જીવનવીમા-આરોગ્યવીમાના પ્રીમિયમ પરનો જીએસટી 5 ટકા કે શૂન્ય ટકા થઈ શકે
ત્રીજી-ચોથી સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠક મળશે
- પ્રી પેકેજ્ડ પનીર, પિત્ઝા બ્રેડ, ખાખરા, રોટલી ઉપરાંત 18 ટકાના સ્લેબમાં મૂકેલાં પરોઠાંને શૂન્ય ટકાના સ્લેબમાં લઈ જવામાં આવે તેવી સંભાવના
- શૂન્ય ટકાની કેટેગરીમાં આવનારી ઘરવપરાશની ચીજવસ્તુઓના એચએસએન નંબર અંગે સ્પષ્ટતા કરી દેશે તો જ તેનો યોગ્ય લાભ ગ્રાહકોને મળશે
ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે મળનારી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠકમાં શૂન્ય ટકા જીએસટીના સ્લેબમાં આઈટેમ્સ વધારવાની વિશેષ ચર્ચા કરવામાં આવશે. પરિણામે ગરીબોના ઘરમાં જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થઈ જવાની ધારણા રાખવામાં આવી રહી છે. સરકાર 12 અને 18 ટકાનો સ્લેબ નાબૂદ કરી દેવા માગે છે.
જીએસટી કાઉન્સિલ 12 ટકા અને 28 ટકાનો સ્લેબ કાઢી નાખવા માગે છે. પાંચ અને અઢાર ટકાના બે જ સ્લેબ રાખવા માગે છે. રેવન્યુ ન્યૂટ્રલ ટેક્સ રાખવા માટે 28 ટકાના સ્લેબમાં આવતી અને અલ્ટ્રાલક્ઝરિયસ આઈટેમ્સની કેટેગરીમાં લઈ જવાય તેવી વસ્તુઓને તેના ટેક્સના દર 40 ટકા કરી દઈને તેના પર તગડી સેસ વસૂલવાનું પણ આયોજન કરી શકે છે. કારણ કે બે સ્લેબ કરવાને પરિણામે કેન્દ્ર સરકારને રૂ. 1.10 લાખ કરોડનું અને રાજ્ય સરકારોને રૂ. 70,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.
જીએસટીના જાણકારોનું કહેવું છે કે શૂન્ય ટકાની વસ્તુઓ વધારવામાં આવશે તો દરેક ઘરના રસોડાની ખાસ્સી વસ્તુઓ સસ્તી થઈ જવાની ધારણા છે. આ વસ્તુઓમાં દૂધ, પ્રી પેકેજ્ડ પનીર, પિત્ઝા બ્રેડ, ખાખરા, રોટલી, અને રોટીનો સમાવેશ થાય છે. તેમ જ પરોઠાં પર અગાઉ 18 ટકા જીએસટી લેવામાં આવતો હતો તેને પણ શૂન્ય ટકા જીએસટીના સ્લેબમાં લઈ જવામાં આવે તેવી સંભાવના છે.
આરોગ્ય વીમા પરિવારની સલામતી માટે અને તેમાંય ખાસ કરીને સિનિયર સિટીઝન્સ સારવારથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. સિનિયર અને સુપર સિનિયર સિટીઝન્સને શૂન્ય જીએસટીનો લાભ આપવામાં આવે તો પણ નવાઈ પામવા જેવું નહિ હોય. બીજીતરફ 60 વર્ષથી નીચેની વ્યક્તિઓ માટે જીવન અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પર 18 ટકાને બદલે 5 ટકા જીએસટી વસૂલવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે.
ગ્રુપ ઓફ મિનિસ્ટરે ઉપરોક્ત બંને બાબતમાં જીએસટીના દર નીચા લઈ જવા માટે સહમતી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓને શૂન્ય ટકા જીએસટીમાં લઈ જવામાં આવે તે સાથે જ તેના એચએસએન કોડ અંગે સ્પષ્ટતા થવી પણ એટલી જ જરૂરી છે. આમ શૂન્ય ટકામાં કઈ વસ્તુઓ લઈ જવામાં આવે છે તેનો વ્યવસ્થિત ખ્યાલ ઘરમાં તેનો વપરાશ કરનારાઓને આવવો જરૂરી છે. રોજબરોજના વપરાશની વસ્તુઓના એચએસએન કોડ બરાબર નક્કી કરીને તેની વ્યવસ્થિત જાહેરાત કરવી જરૂરી છે. એચએસએન કોડમાં અનિશ્ચિતતા હોય તો કેટલાક વેપારીઓ તેના પર જીએસટી લઈ લે અને અન્ય ન લે તેવું પણ બની શકે છે. જે સમય જતાં વિવાદનો મુદ્દો બની શકે છે.
ભૂતકાળમાં લૂઝ પોપકોર્ન પર 5 ટકા અને નમકીન પોપકોર્ન પર 12 ટકા જીએસટી લાદવામાં આવતા તેને અલગ તારવવા કઠિન બનતો હતો. તેમ જ કેરેમલાઈઝ પોપકોર્ન પર 18 ટકા જીએસટી લાગતો હતો. આ કેટગરાઈઝેશનને પરિણામે કયા કેટગરી બદલીને બિલ બનાવીને વેપારીઓ જીએસટીની ચોરી કરતાં હતા. તેમ જ તેને પકડી પાડવા માટે દરેક દુકાન પર જીએસટીના ઇન્સ્પેક્ટરે હાજર રહેવું પડે તેવી નોબત આવી હતી. આ જ રીતે પરાઠાં અને રોટી પરના જીએસટીના બાબતમાં મતમતાંતર થતાં હતા. ફ્રોઝન પરોઠા પર 18 ટકા જીએસટી લાગતો હતો. તેની સામે તૈયાર રોટલી પર 5 ટકા જીએસટી લાગતો હતો. તેવી જ રીતે મેન્ગો ડ્રિન્ક પર 12 ટકા જીએસટી લાગતો હતો, પરંતુ તેમાં ફીણ થાય તેમ કરવામાં આવતું હોવાથી તેના પર 28 વત્તા 12 ટકા જીએસટી લાગવા માંડ્યો હતો.
આ જ રીતે રેસ્ટોરાંમાં ડેઝર્ટ તરીકે પીરસવામાં આવતી આઈસક્રીમ પર 5 ટકા જીએસટી લાગતો હતો. પરંતુ આઈસક્રીમ પાર્લરમાંથી તે જ આઈસક્રીમની ખરીદી કરવામાં આવે તો તેના પર 18 ટકા જીએસટી લાગતો હતો.
એસયુવી કેટેગરીની કારને 28 ટકાના સ્લેબમાંથી કાઢીને 28 વત્તા 22 ટકા સેસના સ્લેબમાં નાખવામાં આવી શકે છે. 170 એમએમની કારમાં એક બે એમએમનો તફાવત આવતા તેના પરના જીએસટીના દર બદલાઈ જવાની શક્યતા રહેલી છે.
જીએસટીના દર અંગેની નાની નાની અસ્પષ્ટતા નાના વેપારીઓની હાલાકી વધારી શકે છે. નાના અને મધ્યન ઉદ્યોગોને પણ તેને કારણે મોટો ફટકો પડ શકે છે. મોટી કંપનીઓ વેરાનો બોજ તેમના કસ્ટમરની કમર પર નાખી શકે છે. નાના એકમો માટે કામગીરી અઘરી છે.