે. માત્ર GST પોર્ટલની પ્રક્રિયાત્મક અથવા ટેક્નિકલ મર્યાદાઓના કારણે, ભૂલ સુધારવાની કાયદાકીય જોગવાઇઓને પ્રભાવહીન બનાવી શકાય નહીં. તેમાંય ખાસ કરીને ભૂલ bona fide અને અનિચ્છિત હોય કે પછી કોઈ ફ્રોડ કે અયોગ્ય લાભનો આરોપ ન હોય અને સરકારને કોઈ આવકનું નુકસાન ન થતું હોય તો ભૂલ સુધારી લેવાની તક આપવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે બોમ્બે હાઇકોર્ટના Star Engineers (I) Pvt. Ltd. અને *Aberdare Technologies Pvt. Ltd.*ના ચુકાદાઓને ધ્યાનમાં લઈને આ ચૂકાદો આપ્યો છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે GST પોર્ટલની ટેક્નિકલ ખામીઓ substantive justice પર હાવી ન થવી જોઈએ. કલમ 37(3) અને 39(9)ના provisosને એટલા કડક રીતે સમજાવી શકાય નહીં કે કાયદાની ભાવનાનો નાશ થઈ જાય. આ કેસમાં અરજદારો દ્વારા ચૂકવવામાં આવેલા આઉટપુટ ટેક્સને રિવર્સ કરવાના કહેવાતા ITC કરતાં વધારે હતો. તેથી વિભાગની કાનૂની વ્યાખ્યા માન્ય રાખવામાં આવે તો પણ સ્થિતિ સંપૂર્ણપણે revenue-neutral હતી. વિભાગ પણ એ સાબિત કરી શક્યું નહીં કે સુધારો કરવાની મંજૂરીથી સરકારને કોઈ નુકસાન થશે.
અંતે ગુજરાત કોર્ટે જવાબદાર અધિકારીઓને આદેશ આપ્યો કે GST પોર્ટલ ખોલી અરજદારોને GSTR-1 અને GSTR-3B સુધારો કરવાની તક નિર્ધારિત સમયમર્યાદામાં આપવામાં આવવી જોઈએ. તેના વિકલ્પરૂપે અરજદારોને મેન્યુઅલ રેક્ટિફિકેશન અરજી કરવાની છૂટ પણ આપવામાં આવવી જોઈએ. આમ કાયદા મુજબ પ્રક્રિયા કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો. પરિણામે, શો-કોઝ નોટિસ ટકી રહી શકી નહીં. હાઇકોર્ટે રિટ અરજીઓ મંજૂર કરી અને પડકારાયેલ આદેશ કાયદેસર ન હોવાનું ઠરાવ્યું હતું.




