
CGST નિયમ 96(10) રદ કરવામાં આવતા નિકાસકારોની નવી મુશ્કેલી: સરકારે વસૂલેલા રિફંડ અને વ્યાજના નાણાં આપમેળે પરત કરવા માંગ
દિલ્હી ખાતે યોજાયેલી 57મી જીએસટી કાઉન્સિલની બેઠકની ભલામણોને અમલમાં મૂકવા સરકારે સીબીઆઈસીએ 26 ઓક્ટોબર 2026ના સર્ક્યુલર નંબર (264/10/2026-GST)માં સીજીએસટી નિયમ 96(10) ને ભૂતકાળની અસરથી નાબૂદ કરવામાં આવ્યો હોવાથી નિકાસકારોને રિફંડ લેવા જફા કરવી પડશે. 23 ઓક્ટોબર 2017થી અમલમાં આવેલા નિયમ હેઠળ રિફંડ લેવાનું થશે. જૂના નિયમ હેઠળ નિકાસકારોએ કાચા માલ આયાત કરતી વખતે કે સ્થાનિક બજારમાંથી ખરીદતી વખતે કોઈ કર મુક્તિ કે રાહતનો લાભ લીધો હોય, તો તેઓ માલની નિકાસ વખતે ચૂકવેલા આઈજીએસટીના રિફંડ દાવો કરી શકતા ન હતા. આ નિયમ રદ થતાં હવે તેમણે રિફંડ ક્લેઈમ કરવો પડશે.
ધારો કે સુરતનો એક ટેક્સટાઈલ નિકાસકારે એડવાન્સ ઓથોરાઈઝેશનની સ્કીમ હેઠળ વિદેશથી કાચો માલ એટલે કે કપડું- યાર્નની આયાત કરે છે. ત્યારબાદ તેમાંથી તૈયાર કપડાં બનાવીને વિદેશમાં નિકાસ કરતી વખતે આઈજીએસટી ચૂકવીને તેનું રિફંડ મેળવે છે. નિયમ 96(10) મુજબ આયાત વખતે રાહત લીધી હોવાથી સરકાર આ નિકાસકારને આઈજીએસટીનું રિફંડ પાછું મેળવવાથી રોકતી હતી.
નિયમ રદ થયો પણ તકલીફ ક્યાં ઊભી થઈ?
આ નિયમ ખૂબ જટિલ હતો અને તેને કારણે બિનજરૂરી કાનૂની વિવાદો ઊભા થયા હતા. સરકારે જીએસટી વિભાગના દબાણ હેઠળ સેંકડો નિકાસકારો પાસેથી તેમણે અગાઉ લીધેલાં રિફંડની રકમો અને તેના પર ભારે વ્યાજ પાછું વસૂલ કરી લીધું હતું. સરકારે 8 ઓક્ટોબર 2024ના નોટિફિકેશન (20/2024 Central Tax)ના માધ્યમથી આ નિયમ રદ કર્યો હતો, પરંતુ જૂના કેસોનું શું કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. ઉદાહરણ આપીને વાત કરીએ તો કોઈ નિકાસકારે રૂ. 50 લાખનું આઈજીએસટીનું રિફંડ લીધું હતું. વિભાગે નોટિસ આપીને નિયમ 96(10) હેઠળ તે રૂ. 50 લાખ વત્તા રૂ. 10 લાખ વ્યાજ મળી કુલ રૂ. 60 લાખ નિકાસકાર પાસે જમા કરાવી લીધા હતા. હવે નિયમ જ રદ થઈ ગયો છે. જૂની તારીખથી આ નિયમ રદ કરવામાં આવ્યો છે. પરંતુ જીએસટી ખાતામાં જમા થઈ ગયેલા આ રૂ.60 લાખ નિકાસકારને આપોઆપ પરત મેળવવાની કોઈ સરળ વ્યવસ્થા નથી!
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે ‘ગુડલક ઈન્ડિયા લિમિટેડ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા’ (2026) કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ નિયમ રદ કરવામાં આવે અને તેમાં જૂના પેન્ડિંગ કેસો ચાલુ રાખવાની કોઈ કાયદાકીય જોગવાઈ ન હોય, તો તે જૂના પેન્ડિંગ કેસો ચાલુ રાખી શકાય નહીં. કોર્ટે માન્યું કે જીએસટી કાઉન્સિલે પોતે સ્વીકાર્યું હતું કે આ નિયમથી કોઈ મોટો ફાયદો થતો નથી અને તેનાથી જટિલતાઓ વધે છે.
