જીએસટીની કલમ 129(3)ના મનસ્વી ઉપયોગ પર એપેલેટ ટ્રિબ્યનલની બ્રેકઃ ટેકનિકલ કે નાની ભૂલો પર દંડ નહીં થઈ શકે
જીએસટી કલમ ૧૨૯(૩) હેઠળ ટેકનિકલ ભૂલો અને વેપારીઓની હાલાકી: GSTAT
જીએસટી કાયદાની કલમ 129(3) હેઠળ માત્ર ટેકનિકલ કે નાની ભૂલો (Technical or Minor Infractions) માટે વેપારીઓ કે કરદાતાઓ પર દંડ ફટકારી શકાય નહીં, એમ જીએસટી એપલેટ ટ્રિબ્યુનલે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું છે. જ્યાં સુધી કાયદાનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવાનો કે કરચોરી કરવાનો કોઈ સ્પષ્ટ પુરાવો ન હોય, ત્યાં સુધી કલમ 129(3) હેઠળ પેનલ્ટી લગાવી શકાશે નહિ. માલસામાનના પરિવહન કે દસ્તાવેજી પ્રક્રિયામાં થયેલી સામાન્ય કે નાની તકનીકી ભૂલોને કાયદાનો ભંગ ગણીને મોટો દંડ ફટકારવો વ્યાજબી નથી. આ હુકમથી પ્રમાણિક વેપારીઓને મોટી રાહત મળશે, જેઓ અજાણતાં કે ટેકનિકલ ક્ષતિઓને કારણે અગાઉ કડક દંડનો ભોગ બનતા હતા. GSTAT ના આ ચુકાદાથી કરવેરા અધિકારીઓની મનસ્વી પેનલ્ટી આકારણી પર રોક લાગશે અને દેશમાં “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”ને વધુ પ્રોત્સાહન મળશે. કલમ 129(3) હેઠળ જીએસટી અધિકારીઓ છાશવારે કેસ કરતાં રહે છે અને વેપારીઓનો માલ અને વાહનને મહિનાઓ સુધી જપ્ત કરીને રાખે લે છે.
જીએસટી કાયદા હેઠળ માલસામાનના પરિવહન સમયે વાહનો અટકાવીને દંડ ફટકારવાની જોગવાઈ કરતી કલમ ૧૨૯(૩) લાંબા સમયથી વેપારીઓ માટે ચિંતાનો વિષય રહી છે. આ કલમ હેઠળ કરચોરી પકડવાના નામે અધિકારીઓ દ્વારા થતી કડક કાર્યવાહી અને તેનાથી વેપારીઓને વેઠવી પડતી હાલાકી વધી જતી હતી.
કલમ ૧૨૯(૩) મૂળરૂપે કેવા કિસ્સાઓમાં લાગુ પડે છે?
129(3) કલમનો મૂળ ઉદ્દેશ્ય ઇરાદાપૂર્વકની કરચોરી અટકાવવાનો છે. જો કોઈ વેપારી બિલ વગર માલ મોકલતો હોય, ઇન્વોઇસમાં માલની કિંમત કે જથ્થો છુપાવતો હોય, અથવા ગેરકાયદેસર રીતે ટેક્સ ચોરી કરવાના ઇરાદાથી માલની હેરાફેરી કરતો હોય, તો અધિકારીઓ આ કલમ હેઠળ વાહન અને માલ જપ્ત કરીને દંડ કરી શકે છે.
નાની અને ટેકનિકલ ભૂલો કે જેની પર અગાઉ ભારે દંડ ફટકારવામાં આવતો હતો:
વેપારીઓનો ઘણીવાર ટેક્સ ચોરીનો કોઈ ઇરાદો ન હોવા છતાં, માત્ર પ્રક્રિયાગત કે ક્ષુલ્લક ક્ષતિઓને કારણે અધિકારીઓ કલમ ૧૨૯(૩) નો દુરુપયોગ કરીને ભારે પેનલ્ટી વસૂલતા હતા
ઇ-વે બિલ (E-Way Bill) ની મુદત પૂરી થવી: ટ્રાફિક, વાહન બગડવું કે અન્ય અનિવાર્ય કારણોસર માલ પહોંચવામાં થોડા કલાકો મોડા પડે અને ઇ-વે બિલની મુદત સમાપ્ત થઈ જાય.
નામના સ્પેલિંગનાલખાણમાં થયેલી નાનકડી ભૂલ: વાહન નંબર દાખલ કરતી વખતે એકાદ આંકડાની ભૂલ થવી, અથવા વેપારીના જીએસટી નંબર (GSTIN) માં નાની સ્પેલિંગ કે આંકડાની ક્ષતિ હોવી જેવી બાબતોને ધ્યાનમાં લઈને તેમની સામે કેસ કરી દેવામાં આવે છે.
પાર્ટ-બી અપડેટ ન થવું: ચાલુ માર્ગે વાહન બદલતી વખતે ઇ-વે બિલમાં નવા વાહનનો નંબર અપડેટ કરવામાં ટેકનિકલ ક્ષતિ રહી જતા પણ તેમને દંડ કરવામાં આવતો હતો.
