OLA સ્કૂટરનું બુકિંગ કરનારાઓ સાથે મોટી છેતરપિંડી

સ્કૂટરના બુકિંગ પેટે હજારો લોકો પાસે અબજોના એડવાન્સ લીધા, પણ ડિલીવરી આપી જ નથી
ઇલેક્ટ્રિક વેહિકલના યુગમાં ઓલો સ્ક્ટૂર લોન્ચ કરીને ભારતની ગલીએ ગલીમાં ઓલા સ્કૂટરને ફરતાં કરી દેવાનો દાવો કરનાર Ola electric Mobility Pvt. Ltd.એ લાખો લોકો પાસે ઇલેક્ટ્રિક સ્કૂટર એસ-1 અને એસ-1 પ્રો ના નામે કરોડો રૂપિયા ઉઘરાવી દીધા પછી જાન્યુઆરીથી ડિલીવરી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ આજે એપ્રિલ મહિનામાં પણ ડિલીવરી આપી શકતું નથી.
બીજું, આ કંપનીના સ્કૂટરનું ઉત્પાદન જોરશોરથી થયું ન હોવા છતાંય બુકિંગ માટે ટોકન એમાઉન્ટ લેવાને બદલે સ્કૂરટની પૂરી રકમ વસૂલી લેવામાં આવી છે. આ રકમ વસૂલી લીધા બાદ તે પૂરી રકમનું બિલ પણ આપવામાં ન આવતું હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. આ કંપનીએ લાખો બુકિંગ કરાવનારાઓ સાથે ફ્રોડ કર્યો હોવાનું જણાવીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં 30મી માર્ચે એક લેખિત ફરિયાદ અમદાવાદના રમણલાલ એમ. શાહ એન્ડ કંપનીના વકીલ હિતેન્દ્ર શાહે દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ કરીને સોશિયલ મિડીયા પર તેની વિગતો મૂકતા સંખ્યાંબંધ લોકોએ તેમની સાથે પણ આજ રીતની છેતરપિંડી થઈ હોવાની બૂમરાણ મચાવવા માંડી છે. આ અંગે ફરિયાદ થતાં મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની બેન્ગ્લોર ઓફિસને ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી પ્રા.લિ. સામે તપાસ કરવાની લેખિત સૂચના છઠ્ઠી એપ્રિલે આપી દીધી છે.
S1 pro સ્કૂટરના બુકિંગના રૂ. 1.29 લાખ લીધા પછી બિલ માત્ર રૂ. 1.03 લાખનું આપ્યું, બિલ ઓછું આપ્યાની ફરિયાદ કરી તો વધારાનો ચાર્જ બતાવવા કંપનીએ બોગસ બિલ ઊભા કર્યા
વડાપ્રધાન, નાણાં પ્રધાન, ગ્રાહકોની બાબતોના પ્રધાન, માર્ગપરિવહન મંત્રી નીતિન ગડકરી અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 30મી માર્ચે ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી પ્રા.લિ. સામે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે 1.98 કિલોવોટની બેટરી અને 90 કિલોમીટરની રેન્જ આપવાના દાવા વાળા એસ-1 સ્કૂટર અને 3.97 કિલોવોટની બેટરી અને 181 કિલોમીટરની રેન્જ આપવાના દાવા વાળા એસ-1 પ્રો સ્કૂટર બુક કરાવવામાં આવ્યા હતા. એસ-1ના રૂ. 99,999 ભાવ અને એસ-1 પ્રોના રૂ.1,29,999ના ભાવ દર્શાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની સબસિડી અને ચાર્જરની કિંમત સિવાયની આ કિંમત દર્શાવવામાં આવી હતી.
ઓગસ્ટમાં 2021માં સ્કૂટરની નોંધણી-બુકિંગ કરાવવા માટે માત્ર રૂ.499 જમા કરાવવાના જણાવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 16ના અરસામાં બુકિંગ એપ ચાલુ કરીને બીજા રૂ. 20,000 જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર સુધી તેનું ઉત્પાદન ચાલુ થયું નહોતું. જાન્યુઆરી 2022માં માંડ 500થી 1000 સ્કૂટરનું ઉત્પાદન કર્યું હતું. જાન્યુઆરી 21ના ફરીથી કંપનીએ તેની એપ ચાલુ કરીને બાકીના રૂ. જમા કરાવવા જણાવ્યું હતું. જે વહેલો પૈસા ભરશે તેને પહેલી ડિલીવરી આપવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. આઈએમપીએસની એપથી રૂ. 1,22,375 22મી જાન્યુઆરીએજમા આપ્યા હતા. તદુપરાંત ચાર્જર અને ઇસ્ટ્રોલેશનના રૂ. 2359 માગ્યા તે પણ જમા કરાવ્યા હતા. હેલ્મેટ, આરટીઓ રજિસ્ટ્રેશન, વીમા અને હેન્ડલિંગ ચાર્જ સહિત કુલ રૂ. 1,45,233 જમા કરાવ્યા પછી 2021ની દિવાળીથી ડિલીવરી ચાલુ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. 29મી જાન્યુઆરી 2022ના દિને ઓલા કંપનીની એપમાં દર્શાવવામાં આવ્યું હતું કે સ્કૂટર ડિલીવરી માટે અમદાવાદ રવાના કરી દેવામાં આવ્યું છે. આ એપમાં દર્શાવ્યાના આજે 70 દિવસ થઈ ગયા છે. છતાં 9મી એપ્રિલે પણ ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલીવરી આપવામાં આવી નથી. અમદાવાદમાં કયા ડેપો પર તેમના સ્કૂટરની ડિલીવરી થવાની છે તે પણ જણાવવામાં આવ્યું નથી. આ રકમ હજારો લોકોએ જમા કરાવી હોવાનો અંદાજ છે.
