બોલો તમને શું લાગે છે? મોનેટાઈઝેશનથી મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કે દેશને નુકસાન?
સરકારનું મોનેટાઈઝેશનનું વર્તમાન મોડેલ થોડા લોકોને વધુ શ્રીમંત બનાવશે
મોનેટાઈઝેશનથી દેશની સદ્ધરતા વધશે કે પછી મહત્વની અસ્ક્યામતો વેચાઈ જશે?

કેન્દ્ર સરકારે નેશનલ મોનેટાઈઝેશન પ્લાનની જાહેરાત કરી છે. એનએમપી તરીકે ઓળખાનારા આ પ્લાનના માધ્યમથી સરકાર છ લાખ કરોડ રૂપિયા ઊભા કરવાનું આયોજન કરી રહી છે. આગામી ચાર વર્ષમાં એટલે કે 2025 સુધીમાં આ રકમ ઊભી કરવાનું સરકારનું આયોજન છે. વિપક્ષોએ કાગારોળ મચાવી મૂકી છે કે ભાજપ સરકાર દેશને વેચવા જઈ રહી છે. મોટા કોર્પોરેટ હાઉસિસને બખ્ખમબખ્ખા કરાવવાની દિશામાં આગળ વધી રહી છે. આમ તો આખો દેશ વેચાઈ જશે. તેમના આ ભયમાં તથ્ય છે કે પછી માત્ર પોલીટીકલ માઈલેજ લેવાનો પ્રયાસ છે? વાઈબ્રન્ટ ઉદ્યોગે નિષ્ણાંતો સાથે વાત કરીને તેનો તાગ મેળવવાની કોશિશ કરી હતી.
મોનેટાઈઝેશન કરવાની જરૂર કેમ ઊભી થઈ તેનો આપણે વિચાર કરીએ. ભારત સરકાર અને રાજ્ય સરકારોએ બનાવેલા હજારો કિલોમીટરના રસ્તા સમયે સમયે મેઈન્ટેનન્સ માગે છે. મેઈન્ટેનન્સ કે રિપેરિંગના ખર્ચાઓ રાજ્ય કે કેન્દ્ર સરકાર કાઢી શકતી નથી. તેથી રસ્તાઓની હાલત વધુ કથળતી જાય છે. તેને નવા અને તરોતાજાં રાખવા અને ટ્રાફિક મુવમેન્ટના સ્મૂધ રાખવા માટે પણ તેના નવીનીકરણની જરૂરિયાત હોય જ છે. તેવી જ સ્થિતિ દેશના અસંખ્ય એરપોર્ટ અને પોર્ટની છે. આ એરપોર્ટ અને પોર્ટને સરકાર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં વિકસાવવા માગે છે. તેને માટે જ નેશનલ મોનેટાઈઝેશનની પોલીસી લાવવામાં આવી છે. રેલવે પાસે ગણી ન ગણાય તેટલી જમીન છે. તેમ જ તેની પાસે હોટેલ્સ પણ છે. તેણે દરેક રેલવે સ્ટેશન્સને વિકસાવવાના કામ કરવાના છે. પરંતુ તેને માટે જોઈતા નાણાં સરકાર પાસે નથી. તેથી વિકાસની ગતિ પર બ્રેક લાગી રહી છે.
તમને ખબર છે કે એક સ્ટેડિયમ બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જ વાત કરીએ. અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ રૂા. 700-800 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે રોટેશન પ્રમાણે મેચ રમાડવાની તક મળે છે. સ્ટેડિયમમાં વિકેટ અને આઉટફિલ્ડને મેઈન્ટેઈન કરવાનો ખર્ચ કરવો પડે છે. સ્ટેડિયમના તમામ વિભાગનું મેઈન્ટેનન્સ કરવાનો વરસેદહાડે લાખો-કરોડોનો ખર્ચ આવે છે. આ ખર્ચને પહોંચી વળાય તેટલી આવક તેના થકી થતી જ નથી. અમદાવાદના જ સરદાર પટેલ સ્ટેડિયમની હાલત પણ આવી જ છે. તેના જાળવણીના ખર્ચના દસમાં ભાગની પણ આવક થતી હોવાનો અંદાજ નથી. આ પ્રકારની અસ્ક્યામતોને બ્રાઉનફિલ્ડ એસેટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ અસ્ક્યામતોની જાળવણીનો ખર્ચ જંગી આવે છે. પરંતુ તેની સામે આવક આકર્ષક હોતી નથી. આવી એસેટ્સનું મૂલ્ય છે, પરંતુ તે સરકારને માથે લાયેબલિટી જેમ પડેલી છે. માત્ર ગુજરાતમાં જ એવું નથી. ભારતના દરેક શહેરોમાં અને દરેક રાજ્યમાં આ પ્રકારની અબજો રૂપિયાની અસ્ક્યામતો પડેલી છે. તેની જાળવણી માટે પણ અબજોનો ખર્ચ થાય છે.
બીજી તરફ નવીનક્કોર એટલે કે ગ્રીન ફિલ્ડ એસેટ તૈયાર કરવા માટે અબજોનો ખર્ચ કરવો પડે છે. તેથી જ સરકાર મોનેટાઈઝેશનના પ્લાન સાથે આગળ વધી રહી છે. જૂની પડી રહેલી મિલકત પરનો જાળવણી ખર્ચનો બોજ ઓછો કરીને તેમાંથી આવક કરવાનું આયોજન એટલે મોનેટાઈઝેશન પ્લાન.

