• 9 October, 2025 - 12:53 AM

આઈપીઓની ભરમાર વચ્ચે ઝડપથી કમાઈ લેવાની આશા સાથે શેર્સ માટે અરજી કરનારાઓ જોખમોથી ચેતી જાય

અમદાવાદઃ સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબી(SEBI)એ પબ્લિક ઇશ્યૂ લાવવા માટેના નિયમો ચુસ્ત કરી દીધી હોવા છતાંય નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓ શેરબજારમાં પબ્લિક ઇશ્યૂ લઈને આવી રહી છે. પરિણામે આઈપીઓના માર્કેટમાં ધમધમાટ વધી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાઓથી SME-IPO બજારમાં અવિરત ચહલપહલ ચાલી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો SME પ્લેટફોર્મ પર રીતસર IPOની લહેર જોવા મળી રહી છે. માત્ર 29 સપ્ટેમ્બરે જ BSE-SME પર 21 કંપનીઓએ IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે. આ જ રીતે 30મી સપ્ટેમ્બરે NSE-ઇમર્જ પર 16 કંપનીઓએ આઈપીઓ માટે તેમના પબ્લિક ઇશ્યૂ માટે પેપર ફાઈલ કર્યા છે.

કમાઈ લેવાની લાયમાં આઈપીઓમાં અરજી કરીને નાના રોકાણકાર ફસાઈ ન જાય તે માટે સેબીએ મિનિમમ અરજી બે લોટની એટલે કે અંદાજે રૂ. 2 લાખની કરવી પડે તેવો નિયમ કરી દીધો છે. અગાઉ આ મર્યાદા રૂ. 1 લાખની હતી. બીજીતરફ કટ ઓફ પ્રાઈસનો વિકલ્પ સેબીએ દૂર કરી દીધો છે. પરિણામે આઈપીઓમાં અરજી કરનાર કંપનીએ નક્કી કરી આપેલા ભાવથી જ શેર્સ માટે બિડિંગ કરી શકશે. તેનાથી અલગ ભાવથી બિડિંગ કરનારની અરજી રદ થઈ જવાની શક્યતા રહેલી છે.

બીજીતરફ એકવાર બિડ મૂકી દીધા પછી તેમાં ફેરબદલાવ કરવાની કે તે અરજી રદ કરવાની છૂટ મળશે નહિ. IPOના છેલ્લા દિવસે બિડિંગ વિન્ડો સાંજે 4 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે અને UPI મંજૂરી 5 વાગ્યા સુધી પૂરી થવી જરૂરી કરી દેવામાં આવી છે. યુપીઆઈ-યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તરફથી મેન્ડેટ મેળવવાની પ્રક્રિયા કરવી પડશે.

યુપીઆઈ અરજદારોની અરજી પ્રમાણેનું  ફંડ બ્લોક કરી રાખે છે. આ પ્રક્રિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ડેવલપ કરેલી છે. તેમાં ફંડ અરજદારના ખાતાંમાંથી ડેબિટ થતું જ નથી. શેરનું એલોટમેન્ટ ફાઈનલ થાય તે પછી જ બેન્કના ખાતામાંથી ફંડ ડેબિટ થાય છે. ગૂગલ પે, ફોન પે અને ભીમ એપ સહુમાં આ વ્યવસ્થા આવી જશે. આ રીતે આઈપીઓમાં અરજી કરવાની પ્રક્રિયાને સલામત બનાવવામાં આવી છે. આઈપીઓમાં અરજી કરવા માટે કાગળની જરૂર પણ પડશે નહિ. ઉપરોક્ત તમામ પ્રક્રિયા ઓનલાઈન જ થશે.

સપ્ટેમ્બરમાં જ 55 IPO હિટઃ મુખ્ય બોર્ડની સરખામણીએ SME પ્લેટફોર્મ્સે સપ્ટેમ્બરમાં દબદબો રહ્યો છે. મુખ્ય બોર્ડ પર 25 ઈશ્યૂ થયા હતા. તેની સામે SME પ્લેટફોર્મ પર 55 કંપનીઓએ IPOના માધ્યમથી શેરબજારમાંથી મૂડી એકત્રિત કરવા આગળ આવી હતી. હવે આવનારા દિવસોમાં પણ  SME માર્કેટમાં આઈપીઓના માધ્યમથી મૂડી એકત્રિત કરવાની પ્રવૃત્તિને વધુ વેગ મળવાની સંભાવના છે. મુખ્ય બોર્ડ પર પણ મોટી કંપનીઓ એટલે કે આનંદ રાઠી શેર, વીવર્ક, ટાટા કેપિટલ, એલજી ઈલેક્ટ્રોનિક્સ, અર્બન કંપની આઈપીઓ લઈને બજારમાં આવી છે. પરંતુ એસએમઈના પ્લોટફોર્મ જેટલી કંપનીઓ મુખ્ય બોર્ડ પર આવી નથી.

