કેન્સરની દવાઓ પર ૭૦ ટકા સુધીનો ભાવઘટાડો છતાં દર્દીઓનું બિલ કેમ નહીં ઘટે? જાણો અસલી કારણો અને ગરબડ
કેન્સરની દવાઓ પર ૭૦ ટકા સુધીનો ભાવઘટાડો છતાં દર્દીઓનું બિલ કેમ નહીં ઘટે? જાણો અસલી કારણો અને ગરબડ
ભારત સરકારના નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા ૧૩૭ કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિનની મર્યાદા ૩૦ ટકા નક્કી કરવામાં આવી છે, જે આદેશ ૯ નવેમ્બર ૨૦૨૬થી અમલી બનશે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી દવાઓના કિંમતમાં ૨૦ ટકાથી ૭૦ ટકા સુધીનો સિંક્રોનાઇઝ્ડ ઘટાડો થશે અને દેશના કેન્સર દર્દીઓના પક્ષે વાર્ષિક રૂ. ૨,૫૦૦ કરોડની બચત થશે. જોકે, આરોગ્ય અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો તથા ફાર્મા વિશ્લેષકોના મતે આ દાવો સંપૂર્ણપણે દર્દીઓના ખિસ્સા સુધી પહોંચશે નહીં. સરકારી નિર્ણયની નીતિગત ખામીઓ અને ફાર્મા કંપનીઓની ચાલબાજીના કારણે દર્દીઓના મેડિકલ બિલમાં અપેક્ષિત રાહત મળવાની શક્યતા નહિવત છે.
સરકારી દાવો અને મૂળ વિગતો
NPPA ના નોટિફિકેશન મુજબ ૧૩૭ નોન-શેડ્યુલ્ડ કેન્સરની દવાઓ પર મહત્તમ છૂટક કિંમતના ૩૦ ટકા સુધી જ ટ્રેડ માર્જિન મર્યાદિત કરાતાં રૂ. ૨,૫૦૦ કરોડની વાર્ષિક બચત થશે. વર્ષ ૨૦૧૯ ના પાયલોટ પ્રોજેક્ટમાં ૪૨ દવાઓ પર રૂ. ૯૮૪ કરોડની બચત થઈ હતી. સોગંદનામામાં સરકારે કબૂલ્યું છે કે હોસ્પિટલો કેન્સરની દવાઓ પર ૧૭૦ ટકાથી ૭૦૦ ટકા સુધીનું અતિશય માર્જિન વસૂલતી હતી.
૨. ભાવ ઘટ્યા પછીય દર્દીઓનું બિલ કેમ નહીં ઘટે?
ફાર્મા કંપનીઓ અને હોસ્પિટલો જે ગરબડ અને છટકબારીઓનો ઉપયોગ કરે છે તેની વિગતો અને કારણો નીચે મુજબ છે:
(ક) પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ (PAP) ને ગણતરીમાંથી બહાર રાખવાની ગરબડ
એક, ફાર્મા કંપનીઓ મોંઘી દવાઓ (ઇમ્યુનોથેરપી અને ટાર્ગેટેડ થેરાપી) ના વેચાણ માટે PAPs-પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ ચલાવે છે. આ હેઠળ દર્દીને “એક ખરીદો અને તેની સામે એક ફ્રી મેળવો” જેવી સ્કીમો અથવા ૩૦ ટકાથી ૬૦ ટકાના ડિસ્કાઉન્ટ અપાય છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ કિંમત નક્કી કરતી વખતે ફ્રી અથવા ડિસ્કાઉન્ટેડ દવાઓ એટલે કે પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ ડિસ્કાઉન્ટથીઆપવામાં આવતી દવાઓને પ્રાઇસ કેલ્ક્યુલેશનથી બહાર રાખ્યા છે. ઓલ ઇન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કના સહ-સંયોજક માલિની એસોલાના જણાવ્યા મુજબ, પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામના જથ્થાને ગણતરીમાંથી બાદ કરવાથી કંપનીઓને તેમનું વાસ્તવિક ટ્રેડ માર્જિન છુપાવવાની છૂટ મળી જાય છે, જેનાથી મહત્તમ છૂટક કિંમતમાં થનારો મોટો ઘટાડો ધોવાઈ જાય છે. જે દર્દીઓ અગાઉથી પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામમાં ફ્રી દવા મેળવતા હતા તેમને આ નિયમથી રૂ.૧ નો પણ ફાયદો નહીં થાય.