દેશની વાસ્તવિક સ્થિતિ જોઈએ. આજે મસમોટી ફી વસૂલતી શાળાઓ અને કૉલેજો પાસે વિદ્યાર્થીઓને રમાડવા માટે કોઈ જ જમીન નથી. શાળાઓ અને કૉલેજો ચાલુ કરનારાઓ પાસે રમતનું મેદાન બનાવવા જમીન ખરીદવાના પૈસા જ નથી. તેથી વિદ્યાર્થીઓને મોટી ફી ભર્યા પછીય રમતના મેદાન મળતાં નથી. શિક્ષણની સાથે રમતગમત પણ વિદ્યાર્થીઓના જીવનને ઘડવામાં મોટો ફાળો આપે છે. હવે ખાનગી મિલકતોની પણ વાત કરી લઈએ. જૂના રજવાડાંઓની સંખ્યાબંધ ભવ્ય હવેલીઓ પણ છે. આ હવેલીઓને તેના પૂર્વવત સ્ટેટસમાં જાળવી રાખવા માટે દર વર્ષે લાખોને ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ ન કરે તો તેની હાલત અત્યંત કંગાળ થઈ શકે છે. થોડા વર્ષો પછી ખખડી ગયેલી ઇમારત બની શકે છે. તેના માલિકને હવેલી થકી કોઈ જ આવક ન હોવાથી તેઓ તેના માટે બહુ મોટી રકમનો ખર્ચ કરવા તૈયાર થતાં નથી. આમ આ પ્રકારની તમામ એસેટ્સ ડેડ એસેટ્સ બની રહી છે. તેમાંથી અર્થોપાર્જન થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેમાંથી કોઈ નાણાંકીય આવક થતી નથી. તેથી તેના માલિકને માથે તે એક બોજારૂપ જવાબદારી બની ગઈ છે.
આ પ્રકારની મિલકતોનો પબ્લિક પ્રાઈવેટ પાર્ટિસિપેશનની સિસ્ટમમાં ઉપયોગ કરવા તે વ્યક્તિ કોઈની સાથે કરાર કરે તો શું થાય? સૌથી પહેલા તો તેને માથેથી તેને જાળવવાના ખર્ચની જવાબદારી હટી જાય છે. બીજું, અત્યારે તેનો ઉપયોગ થતો જ નથી. શોભાના ગાંઠિયાની જેમ તે પડેલી છે. આ જ હવેલીનો ઉપયોગ થવાનો માર્ગ ખૂલશે. તેના ઉપયોગ થકી આવક કરવાનો રસ્તો પણ ખૂલશે. તેનો ઉપયોગ થવા માંડશે તો તે જર્જરિત થવાની પ્રક્રિયા મંદ પડશે. તેમાંથી થનારી આવકમાંથી તેની જાળવણી કરવાનો ખર્ચ પણ નીકળી જશે. તેમ જ તેના માલિકને તેના થકી વરસે દહાડે થોડી આવક પણ થવા માંડશે. તેમ જ જાળવણીના ખર્ચના બોજમાંથી મુક્તિ પણ મેળવશે. પરંતુ તમે સવાલ કરશો કે તેના માલિકને આવક થશે તો તેમાં ઇન્વેસ્ટ કરનારને શું લાભ મળશે? હા, તેનેય લાભ મળશે. તેણે નવી હોટેલ કરવા માટે જમીન ખરીદવા માટે કરોડોનો ખર્ચ કરવો પડશે નહિ. કારણ કે હવેલી તેને 30, 50 કે 99 વર્ષના ભાડાં પટ્ટા પર મળશે. જમીન ખરીદ્યા પછી તેના પર હોટેલ અને જૂની શૈલીની હવેલી જેવી હોટેલ બનાવવા માટે તેણે કરોડોનો ખર્ચ કરવો પડે છે. તેના ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન મળવા માટેનો સમયગાળો લંબાઈ જશે. ક્યારેક વધુ ખર્ચ તેની હાલત ખરાબ કરી શકે છે. મોનેટાઈઝેશનની નવી સિસ્ટમમાં તે હવેલીને હેરિટેજ હોટેલ બનાવી ઝડપથી ચાલુ કરી શકે છે. તેથી ચાલુ ન થાય ત્યાં સુધી રાહ જોવાનો ગાળો ઘટી જશે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ વહેલું મળતું થશે. લીઝ પર લઈને જૂની હવેલીના જૂના ઢાંચાને જાળવી રાખીને તે નવી હેરિટેજ હોટેલ બનાવી શકે છે. તેમ થતાં હેરિટેજની જાળવણી થશે. તેમ જ હેરિટેજ હોટેલમાં લોકોને આવવા માટે આકર્ષી શકે છે. તેના થકી લીઝ પર લેનાર પણ આવક કરતો થઈ જશે. આ આવકમાંથી કેટલોક હિસ્સો હવેલીના માલિકને આપવા બંધાવું પડશે. આમ ડેડ ગણાતી એસેટનો ઉપયોગ ચાલુ થશે અને તેના થકી હવેલીના માલિકને આવક પણ થશે અને હવેલીની જાળવણીના ખર્ચમાંથી મુ્ક્તિ પણ મળશે.
