વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોએ ખાસ કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ, આ રહ્યા 4 મજબૂત કારણો

કોઈ પણ વેપારી કે ઉદ્યોગ સાહસિક જ્યારે બચત કે રોકાણ કરે તો તેનો આશય ફક્ત એક જ હોય છે કે તેમાંથી તેમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રિટર્ન મળે. મહદંશે વેપારીઓ માને છે કે આ માટે તેમના હાલના ધંધામાં જ મોટાભાગની કમાણી નાંખી દેવાથી તેમને ખૂબ ફાયદો થશે. એ વાત સ્વાભાવિક છે કે પોતાના ધંધામાં રોકાણ કરવું એ કોઈપણ બિઝનેસ માટે ટોચની પ્રાથમિકતા જ હોય. સારો બિઝનેસ તેના પ્રમોટર્સ માટે પણ આકર્ષક કમાણીના રસ્તા ખોલી જ આપે છે. જો કે હું માનું છું કે બિઝનેસમેન કે ઉદ્યોગસાહસિકોએ તેમની કમાણીનો થોડો હિસ્સો નિયમિત ધોરણે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકવો જ જોઈએ. આ માટે મારી પાસે કેટલાક નક્કર કારણો છે જે હું અહીં રજૂ કરવા જઈ રહ્યો છું. તેમના અંગત આર્થિક લક્ષ્યાંકો પૂરા કરવા માટેઃ બિઝનેસ વધારવા માટે વેપારીઓ પોતાની બધી જ આવક તેમના હાલના ધંધામાં જ રોકી દે છે. ઘણા વેપારીઓ ધંધા માટે બાળકોના ભણતર તથા લગ્ન, ઘરની ખરીદી, પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વીતાવવા માટે વેકેશન વગેરે જેવા અંગત કે પારિવારિક ધ્યેયોને પણ સાઈડમાં મૂકી દે છે. આ બધા લક્ષ્યાંકો પૂરા કરવા માટે ધંધાની બહાર, બીજી જગ્યાએ રોકાણ કરવું ખૂબ જ આવશ્યક છે. જ્યારે આવી કોઈ અંગત જરૂરિયાત ઊભી થાય ત્યારે ધંધામાંથી તેના માટે પૈસા કાઢવા કોઈ વેપારી માટે યોગ્ય ન ગણાય. ધારો કે, બાળકના ઉચ્ચ શિક્ષણ માટે કે પછી લગ્ન માટે વેપારી પોતાના ધંધામાંથી લાખો રૂપિયા ઉપાડે તો તેની સીધી અસર તેના બિઝનેસ પર જોવા મળી શકે છે અને બિઝનેસની ગતિ પર બ્રેક પણ વાગી શકે છે. આથી એક બિઝનેસમેન માટે ખૂબ જ જરૂરી છે કે તે તેના પોતાના બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ અને અંગત જરૂરિયાત માટેના રોકાણોને એકદમ જુદા જુદા જ રાખે. બિઝનેસના ઉતાર-ચઢાવથી રક્ષા મેળવવા માટેઃ જે-તે ધંધા સાથે જોડાયેલો વેપારી પોતાની આવડતના જોરે અથવા તો તે જે પ્રોડક્ટ કે સેવા પૂરી પાડતો હોય તેની બજારમાં સારી માંગ હોય તો તેના જોરે બિઝનેસમાં ખૂબ સારુ પ્રદર્શન કરતો હોય તેવું શક્ય છે. જો કે એ વાત જગજાહેર છે કે દરેક બિઝનેસમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરે છે. સરકારના નિયમોમાં આવતા પરિવર્તન, ગ્રાહકોની બદલાતી પસંદ કે ટ્રેન્ડ્સ, આકરી પ્રતિસ્પર્ધા અને બીજા અનેક કારણોસર એકદમ સડસડાટ દોડતા બિઝનેસ ઉપર પણ એકાએક બ્રેક વાગી જાય તેવું બની શકે. આથી એક વેપારી માટે બેક-અપ પ્લાન બનાવવો જરૂરી છે. વેપારી માટે વિવિધતાસભર બિઝનેસ હોવો જરૂરી છે જેથી જો એક બિઝનેસમાં તકલીફ ઊભી થાય તો તે બીજા બિઝનેસના જોરે કપરા સમયમાં ટકી શકે. જો કે જે વેપારી પોતાના ધંધામાં વિવિધતા આણવા માંગતો હોય તેના માટે નવા બિઝનેસના દરેક પાસા અંગે શીખવું, તેમાં ફરીથી રોકાણ કરવું, તેના માટે એક સક્ષમ ટીમ બનાવવી અને નફો આવવાની રાહ જોવી શક્ય ન બની શકે. ઈક્વિટી તથા મ્યુચ્યુઅલ ફંડમાં રરોકાણ કરીને વ્યક્તિ તેની આવકનો અમુક હિસ્સો બીજા પ્રતિષ્ઠિત, સારી રીતે ચાલતા અને