ગુજરાતમાં થતાં શાકભાજીનો સપ્લાય આવવાનો શરૂ થઈ રહ્યો હોવાથી આગામી અઠવાડિયામાં ભાવ તૂટી જવાની સંભાવના
કાર્ટેલ રચી ખેડૂતોને ઓછા દામ ચૂકવી પ્રજાને મોંઘા ભાવે શાકભાજી વેચતા વેપારીઓને નિયંત્રણમાં લાવો
– ચોળી, રિંગણ, કોબી, ફુલાવર, દૂધી, ભીંડાં, પરવળ, ટીંડોળા, કોથમીરનો સપ્લાય અઠવાડિયામાં ખાસ્સો વધી જવાની શક્યતા
– દરેક ઘરના રસોડામાં રોજ રોજ વપરાતા મરચાંના કિલોદીઠ ભાવ રૂ.60થી વધીને રૂ. 85 થઈ ગયા
ગુજરાતમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓ કાર્ટેલ રચીને ખેડૂતો પાસેથી શાકભાજી ઓછા દામે ખરીદીને સામાન્ય પ્રજાને 100થી 150 ટકા ઊંચા ભાવે વેચી રહી છે. એપીએમસીમાં ખેડૂતો પાસેથી ખરીદેલા માલ પર 6 ટકાથી વધુ નફો ન ચઢાવવાનો નિયમ હોવા છતાંય વેપારીઓ પોતાના જ એપીએમસીના બહારના એકમમાં છ ટકા નફાથી માલ ટ્રાન્સફર કરીને પછી મનફાવે તે ભાવે વેચીને ભયંકર નફો મેળવી રહ્યા છે.
ખેડૂતોને ન્યાય અપાવવા કેરળની સરકારે શાકભાજીના ટેકાના ભાવ જાહેર કરેલા છે. પરંતુ ગુજરાત સરકાર આ મુદ્દે કોઈ જ પગલાં ન લઈને વેપારીઓને નફાખોરી કરવાનો રસ્તો ખોલી આપી રહી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતની આવક બમણી થાય તેને માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ તેમની મહેનતનો મોટો લાભ વેપારીઓ ઊઠાવી રહ્યા છે. છ મહિનામાં મહેનત કરીને ખેડૂત નથી કમાતા તેનાથી બેથી ત્રણ ગણુ વેપારીઓ બારથી ચોવીસ કલાકમાં કમાઈ રહ્યા છે. પરિણામે જગતો તાત ગણાતો ખેડૂત બિચારો અને બાપડો બની ગયો છે.
ગુજરાતમાં પંદર જૂનથી વરસાદી વાતાવરણનો પ્રભાવ વધી જતાં શાકભાજીના સપ્લાયમાં આવેલી કપાત વરસાદનું જોર ઓછું થતાં ફરી સપ્લાય શરૂ થવા માંડતા હોલસેલ માર્કેટમાં એટલે કે કૃષિ ઉત્પન્ન બજાર સમિતીમાં વેચાણ માટે આવતા શાકભાજીના ભાવ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. જૂનો પાક પૂરો થવા આવતા પણ અને નવા પાકનો આરંભ થવાથી પણ સપ્લાય મંદ પડ્યો હતો. હવે નવા શાકભાજીનો ફાલ આવવા માંડતા ભાવ તૂટવા માંડ્યા છે.
ચોથી જુલાઈના અરસામાં ચોળીના કિલોદીઠ ભાવ રૂ. 50થી 200ની રેન્જમાં પહોંચી ગયા હતા. દરેક શાકભાજીને ચાર ગ્રેડમાં વિભાજિત કરીને તેના ભાવ નક્કી કરવામાં આવતા હોવાથી તેની ભાવની રેન્જ મોટી છે. ટોપ ગ્રેડમાં આવતો શાકભાજીનો સપ્લાય માંડ દસથી પંદર ટકાનો જ હોય છે. અત્યાર સુધી નંદુરબાર અને દાહોદથી સપ્લાય આવતો હતો. પરંતું ચોળીનો નવો પુરવઠો કાઠિયાવાડના વિસ્તારમાંથી ચાલુ થઈ જતાં તેના કિલોદીઠ ભાવ રૂ. 20થી 120ની રેન્જમાં આવી ગયા છે. બે ચાર દિવસમાં તેનો ભાવ વધુ ઘટવાની સંભાવના છે.
ખાસ્સો વપરાશ ધરાવતા રિંગના ભાવ પખવાડિયા પૂર્વે કિલોદીઠ રૂ. 20થઈ 60ના હતા તે હવે ઘટીને રૂ. 10થી 35ની રેન્જમાં આવી ગયા છે. જોકે આ પખવાડિયામાં કોબીના ભાવની રેન્જ રૂ. 5થી 23ની હતી તે સહેજ ઘટીને રૂ. 5થી 22ની રેન્જમાં આવી ગઈ છે. ફુલાવરના ભાવ પણ રૂ. 20થી 35ની રેન્જમા હતા તે ઘટીને રૂ. 10થી 22ની રેન્જમાં આવી ગયા છે. કોબી-ફુલાવરનો સપ્લાય મહારાષ્ટ્રથી આવે છે. તેની સામે ફુલાવરનો સપ્લાય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતો હોવાથી પણ તેનો ભાવ થોડો ઊંચકાયો હતો.