કેન્દ્ર સરકારે વીજ ઉત્પાદન અને વિતરણ, રસ્તાઓ, પાઈપલાઈન, ગોદામ, રેલવે, ટેલિકોમ, એરપોર્ટ ઉપરાંત પોર્ટને લગતી સરકારી કંપનીઓની છ લાખ કરોડની અસ્ક્યામતોમાંથી આવક કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપ લાઈન હેઠળ સરકારી સંપત્તિને લીઝ પર આપવાની વ્યવસ્થિત નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે મિલકતો કોઈને વહેંચી દેવામાં નહિ આવે. મિલકતો લીઝ પર આપવામાં આવશે. અસ્ક્યામતો લીઝ પર આપવાના આયોજનમાં સરકારે સ્પોર્ટ્સ સ્ટેડિયમનો અને રિડેવલપમેન્ટ કરતી કંપનીઓની અસ્ક્યામતોનો પણ સમાવેશ કર્યો જ છે. કોલસાનું ઉત્પાદન કરતી કંપનીઓ અને ખનીજ ઉત્પાદન કરતી સરકારી કંપનીઓની અસ્ક્યામતોનો પણ તેમાં સમાવેશ થાય છે. સરકારનો આ નિર્ણય કોર્પોરેટ્સ માંધાતાઓને ઘી કેળાં કરાવશે તેવા આક્ષેપો થવા માંડ્યા છે. ભારત સરકાર નવરત્નની કક્ષામાં આવતી કંપનીઓ કોર્પોરેટ્સને વેચવા જઈ રહી હોવાના આક્ષેપો પણ આ સાથે થવા માંડ્યા છે.

હા, તેની સામે આર્થિક સવાલો ઊઠી રહ્યા છે. આર્થિક વિશ્લેષક હેમંત શાહ કહે છેઃ “સરકાર તેની પાસે વણવપરાયેલી રહેતી વસ્તુઓ વેચી પણ શકે છે અને ભાડે પણ આપી શકે છે. ખાનગી કંપની માટે આ વસ્તુ જેટલી સાચી છે તેટલી જ સાચી સરકારી કંપનીઓ માટે છે. રેલવે પાસે આ પ્રકારની સંખ્યાંબંધ અસ્ક્યામતો છે. સરકાર તે વેચે અને ભાડા પટ્ટે આપે અને તેમાંથી આવક કરે તો તેમાં કશું ખોટું નથી. આ મારી મૂળભૂત માન્યતા છે. નીતિ આયોગના અહેવાલ પર નજર નાખતા જણાય છે કે આ આડકતરી રીતે મિલકત વેચવામાં આવી રહી હોવાનો નિર્દેશ મળે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને પહેલાં તે વેચવાની જ વાત કરી હતી. ત્યારબાદ હોબાળો થતાં તેમણે સ્ટેટમેન્ટ બદલીને કશું જ વેચવાનું નથી તેમ જાહેર કર્યું છે.”
હવે સવાલ એ ઊભો થાય છે કે તેઓ કેટલા વર્ષ માટે કોને ભાડા પટ્ટે આપી રહ્યા છે તે પણ એક સવાલ જ છે. મિલકત પાંચ વર્ષ માટે કે પંચાણું વર્ષ માટે ભાડા પટ્ટે આપી શકાય છે. કઈ કિંમતે તે આપી રહ્યા છે તે પણ એટલું જ મહત્વનું છે. ઉદાહરણ આપીને વાત કરીએ. રૂ. 200 કરોડના મૂલ્યની મિલકતનું ભાડું 20 કરોડ આવી શકતું હોય અને તે મિલકતને રૂ. 2 કરોડના ભાડા પર આપી દેવાય તો તે પણ જોવાનું રહે છે. ભૂતકાળમાં સરકારી જમીનો પાણીના મોલે ખાનગી કંપનીઓને કે વ્યક્તિઓને આપી દેવામાં આવી છે. આ અત્યંત અગત્યની બાબત છે. કોઈપણ ખાનગી વ્યક્તિ કે કંપની આ જમીન કે મકાન સરકાર પાસે લે છે, તો તેના સંદર્ભમાં પારદર્શકતા શું છે તે જોવું પણ એટલું જ મહત્વનું છે. સરકારે આ તમામ કરારને લગતા દરેક દસ્તાવેજો ઓનલાઈન મૂકી દેવા જોઈએ. તેમ કરવામાં આવે તો જ તેમાં સો ટકા પારદર્શકતા આવશે.