CBIC નો નવો પરિપત્ર અને નિકાસકારોનો યક્ષ પ્રશ્ન
CBIC ના નવા પરિપત્ર મુજબ, આ નિયમ 23 ઓક્ટોબર 2017થી એટલે કે તેની શરુઆતથી જ રદ ગણાશે. (આ જ નિયમ રદ થવાની બાબત નિયમ 89(4A) અને 89(4B) પર પણ લાગુ પડે છે). હવે નિકાસકારોનો પ્રશ્ન એ છે કે: જ્યારે સરકારે પોતાની જ વ્યાખ્યામાં સ્વીકાર્યું છે કે આ નિયમ તેની શરૂઆતથી જ રદબાતલ છે, તો પછી માત્ર આ નિયમના આધારે નિકાસકારો પાસેથી બળજબરીથી કે દબાણ હેઠળ વસૂલવામાં આવેલી રકમ અને વ્યાજ સરકારે પોતાની પાસે કેમ રાખવું જોઈએ?
સરકારે પોતે જ નાણાં પરત કરવા જોઈએ
કાયદાકીય સમયમર્યાદા અને અગાઉના આદેશો નિકાસકારો માટે રિફંડ મેળવવામાં કાયદાકીય અડચણ બની શકે છે. તેથી સરકારે પોતે જ આગળ આવીને જીએસટી વિભાગ પાસે રહેલા જૂના રેકોર્ડ્સના આધારે અસરગ્રસ્ત નિકાસકારોની ઓળખ કરવી જોઈએ. વસૂલવામાં આવેલા રિફંડ અને વ્યાજની ચોક્કસ ગણતરી કરીને નિકાસકારોને નવી અરજીઓ કે કાનૂની લડાઈઓ લડાવ્યા વગર આપોઆપ નાણાં પરત કરવા જોઈએ. આ નાણાં પાછા મળવાથી નિકાસકારોની કાર્યકારી મૂડી છૂટી થશે, જે તેમના વેપાર વિકાસ માટે ખૂબ જરૂરી છે. પેન્ડિંગ ડિમાન્ડ બંધ કરી દેવી અને અગાઉ વસૂલેલા નાણાં પાછા ન આપવા તે નિકાસકારો માટે અધૂરી રાહત સમાન છે.
સીજીએસટી નિયમ 96(10) (CGST Rule 96(10)) કે જે અગાઉ નિકાસકારોને અમુક ચોક્કસ આયાત કે ખરીદી પર કર મુક્તિ અથવા રાહત લીધી હોય ત્યારે IGST રિફંડ મેળવવાથી રોકતો હતો, તેને સરકારે ભૂતકાળની અસરથી રદ કરી દીધો છે. આ નિયમ રદ થયા પછી હવે નિકાસકારો માટે IGST રિફંડ ક્લેમ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સ્પષ્ટ બની ગઈ છે. નિયમ રદ થયા પછી નિકાસકારો સામાન્ય પ્રક્રિયા હેઠળ કેવી રીતે રિફંડ આ રીતે ક્લેઈમ કરી શકે છે.
ઓટોમેટેડ ઓનલાઈન ક્લેમમાં બિલને જ રિફંડ એપ્લિકેશન ગણી લે
માલની નિકાસ કરતી વખતે શિપિંગ બિલ દાખલ કરતી વખતે જ IGST ચૂકવ્યાની વિગતો આપવાની હોય છે. કસ્ટમ્સ પોર્ટ અને જીએસટી પોર્ટલ વચ્ચે ડેટા ઓટોમેટિક મેચ થાય છે. અગાઉ નિયમ 96(10) ના પ્રતિબંધોને કારણે આવા ઘણા કિસ્સાઓમાં સિસ્ટમ રિફંડ અટકાવી દેતી હતી અથવા વિભાગ દ્વારા આપત્તિ લેવાતી હતી. હવે આ નિયમ જ નીકળી ગયો હોવાથી, કસ્ટમ્સ પોર્ટ પરથી જ આઈજીએસટીનું રિફંડ સીધું નિકાસકારના બેંક ખાતામાં ઓટોમેટીક જમા થવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
એડવાન્સ ઓથોરિટી કે રાહત મેળવી હોય તો પણ છૂટ
પહેલા શું હતું: જો નિકાસકારે એડવાન્સ ઓથોરિટી કે ઇપીસીજી જેવી યોજનાઓ હેઠળ ડ્યુટી-ફ્રી કાચો માલ આયાત કર્યો હોય, તો તે નિકાસ પર IGST રિફંડ ક્લેમ કરી શકતા ન હતા.
હવે શું સ્થિતિ છે: નિયમ રદ થવાથી, જો નિકાસકારે આવી રાહતો લીધી હોય છતાં પણ તેઓ નિયમિત રીતે માલ પર આઈજીએસટી ચૂકવીને તેનું રિફંડ મેળવવા માટે હકદાર બન્યા છે. હવે વિભાગ આ કારણસર નિકાસકારોનું રિફંડ અટકાવી શકશે નહીં.