માર્જિન કેપિંગ અને પ્રાઇસ કેપિંગ વચ્ચેનો તફાવત (દર વર્ષે ૧૦% ભાવ વધારાની છૂટ)
સરકારે ટ્રેડ માર્જિન કેપ (TMR) કર્યું છે, પ્રાઇસ કેપ (Price Cap) નથી કર્યું. TMR હેઠળ આવતી દવાઓની MRP પર કંપનીઓ દર વર્ષે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) મુજબ ૧૦ ટકા સુધીનો ભાવવધારો કરવા માટે સ્વતંત્ર છે. દિલ્હીના ફાર્મા એક્ઝિક્યુટિવ મુજબ, કેન્સર માટે વપરાતા Nivolumab (નિવોલુમેબ) ઈન્જેક્શન (10 ml)ની મૂળ કિંમત આશરે રૂ. ૧.૦૯ લાખ છે. હવે આ ઈન્જેક્શન પર માર્જિન ૩૦ કેપ થઈ ગયું હોવા છતાં, કંપની દર વર્ષે તેની મૂળ કિંમત (MRP) માં ૧૦ ટકાનો કાયદેસર વધારો કરી શકશે. પરિણામે, કપાયેલું માર્જિન થોડા જ સમયમાં ભાવવધારાથી ભરપાઈ થઈ જશે.
માત્ર ૩ મુખ્ય અને શ્રેષ્ઠ વેચાતી દવાઓનો જ સમાવેશ
ભારતમાં સૌથી વધુ વેચાતી કેન્સરની ટોચની ૧૦ દવાઓમાંથી ૬ દવાઓ તો અગાઉથી જ NLEM (આવશ્યક દવાની યાદી) હેઠળ ભાવ નિયંત્રણમાં છે. સપ્ટેમ્બર ૨૦૨૬ ના ડેટા (Pharmarack) મુજબ, આ નવા ૩૦ ટકા માર્જિન નિયમ હેઠળ દેશની સૌથી વધુ વેચાતી કેન્સરની દવાઓમાંથી માત્ર ૩ દવાઓ (Bevacizumab, Nivolumab, અને Abiraterone Acetate) જ કવર થાય છે. બાકીની મોંઘી અને નવી બાયોલોજિકલ કેન્સર દવાઓ આ દાયરાની બહાર રહેતાં મોટાભાગના દર્દીઓને લાભ મળશે નહીં.
હોસ્પિટલો દ્વારા અન્ય ચાર્જીસ વધારીને સરભર કરવાની નીતિ
કેન્સરની ૭૦% દવાઓનું વેચાણ હોસ્પિટલોના ઇન-હાઉસ ફાર્મસી દ્વારા થાય છે. દિલ્હી-એનસીઆરની હોસ્પિટલ શ્રૃંખલાના એક્ઝિક્યુટિવ અને ડૉ. મનદીપ સિંહ મલ્હોત્રા (CK બિરલા હોસ્પિટલ)ના જણાવ્યા મુજબ, જો દવાઓમાંથી હોસ્પિટલોનો કમિશન-નફો ઘટશે, તો હોસ્પિટલો પોતાના નાણાકીય નુકસાનને સરભર કરવા માટે કિમોથેરપી ચાર્જ, બેડ ભાડું, એડમિશન ફી કે કન્સલ્ટેશન ફીમાં અપ્રત્યક્ષ વધારો કરી દેશે.
સરકારનો રૂ. ૨,૫૦૦ કરોડની બચતનો દાવો કાગળ પર સાચો હોઈ શકે છે, પરંતુ ફાર્મા કંપનીઓની PAP ની રમત, DPCO હેઠળનો વાર્ષિક ૧૦% ભાવવધારો અને હોસ્પિટલોના અન્ય આડકતરા ચાર્જીસના કારણે દર્દીના આખરી હોસ્પિટલ બિલમાં ખાસ ઘટાડો જોવા મળશે નહીં. આ લૂંટ અટકાવવા માટે માત્ર માર્જિન કેપ કરવાને બદલે તમામ કેન્સર દવાઓનું થર્ડ-પાર્ટી ઓડિટ અને ડાયરેક્ટ પ્રાઇસ કેપિંગ કરવું જરૂરી છે. સરકારે ટેન્ટના ભાવમાં ઘટાડો કર્યો ત્યારે હોસ્પિટલ્સે તેની ઓપરેશન કોસ્ટ વધારી દઈને દરદીઓને લૂંટવાનું ચાલુ રાખ્યું હતું.