વધુ એક દ્રષ્ટાંત આપીને વાત કરીએ. અમદાવાદ વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વેની વાત કરીએ. સરકારે તેને માટેની જમીન હસ્તગત કરીને ખાનગી કંપનીને આપી દીધી. બિલ્ટ ઓપરેટ અને ટ્રાન્સફર (બાંધો, રસ્તા પરના ટ્રાફિકનું નાણાં લઈને સંચાલન કરો અને તમારા રોકાણ અને તેના પરનો નફો પૂરતો મળી જાય તે પછી સરકારને તે રસ્તો સોંપી દો)ની નીતિ હેઠળ હાઈવે આપવામાં આવ્યો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ એક્ટ હેઠળ 11 પ્રકારના એગ્રીમેન્ટ કરાયા છે. તેને કન્સેશન એગ્રીમેન્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. ભાડું આવવાનું ચાલુ થઈ ગયું. પહેલા એકવાર જતાં વાહન પાસે રૂ. 45 લેવાતા હતા. આજે કદાચ એક વાહન પાસે રૂ. 115 લેવામાં આવી રહ્યા છે. વાહનના પ્રકાર પ્રમાણે આ નાણાં લેવાય છે. તેમાં સમયાંતરે વધારો થાય છે. સરકારે કરેલા કરારમાં ક્યારે અને કેટલા સમય સુધી કેટલા પ્રમાણમાં નાણાં લેવામાં આવશે, ક્યારે તે રસ્તો સરકારને સોંપી દેવામાં આવશે, સર

કારે આ નાણાં કેટલા લેવાશે તેની જાહેરાત આપી છે ખરી? આ પારદર્શકતાનો અભાવ જોવા મળે છે. આ પ્રકારના કરાર અંગેની માહિતી માગવામાં આવે છે તે સરકાર આપતી જ નથી. સાણંદમાં ટાટા મોટર્સ સાથે મોટરવાહનનો પ્લાન્ટ નાખવા માટે કઈ કન્ડિશન સાથે કરાર થયા છે તેની વિગતો આજે પણ જાહેર કરવામાં આવતી નથી. આ પારદર્શકતા ખૂટી રહી છે. અમદાવાદના વિશાલા બ્રિજ પર લેવાતો ટોલ તો હાઈકોર્ટના આદેશ પછી બંધ કરવામાં આવ્યો છે.
આ વસ્તુઓ દેશની કંપનીઓને આપવામાં આવશે. તેવી જ રીતે દેશમાં અત્યારે સક્રિય અંદાજે 11000 જેટલી વિદેશી કંપનીઓ પણ આ મિલકતો લેવા માટે આગળ આવશે. આ મિલકતો તમને વિદેશી કંપનીઓને આપવામાં આવે તો આત્મનિર્ભર ભારતની સિદ્ધાંત સાથે કેવી રીતે સેટ થાય છે તે સવાલનો જવાબ સરકાર આપે તે પણ એટલું જ જરૂરી છે. આ દેશને આત્મનિર્ભર બનાવશે કે દેશની મિલકતો વિદેશી કંપનીઓને સોંપી દેશે?
કોઈપણ વિદેશી કંપની આવે તે તેના રોકાણ કરતાં તેઓ વધુ નફો ખેંચી જાય છે. ટ્રાન્સફર પ્રાઇસિંગ પણ તેનું એક ઉદાહરણ છે. ટ્રાન્સફર પ્રાઇસિંગમાં બીજી પણ ગરબડ કરવામાં આવે છે. વિદેશી કંપનીઓ પેરેન્ટ કંપની પાસેથી ભારતની સબસિડીયરી માટે ટેક્નોલોજીની આયાત કરે છે. તેમાં દસ ડૉલરની ટેક્નોલોજી 40 ડૉલરમાં લાવ્યા હોવાનું દર્શાવી દે છે. આ રીતે ભારતનો પૈસો વિદેશમાં ખેંચાઈ રહ્યો છે. આજે પણ ભારતમાં નિકાસ કરતાં આયાત વધારે છે. માત્ર છેલ્લા ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં અલગ ચિત્ર જોવા મળ્યું છે.
વિદેશી કંપનીઓને તમે 20-25 વર્ષ માટે ભાડા પટ્ટે જમીન આપશો તો કઈ કંપનીઓ ભાડા પટ્ટે જમીન લેવા આગળ આવશે? કંપની તો તેના પર મિલકતો વિકસાવશે, જમીન ખુલ્લી જ ન રહે તેવા વિકાસ કાર્યો કરવાની છે; મકાન, ઓફિસ કે ફેક્ટરીઓ નાખશે. આ સંજોગોમાં 20-25 વર્ષના ભાડાં પટ્ટાની શરતને કંપનીઓ સ્વીકારશે જ નહિ. તેથી કંપનીઓ 99 વર્ષના ભાડાં પટ્ટાની માગણી કરશે. ત્યારે બંનેમાંથી એક પણ હયાત નહિ હોય. બીજું આ ભાડા પટ્ટાના કરારમાં વચગાળામાં તે જમીન કે અસ્ક્યામતો ભાડા પટ્ટા પરથી પાછી નહિ લઈ શકાય તેવી શરતો વિદેશી કે દેશી કંપનીઓ મૂકાવશે. આ સંજોગોમાં જમીન વેચી દીધા જેવું જ થશે. તેના કરતાં અત્યારથી જ વેચી દો. આ સંજોગોમાં સરકાર જમીન કે મિલકત વેચી દે અને આજે જ તેના પૈસા ઉપજાવી લે. તેથી તે મિલકત પર સરકારનો અધિકાર સો વર્ષ પછી રહેશે જ નહિ. આમ આ મિલકત ભાડાપટ્ટે આપ્યા છતાંય તે વેચાઈ ગયા જેવી સ્થિતિ રહેશે. તેથી અત્યારથી જ વેચી દેવી ઉચિત ગણાશે. સરકાર પાસે તે વેચવાની સત્તા છે. આ વેચાણ કરવાનો નિર્ણય લે તો તેનો વાંધો નથી. પરંતુ તેની યોગ્ય બજાર કિંમત સરકારના હાથમાં આવવી જોઈએ. રૂ. 100 કરોડની મિલકતના માત્ર રૂ. 20 કરોડમાં આપી દેવામાં આવે તો ઉચિત નથી. સરકાર તેને સ્ટ્રેટજિક સેલને નામે ઓછી કિંમતમાં આપી દે છે તે ઉચિત ગણાય નહિ. સરકારે ભૂતકાળમાં પણ મૂલ્યવાન મિલકતો પાણીને મોલે આપી છે. તેથી પારદર્શકતા દાખવવામાં આવે તો આ પ્રકારની ગરબડ ન થાય. ગરબડ થાય તો તેને માટે જવાબદાર ઠેરવવાની અને પગલાં લેવાની જોગવાઈ પણ હોવી જ જોઈએ.