રીફંડ ન મળ્યું હોય તો સામાન્ય જીએસટી પોર્ટલ દ્વારા અરજી
જો કોઈ ટેક્નિકલ કારણોસર ઓટોમેટીક રિફંડ જમા ન થાય, તો નિકાસકાર જીએસટી પોર્ટલ પર જઈને આરએફડી-01 ફોર્મ ભરીને મેન્યુઅલ રિફંડ ક્લેમ દાખલ કરી શકે છે. અરજી સાથે નિકાસનું ઇન્વોઇસ, શિપિંગ બિલ અને IGST ચૂકવ્યાના પુરાવા જોડવાના રહેશે. નિયમ 96(10) નો અડચણરૂપ મુદ્દો હવે કાયદામાંથી હટી ગયો હોવાથી જીએસટી અધિકારીઓ આ રિફંડ અટકાવી શકશે નહીં. જો નિકાસકારને સમયસર આઈજીએસટીનું રિફંડ ન મળે, તો તે અંગે જીએસટી પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે અથવા ફોલોઅપ લઈ શકાય છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
જીએસટી પોર્ટલ પર ફરિયાદ કે ફોલોઅપ કરવાની પદ્ધતિ નીચે મુજબ છે.
જીએસટી પોર્ટલ પર ફરિયાદ કરોઃ
જો તમારું રિફંડ કોઈ ટેક્નિકલ કારણોસર અથવા સિસ્ટમમાં અટવાયું હોય, તો તમે સીધી ફરિયાદ નોંધાવી શકો છો. આઈડીએસટીના પોર્ટલ પર તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો. ડેશબોર્ડ પર ઉપરના મેનૂમાં Services (સેવાઓ) પર જાઓ. તેમાં User Services (યુઝર સર્વિસિસ)માં જઈને My Grievances/Add Grievance (મારી ફરિયાદો) પર ક્લિક કરો. ફોર્મમાં તમારી સમસ્યાનો પ્રકાર (જેમ કે Refund Related Issue) પસંદ કરો.
સંબંધિત શિપિંગ બિલ નંબર, ARN (Application Reference Number) અને રિફંડ અટવાયાની વિગતો લખો. સંબંધિત દસ્તાવેજ (જેમ કે શિપિંગ બિલ કે કસ્ટમ્સ ડેટાની કોપી) અપલોડ કરીને Submit કરો. સબમિટ કર્યા પછી તમને એક ટિકિટ નંબર (Grievance Number) મળશે, જેનાથી તમે સ્ટેટસ ટ્રેક કરી શકો છો. જીએસટી પોર્ટલના હોમ પેજ પર નીચે અથવા હેલ્પ સેક્શનમાં ‘Help & Support’ અથવા ‘Raise a Ticket’ નો વિકલ્પ મળે છે. ત્યાં જઈને તમે રિફંડ ન મળવા અંગેનો પ્રશ્ન પૂછી શકો છો. જીએસટી હેલ્પડેસ્ક સામાન્ય રીતે થોડા દિવસોમાં ઈમેલ કે પોર્ટલ દ્વારા જવાબ આપે છે.
સંબંધિત કસ્ટમ્સ અથવા જ્યુરિસ્ડિક્શનલ જીએસટી ઓફિસનો સંપર્ક
મોટાભાગના કિસ્સાઓમાં IGST રિફંડ કસ્ટમ્સ વિભાગ (ICEGATE) અને જીએસટી પોર્ટલ વચ્ચેના ડેટા મેચ ન થવાને કારણે અટકે છે (જેને Error Codes કહેવાય છે). તમે ICEGATE વેબસાઇટ પર જઈને તમારા શિપિંગ બિલનું રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો. જો ત્યાં કોઈ એરર-ભૂલ દેખાતી હોય, તો તેની પ્રિન્ટ કાઢીને તમારા પોર્ટના કસ્ટમ્સ કસ્ટમર સપોર્ટ અથવા જીએસટી ઓફિસમાં રૂબરૂ જઈને સુધરાવી શકો છો.
જ્યુરિસ્ડિક્શનલ ઓફિસર: જો જીએસટી પોર્ટલ પર RFD-01 દ્વારા મેન્યુઅલ અરજી કરી હોય અને અધિકારી પાસે ફાઇલ પેન્ડિંગ હોય, તો તમારા સેક્ટરના સંબંધિત જીએસટી સુપરવાઇઝર કે ઓફિસરનો સંપર્ક કરીને ફોલોઅપ લઈ શકાય છે.