ફાર્મા કંપનીઓ પર તવાઈઃ ડોક્ટરને આપેલા લાભના ખર્ચા ટેક્સમાંથી બાદ નહિ મળે
નાણાંમંત્રીએ કલમ 14(એ)માં સુધારો જાહેર કરતા ફાર્મા કંપનીઓના સેલ્ફ પ્રમોશનના ખર્ચ પર બ્રેક વાગી જશે

જગજાહેર છે કે ફાર્મા કંપનીઓ ડોક્ટરો પાછળ ભેટ સોગાદ, વિદેશ પ્રવાસ, ગાડીઓ, સરભરા સહિત અનેક સ્વરૂપે મોટા ખર્ચ કરે છે. 1 ઓગસ્ટ 2012ના રોજ CBDTએ એક પરિપત્ર જાહેર કરીને IMCને ડોક્ટરો પાછળ થતા આ ખર્ચાઓ IMCના વ્યવસાયિક આચરણ (એથિક્સ તથા એટિકેટ્સ)ની વિરૂદ્ધ હોવાનું જણાવ્યું હતું. જો કે આ પરિપત્ર સામે દેશની અનેક ફાર્મા કંપનીઓએ કેસ દાખલ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
ફાર્મા કંપનીઓ સેલ્ફ પ્રમોશનના નામે ડોક્ટરો પાછળ લખલૂટ ખર્ચ કરીને તેને આવકમાંથી બાદ મેળવી લેતી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે હવે ફાર્મા કંપનીઓના આ ખર્ચ પર બ્રેક મારી દીધી છે. તેમણે બજેટમાં ઈન્કમટેક્સ એક્ટની કલમ 37માં ફેરફાર કર્યો છે. આ કારણે કાયદાકીય જોગવાઈનું ખોટું અર્થઘટન કરવું કોઈપણ ફાર્મા કંપની માટે અશક્ય બની જશે. નાણાંમંત્રીએ જાહેર કરેલા સુધારા મુજબ કાયદામાં જે બાબતને અપરાધ ગણાયો છે તેના માટે ફાર્મા કંપની જો ખર્ચ કરશે તો તે માન્ય ગણાશે નહિ.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુરુષોત્તમ ખંડેલવાલ જણાવે છે, “આ જોગવાઈ 1 એપ્રિલ 2022થી લાગુ પાડવામાં આવશે. ફાર્મા કંપનીઓ તેમની પ્રોડક્ટને જ ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરે તે માટે મોટા આર્થિક લાભ આપતી હતી તેના પર આ સુધારાથી બ્રેક વાગી જશે. આ સુધારા મુજબ નોન ટેક્સેબલ ઈન્કમ કરવા માટે જે પણ ખર્ચ કર્યો હશે તેને અન્ય આવકમાંથી ખર્ચ દર્શાવીને બાદ મેળવી શકાશે નહિ.” આ સુધારાને કારણે ફાર્મા કંપનીઓ પર ટેક્સનું ભારણ વધશે અને ડોક્ટરો પાછળ તેમના દ્વારા થતા ધૂમ ખર્ચ પર બ્રેક વાગશે.