GST રજિસ્ટર્ડ વેપારીઓ ચેતી જાય, તમારા બિઝનેસ સિક્રેટનો વેપાર કરી રહેલા અધિકારીઓ
ગુજરાતના અધિકારીઓની ગેરરીતિ સામે વેપારી આલમ અવાજ નહિ ઊઠાવે તો તેમનો સંપૂર્ણ ધંધો ધોવાઈ જશે
Image by freepik
ગુજરાતના જીએસટીના અધિકારીઓ બોગસ બિલિંગ કરનારાઓને સાથે આપતા આવ્યા હોવાની ઘટના ભૂતકાળમાં બહાર આવેલી છે. આ કૌભાંડ મોટા ફલક પર પહોંચ્યું ત્યારે ભાવનગરની જીએસટી ઓફિસના તમામ અધિકારીઓની બદલી કરવાની નોબત આવી છે. હવે તેનાથીય ગંભીર વિગતો બહાર આવી છે. દરેક વેપારીએ ચેતી જવા જેવું છે. જીએસટીમાં તેમણે કયા ભાવે કોની પાસેથી માલ ખરીદ્યો અને કયા ભાવે કોને માલ વેચ્યો તેની વિગતો ખુદ સ્ટેટ જીએસટીના અધિકારીઓ હરીફ વેપારીઓને વેચી રહ્યા છે. આ માહિતી ખરીદનાર વેપારી તેના હરીફ વેપારી કરતાં ઓછા ભાવે માલ વેચીને તેનો સો ટકા ધંધો હડપ કરી જાય અને તેને માર્કેટમાંથી આઉટ કરી દે તેવી શક્યતા વધી રહી છે. આ અંગેની ફરિયાદ કરતો એક પત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિયેસને ગુજરાત સરકારને લખ્યો છે. આ જ પત્રમાં કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરે તેવી માગણી પણ કરવામાં આવી છે. આ દૂષણને ડામવામાં નહિ આવે તો સમગ્ર દેશને એક ટેક્સથી જોડતી જીએસટીની સમગ્ર સિસ્ટમ નિષ્ફળ જશે.
વેપારનો સંપૂર્ણ ડેટા હરીફના હાથમાં ન જાય તેની તકેદારી વેપારીઓ કાયમ રાખતા જ હોય છે. પરંતુ તેમની આ કિલ્લેબંધીમાં જીએસટીના અધિકારીઓ ગાબડું પાડી રહ્યા છે. જીએસટીના લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓએ જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓના વેપારના ખાનગી ડેટાનું એક અલગ જ માર્કેટ વિકસાવી લઈને તગડી કમાણી કરવાનો રસ્તો ખોલી દીધો છે.
ભારત સરકારની જીએસટીની સિસ્ટમમાં પોલંપોલ હોવાનું આ સાથે જ બહાર આવી ગયું છે. ભારતની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમની આ ક્ષતિ સમગ્ર ભારતના વેપારીઆલમના વેપારના સિક્રેટને ઓપન કરી દેશે. બીજીતરફ જીએસટીના મેન્યુઅલ રિફંડ આપવામાં અધિકારીઓ ધાંધિયા કરી રહ્યા હોવાની ફરિયાદ પણ બુલંદ બની રહી છે. તેમ જ નાના નાના કેસમાં અસહ્ય કહેવાય તેવા દંડ લાગુ કરીને જીએસટીના અધિકારીઓ વેપારીઓની હાલત કફોડી બનાવી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ નહિ લાવવામાં આવે તો જીએસટીનું સમગ્ર માળખું કડડડભૂસ થઈને પડી જશે.
અત્યારે જીએસટીના ડેટા માર્કેટમાં વેપારીઓના વેપારના ખાનગી ડેટાઓના ધૂમ સોદાઓ પડી રહ્યા છે. એક કંપની બીજી કંપનીના વેપારના ખાનગી આંકડાઓ ખરીદીને હરીફોને પાડી દેવાના પેંતરાં કરતાં થઈ ગયા છે. જીએસટીઆર-1નો ડેટા રૂ. 8000થી રૂ. 10,000માં વેચાઈ રહ્યો છે. જીએસટીઆર-1માં માલના કે પછી સેવાના વેચાણના મૂલ્ય અને તેના પરની વેરાની જવાબદારીની વિગતો પૂરી પાડે છે. આ જ રીતે જીએસટીઆર-2બી અને જીએસટીઆર-3બીના ડેટાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્રણ મહિનાના જીએસટીઆર 3બીમાં ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવામાં આવેલી માહિતી માત્ર હરીફ વેપારીને રૂ. 15,000માં વેચી દેવામાં આવી રહી છે. આ ડેટા ખરીદનાર હરીફ વેપારીને બિઝનેસને તોડી પાડવા માટે કરી રહ્યા છે. પરિણામે જીએસટીના ભ્રષ્ટ અધિકારીઓને કારણે વેપારીઓ ખતમ થઈ જશે.
જીએસટીના રજિસ્ટ્રેશન મેળવવાની સિસ્ટમ જણાય તેટલી સરળ નથી. તેમ જ રિફંડ મેળવવામાં પણ નેવના પાણી મોભે ચઢાવવા જેવી હાલત ઊભી કરી દે છે. ચેકપોસ્ટ પર માલ લઈ જતી ટ્રકને રોકીને કલમ 129નો દુરુપયોગ કરવાને પરિણામે પણ વેપારીઆલમ હેરાનપરેશાન છે. નાના નાના કારણોસર વેપારીઓના બેન્ક એકાઉન્ટને એટેચ કરી દેતા અધિકારીઓની દાદાગીરી એટલી વધારે છે કે એક વર્ષ બાદ એટેચમેન્ટ કાયદેસર ન રહેતું હોવા છતાં તે એટેચમેન્ટ હટાવતા જ નથી. તેમને કોઈ જ પૂછનાર ન હોય તેવી સ્થિતિ છે. વેપારીઓ પર દરોડા પાડનાર એન્ફોર્સમેન્ટના વડા સહિતના અધિકારીઓ વેપારીઓને અંદરખાને સાચવીને તોડ કરી રહ્યા હોવાની વેપારીઓની પોતાની જ વ્યાપક ફરિયાદો છે.