-
સામાન્ય દસ્તાવેજી વિસંગતતા: ઇનવોઇસ અને ઈ-વે બિલમાં વજન કે પેકિંગની વિગતોમાં મામુલી તફાવત હોવો, છતાં માલની કિંમત અને ટેક્સ પૂરેપૂરો ભરેલો હોવા છતાં દંડ કરવો.
અધિકારીઓની કાર્યવાહીથી વેપારીઓની વધતી હાલાકી
અધિકારીઓ દ્વારા નાની ટેકનિકલ ભૂલો પાછળ કડક વલણ અપનાવવાથી વેપારીઓને ભારે આર્થિક અને માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો. તેની પ્રતીતિ કરાવતા ત્રણ મુખ્ય ઉદાહરણો નીચે મુજબ છે. એક, ઇ-વે બિલની વેલિડિટી સમયમર્યાદા અને ટ્રાફિકની સમસ્યામાં પણ વેપારીઓ દંડાયા છે. સુરતથી અમદાવાદ જતી કાપડની લોડિંગ ટ્રક રસ્તામાં ભારે ટ્રાફિક જામ અને હાઇવે પર મશીનરી બગડવાને કારણે માત્ર ચાર કલાક મોડી પડી. આ દરમિયાન ઇ-વે બિલની નિર્ધારિત મુદત પૂરી થઈ ગઈ હતી. માલસામાનનું પૂરું બિલ અને ટેક્સ ભરેલો હોવા છતાં, ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓએ કલમ ૧૨૯(૩) લગાવીને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો અને માલ અટકાવી દીધો. સમયસર માલ ગ્રાહક સુધી ન પહોંચવાથી વેપારીનો ઓર્ડર રદ થયો અને મોટું નુકસાન વેઠવું પડ્યું.
વાહન નંબરની ડેટા એન્ટ્રીમાં નાની ટાઈપિંગ ભૂલ રાજકોટથી મશીનરીના પાર્ટ્સ મોકલતી વખતે ઓપરેટરની ભૂલથી ઇ-વે બિલમાં ટ્રક નંબર ‘GJ-03-XX-1234’ ના બદલે ભૂલથી ‘GJ-03-XX-1324’ ટાઈપ થઈ ગયો હોય તો પણ દંડ કરવામાં આવતો હતો. તેમના માલ સાથેના ઓરિજિનલ ઇન્વોઇસ, ઈ-વે બિલ અને ઈલેક્ટ્રોનિક ડેટા એકદમ સાચા હોવા છતાં તેમને દંડ કરવામાં આવતો હતો. છતાં, ચેકિંગ દરમિયાન અધિકારીઓએ માત્ર વાહન નંબરના એક આંકડાની અદલાબદલીને ગંભીર ભંગ ગણીને માલ ડીટેઈન કર્યો અને દંડની નોટિસ ફટકારી દેવામાં આવતી હતી. વેપારીએ માલ છોડાવવા માટે વકીલોની ફી અને દંડ પેટે લાખો રૂપિયા ચૂકવવા પડતા હતા.
માર્ગમાં વાહન બદલતી વખતે પાર્ટ-બી (Part-B) અપડેટ ન થવુંઃ વડોદરાથી દિલ્હી મોકલવામાં આવતો માલ વચમાં ગાઢ ધુમ્મસ કે અકસ્માતને કારણે બીજું વાહન બદલીને આગળ મોકલવામાં આવ્યો હોય તો અર્જન્ટ કુરિયર કે ટ્રાન્સપોર્ટની ઉતાવળમાં નવું વાહન નંબર પોર્ટલ પર ‘પાર્ટ-બી’ માં તરત અપડેટ કરવાનું રહી ગયું હોય તો પણ દંડ કરવામાં આવતો હતો. અધિકારીઓએ ચકાસણીમાં વાહન બદલાયેલું જોઈને સીધો જ કરચોરીનો કેસ બનાવી દીધો, જ્યારે હકીકતમાં વેપારીએ જીએસટીની તમામ રકમ કાયદેસર રીતે ભરેલી જ હતી.
GSTAT નો નવો અને ઐતિહાસિક ચુકાદો (નવેમ્બર ૨૦૨૬)ઃ
આવી અસંખ્ય ફરિયાદો અને વેપારીઓની હાલાકીને ધ્યાનમાં રાખીને, જીએસટી એપલેટ ટ્રિબ્યુનલ (GSTAT) એ સ્પષ્ટ કર્યું છે કે:
“જ્યાં સુધી કાયદાનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન (Deliberate Defiance of Law) કરવાનો કે કરચોરી કરવાનો કોઈ સ્પષ્ટ પુરાવો ન હોય, ત્યાં સુધી માત્ર ટેકનિકલ કે નાની ભૂલો માટે કલમ ૧૨૯(૩) હેઠળ દંડ ફટકારી શકાય નહીં.”
આ ચુકાદાથી દેશભરના પ્રમાણિક વેપારીઓ-ટ્રાન્સપોર્ટર્સને મોટી રાહત મળી છે અને અધિકારીઓની મનસ્વી દંડ વસૂલવાની પદ્ધતિ પર લગામ પણ કસાશે.
