રિજ્યોનલ ચેમ્બર્સ સાથે ગુજરાત ચેમ્બરનું ઓરમાયું વર્તન? સ્થાનિક મંડળોમાં ભારે નારાજગી
રિજ્યોનલ ચેમ્બર્સ સાથે ગુજરાત ચેમ્બર વહાલા-દવલાનો ભેદ કરતું હોવાનો આક્ષેપ
નારાજગીને કારણે માતૃસંસ્થા GCCIથી છૂટા પડી રહેલા વેપારી મંડળો પેરેલલ ચેમ્બરની તલાશમાં
કમિટીમાં સભ્યોને સ્થાન આપવામાં પક્ષપાત થતો હોવાની સ્થાનિક ચેમ્બરોની ફરિયાદ

સમગ્ર ગુજરાતના વેપાર-ઉદ્યોગોની સમસ્યાને અવાજ આપવા અને તેમનું સરકાર સમક્ષ પ્રતિનિધિત્વ કરવા માટે 1949માં ગુજરાત વેપારી મહામંડળ એટલે કે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે આ સંસ્થા સારી એવી ફૂલીફાલી છે અને સમગ્ર ગુજરાતમાં તેના 6000 જેટલા સભ્યો છે. સ્થાનિક વેપારીઓના પ્રશ્નોને અવાજ આપવા માટે ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર સહિત ગુજરાતના તમામ અગ્રણી શહેરોમાં રિજ્યોનલ ચેમ્બરની સ્થાપના કરવામાં આવી છે. GCCI આ તમામ સંસ્થાઓની માતૃસંસ્થા તરીકે ભૂમિકા નિભાવે છે. જો કે છેલ્લા કેટલાંક વર્ષોથી સ્થાનિક ચેમ્બરો તરફ ગુજરાત ચેમ્બર ઓરમાયું વર્તન કરતી હોવાની ફરિયાદ પ્રબળ બની છે. રિજ્યોનલ ચેમ્બરના સભ્યોને GCCIમાં પૂરતું પ્રધાન્ય ન મળતું હોવાથી, તથા કમિટીમાં સભ્યોની પસંદગીમાં પણ પક્ષપાત થતો હોવાની લાગણીને કારણે સ્થાનિક ચેમ્બરો હવે ગુજરાત ચેમ્બરનું સભ્યપદ ચાલુ રાખવા અંગે ઉદાસીન બની રહી છે. ભાવનગરનું જ ઉદાહરણ લઈ લો. ભાવનગરમાં બે ચેમ્બર ઑફ કોમર્સ આવેલી છે- સૌરાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સભ્યો GCCIની કામગીરીથી અસંતુષ્ટ છે. 1200 સભ્યો ધરાવતા આ ચેમ્બરને GCCIની કોઈ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે મુખ્યત્વે વેપારીઓનું સભ્યપદ ધરાવતી અને 700થી 800ની સભ્યસંખ્યા ધરાવતી સૌરાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સભ્યોને ચેમ્બરની કમિટીમાં સ્થાન અને તેમની સમસ્યા રજૂ કરવાનો મોકો આપવામાં આવે છે.

દેવલ શાહ, પ્રમુખ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
આ અંગે વાત કરતા ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ દેવલ શાહ જણાવે છે, “સૌરાષ્ટ્ર ચેમ્બર મહદંશે ભાવનગર પૂરતું સીમિત છે અને તેના મોટાભાગના સભ્યો ટ્રેડ સાથે સંકળાયેલા છે. જ્યારે ભાવનગરમાં શિહોર, મહુઆ અને ભાવનગરમાં ધમધમતી પ્લાસ્ટિક, કેમિકલ, ફાઉન્ડ્રી, રોલિંગ મિલ્સ, ઓક્સિજન પ્લાન્ટ, સોલ્ટ ઈન્ડસ્ટ્રી જેવી ઈન્ડસ્ટ્રીઝના 1200 જેટલા સભ્યો છે. આમ છતાં ગુજરાત ચેમ્બરની કોઈ કમિટીમાં અમારા સભ્યોને સ્થાન નથી મળતું. જો છ-સાત કમિટીમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના સભ્યોને લેવાયા હોય તો ત્રણ-ચારમાં ભાવનગરના સભ્યોને પણ સ્થાન મળવું જ જોઈએ. આ કારણે અમારા પ્રતિનિધિઓને યોગ્ય રજૂઆતનો મોકો નથી મળતો. લેખિત રજૂઆત કરીએ તો GCCI તરફથી તેનો યોગ્ય પ્રત્યુત્તર નથી મળતો. અમારું કહેવું એટલું જ છે કે ચેમ્બરે બેલેન્સ રાખીને ચાલવું જોઈએ. ચેમ્બરની વર્તણૂંકને કારણે હાલ સભ્યોમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે. આ કારણેGCCIમાં રજૂઆત કરવામાં કે તેની પ્રવૃત્તિમાં ભાગ લેવાનો સ્થાનિક ચેમ્બરનો ઉત્સાહ ઓછો થઈ જાય છે અને તે પેરેલલ ચેમ્બર શોધવા માંડે છે જેની સાથે તે જોડાઈ શકે.”
જે શહેરોમાં ઉદ્યોગ-ધંધા વધુ ફૂલ્યા ફાલ્યા હોય ત્યાં એક કરતા વધારે વેપારી મહાજન મંડળ બને તે સ્વાભાવિક છે. આવામાં ગુજરાત ચેમ્બર એક સંસ્થાને રિજ્યન ચેમ્બર તરીકે મહત્વ આપે અને બીજીની અવહેલના કરે તે સ્થાનિક ચેમ્બરોને માફક નથી આવી રહ્યું. ખાસ કરીને છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ગુજરાત ચેમ્બર તરફથી વધુ ઓરમાયું વર્તન થતું હોવાની ફરિયાદ કરતા ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મહેન્દ્રભાઈ શાહ જણાવે છે, “હું પોતે GCCIની કારોબારીમાં સભ્ય અને એનર્જી કમિટીનો વાઈસ ચેરમેન રહી ચૂક્યો છું પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી બધુ ખોરવાઈ ગયું છે. GCCIમાં હવે અમારી સંસ્થાના સભ્યોને સ્થાન નથી આપવામાં આવતું. શરૂઆતમાં તો અમે કાગળ લખીને રજૂઆત પણ કરતા હતા પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા છેલ્લા બે વર્ષથી અમે એ પણ બંધ કરી દીધું છે. અમને એવું લાગે છે કે GCCIએ મહાજન તરીકે યોગ્ય સમીક્ષા કરીને કમિટીમાં કોને લેવા, કોને ન લેવા તેનો નિર્ણય કરવો જોઈએ. અમારે સામેથી પ્રતિનિધિત્વની માંગણી કરવાની જરૂર ન પડવી જોઈએ.” લઘુ ઉદ્યોગોની સમસ્યાને વાચા આપતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપનાને પણ હાલ 66 વર્ષ થઈ ગયા છે. તેના કરતા પાંચ જ વર્ષ પૂર્વે સ્થપાયેલી GCCI દ્વારા થતું ઓરમાયું વર્તન તેમને ખટકે તે સ્વાભાવિક છે. જો કે તેઓ સ્પષ્ટપણે માને છે કે ગુજરાતમાં એક મહાજન એવું હોવું જોઈએ જે આખા ગુજરાતના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે. આથી ચેમ્બરની અવહેલના છતાંય તેઓ ચેમ્બરનું સભ્યપદ જાળવીને બેઠા છે. GCCIની કમિટીમાં પ્રતિનિધિત્વ ન મળવાને કારણે પડતી મુશ્કેલીઓ અંગે વિગતે જણાવતા મહેન્દ્રભાઈ શાહ જણાવે છે, “સૌરાષ્ટ્ર ચેમ્બરમાં મોટે ભાગે સભ્યો વેપારી છે. ટ્રેડ કરતા ઈન્ડસ્ટ્રીમાં સમસ્યાઓ ઘણી વધારે અને જટિલ હોય છે. આથી ટ્રેડના પ્રમુખ કે સેક્રેટરી ઉદ્યોગોની સમસ્યા યોગ્ય રીતે સમજી નથી શકતા અને તેની ઉપર યોગ્ય રજૂઆત નથી કરી શકતા.” આવામાં સ્થાનિક ચેમ્બર્સની અપેક્ષા છે કે ફક્ત સ્થાપિત હિતોને ચેમ્બરની કમિટીમાં સ્થાન આપવાને બદલે પક્ષપાત વિના સૌને કમિટીમાં સ્થાન મળે તો ઉદ્યોગોની સમસ્યાને યોગ્ય પ્રતિનિધિઓ વાચા આપી શકશે. ગુજરાત ચેમ્બર દ્વારા કરાતા ઓરમાયા વર્તનને કારણે રિજ્યોનલ ચેમ્બર્સ હવે ફેડરેશન ઑફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ, સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવા વેપારી મંડળો સાથે મળીને પોતાની સમસ્યા આગળ રજૂ કરતા થયા છે.

ધનસુખભાઈ વોરા, પ્રમુખ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ
GCCIના આવા જ વર્તનને કારણે તેની સાથે છેડો ફાડી નાંખનાર ગ્રેટર રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઈ વોરા પણ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ તથા ચેરમેન સાથે સંમત થતા જણાવે છે, “વાસ્તવમાં તો બોર્ડ મેમ્બર તરીકે કોની નિમણૂંક કરવી તેના નિશ્ચિત ક્રાઈટેરિયા હોવા જોઈએ. અત્યારે તો બોર્ડની ઈચ્છા થાય તે મુજબ સભ્યોની પસંદગી થાય છે. ચેમ્બરમાંથી એવો જવાબ મળ્યો કે જે સ્થાનિક ચેમ્બર્સમાં વધુ સભ્ય સંખ્યા હોય અને સારુ કામ કરતા હોય તેમને કમિટીમાં સ્થાન મળે છે. રાજકોટ ચેમ્બરમાં 800 સભ્ય છે, તેમાંય એક્ટિવ સભ્યોની સંખ્યા માત્ર 600 જ છે. તેની સામ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સમાં 1700 સભ્યો છે. તો પછી ગ્રેટર રાજકોટ ચેમ્બરના સભ્યોને કમિટીમાં સ્થાન કેમ ન અપાયું તેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. GCCI રાજ્ય સ્તરે વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનારી માતૃસંસ્થા છે. તેમાં વ્હાલા-દવલાની નીતિ ચાલે તે યોગ્ય નથી. આનો અર્થ એ થયો કે ચેમ્બર હવે વેપારી સંસ્થા નથી રહી. કાં તો રાજકીય માણસોના સંચારથી કામ થાય છે અથવા તો ચેમ્બરના ટોચના સભ્યો રાજકીય લાભ લેવા કામ કરતા હોય તેવું જણાય છે.” ધનસુખભાઈ વોરા વધુમાં એ પણ જણાવે છે કે ચેમ્બર એ ગુજરાતના વેપારીઓની માતૃસંસ્થા છે. વિદેશમાં ડેલિગેશન મોકલવાનું હોય, રાજ્ય કે રાષ્ટ્ર સ્તરે વેપારીઓનું પ્રતિનિધિત્વ કરવાનું હોય તો સરકાર GCCIને જ કહે છે. આથી બધી જ રિજ્યોનલ ચેમ્બર્સને સાથે લઈને ચાલવું એ ચેમ્બરની ફરજ છે. અમદાવાદમાં નાના વેપારીઓ માટે આકાર લઈ રહી છે અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ કોરોનાએ નાના વેપારીઓની મુશ્કેલીમાં પારાવાર વધારો કરી દીધો છે. આવા સંજોગોમાં તેમની સમસ્યાને યોગ્ય વાચા મળે તે માટે અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર તન્ના જણાવે છે, “દરેક વેપાર માટે જુદા જુદા એસોસિયેશનો છે પરંતુ આખા શહેરના વેપારીઓને સીધા જોડતું કોઈ સંગઠન નથી. આ સંસ્થા તે શૂન્યવકાશ દૂર કરવા કાર્ય કરશે.”