આર્થિક વિશ્લેષક હેમંત શાહ કહે છે, “સરકાર ખોટ ખાતી કંપનીઓને પણ આવા જ કારણોસર વેચી દે છે. સરકારી કંપની ખોટ ખાય છે તેનાથી વધુ મહત્વનું સરકારના માધ્યમથી તે કંપની લોક કલ્યાણના કાર્ય કરે છે. તેથી સરકારે નફો કરવાના ઇરાદા સાથે કામ કરવાનું જ નથી. તેથી તે ખોટ ખાય છે તેના કરતાં લોક કલ્યાણ થાય છે તેના પર જ વધુ ફોકસ કરવું જરૂરી છે. ખાનગી કંપનીઓ તે અસ્ક્યામત લઈ લેશે તો તેને પરિણામે લોકોને બધી જ સેવાઓ મોંઘી પડશે. ઉદાહરણ આપીને વાત કરીએ. સરકારી બસ સેવા લોકોને સસ્તો પ્રવાસ કરવાની સુવિધા આપે છે. પરંતુ ખાનગી કંપનીઓ આવે તો તે જ બસ સેવાના ભાંડાં બમણા કે ત્રણ ગણા થઈ શકે છે. આ લોક સેવા નથી, બિઝનેસ છે. સરકાર પોતાની કંપનીઓ ખાનગી રોકાણકારોને આપી દઈને તેના મારફતે ધંધો કરાવી નફો કરાવી આપે છે. તેનાથી લોક કલ્યાણની મૂળભૂત ભાવનાનો ક્ષય થાય છે.”
છેલ્લા થોડા મહિનાઓથી સરકાર કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેન્ક, બીઈએમએલ- , નિલાચલ ઇસ્પાત નિગમ, પવન હંસ, જેવી કંપનીઓને વેચવા તૈયારી કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર આ બાબતમાં પારદર્શક નહિ બને ત્યાં સુધી આક્ષેપો પ્રતિઆક્ષેપો અને વિવાદો થતા જ રહેશે.

બીજું, રૂ. છ લાખ કરોડની આવક કરીને તેનો ખર્ચ કઈ રીતે કરવાનો છે તેનો પણ પ્લાન સરકારે જાહેર કરવો જોઈએ. તેઓ તેના થકી શાળા ઊભી કરવા માગે છે તે કે અન્ય કોઈ ખર્ચમાં ઉપયોગ કરવા માગે છે તે સરકારે જાહેર કરવું જોઈએ. પહેલા જ વર્ષે એટલે કે 2021-22ના વર્ષમાં સરકાર રૂ. 88000 કરોડ મોનેટાઈઝેશનના માધ્યમથી ઊભા કરવામાં માગે છે. આ મોનેટાઈઝનેશન કરવાની કોઈ જ વ્યવસ્થા તેમણે ઊભી કરી નથી. પરિણામે આ સેલ ડિસ્ટ્રેસ સેલ બની જવાની સંભાવના છે. સરકાર તેની અંદજપત્રીય ખાધને ઓછી કરવા માટે આ મોનેટાઈઝેશન કરી રહી હોવાનું વધુ લાગી રહ્યું છે. સરકાર મોનેટાઈઝેશન કરતી વખતે સહુને વિશ્વાસમાં લેવાની કવાયત કરતી જ ન હોય તેવું જણાઈ રહ્યું છે. ખાનગી ઇન્વેસ્ટર્સ તો તેમાંથી કમાણી કરવા માટે જ તેમના ઇન્વેસ્ટમેન્ટ કરશે. તેમ કરવામાં તેઓ રૂ. 10માં મળી શકતી વસ્તુના રૂ. 50 લેવાનું આયોજન કરશે. આમ દરેકને સેવા મોંઘી મળતી થશે. તેઓ મનફાવે તેવા ભાવ નક્કી કરતાં થશે. તેમાં પ્રજા ધોવાઈ જશે. ટ્રેનને ભાડે આપવાની પણ વાત ચાલે છે. પ્લેટફોર્મને ખાનગી કંપનીઓને સોંપવાની પણ વાત છે. રેલવેના પ્રવાસીઓ આવનારા વરસોમાં લૂંટાઈ શકે તેવી શક્યતાને નકારી શકાતી નથી. સરકારનું મોનેટાઈઝેશન ખાનગીકરણની નજીકનું હોવાનું જણાય છે.
