• 2 November, 2026 - 3:47 PM

ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેશનલ કોલ ટર્મિનેશન ચાર્જ 65 પૈસાથી વધારી રૂ. 5 કરી આપવા માગણી કરી

ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેશનલ કોલ ટર્મિનેશન ચાર્જ 65 પૈસાથી વધારી રૂ. 5 કરી આપવા માગણી કરી

ભારતની ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેશનલ કોલ ટર્મિનેશન ચાર્જ હાલના મિનિટદીઠ 65 પૈસાથી વધારીને રૂ. 5 કરી આપવાની માગણી કરી છે. વિદેશમાં વસતા કોઈ વ્યક્તિ ભારતની ટેલિકોમ કંપની (જેમ કે જિયો, એરટેલ, વગેરે)ના નેટવર્ક પર કોલ કરે છે, ત્યારે વિદેશી ટેલિકોમ કંપનીએ તે કોલ ભારતમાં પૂરો કરવા માટે ભારતીય ટેલિકોમ કંપનીને ચોક્કસ ફી ચુકવવી પડે છે. તેને ‘આંતરરાષ્ટ્રીય ટર્મિનેશન ચાર્જ’-આઈટીસી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં આ ચાર્જની ઉપલી મર્યાદા 35 પૈસાથી 65 પૈસા પ્રતિ મિનિટ નક્કી કરવામાં આવી છે. જૂના ચાર્જ 2020માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યા હતા. ટેલિકોમ કંપનીઓ અને તેમની સંસ્થા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ માગણી કરી છે કે આ ચાર્જને વધારીને ઓછામાં ઓછો રૂ. 4થી 5નો કરી આપવાની માગણી કરવામાં આવી છે. 

આમ ભારતીય ટેલિકોમ સેવા આપતી કંપનીઓએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ને આંતરરાષ્ટ્રીય ટર્મિનેશન ચાર્જિસ (ITC) ની સમીક્ષા કરીને તેમાં તાત્કાલિક સુધારો કરવા વિનંતી કરી છે. કારણ કે ભાવમ તીવ્ર અસમાનતા છે. ટેલિકોમ ઓપરેટરોના જણાવ્યા મુજબ, જ્યારે વિદેશી ટેલિકોમ કંપની ભારતની કંપનીને પ્રતિ મિનિટ માત્ર 35 થી 65 પૈસા જ ચૂકવે છે, તેની સરખામણીએ જ્યારે ભારતમાંથી કોલ વિદેશ જાય છે ત્યારે ભારતીય કંપનીઓએ વિદેશી ઓપરેટરોને પ્રતિ મિનિટ ₹3 થી ₹3.5 ચૂકવવા પડે છે. વધુમાં, ભારતમાંથી બહાર જતા આંતરરાષ્ટ્રીય કોલ કરતાં વિદેશથી ભારતમાં આવતા કોલ્સનો વ્યાપ ખૂબ વધારે છે, જેના કારણે ભારતીય કંપનીઓને મોટું નુકસાન વેઠવું પડે છે.

ડોલર સામે રૂપિયાનું ધોવાણ 

ભારતની ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે વૈશ્વિક ઓપરેટરો સાથેના તમામ હિસાબો યુએસ ડોલરમાં ચૂકવાતા હોય છે. છેલ્લા કેટલાક સમયમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે ભારતીય કંપનીઓની વાસ્તવિક આવકમાં ઘટાડો થયો છે. તેની સામે ITC ના દરમાં વધારો કરવાથી કંપનીઓને આ નાણાકીય નુકસાન ભરપાઈ કરવામાં મદદ મળશે.

વૈશ્વિક બેંચમાર્ક અને અન્ય દેશોનું ઉદાહરણ

ચીન, બ્રિટન, દક્ષિણ કોરિયા અને વિયેતનામ જેવા દેશોએ છેલ્લા પાંચ વર્ષમાં ડોલરના સંદર્ભમાં પોતાના આઈટીસી -ITCના દરો 2 થી 3 ગણા વધારી દીધા છે. ભારતના કોલ ઓપરેટર્સે સુઝાવ આપ્યો છે કે ભારતના દરોને વૈશ્વિક ધોરણો સાથે સાંકળવા માટે ટ્રાઈએ આગામી 2 થી 3 વર્ષ માટે ટાઈમ-બાઉન્ડ પ્લાન તૈયાર કરવો જોઈએ.

ભારતીય ગ્રાહકો પર કોઈ નાણાકીય બોજ નહીં

સૌથી મહત્વની બાબત એ છે કે ITC વધવાથી ભારતીય ગ્રાહકોને કોઈ જ નાણાકીય નુકસાન કે ચાર્જ ચૂકવવો પડશે નહીં. વિદેશથી આવતા કોલ્સ ભારતની વ્યક્તિ માટે સંપૂર્ણપણે ફ્રી હોય છે. આ ટર્મિનેશન ચાર્જ માત્ર અને માત્ર કોલ શરૂ કરનાર વિદેશી કંપનીએ જ ભારતીય કંપનીને ચૂકવવાનો હોય છે.

ફ્રોડ કોલ્સ અને સાયબર કૌભાંડો પર અંકુશ

કંપનીઓએ કાનૂની રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં નીચા ચાર્જ હોવાને કારણે વિદેશમાંથી ભારતીય ગ્રાહકોને ટાર્ગેટ કરતા ફેક અને ફ્રોડ કોલ્સનું પ્રમાણ વધી ગયું છે. આનાથી સાયબર છેતરપિંડીનું જોખમ વધે છે. ચાર્જ વધવાથી આવા અનાધિકૃત કે ફ્રોડ કોલ્સ પર અંકુશ મેળવવામાં મદદ મળશે અને ગવર્નમેન્ટ રેવેન્યુમાં પણ સુધારો થશે.

તમામ કંપનીઓ અને BSNL એકસૂરે

આ મુદ્દે દેશની ખાનગી ટેલિકોમ કંપનીઓ (જેમ કે જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા) ની સાથે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ પણ એકજૂથ છે. તમામ કંપનીઓએ સર્વસંમતિથી આ સાર્વત્રિક મર્યાદાને ઓછામાં ઓછી રૂ4થી રૂ.5 પ્રતિ મિનિટ સુધી લઈ જવાની માંગ કરી છે.

Read Previous

CGST નિયમ 96(10) રદ થતાં નિકાસકારોની નવી મુશ્કેલી: સરકારે વસૂલેલા રિફંડ, વ્યાજ આપમેળે પરત કરવા માંગ

Most Popular