અશોક પટેલ, વાઈસ ચેરમેન, અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન
અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના વાઈસ ચેરમેન અશોક પટેલ (મસ્તાવાલા)એ આ નવનિર્મિત સંસ્થાના ધ્યેય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “અમદાવાદ શહેરની સીમાઓ વિસ્તરી રહી છે. અમદાવાદના વિકાસ અને વિસ્તાર સાથે વેપારીઓના પ્રશ્નોમાં પણ વધારો થઈ રહ્યો છે. મોટા ઉદ્યોગોની સમસ્યાને વાચા આપવા તો પ્લેટફોર્મ છે પણ નાના વેપારીઓની તકલીફોની રજૂઆત કોર્પોરેશન કે સત્તાધીશો સમક્ષ મજબૂત રીતે થઈ શકે તે માટે અમે અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ અને વેલ્ફેર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.”
અમદાવાદના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને આ એસોસિયેશનમાં ઝોન મુજબ વિવિધ કાર્ય સમિતિઓ પણ હશે. તેની ફી પણ સામાન્ય રાખવામાં આવી છે જેથી નાનામાં નાના વેપારી પણ તેના સભ્ય બની શકે. ઓટોમોબાઈલ, ગારમેન્ટ, જ્વેલરી, ફૂટવેર, કટલરી, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચરથી માંડીને કેમિસ્ટ તથા કરિયાણાની દુકાન ચલાવતા વેપારીઓ કે શાક-ફ્રૂટનો ધંધો કરતા વેપારીઓ પણ આ નવી સંસ્થા સાથે જોડાઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં અમદાવાદના 70 જેટલા એસોસિયેશનો આ સંસ્થા સાથે જોડાય તેવી ગણતરી છે. ACCWFએ સ્થાપનાની સાથે જ વેપારીઓને સતાવતા પ્રશ્નોનો હલ લાવવાની દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેમણે પહેલો મુદ્દો ફાયર ઈન્શ્યોરન્સ અને ફાયર ઑડિટિંગનો ઊઠાવ્યો છે. આ પહેલ અંગે વિસ્તારે વાત કરતા જયેન્દ્ર તન્નાએ જણાવ્યું, “નાનામાં નાના વેપારીને વાજબી દરે રૂ. 5 લાખ સુધીનું ફાયર ઈન્શ્યોરન્સ કવરેજ મળી રહે તે માટે ટાટા એઆઈજી તથા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બ્રોકરેજ સાથે મળીને અમે કામ કરી રહ્યા છે.” આ ફાઉન્ડેશન સાથે જોડાયેલા વેપારીઓને રૂ. 1200 કે રૂ. 1400ના બદલે રૂ. 1000ના પ્રિમિયમમાં રૂ. 5 લાખ સુધીનું ઈન્શ્યોરન્સ કવરેજ મળશે. વેપારીઓએ દર વર્ષે કરાવવા પડતા ફાયર ઑડિટિંગની જટિલ પ્રક્રિયાને આસાન બનાવવા માટે ફાઉન્ડેશન ‘ઈન્ટિગ્રિટી’ કન્સલ્ટન્સી સાથે મળીને વાજબી દરે ફાયર ઑડિટિંગ કરાવી આપવાની દિશામાં ડગ માંડી રહ્યું છે.