હેમંત શાહ કહે છે, “તેનાથી મોનોપોલી ઊભી થઈ રહી છે. તેથી મોનોપોલી સ્પર્ધા ઓછી કરે છે. રેલવેની ટ્રેનને ખાનગી કંપનીઓને દોડાવવાની જવાબદારી સોંપવાની વાત કરવામાં આવી રહી છે. તેમાં એક જ ડેસ્ટિનેશનથી બીજા એક સરખા ડેસ્ટિનેશન સુધી એક જ સમાન સમયે ટ્રેન દોડવાની નથી. તેથી તેમાં મોનોપોલી જ ઊભી થાય છે. સમયની અનુકૂળતા ટ્રેનની મુસાફરીમાં મહત્વની છે. તેથી સમયની અનુકૂળતા જે ટ્રેનની વધારે હશે તે કંપની તેની મોનોપોલીનો એડવાન્ટેજ લેશે. પરિણામે મોનેટાઈઝેશનથી બધું જ મોંઘું થવાની શક્યતા રહેલી છે. ખાનગી કંપની ટ્રાન્સપરન્ટ નથી. તેમના હિસાબો પણ તેમને અનુકૂળ પડે તે રીતે જાહેર કરે છે. મોનેટાઈઝેશન બે કંપનીઓને એક સમાન લેવલે હરીફાઈ થાય તે રીતે એસેટ્સનું એલોકેશન કરવાની નથી. તેથી મોનોપોલી ઊભી થશે જ થશે. ખાનગી કંપનીની એકાઉન્ટીબિલીટી તેના શેરહોલ્ડર પૂરતી સીમિત છે. કોર્પોરેટ ગવર્નન્સના તમામ નિયમો-સિદ્ધાંતોને ક્યાંય સંપૂર્ણ અમલ થતો નથી. જ્યારે સરકારી કંપનીઓની એકાઉન્ટીબિલીટી સમગ્ર દેશની જનતા માટે છે. આખા દેશની જનતા તેમની પાસે જવાબ માગી શકશે. સરકારનું મોનેટાઈઝેશનનું વર્તમાન મોડેલ થોડા લોકોને વધુ શ્રીમંત બનાવશે.”
સરકાર વિકાસને માટે ભંડોળ ક્યાંથી લાવશે તેવો સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે. વિકાસ જોઈતો હોય તો વેરો કે અન્ય સ્વરૂપમાં નાણાં તો સરકારને આપવા જ પડશે. આ વાતને શાસક સરકારના નેતાઓ છાશવારે દોહરાવતા રહે છે. હવે સરકારની આ માનસિકતા તેઓ લોકોને ભોગે પણ વિકાસને આગળ ધપાવવા માગતી હોવાનો નિર્દેશ આપી રહી છે. સરકારી મિલકતોને ખાનગી બનાવવાની આ ચાલ હોવાનું જણાઈ રહ્યું છે.
વિદેશી ઇન્વેસ્ટમેન્ટનો ક્રેઝ છોડી દો
માત્ર કેન્દ્ર સરકાર જ નહિ, રાજ્ય સરકારો પણ મોનેટાઈઝેશનમાં આગળ વધે તેવી સરકારની ઇચ્છા છે. ગુજરાતમાં પણ બોર્ડ અને નિગમોનું મોનેટાઈઝેશન કરવાનું રાજ્ય સરકાર વિચાર કરી શકે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે રાજ્ય સરકારો મોનેટાઈઝેશનથી જે ફંડ એકત્રિત કરશે તેની 33 ટકા રકમ ઇન્સેન્ટિવ તરીકે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આપશે. કેન્દ્ર સરકારને છેલ્લા બે વર્ષથી જીએસટીના રાજ્ય સરકારના 14 ટકા વધારા સાથેના દરમાં જ ખોટ આવે તે રકમ આપવાના સાંસા છે ત્યારે રાજ્ય સરકારને 33 ટકાના ઇન્સેન્ટિવ આપવાના જાહેરાત કરવાનો નિર્ણય સરકાર ખાનગીકરણ તરફ જ વધુ પડતી ઝૂકી ગઈ હોવાનો નિર્દેશ આપે છે. સરકાર દેશની 130 કરોડની જનતાની માલિકીની જમીન કે મિલકતો 3 કરોડ ધનવાનોને સોંપવાની દિશામાં આગળ વધી રહી છે. તે દર્શાવે છે કે મોનેટાઈઝેશન ત્રણ કરોડ ધનવાનોને વધુ ધનવાન બનાવશે.
સરકાર પાસે માળખાકીય સુવિધા ઊભા કરવા માટે ફંડ નથી તે એક મોટો સવાલ છે. હેમંત શાહ કહે છે કે માળખાકીય સુવિધાની વાત કરવામાં આવે છે ત્યારે સરકાર રસ્તા, રેલવે, બંદર, વિમાનમથકની જ બહુધા વાત થાય છે. તેમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાની વાત કરવામાં આવે છે. તેમાં શાળાઓ કે આરોગ્ય સેવાઓને વધુ સંગીન બનાવવા પર ભાર ઓછો મૂકવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ અને હેલ્થ સુવિધા સારી કરવા પર પણ ફોકસ કરાવું જોઈએ. જે અત્યારે ઓછું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો સરકારી શાળાઓની સંખ્યા ઘટી રહી છે.
