• 31 October, 2026 - 4:13 PM

આઈડીબીઆઈ બેન્કના વેચાણના સોદામાં સરકારે કેનેડાની કંપનીને ફાયદો કરાવી ખાસ્સા સમાધાન કર્યા

આઈડીબીઆઈ બેન્કના વેચાણના સોદામાં સરકારે કેનેડાની કંપનીને ફાયદો કરાવી ખાસ્સા સમાધાન કર્યા

કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આઈડીબીઆઈ બેન્કના ૬૦.૭૨ ટકા હિસ્સાના વેચાણને આખરી મંજૂરી આપવામાં આવી છે. આ સોદો કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સાની કંપની Fairfax Financial Holdings (તેની પેટાકંપની ૧૦૯૫૫૨૩૦ Canada Inc. દ્વારા) સાથે રૂ. ૫૨,૮૭૮ કરોડમાં કરવામાં આવ્યો છે. આ સોદામાં ભારત સરકાર પોતાનો ૩૦.૪૮% હિસ્સો અને રાજ્ય સંચાલિત લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (LIC) પોતાનો ૩૦.૨૪% હિસ્સો વેચશે. આ સોદો પૂર્ણ થયા બાદ સરકાર પાસે ૧૫% અને LIC પાસે ૧૯% હિસ્સો બાકી રહેશે. વર્ષ ૨૦૧૭માં ઊંચી એનપીએ (NPA) અને નાણાકીય ખોટને કારણે આરબીઆઈ (RBI) દ્વારા આઈડીબીઆઈ બેન્કને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કમાં મૂકવામાં આવી હતી. પરંતુ બેન્કની સ્થિતિ સુધરતા માર્ચ ૨૦૨૧માં આ મર્યાદાઓ હટાવી લેવાઈ હતી.

ઓપન બિડ પછી અનામત કિંમતમાં ફેરફાર અને ઘટાડો

આ સોદામાં સૌથી મોટો સવાલ મૂલ્યાંકન અને બિડિંગ પ્રક્રિયાની પારદર્શિતા પર ઊભો થયો છે. સરકારે શરૂઆતમાં આઈડીબીઆઈ બેન્કના શેર માટે ₹૯૪.૪૨ પ્રતિ શેરની રિઝર્વ પ્રાઇસ નક્કી કરી હતી. ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ ખુલેલા પ્રથમ રાઉન્ડમાં બંને બિડર્સ આ કિંમત સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. કેનેડિયન કંપની ફેયરફેક્સે ૧ જૂને સુધારેલી ઓફર આપી, જે ૧૩ જુલાઈના રોજ ખોલવામાં આવી ત્યારે તેમાં રૂ. ૮૧ પ્રતિ શેરનો ભાવ આપેલો હતો. નિયમ મુજબ ખરીદનારનો ભાવ ખુલી ગયા પછી વેચનારે પોતાની અનામત કિંમત બદલવી જોઈએ નહીં. પરંતુ, સરકારે ફેયરફેક્સનો રૂ. ૮૧ નો ભાવ જોઈ લીધા પછી નવેસરથી મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો હતો. 
કિંમતમાં મોટો ઘટાડો: નવા મૂલ્યાંકન મુજબ બેન્ચમાર્ક ઘટાડીને રૂ. ૭૫.૯૯ પ્રતિ શેર કરી દેવામાં આવ્યો. ફેયરફેક્સનો રૂ. ૮૧ નો ભાવ આ નવા ઘટાડેલા બેન્ચમાર્ક કરતાં વધુ દેખાડીને સોદો મંજૂર કરી દેવાયો છે. આ સોદામાં મૂળ નક્કી કરેલી રિઝર્વ પ્રાઇસ રૂ.૯૪.૪૨ કરતાં લગભગ ૧૯.૫% ઓછો હતો.

મૂલ્યાંકન પદ્ધતિમાં ગડબડ 

સરકારે આઈડીબીઆઈ બેન્કનું મૂલ્યાંકન કરતી વખતે પબ્લિક સેક્ટર બેન્કોના માર્કેટ મલ્ટીપલ્સને સરખામણી માટે પસંદ કર્યા હતા. વર્ષ ૨૦૧૯માં LIC દ્વારા બહુમતી હિસ્સો ખરીદ્યા પછી RBI આઈડીબીઆઈને ખાનગી બેન્ક (Private Bank) ગણે છે. ખાનગી બેન્કોનું મૂલ્યાંકન સામાન્ય રીતે સરકારી બેન્કો કરતાં ઊંચું હોય છે. પરંતુ મૂલ્યાંકન નીચું લાવવા માટે સરકારી બેન્કો સાથે સરખામણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. વધુમાં, બેન્કના ઈન્ટેન્જિબલ એસેટ્સ (બ્રાન્ડ વેલ્યુ, વિશાળ બિલ્ડિંગો અને પ્રોપર્ટી) ના મૂલ્યાંકનમાં પણ ગંભીર અનિયમિતતા આચરવામાં આવી હોવાની બાબત સામે આવી છે.

‘રેલવે સ્ટોર્સ કોડ’નો વિચિત્ર ઉપયોગ

સરકારી આંતરિક નોંધો અનુસાર, જનરલ ફાઇનાન્શિયલ રૂલ્સમાં સરકારી શેર વેચવા અંગે ચોક્કસ નિયમ ન હોવાથી, ડિપો-ઓફિસરને સ્ક્રેપ અને ભંગાર વેચવા માટે આપવામાં આવતી ‘રેલવે સ્ટોર્સ કોડ’ની જોગવાઈનો આધાર લેવાયો હતો. આ જોગવાઈ મુજબ જો ડિપો-ઓફિસર યોગ્ય લાગે તો રિઝર્વ પ્રાઇસ કરતાં નીચી કિંમતે પણ ભંગાર વેચી શકે છે.  દેશની એક વિશાળ કમર્શિયલ બેન્કના વ્યૂહાત્મક વેચાણ માટે રેલવેના ભંગાર વેચવાના નિયમનો ઉપયોગ કરવો તે પ્રક્રિયાગત ગંભીર વિસંગતતા દર્શાવે છે.

કર જવાબદારીનું જોખમ સરકાર પર

સરકારે ફેયરફેક્સ સાથે એવો કરાર કર્યો છે કે આઈડીબીઆઈ બેન્ક પર ચાલી રહેલા જૂના કર વિવાદોના સંદર્ભમાં જો કોઈ દંડ કે જવાબદારી આવશે તો રૂ. ૬૨૭ કરોડ સુધીનું ચુકવણું સરકાર પોતાની તિજોરીમાંથી કરશે. આનાથી સરકારી તિજોરી અને કરદાતાઓના નાણાં પર વધારાનું જોખમ ઊભું થયું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા આ સોદાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે: જે બેન્કે ખોટમાંથી બહાર આવીને ફરીથી મોટો નફો કરવાનું શરૂ કર્યું છે, તેને ખાનગી હાથોમાં કેમ સોંપવામાં આવી રહી છે? ૨૦૦૩માં સરકારે સંસદને આશ્વાસન આપ્યું હતું કે આઈડીબીઆઈમાં સરકારનો હિસ્સો ઓછામાં ઓછો ૫૧ ટકા જાળવી રખાશે.
કર્મચારી સુરક્ષા અને અનામત: ખાનગીકરણ બાદ એસસી, એસટી અને ઓબીસી (SC/ST/OBC) સમુદાય માટેની અનામત નીતિઓ, કર્મચારીઓના પેન્શન અને સર્વિસ કન્ડિશન જોખમાવાની ચિંતા વ્યક્ત કરાઈ છે.

સરકારનો બચાવ અને સ્પષ્ટતા

નાણા મંત્રાલયે આ આક્ષેપો સામે પોતાનો બચાવ કરતા નીચે મુજબની સ્પષ્ટતાઓ કરી છે. ૨૦૧૭માં CCEA એ ‘કોર ગ્રુપ ઓફ સેક્રેટરીઝ ઓન ડિસઇન્વેસ્ટમેન્ટ’ (CGD) ને પ્રક્રિયાગત ફેરફારો અને વિચલનો (deviations) કરવાની સત્તા આપી હતી.
પ્રથમ રાઉન્ડ ‘Functus Officio’: પ્રથમ રાઉન્ડમાં આસ્કિંગ પ્રાઇસ ન મળતા તે રદ થયો હતો અને તેની કોઈ કાયદાકીય અસર રહી નહોતી. બીજો રાઉન્ડ સંપૂર્ણ નવો હતો.
ડબલ-બ્લાઇન્ડ પ્રક્રિયા: સરકારના જણાવ્યા મુજબ, મૂલ્યાંકનકારોને બિડની ખબર નહોતી અને બિડરને મૂલ્યાંકનની ખબર નહોતી. સુધારેલું મૂલ્યાંકન સ્વતંત્ર એજન્સીઓ દ્વારા માર્ચ ૨૦૨૬ના વાર્ષિક હિસાબો જાહેર થયા પછી કરવામાં આવ્યું હતું.
બિડ લીક અને સુધારેલી કિંમત: કેનેડિયન કંપની ફેયરફેક્સની પ્રથમ ઓફર શેરદીઠ રૂ.૭૫ રદ થયા પછી બીજી કવર બિડ રૂ. ૮૧ માં ખોલવામાં આવી. નિયમો વિરુદ્ધ જઈને કંપનીનો ભાવ પહેલેથી જ જોઈ લેવાયો હતો. કંપનીની રૂ. ૮૧ ની બિડ સ્વીકારી શકાય તે માટે બેન્કનું મૂલ્યાંકન જ ઘટાડીને ₹૭૫.૯૯ કરી દેવાયું હતું. જ્યારે બેન્કના શેરના ભાવ ઊંચા હતા ત્યારે તેને મૂલ્યાંકનમાં ગણવામાં આવ્યા નહીં, પરંતુ જ્યારે શેરનો ભાવ ગગડ્યો ત્યારે નીચા ભાવને આધાર બનાવીને બેન્કનું વેલ્યુએશન ઘટાડવામાં આવ્યું. બેન્કના જૂના ટેક્સ કેસ હારવાની સ્થિતિમાં તમામ ચુકવણું સરકાર (જનતાના ટેક્સના પૈસા) કરશે તેવી સરત રખાઈ છે. સરકારે બજેટના દબાણનું કારણ આપીને આ સોદો ઉતાવળે કર્યો હોવાનો દાવો પણ કરાયો છે.

Read Previous

ઇન્જેક્શનથી વજન ઘટાડી આપવાની ઓનલાઈન ઓફર લલચાવનારી, પણ મહિલાઓ આટલું વાંચી લે

Read Next

નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો ૨૦૩૦-૩૧ સુધીમાં રૂ. ૪ લાખ કરોડ જેટલું જંગી ધિરાણ વિતરણનો લક્ષ્યાંક

Most Popular