વિકસતા બિઝનેસમાં રોકી શકે છે. ઈક્વિટી ફંડ રોકાણકારોના પૈસા જુદા જુદા અને જેનો ટ્રેક રેકોર્ડ ખૂબ સારો હોય તેવા સારી ગુણવત્તાના અને ઝડપથી વિકસતા બિઝનેસમાં રોકે છે. આમ ઈક્વિટી ફંડોમાં રોકાણ કરીને નવો બિઝનેસ ઊભો કર્યા વિના જ વેપારી બીજાના વિકસતા બિઝનેસમાં રોકાણ કરીને પોતે પણ સારા એવા પૈસા કમાઈ શકે છે. માર્કેટમાં ઊભી થયેલી તકોનો લાભ મેળવવા માટેઃ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, “આજ કાલ ઓટો કંપનીઝ ખૂબ સારુ પ્રદર્શન કરી રહી છે. સોફ્ટવેર કંપનીઓ ગ્લોબલ માર્કેટમાંથી સારો એવો નફો કમાઈ રહી છે.” તેનો અર્થ એ થયો કે આપણને ખ્યાલ છે કે અમુક બિઝનેસ સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને તેના માલિકો સારો એવો નફો કમાઈ રહ્યા છે. આ જાણવા છતાંય દરેક બિઝનેસમેન માટે જે જે બિઝનેસ સારુ પરફોર્મ કરતો હોય કે આકર્ષક જણાતો હોય તેમાં ઝંપલાવવું શક્ય નથી. બીજુ ઉદાહરણ લઈએ તો, આપણે જાણતા હોઈએ કે સરકાર દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં સારા એવા રૂપિયા ખર્ચી રહી છે તો પણ દરેક બિઝનેસમેન માટે આ તકનો લાભ ઊઠાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કંસ્ટ્રક્શન, એન્જિનિયરિંગ કંપનીમાં રોકાણ કરવું શક્ય નથી. સારા અને ઝડપથી વિકસતા ઈક્વિટી ફંડ જે કંપનીઓ પોતાના શેરહોલ્ડરોને સારુ રિટર્ન આપતી હોય તેની પરખ કરવાની કોશિશ કરે છે અને પછી તેમાં રોકાણ કરે છે. આથી આવા ઈક્વિટી ફંડમાં રોકાણ કરવાથી બિઝનેસમેનને પણ માર્કેટમાં જે કંપનીઓ સારુ પરફોર્મ કરતી હોય તેના ગ્રોથનો લાભ મળે છે. 1 દિવસથી 1 વર્ષ સુધી લિક્વિડ ફંડ પાર્ક કરીને કમાવાની તકઃ બિઝનેસમેન કે ઉદ્યોગસાહસિકો તેમની વધારાની બચત, ધંધાની આવકને 1 દિવસથી 1 વર્ષના ગાળા સુધી ઓવરનાઈટ ફંડ કે લિક્વિડ ફંડમાં રોકી શકે છે અને આ ગાળામાં તેના પર તગડું રિટર્ન પણ મેળવી શકે છે. જો પ્રોપ્રાઈટરશીપ એકાઉન્ટ, પાર્ટનરશીપ કે ખાનગી કંપનીનું કરન્ટ એકાઉન્ટ હોય તો બિઝનેસમેનને તેના પર કોઈ વ્યાજ નથી મળતું. તેઓ આ સરપ્લસ ઓવરનાઈટ ફંડ કે લિક્વિડ ફંડમાં રોકી શકે છે. તેના પર તેમને 4થી 5 ટકા રિટર્ન મળે છે. હાલ કરન્ટ એકાઉન્ટમાં શૂન્ય રિટર્ન મળે છે તેના કરતા તો 4 ટકા રિટર્ન સારુ જ છે. તમે ફક્ત ધંધામાં જ પૈસા નાંખવાને બદલે જુદી જુદી જગ્યાએ રોકાણ કરીને તમારો બિઝનેસ ખૂબ સારી રીતે વિકસાવી શકો છો. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી બીજા બિઝનેસમાં રોકાણ કરીને તમે તમારા પોતાના બિઝનેસને વિવિધતાસભર બનાવી શકો છો અને માર્કેટમાં બીજા સેક્ટરમાં ઊભી થયેલી તકોનો પણ ભરપૂર ફાયદો ઊઠાવી શકો છો. આ ફંડ તમને આકર્ષક રિટર્ન આપીને ભવિષ્ય માટે ખૂબ સારી મૂડી ઊભી કરવાની તક આપશે. આ મૂડીથી તમે તમારા અંગત આર્થિક લક્ષ્યાંકો પૂરા કરવા માટે મૂડી સર્જન કરી શકો છો. બિઝનેસમાં સફળતા મેળવવા માટે લાંબા ગાળાનું આયોજન કરવું ખૂબ આવશ્યક છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સારુ રોકાણ એ તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં ચોક્કસ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
– ગૌરવ સિંઘવી, વેલ્થ એડવાઈઝર, બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટ