ખાંડ ઉદ્યોગે બાયોફ્યુઅલ્સ પર GSTમાં રાહત આપવાની માગણી કરી

ગુજરાત અને ભારતની સુગર મિલોનું ચાલુ સીઝનમાં ખાંડનું ઉત્પાદન 22 ટકા વધી ગયુ,
ગ્રીન બાયો-હાઇડ્રોજન, કમપ્રેસ્ડ બાયોગેસ (CBG) અને ડીઝલ સાથે આઇસોબ્યુટાનોલ બ્લેન્ડિંગ જેવા એડવાન્સ બાયોફ્યુઅલ્સ માટે નિશ્ચિત નાણાકીય સહાયની માગણી પણ કરી છે.
અમદાવાદઃ ચાલુ સીઝનમાં ખાંડના ઉત્પાદનમાં 22 ટકા સુધીનો વધારો નોંધાતા ખાંડ ઉદ્યોગે બાયોફ્યુઅલ્સ પર GSTમાં રાહત આપવા માટે સરકારને વિનંતી કરી છે. તેની સાથે જ ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાએ સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF), ગ્રીન બાયો-હાઇડ્રોજન, કમપ્રેસ્ડ બાયોગેસ (CBG) અને ડીઝલ સાથે આઇસોબ્યુટાનોલ બ્લેન્ડિંગ જેવા એડવાન્સ બાયોફ્યુઅલ્સ માટે નિશ્ચિત નાણાકીય સહાયની માગણી પણ કરી છે.
ખાંડ મિલોને ઇથેનોલ, ગેસ, હાઇડ્રોજન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન કરતા સંકલિત બાયો-એનર્જી હબમાં પરિવર્તિત કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. 15 જાન્યુઆરી, 2026 સુધીમાં દેશભરમાં ખાંડનું ઉત્પાદન 159.09 લાખ ટન સુધી પહોંચ્યું છે. આ ઉત્પાદન ગયા વર્ષના સમાન સમયગાળાના ઉત્પાદન 130.44 લાખ ટનની તુલનામાં લગભગ 22 ટકા વધારે છે. આ સાથે, કાર્યરત ખાંડ મિલોની સંખ્યા પણ વધીને 518 થઈ ગઈ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 500 હતી. આ આંકડા મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં સ્થિર ક્રશિંગ પ્રગતિ દર્શાવે છે.
મહારાષ્ટ્ર સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય બની રહ્યું છે. મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 64.50 લાખ ટન નોંધાયું છે. જે વર્ષ-દર-વર્ષ 51 ટકાનો વધારો દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન 46.05 લાખ ટન થયું છે, જે ગયા વર્ષ કરતા લગભગ 8 ટકા વધુ છે, જ્યારે કર્ણાટકમાં આ સીઝનમાં ખાંડના ઉત્પાદનમાં અત્યાર સુધી 13 ટકાનો વધારો નોંધાયો છે.
મજબૂત ઉત્પાદન હોવા છતાં, ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) એ ચેતવણી આપી છે કે ખાંડ મિલોની નાણાકીય સ્થિતિ પર વધતું દબાણ છે. અનેક રાજ્ય સરકારો દ્વારા શેરડીના ભાવમાં કરવામાં આવેલા વધારાને કારણે ઉત્પાદન ખર્ચ અને ખાંડના વેચાણ ભાવ વચ્ચેનું અંતર વધ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં એક્સ-મિલ ખાંડના ભાવ લગભગ ₹3,550 પ્રતિ ક્વિન્ટલ સુધી ઘટી ગયા છે, જે વર્તમાન ઉત્પાદન ખર્ચથી ઘણી નીચે છે. જથ્થો વધતા જતા, સમયસર શેરડી ચૂકવણીમાં બાકીદારી વધવાની ચિંતા ઉદ્યોગને છે.
આ સંદર્ભમાં ISMA એ ખાંડના મિનિમમ સેલિંગ પ્રાઇસ (MSP)માં વહેલી તકે સુધારાની માગણી ફરીથી કરી છે. ઇસ્માનું કહેવું છે કે ખર્ચ સાથે સંકળાયેલ MSP ખાંડ ઉદ્યોગની નાણાકીય સ્થિરતા, ખેડૂતોને સમયસર ચૂકવણી અને બજાર સ્થિરતા માટે અનિવાર્ય છે — તે પણ સરકારના ખજાનાં પર વધારાનો ભાર નાખ્યા વિના.
તાત્કાલિક બજાર સમસ્યાઓ ઉપરાંત ISMAએ આગામી કેન્દ્રિય બજેટ 2026–27માં લાંબા ગાળાના માળખાગત સુધારાઓની માગણી કરી રહી છે. તેમાં બાયોફ્યુઅલ્સ અને ક્લીન મોબિલિટી ક્ષેત્રમાં વ્યાપક GST યુક્તિકરણ, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો, સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો, E85 અને E100 જેવા ઉચ્ચ ઇથેનોલ બ્લેન્ડ્સ, ઇથેનોલ ઉત્પાદન મશીનરી અને ઇથેનોલ આધારિત રસોડાના ચુલાઓઓ પરના GSTમાં નોંધપાત્ર ઘટાડા કરવાની માગણીનો સમાવેશ થાય છે.
ISMA નું માનવું છે કે ભારતમાં વધારાની ઇથેનોલ ક્ષમતા, વિકસિત ઉત્પાદન માળખું અને પ્રમાણિત ટેકનોલોજી ઉપલબ્ધ હોવાને કારણે બાયોફ્યુઅલ્સ ઉત્સર્જન ઘટાડવા, ઇંધણ આયાતમાં ઘટાડો કરવા અને ગ્રામ્ય આવકને સ્થિર રાખવા માટે તાત્કાલિક અસરકારક વિકલ્પ પૂરો પાડે છે. બજેટ 2026–27 નજીક આવતા ખાંડ ઉદ્યોગ સરકાર પાસેથી ટૂંકા ગાળાની રાહત અને લાંબા ગાળાની ક્લીન એનર્જી નીતિ વચ્ચે સંતુલન સાધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરિણામે મજબૂત ઉત્પાદન સીઝન નાણાકીય તણાવ વધતા બગડી ન જાય તે જોવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં કેવી સ્થિતિ છે
ગુજરાતમાં રોજનું 90 કરોડ લિટર બાયોફ્યુઅલ પેદા કરવામાં આવે છે. ગુજરાતની 14 સુગર મિલો અને ડિસ્ટીલરીઓ ઇથેનોલનું ઉત્પાદન કરવાની મંજૂરી છે. આ મિલો ઇથેનોલનું ઉત્પાદન કરવા તરફ આગળ વધી રહી છે.આ તમામ મિલો ઉત્પાદન ચાલુ કરી દેશે તો રોજનું 28 લાખ કિલોલિટર બાયોફ્યુઅલનું રોજનું ઉત્પાદન વધશે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ નર્મદા સુગર કોઓપરેટીવના સહયોગમાં રોજના 50,000 લિટર બાયોફ્યુઅલ પેદા કરવાનો પ્લાન્ટ નાખવાનું આયોજન કરી રહી છે. ગુજરાતની ડેરી કોઓપરેટીવ્સ રોજના 30 સીબીજીનો બાયોફ્યુઅલનો પ્લાન્ટ નાખવાનું આયોજન કરી રહી છે. અત્યારે બાયોફ્યુઅલનું ઉત્પાદન કરી રહેલા એકમોને લિટરદીઠ રૂ. 50થી રૂ.70ના ભાવ મળે છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ હેઠળ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાની છૂટ આપી દેવામાં આવી હોવાથી તેની ડિમાન્ડ સ્થિર છે.



