અસમાન વરસાદને કારણે બેન્કોના કૃષિ ધિરાણમાં સતત થઈ રહેલો ઘટાડો

કૃષિ ધિરાણમાં થઈ રહેલો ઘટાડો, ભારતના અર્થતંત્ર માટે ચિંતાજનક
અસમાન વરસાદ અને દુષ્કાળના જોખમને કારણે બેન્કોએ ગ્રામીણ ધિરાણમાં જોખમ ઘટાડવાની નીતિ અપનાવી છે.
બેન્કો અને નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) દ્વારા રૂરલ એક્સપોઝર અને અનિયમિત હવામાન અંગે વધતી ચિંતાઓને પગલે કૃષિ તથા ગ્રામીણ લોન પોર્ટફોલિયોમાં ધીમી ગતિ અપનાવવામાં આવી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર 2026)ના જાહેર થયેલા નાણાકીય પરિણામો અનુસાર, દેશની મુખ્ય ખાનગી ક્ષેત્રની બેન્કો અને નાણાકીય સંસ્થાઓના કુલ ધીરાણમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
ખાનગી ક્ષેત્રની આરબીએલ બેન્ક ના કૃષિ ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૨ ટકા (11.87 ટકાનો) નો મોટો ઘટાડો નોંધાયો છે. કૃષિ ક્ષેત્રમાં તેનું ધિરાણ રૂ. ૧,૫૪૯ કરોડથી ઘટીને રૂ. ૧,૩૬૭ કરોડ થયું છે. આ જ રીતે ફેડરલ બેન્કના કૃષિ ધિરાણમાં 2.95 ટકાનો ઘટાડો નોંધાયો છે. રૂપિયાના મૂલ્યમાં આ ઘટાડો રૂ. 245 કરોડનો છે. બીજા શબ્દોાં કહીએ તો કૃષિ ક્ષેત્રનું ફેડરલબેન્કનું ધિરાણ રૂ. ૮,૩૧૦ કરોડથી ઘટીને રૂ. ૮,૦૬૫ કરોડ થયું છે. ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેન્કની કૃષિ લોનમાં માત્ર ૧.૭ ટકાનો મામૂલી વધારો જ જોવા મળ્યો છે. અસમાન વરસાદ અને દુષ્કાળના જોખમને કારણે બેન્કોએ ગ્રામીણ ધિરાણમાં જોખમ ઘટાડવાની નીતિ અપનાવી છે.
ગુજરાતના જુદાં જુદાં પ્રદેશોની સ્થિતિ
રાજ્યના હવામાન કેન્દ્ર (IMD અમદાવાદ) અને SEOC ના આંકડા અનુસાર ગુજરાતના વિવિધ ઝોનવાર વરસાદની સ્થિતિની વાત કરીએ તોગ ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં સરેરાશ 12થી 15 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 95 ટકાથી 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને નર્મદા જેવા જિલ્લાઓમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહ્યો છે.
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશ: કચ્છ ઝોનમાં શરૂઆતમાં વરસાદ ઓછો હતો પરંતુ પાછળથી રાઉન્ડમાં સારો વરસાદ થતાં સરેરાશ 85% થી 90 ટકાની આસપાસ પહોંચ્યો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદ મિશ્ર રહ્યો છે. એકંદરે ઝોનલ સરેરાશ 80% થી 85 ટકા સુધી રહી છે. પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા અમુક દરિયાકાંઠાના જિલ્લાઓમાં મોસમ દરમિયાન અંદાજે 50 ટકાથી 60 ટકા સુધીની તીવ્ર વરસાદી ઘટ જોવા મળી હતી.
ઉત્તર-મધ્ય ગુજરાત: વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં સરેરાશ 80 ટકાથી 85 ટકા જેટલો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં આ વર્ષે સૌથી વધુ વરસાદી ઘટ નોંધાઈ છે. અહીં સરેરાશ 70 ટકા થી 75 ટકાની આસપાસ જ વરસાદ પડ્યો છે, જેથી આ વિસ્તારમાં વરસાદની ક્ષતિ વધુ જોવા મળી છે.
પાક પર પડનારી ક્ષેત્રીય અસરો
કૃષિ મંત્રાલય અને આઈસીએઆર (ICAR) ના કૃષિ વિજ્ઞાનીઓના વિશ્લેષણ મુજબ, 12 ટકા જેટલી સરેરાશ ઘટ અને અસમાન વરસાદને કારણએ ગુજરાતમાં ખરીફ વાવેતરના ક્ષેત્રફળમાં અંદાજે 1.05 ટકાનો ઘટાડો નોંધાયો હતો, કારણ કે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં શરૂઆતના તબક્કે સમયસર વરસાદ પડ્યો ન હતો.
મગફળી અને કપાસના ઉત્પાદન પર અસર: સૌરાષ્ટ્રના પોરબંદર અને જામનગર પટ્ટામાં ચોમાસા દરમિયાન લાંબા વિરામને કારણે મગફળી અને કપાસના એકર દીઠ ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ છે.
ભૂગર્ભ જળ અને રવી પાક (શિયાળુ વાવેતર): ઉત્તર ગુજરાત અને અંશતઃ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો હોવાથી ભૂગર્ભ જળના સ્તર ઊંડા ગયા છે. જોકે, સરદાર સરોવર ડૅમમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ હોવાથી કેનાલ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને રવિ પાક (ઘઉં, રાયડો, ચણા) માટે સિંચાઈનું પાણી મળી રહેશે. પરંતુ નોન-કમાન્ડ વિસ્તારના ખેડૂતોને રવી સીઝનમાં સિંચાઈ માટે મુશ્કેલી પડી શકે છે.
બેન્કોના કૃષિ ધિરાણમાં ઘટાડાના મુખ્ય કારણો
એલ નિનો અને અસમાન વરસાદનું જોખમ: વર્ષ ૨૦૨૬ માં ‘સુપર એલ નિનો’ ની તીવ્ર અસર જોવા મળી છે, જે ૧૦ થી ૧૫ વર્ષમાં એકવાર આવતી ગંભીર આબોહવાકીય સ્થિતિ છે. ભારતમાં સરેરાશ વરસાદમાં અંદાજે ૧૨.૬ ટકાની ઘટ નોંધાવાને કારણે ખેતીના પાક અને ખેડૂતોની પુનઃચુકવણી ક્ષમતા પર જોખમ ઊભું થયું છે. બીજું, મહારાષ્ટ્ર સરકારે ૩૦૫ સબ-ડિસ્ટ્રિક્ટમાં દુષ્કાળ જાહેર કર્યો છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદની ભારે અછત રહી છે. જે બેન્કોનું કન્સન્ટ્રેશન આ પ્રદેશોમાં વધુ હતું તેમના ધિરાણ પોર્ટફોલિયો પર સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી છે.
બેન્ક મેનેજમેન્ટનું સાવચેતીભર્યું વલણ: કૃષિ ક્ષેત્રમાં લોન આપવા માટે સામેથી એક્સિલરેટર દાબ્યું નથી. એલ નિનોની અસર, ભૌગોલિક-રાજકીય તણાવ, વ્યાજદરો અને ફુગાવાની પરિસ્થિતિને કારણે ધિરાણ ઘટી રહ્યું છે. જુલાઈ અને ઓગસ્ટમાં ચોમાસા અંગે અનિશ્ચિતતા હોવાથી અમે ગ્રામીણ લોન વિતરણ ધીમું કરવાનો બેન્કોએ નિર્ણય લીધો હતો. એક્સિસ બેન્કે વાર્ષિક ધોરણે ૨૦ ટકા અને HDFC બેન્કે ૬.૫ ટકાનો વાર્ષિક લોન ગ્રોથ દર્શાવ્યો હોવા છતાં, તેમની કુલ લોન બુકમાં કૃષિ ધિરાણનો ટકાવારી હિસ્સો ઘટ્યો છે. એક્સિસ બેન્કનો હિસ્સો ૯.૩ ટકાથી ઘટીને ૮.૯ ટકા અને HDFC Bank નો હિસ્સો ૪.૪૩ ટકાથી ઘટીને ૪ ટકા થયો છે, જે દર્શાવે છે કે એકંદર ધિરાણની સરખામણીએ કૃષિ ધિરાણ ધીમું પડ્યું છે.
કૃષિ ક્ષેત્ર પર પડનારી આડઅસરો
ખરીફ અને રવી પાકની વાવણી પર અસર: સરકારી અને બેન્કિંગ આંકડા મુજબ આ વર્ષે ખરીફ પાકનું વાવેતર વિસ્તાર ૧.૦૫ ટકા જેટલો ઓછો રહ્યો છે. બેન્કો દ્વારા સમયસર લોન ન મળવાથી ખેડૂતોને રવી સીઝનમાં બિયારણ, ખાતર અને સિંચાઈના સાધનો ખરીદવામાં રોકડની અછતનો સામનો કરવો પડી શકે છે.
અનૌપચારિક ધિરાણ (શાહુકારો) પર નિર્ભરતા: બેન્કિંગ ક્ષેત્રે હાથ ખેંચી લેતા નાના અને સીમાંત ખેડૂતોને ઊંચા વ્યાજદારે સ્થાનિક શાહુકારો કે ખાનગી નાણાધારો પાસેથી લોન લેવાની ફરજ પડી શકે છે, જેનાથી દેવાના ડુંગર હેઠળ દબાવાનું જોખમ વધે છે.
