આ વર્ષે સોનામાં ઇન્વેસ્ટ કરાય ખરું?
સોનામાં કરવામાં આવેલા રોકાણનું મૂલ્ય પહેલા 13 વર્ષે અને હવે સાતથી આઠ વર્ષે બમણુ થાય છેઃ હર્ષવર્ધન ચોકસી

સોનાના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. 2021ના વર્ષમાં સોનામાં આ ચાલ જળવાઈ રહેશે કે કેમ તે રોકાણકારોને કે પછી પારિવારિક ખરીદારોને ખબર નથી. તોફાની વધઘટના આ સમયમાં સોનામાં રોકાણ કરવું કે નહિ એ સવાલ રોકાણકારોને મૂંઝવી રહ્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામને સોના પરની ડ્યૂટીમાં 2.5 ટકાનો ઘટાડો કરીને દુબઈથી સ્મગલિંગ કરનારાઓ પર બ્રેક લગાવવાની કોશિશ કરી છે. દુબઈમાં પણ સોના પર 7 ટકાની આસપાસનો ટેક્સ લાગે જ છે. ભારતમાં એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે લગાડેલ 2.5 ટકાનો સેસ જ વધારાનો છે. પરિણામે સોનાની દાણચોરીનું આકર્ષણ ઓછું થઈ રહ્યું છે. જોકે બજેટમાં સોના પરની ડ્યૂટીમાં 2.5 ટકાનો ઘટાડો કરવામાં આવતા ભાવ રૂ. 1500 જેટલા તૂટ્યા હતા. અમદાવાદ ચોકસી મહાજનના પૂર્વ પ્રમુખ હર્ષવર્ધન ચોકસીનુ કહેવું છે કે 1925ની સાલમાં સોનાના ભાવ રૂ. 13(10 ગ્રામ) હતા. આજે રૂ. 50,000ની આસપાસ છે. ચાંદીના ભાવ રૂ.65 (કિલો) હતા. આજે તેના ભાવ રૂ. 65000ના છે. એક જમાનામાં સોના અને ચાંદીના ભાવ અનુક્રમે 13 અને 17 વર્ષે બમણા થતા હતા. આજે 7થી 8 વર્ષે ડબલ થાય છે. તેથી અન્ય ઇન્વેસ્ટમેન્ટ કરતાં સોનામાં રોકાણ કરવાનું આકર્ષણ રહે છે. સોના અને ચાંદીમાં થતાં ભાવ વધારા માટે સામાજિક કારણો પણ જવાબદાર છે.
સોનું ખરીદવા પાછળના સામાજિક કારણોમાં લગ્ન જેવા પારિવારિક પ્રસંગો છે. કઠણાઈના સમયમાં સોનું સાથે હોય તો તે રોકડ સમાન જ હોવાનું માનીને લોકો ચાલતા હોવાથી સામાન્યમાં સામાન્ય પરિવાર સંકટ સમયની સાંકળ તરીકે સોનું ખરીદે છે. અમદાવાદની બિઝનેસ વુમન પૂનમ મહેતા કહે છે કે, “હું સોનામાં એટલે રોકાણ કરું છું કે સોનામાં કરેલા રોકાણના નાણાં જોઈએ ત્યારે કોઈપણ પ્રોસિજર વિના જ પાછા મેળવી શકાય છે. ફિક્સ ડિપોઝિટ કરી હોય તો તેને વટાવવા માટે એકાદ દિવસની પ્રોસિજર કરવી પડે છે. ઇમરજન્સીના સમયમાં અડધા કલાકમાં સોનું વટાવી શકાય છે. બીજું, સોનું સાચવવામાં મોટી જગ્યા રોકાતી નથી. ત્રીજું, સોનાના ભાવ સાવ જ તૂટી જવાની શક્યતા બહું જ ઓછી છે. તેથી તે સલામત રોકાણ છે. ટેક્સનો લાભ લેવા માટે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલા નાણાં ત્રણેક વર્ષ રાખી મૂકવા પડે છે. તેવી મુદત સોનામાં કરેલા રોકાણમાં નડતી નથી. આજે લઈને જરૂર પડે તો કાલે વેચી શકાય છે. સહી સિક્કા કરવા કે દસ્તાવેજો કરવાની ફરજ પડતી નથી.” પરિવાર માટે સોનું એક સલામત રોકાણ છે. સંકટ સમયની સાંકળ છે.
હર્ષવર્ધન ચોકસી સોનાના ભાવની વધઘટ માટે ચારથી પાંચ પરિબળો જવાબદાર હોવાનું જણાવે છે. તેમના મતે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવની સ્થિતિ, અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયાના ભાવ એટલે કે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ભારતીય રૂપિયાની વધઘટ, સારા પાક પછી ખેડૂતોની ખરીદી, શેરબજાર અને કોમોડિટી બજારના ભાવની સ્થિતિ, ખેતીનું ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન સોનાના ભાવને અસર કરે છે. ખેતીની ઉપજ અને ઔદ્યોગિક ઉત્પાદન વધે તો પણ સોનાની ખરીદી વધતાં ભાવ સુધરતા હોવાનું જોવા મળે છે. કૃષિ દરનો વિકાસ અને ઔદ્યોગિક ઉત્પાદનનો દર વધે ત્યારે સોનાના ભાવમાં સુધારો જોવા મળે છે. દેશના 60થી 80 ટકા ખેડૂતો પણ સોનાના રોકાણને સલામત રોકાણ તરીકે જોય છે. સારો પાક થાય અને આવક મળે એટલે સોનું ખરીદવા માટે ખેડૂતો નીકળી જ પડે છે. ઔદ્યોગિક ઉત્પાદન સારુ રહે તો લોકોની આવક વધે છે. આ સંજોગોમાં પણ લોકો સોનું ખરીદવાનું પસંદ કરતાં હોવાનું જોવા મળે છે. તેની અસર હેઠળ સોનાના ભાવ પણ વધે છે. સારો વરસાદ અને સરકારની ઉદ્યોગ માટેની સારી કે અનુકૂળ નીતિ પણ સોનાના ભાવમાં વધારો લાવી શકે છે. દુનિયાના કેટલાક દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો પણ સોનાના ભાવ વધી જાય છે. સોનાના બજારના ભાવને નાની નાની વસ્તુઓ અસર કરે છે. જ્વેલ પ્લસના પ્રમોટર જય બેગાની કહે છે, “રૂપિયાના ઘટતાં જતાં મૂલ્ય સામે હેજિંગ તરીકે પણ સોનામાં રોકાણ કરવામાં આવે છે. ફુગાવાને કારણે તમારી બચતના રૂપિયાનું મૂલ્ય ઘટે છે. બીજા શબ્દોમાં કહીએ તો રૂપિયાની ખરીદ શક્તિ ઘટે છે. ખરીદ શક્તિ જળવાઈ રહે અને તેમાં થોડો વધારો થાય તે માટે પણ સોનામાં રોકાણ કરવું જરૂરી છે. ફુગાવાનો દર વધે ત્યારે સોનાના ભાવમાં વધારો થઈ જાય તો રૂપિયાની ઘટેલી ખરીદ શક્તિને સોનાનો ભાવ વધારો સરભર કરી આપે છે. સોનામાં રોકાણ કરનારાઓ ક્યારેય હતાશ થયા નથી. આજે વિશ્વના બદલાતા સંજોગોમાં મોટા મોટા દેશો પણ સોનું ખરીદતા થયા છે. તેથી જ 2003થી સોનામાં સતત મજબૂત તેજી જોવા મળી છે. કોરાનાના કારણે વિશ્વના દેશોમાં આર્થિક અંધાધૂંધી જોવા મળી રહી છે. આ અંધાધૂંધી સામે રક્ષણ મેળવવા માટે વિશ્વના દેશો પણ સોનું ખરીદવા માંડ્યા હોવાનું જય બેગાનીનું કહેવું છે. તેઓ કહે છે કે કરન્સી ડેપ્રિશિયેશન સામે રક્ષણ આપવા સોનું સમર્થ છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોનું ખરીદી રહેલા દેશોમાં ચીન, અમેરિકા અને તુર્કસ્તાન ઉપરાંત ઇરાનનો સમાવેશ થાય છે. તદુપરાંત જેમની પાસે વધારાના નાણાં પડ્યા છે તેઓ તે નાણાંનો ઉપયોગ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટે કરી રહ્યા છે. દેશની કરન્સી ડીવેલ્યુ થાય ત્યારે પણ સોનું ખરીદવામાં આવે છે. ઇરાનની કરન્સી અત્યારે ડીવેલ્યુ થયેલી છે. જય બેગાની કહે છે, “આગામી બાર માસમાં સોનુ રૂ. 60,000નું મથાળું બતાવી શકે છે. આ તબક્કે ઇન્વેસ્ટરની વેચવાલી પણ આવી શકે છે. ભારતીયોનો સોનું ખરીદવાનો ક્રેઝ બજારની તેજીને ટકાવી રાખશે.” તેથી જ આજે ડિમેટ, ઇટીએફ-એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, ગોલ્ડ બોન્ડ તથા ફિઝિકલ સ્વરૂપમાં સોનાની લેવાલી જોવા મળી રહી છે. પહેલા ઇન્વેસ્ટમેન્ટ ગુરુ રોકાણ માટે માત્રને માત્ર શેરબજારની અને સ્ક્રિપ એટલે કે શેર્સની વાત કરતાં હતા. આજે તેમના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં સોનાના રોકાણે મજબૂત સ્થાન મેળવી લીધું છે. અમદાવાદના એન.એસ. જ્વેલ્સના પ્રમોટર જિગર સોની કહે છે, “હવે ઇન્વેસ્ટમેન્ટ ગુરૂ બચતના 20 ટકા નાણાં ગોલ્ડમાં પણ રોકવાની ભલામણ કરતાં થઈ ગયા છે.” સોનાની જેમ ચાંદીના બજારમાં પણ તેજીની ચાલ જોવા મળી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાના કાળમાં ધીમી પડેલી સોના ચાંદી બજારની રેવાલ હવે નોર્મલ સમય જેવી થઈ જ ગઈ છે. હા, ભાવ ઘટતા લેવાલી વધશે અને રોકડેથી સોનું ખરીદવાનું વલણ ઘટી શકે છે. કારણ કે રૂ. 2 લાખથી વધુ રકમનું સોનું ખરીદવા માટે પાનકાર્ડ સહિતની વિગતો આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે. જિગર સોની વધારામાં કહે છે કે, “2021 દરમિયાન સોનું ઉપરમાં રૂ. 60,000નું મથાળું અને નીચેમાં રૂ. 45000નું બોટમ બતાવી શકે છે.”