અમદાવાદના વકીલે પ્રધાનમંત્રી કાર્યાલયને ફરિયાદ કરીઃ લાખો બુકિંગ લીધા છતાંય ઉત્પાદન 1000થી 2000 સ્કૂટરનું જ થયું બોગસ બિલમાં કંપનીના લૉકેશન બેન્ગ્લોર અને સાણંદના બતાવ્યા, પરંતુ સહી કરનાર એક જ વ્યક્તિ !
તેના પર કેન્દ્ર સરકારની રૂ. 59,000ની અને રાજ્ય સરકારની રૂ. 20,000ની સબસિડી છે. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વેહિકલ લેનારાઓને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં માફી આપેલી છે. ઓનલાઈન બુકિંગ કરાવ્યા પછી સપ્ટેમ્બરમાં બુકિંગ પેટે બીજા રૂ. 20,000 જમા લીધા હતા. થોડા દિવસમાં એસ-1 પ્રોની પૂરી કિંમત પેટે રૂ. 1,00,000 વત્તા વીમાના રૂ.7500 જમા કરાવવા ઉપરાંત માફી હોવા છતાં આર.ટી.ઓ. ચાર્જના અને રજિસ્ટ્રેશન ફીના પણ ગેરકાયદેસર વસૂલવામાં આવ્યા હતા. આ ઓછું હોય તેમ હેન્ડલિંગ ચાર્જના પણ રૂ. 1888 વસૂલવામાં આવ્યા હતા.
તમામ રકમ જમા કરાવ્યા પછી સ્કૂટરની ડિલીવરી ન મળતા ગત 28મી માર્ચે ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી પ્રા.લિ.ને લીગલ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદ મૂકવામાં આવતા સંખ્યાબંધ લોકોએ તેમની સાથે પણ આ જ રીતે ફ્રોડ થયો હોવાની બૂમ પાડવાની શરૂ કરી દીધી છે.
પૈસા જમા લેનાર Ola Electric એ લીગલ નોટિસનો 5મી એપ્રિલે જવાબ આપ્યો
તમે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રા.લિ.ને નોટિસ આપી છે. વાસ્તવમાં તમે જે ઇલેક્ટ્રિક વેહિકલની વાત કરો છો તે વેહિકલ ઓલા ઇલેક્ટ્રિક ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ બનાવે છે. આ અમારી સંપૂર્ણ માલિકીની સબસિડીયરી કંપની છે. તેથી ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રા.લિ.એ તમારી નોટિસનો જવાબ આપવાની જરૂર જ નથી. તેમ છતાં ન્યાયના હિતમાં ઓલા ઇલેક્ટ્રિક ટેક્નોલોજીસ પ્રા.લિ.એ જવાબ આપી રહ્યું છે. તમે ખરીદી કરતી વખતે તમારી સ્કૂટરનો વીમાની વિગતો અમને ન આપી હોવાથી તમારા વાહનના રજિસ્ટ્રેસનની પ્રક્રિયા જ ચાલુ થઈ નથી.
આ સંદર્ભમાં અમારી ટીમે 28 ફેબ્રુઆરી, 7મી માર્ચ, 21મી માર્ચે અને 31મી માર્ચે તમારો સંપર્ક કર્યો હતો. તેથી તમારી રજૂઆત ભૂલભરેલી અને સ્વીકારવાને પાત્ર નથી. મોટર વેહિકલ એક્ટ 1989ની જોગવાઈ મુજબ વેહિકલનું રજિસ્ટ્રેશન થશે તે પછી જ અમે તમને ડિલીવરી આપી શકીશું. તમે વીમાની વિગતો ન આપી હોવાથી અમે તેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકતા નથી. આ જવાબ પર ઓલા ઈલેક્ટ્રિકના વાઈસ પ્રેસિડન્ટ-લીગલ સંજિત એન. નાગરકટ્ટીએ સહી કરેલી છે.
આ ખુલાસાના જવાબમાં અમદાવાદના વકીલે જણાવ્યું છે કે ઓલા ઈલેક્ટ્રિક ટેક્નોલોજી પ્રા.લિ. અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રા.લી. અલગ અલગ કંપની છે તેની જાણ આજે મને થાય છે. આ કંપની તમારી સંપૂર્ણમાલિકીની સબસિડીયરી હોવાથી તેના દરેક પગલાં માટે તમે પણ એટલા જ જવાબદાર ઠરો છો.