ચોથી જુલાઈના અરસામાં ભીંડાંના કિલોદીઠ ભાવ રૂ. 40થી 70ના બોલાતા હતા, તે હવે ઘટીને રૂ. 20થી 45ના થઈ ગયા છે. ટીંડોળાના કિલોદીઠ ભાવમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે. આ જ રીતે પરવળના કિલોદીઠ ભાવ પખવાડિયા પૂર્વે રૂ. 25થી 65ની હતી તેમાં સહેજ વધારો જોવા મળ્યો છે. કિલોદીઠ ભાવ રૂ. 40થી 55ના થયા છે. આ જ રીતે મરચાં રૂ. 20થી 60ના કિલોદીઠ ભાવ હતા તે વધીને રૂ. 20થી 85ના થઈ ગયા છે. સરગવો ચોથી જુલાઈના અરસામાં કિલોદીઠ રૂ. 15થી 95ના ભાવે આવતો હતો. હાલમાં તે ઘટીને રૂ. 10થી 45ની રેન્જમાં આવી ગયો છે. સરગવાની કચ્છ-ભુજ ઉપરાંત મહારાષ્ટ્રની આવકો પણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી નાસિકથી આવતી મેથીની ઝૂડીનો કિલોદીઠ રૂ. 30થી 50ના ભાવ બોલાતા હતા. તે હવે ઘટીને રૂ. 20થી 35-40ની રેન્જમાં આવી ગયા છે. ગલકાના ભાવ કિલોદીઠ રૂ. 20થી 50ના પખવાડિયા પૂર્વે બોલતા હતા તે અત્યારે ઘટીને રૂ. 10થી 30ની રેન્જમાં આવી ગયા છે. ગલકાંની આવક એક અઠવાડિયામાં વધવા માંડી છે
ટામેટાંની તૂટતા ભાવ, બટાકા ડુંગળી સ્થિર
ટામેટાંના ભાવ પણ તૂટી રહ્યા છે. પંદર દિવસ પૂર્વે ટામેટાંના કિલોદીઠ ભાવ રૂ. 20થી 35ન હતા તે હાલ ઘટીને રૂ. 15થી 30ની અંદર આવી ગયા છે. દેશી બટાકાના ભાવ પખવાડિયા પૂર્વે રૂ. 8થી 12.50ના હતા તે અત્યારે ઘટીને રૂ. 6થી 12ની રેન્જમાં આવી ગયા છે. ડિસાના બટાકાના ભાવ રૂ. 7.50થી 17ની રેન્જમાં હતા તે આજે પણ તે જ રેન્જમાં જળવાઈ રહ્યા છે. તેની સામે ડુંગળીના ભાવમાં પણ નજીવી વધઘટ જોવા મળી છે. ડુંગળીના કિલોદીઠ રૂ. 8થી 19ના ભાવ બોલાતા હતા તે આજે રૂ. 10થી 17ના બોલાઈ રહ્યા છે.
શાકભાજીના હોલસેલ ભાવ અને છૂટક ભાવ
શાકભાજીના હોલસેલ ભાવ અને છૂટક ભાવ વચ્ચે અંદાજે 100થી 150 ટકાનો ગાળો જોવા મળે છે. આજે અમદાવાદના બજારમાં દરેક શાકભાજી અંદાજે કિલોદીઠ અંદાજે રૂ. 120થી 140ના ભાવે વેચાઈ રહ્યા છે. આમ જનતા માટે શાકભાજીની ખરીદી પહોંચની બહાર જઈ રહી છે. ખેડૂતોને પૂરતા દામ નથી મળતા અને વેપારીઓને લીલા લહેર છે. હવે તો એક જ ફુલાવર રૂ. 70ના ભાવે વેચવાનું ઓનલાઈન શોપ્સે ચાલુ કરી દીધું છે. તેમાં વજનને પણ ગણતરીમાં લેવામાં આવતું નથી. એક કિલો ચોળીના ભાવ રૂ. 200થી પણ ઉપર ગયા હોવાનું અમદાવાદના છૂટક બજારમાં જોવા મળ્યું છે.
શાકભાજી હોલસેલના ભાવ છૂટક ભાવ (કિલોદીઠ)
કોબી રૂ. 5થી 22 રૂ. 60થી 90
ફુલાવર રૂ. 10થી 22 રૂ. 90થી 100
ડુંગળી-કાંદા રૂ. 10થી 17 રૂ. 35થી 40
દૂધી રૂ. 7થી 25 રૂ. 60થી 80
બટાકા-દેશી રૂ. 6થી 12 રૂ. 30થી 40
ભીંડા રૂ. 20થી 45 રૂ. 90થી 100
ટીંડોળા રૂ. 15થી 60 રૂ. 90થી 120
ચોળી રૂ. 10થી 35 રૂ. 90થી 120
ગુવાર રૂ. 65થી 110 રૂ. 140થી 180
શાકભાજી સપ્લાય 5 જુલાઈએ 18 જુલાઈએ
બટાકા ડિસા 22,731 ક્વિન્ટલ 21,717 ક્વિન્ટલ
રિંગણ 288 ક્વિન્ટલ 805 ક્વિન્ટલ
કોબી 13,159 ક્વિન્ટલ 13,221 ક્વિન્ટલ
ફુલાવર 4783 ક્વિન્ટલ 6146 ક્વિન્ટલ
ચોળી 321 ક્વિન્ટલ 735 ક્વિન્ટલ
કાકડી 3591 ક્વિન્ટલ 4840 ક્વિન્ટલ
પરવળ 1724 ક્વિન્ટલ 773 ક્વિન્ટલ
ગવાર 2362 ક્વિન્ટલ 1984 ક્વિન્ટલ