સરકારના ફંડની વાત કરવામાં આવે તો સરકારને દેશમાંથી ફંડ મળી શકે છે. સરકાર દેશમાંથી જ લોકો પાસે સાતથી આઠ ટકા વ્યાજે પૈસા આસાનીથી ઊભા કરી શકે છે. આંતરિક દેવું એ દેવુ જ નથી. બાહ્ય(વિદેશી) દેવું જ અર્થતંત્ર પર બોજ બને છે. સરકાર લોકોની બચત પર પૂરતું વ્યાજ આપશે તો તેના થકી દેશમાંથી જ મોટી રકમ એકત્રિત થઈ જશે. તેનું વ્યાજ જે સરકાર ચૂકવશે તે રકમ પણ દેશમાં જ ફરીથી વપરાશે. આમ સરકારને પૈસા મળશે. દેશનું અર્થતંત્ર ચાલશે. તેને માટે બહારથી દેવું વધારવાની જરૂર નથી. વિદેશથી આવતું ફંડ બહુ જ મોટી રકમ વિદેશમાં ખેંચી જાય છે. આ હકીકતને પણ ધ્યાનમા લેવાવી જોઈએ. વિદેશમાંથી દેશમાં પૈસા લાવવામાં આવે તો તેને કારણે વિદેશી હૂંડિયામણના ભાવમાં આવતો તફાવત જ સરકારને મોટા દેવામાં મૂકી દે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. એક ડૉલરના રૂ. 50નો ભાવ હોય ત્યારે સરકાર 100 કરોડનું દેવું કરે છે. આ દેવું ચૂકવવાનું આવે ત્યારે રૂપિયા સામે ડૉલરનો ભાવ 75 થઈ જાય છે. આમ મુદ્દલની ચૂકવણીમાં 50 ટકાનો વધારો થઈ જાય છે. તેના ઉપરનું વ્યાજ ચૂકવવાનું તો બાકી જ રહે છે. આ સંજોગોમાં આંતરિક દેવા પર ચૂકવવાના થતાં વ્યાજ કરતાં ઘણી મોટી રકમ આપણે વિદેશીઓને ચૂકવવી પડે છે.

મોનેટાઈઝેશન માટે કઈ કઈ મિલકતોનો ઉપયોગ કરવામાં આવશે?
નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનના માધ્યમથી સરકાર કુલ મળીને 2025 સુધીમાં રૂ. 6 લાખ કરોડ ઊભા કરવાનું આયોજન ધરાવે છે. તેના માધ્યમથી દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા માગે છે. સરકારી માલિકીની મિલકતો લીઝ પર આપીને આ ધ્યેય સિદ્ધ કરવા માગે છે. સરકાર પર આર્થિક દબાણ ન વધે તેવી રીતે આ કાર્ય સિદ્ધ કરવા માગે છે. સરકારની વણવપરાયેલી પડી રહેતી મિલકતને આસાનીથી લીઝ પર આપીને તેમાંથી નફો કમાવાનો સરકારનો ઇરાદો છે. તેનાથી સરકારને સતત આવક થતી રહે તેવા ગણિતો પણ માંડવામાં આવેલા છે. આ મિલકતો લીઝ પર લેનારાઓ પાસેથી ચુસ્ત પરફોર્મન્સની પણ અપેક્ષા રાખવામાં આવશે. નીતિ આયોગે આ માટેના આયોજનની વિગતો પણ જાહેર કરી છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન હેઠળ સરકાર રૂ. 43 લાખ કરોડનો ખર્ચ કરવા માગે છે. આ ખર્ચના 14 ટકા જેટલા જ નાણાં નેશનલ મોનેટાઈઝેશન પ્લાન હેઠળ ઊભા કરવામાં આવી રહ્યા છે. હા, આ મોનેટાઈઝેશન પછી સરકારને નિયમિત તેના થકી કેટલી આવક થાય છે તે પણ જોવાનું રહેશે. સરકારને પણ પરવડે તે રીતે તેના થકી આવક થવી જરૂરી છે. ગેસ અને પેટ્રોલિયમની પાઈપલાઈનના નેટવર્કનો પણ આ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. આ એક વિરાટ કામગીરી છે. તેમાં કેટલી સફળતા મળશે તે આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.
– રૂ. 1.60 લાખ કરોડના મૂલ્યના રસ્તાઓ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ તૈયાર કરવા આપી દેવામાં આવશે. તેનાથી થનારી આવકનો માર્ગ પરિવહન અને હાઈવે મિનિસ્ટ્રી તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઉપયોગ કરશે. કુલ મળીને 26,700 કિલોમીટર રસ્તાઓને આ આયોજન હેઠળ આવરી લેવામાં આવશે. દેશના કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગની તુલનાએ પીપીપીમાં ફાળવી દેવામાં આવનારા રસ્તાની ટકાવારી 22ની થાય છે. ટોલ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરના સિદ્ધાંત પર આ રસ્તાઓ ડેવલપ કરવાની કામગીરી સોંપવામાં આવશે.
– ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હેઠળ આ કાર્ય પાર પાડવામાં આવશે. રેલવે તેના સ્ટેશન્સ, ટ્રેક અને પેસેન્જર ટ્રેન પીપીપીના ધોરણે ફાળવી દેશે. કોંકણ રેલવેનો આખો હિસ્સો પણ પીપીપીના ધોરણે આપી જ દેવામાં આવશે.
– ભારતમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાબા હેઠળના 25 એરપોર્ટ પણ પીપીપીના ધોરણે ફાળવી દેવામાં આવશે. તેના થકી સરકારને રૂ. 1.52 લાખ કરોડનો લાભ થવાની ધારણા મૂકવામાં આવી છે. તેમાં વારાણસી, ચેન્નઈ, નાગપુર, ભુવનેશ્વર એરપોર્ટના મોનેટાઈઝેશનની કામગીરી 2025 સુધીમાં પૂરી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાંથી સરકારને રૂ. 20,782 કરોડની આવક થવાનો અંદાજ છે.
– વીજ વિતરણની કામગીરીનું પણ મોનેટાઈઝશન કરાશે. આ સેક્ટરમાંથી રૂા. 45,200 કરોડ ઊભા કરવામાં આવશે. ટ્રાન્સમિશનની અસ્ક્યામતો કુલ 28,608 સર્કિટ કિલોમીટરની થાય છે. તેનાથી કદાચ ઓછી આવક થશે. તેથી ટ્રાન્સમિશન ચાર્જમાં વધારો થશે. પરિણામે વીજળીનું બિલ વધવાની શક્યતા રહેલી છે.
– કોલસાના ઉત્ખનનની કામગીરીનું મોનેટાઈઝેશન કરવામાં આવશે. તેના થકી રૂા. 28,747 કરોડનો ફાયદો થઈ શકે છે. તેમાં 17 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. માઈન ડેવલપર અને ઓપરેટરના મોડલ પર આ કામગીરી કરાવવામાં આવશે. આ પ્રકારના 160 પ્રોજેક્ટ મોનેટાઈઝેશન માટે તૈયાર છે. તેનો ઉપયોગ કોલસાના સંચય માટે સિલો-કોઠાર બાંધવા માટે કરવામાં આવશે. ઉત્ખનન માટેની ખાણની વ્યાપારી ધોરણે હરાજી કરવામાં આવશે.
– ટેલિકોમ સેક્ટરની રૂા. 35,100 કરોડની અસ્ક્યામતો મોનેટાઈઝેશન હેઠળ આવરી લેવામાં આવશે. તેમાં 2.86 લાખ કિલોમીટરની ઓપ્ટીકલ ફાઈબરની લાઈનનો સમાવેશ થાય છે. બીબીએનએલ અને બીએસએનએલને ભારતનેટના ગ્રામીણ વિસ્તારમાં બ્રોડબેન્ડ નેટવર્ક પૂરું પાડવા માટે કરવામાં આવશે.
– બંદર, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલયના સંચાલન હેઠળની રૂા. 12,828 કરોડની મિલકોત આગામી ચાર વર્ષમાં મોનેટાઈઝેશન માટે ઉપયોગમાં લેવામાં આશે. તેમાં 9થી 12 મોટા પોર્ટ્સને પહેલા વિકસાવવામાં આવશે. બીજા 31 પ્રોજેક્ટને પણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ આપવા માટે શોર્ટલિસ્ટ કરી રાખવામાં આવ્યા છે.
– સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના તાબા હેઠળના ગોદામોની મિલકતનો પણ મોનેટાઈઝેશન હેઠળ ઉપયોગ કરવાનું આયોજન છે. તેના થકી રૂા. 28,900 કરોડની આવક કરવાનું સરકારનું આયોજન છે.
– નેશનલ મોનેટાઈઝેશન પ્લાન હેઠળ સરકારે તૈયાર કરેલી હાઉસિંગ સોસાયટીઓ પણ 2025 સુધીમાં આવરી લેવામાં આવશે. દિલ્હીમાં આવેલી સરકારી મિલકતો અને આઈટીડીસીના હોટેલ્સનો તેમાં સમાવેશ થાય છે. તેના થકી સરકાર રૂા. 15000 કરોડની આવક કરવાનું લક્ષ્યાંક રાખે છે.
– ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, પાવરગ્રીડ, એનટીપીસી, એનએચપીસી, એનએલસી, ગેઈલ અને એચપીસીએલ જેવી સરકારી કંપનીઓના શેર્સ પણ ઓફલૉડ કરવામાં આવશે.
ભારતીય અર્થતંત્ર ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં?
અર્થતંત્રની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ પટેલ કહે છે, “દેખાય છે તેવું છે નહિ. સાચા આંકડા બહાર આવતા નથી. દેશના અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે, શેરબજારની તેજી થકી. ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણએ અર્થતંત્રની ગતિ હોવાનુ જણાતું નથી. બેરોજગારીનો દર વધી રહ્યો છે તે તેનો બોલતો પુરાવો છે. કોરોના પહેલાના જીડીપીનો રેટ જોઈએ તો પણ કહી શકાય કે 2015માં 8 ટકા હતો તે આજે ઘટીને 4 ટકા થઈ ગયો છે. સરકારની ફેલ્યર દેખાઈ રહી છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી વેપારીઓને ઇગ્નોર કરી રહી છે. આજ વેપાર માટેની અનુકૂળતા નથી. તેમની સમસ્યાઓની અવગણના થઈ રહી છે. મેક ઈન ઇન્ડિયાના કોન્સેપ્ટમાં તે દબાઈ ગયો છે. જીએસટીના અયોગ્ય અમલીકરણ અને નોટબંધીને કારણે જીડીપી નીચે આવ્યો છે. ગામડાંના નાના ધંધાદારીઓ તૂટી રહ્યા છે. નાના ધંધાદારીઓ 60 ટકા છે. તેમની હાલાકી વધી છે. તેમને કારણે જ 2008ની મંદીમાં આપણે ટકી ગયા તેનું કારણ પણ નાના વેપાર ઉદ્યોગ જ છે.”