જોખમો પર નજર રાખવી જરૂરી

હાલમાં SME માર્કેટમાં જોખમ હોવાનાં સંકેતો મળી રહ્યા છે. સપ્ટેમ્બરમાં SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલા 35 સ્ટોક્સમાંથી 19 હાલ લાલ નિશાનમાં છે. ઘણા સ્ટોક્સમાં શેર્સના ઓફર ભાવથી બજાર ભાવ 20 થી 50 ટકા નીચે હોવાનું જોવા મળી રહ્યું છે. બીજીતરફ કેટલીક કંપનીઓ – TechD Cybersecurity, Anondita Medicare, Airfloa Rail Technology, Vashishtha Luxury Fashion – એ રોકાણકારોને 100 ટકાથી વધુ રિટર્ન આપી ચૂકી છે. તેથી કેટલાક IPO પર દબાણ વધી રહ્યું છે. આ રહ્યું તેનું ઉદાહરણ. NBS-BPOનો IPO 25 સપ્ટેમ્બરથી લંબાવીને હવે 7 ઑક્ટોબર સુધી કરવામાં આવ્યો છે. તેવી જ રીતે Shipwaves Onlineનો IPO 30 સપ્ટેમ્બરે ખૂલવાનો હતો, તેને મુલતવી રાખવામાં આવ્યો છે.

ફંડામેન્ટલ્સને સમજ્યા વિના રોકાણ કરવું જોખમી

રોકાણકારોએ SME-IPOમાં રોકાણ કરતાં પહેલાં જોખમો સમજવા જોઈએ. માત્ર લિસ્ટિંગ ગેઈન માટે રોકાણ કરતા લોકો પાછળથી નુકસાન ભોગવી શકે છે. કંપનીના ફંડામેન્ટલ્સની સમજૂતી વિના રોકાણ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. એક્સચેન્જોએ પણ કંપનીઓના IPOને રેટિંગ એજન્સીઓ મારફતે વિશ્લેષણ કરાવવાનું સુનિશ્ચિત કરવું જોઈએ અને શંકાસ્પદ કંપનીઓને રોકવા ચકાસણી પ્રક્રિયા વધુ કડક કરવી જોઈએ. પબ્લિક ઇશ્યૂ લાવ્યા પછી ઓફર ભાવ કરતાં ઓછા ભાવે લિસ્ટ થયેલી કંપનીઓની વાત કરીએ તો 35 કંપનીઓમાથી 19 કંપનીઓના શેર ઓછા ભાવે લિસ્ટ થયા હતા. માત્ર સપ્ટેમ્બરમાં આઈપીઓ લાવનારી 35માંથી 19 કંપનીઓનું લિસ્ટિંગ ઓફર પ્રાઈસ કરતાં નીચા ભાવે થયું છે. આમ આઈપીઓ લાવનારી 50 ટકાથી વધુ કંપનીઓમાં રોકાણ કરીને રોકાણકારો ભેરવાયા છે. મોટાભાગની કંપનીઓ શેર્સ 20 ટકા નીચા ભાવે લિસ્ટ થયા છે. મોટાભાગની કંપનીઓના શેર્સના ભાવ લિસ્ટિંગ પછી ઘટી ગયા છે.

કોઈક કંપનીઓએ 100 ટકાથી વધુ વળતર અપાવ્યું

અલબત્ત સાયબર સિક્યોરીટી, ઓનોન્દિતા મેડિકેર, એરફ્લોઆ રેલ ટેક્નોલોજી અને વશિષ્ઠ ટેક્નોલોજી ફેશન નામની કંપનીએ અસાધારણ 100 ટકાથી વદુ વળતર આપ્યું છે. જોકે આ શેર્સમાં પણ લિક્વિડિટી ઓછી છે. આઈપીઓના ભાવ કરતાં ઊંચા ભાવે લિસ્ટ થતાં હોવા છતાંય આ શેર્સના ભાવમાં તોફાની વધઘટ જોવા મળી શકે છે. છૂટક રોકાણકારોએ નાની અને મધ્યમ કદની કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા તેની પાછળના જોખમોનો ક્યાસ કાઢવો જરૂરી છે. રોકાણકારોના વલણ પરથી લાગે છે કે લિસ્ટિંગ ટાણે મળનારા લાભને ખાટી લેવા માટે જ તેઓ એસએમઈ કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે. આ રીતે રોકાણ કરવાને બદલે કંપનીઓના ફંડામેન્ટલ્સને સમજીને રોકાણ કરવામાં આવશે તો તે રોકાણ ખરેખર ઊગી નીકળશે. રોકાણકારો સમજી વિચારીને રોકાણ કરતાં થશે તો તેમને તેમના રોકાણનું ખરું મૂલ્ય મળી રહેશે.

પ્રથમ ગ્રાસે જ મક્ષિકાઃ ફંડામેન્ટલ્સ જોઈને જ રોકાણ કરો

મેઈન બોર્ડન ઇશ્યૂઓ પણ ઓફર પ્રાઈસ કરતાં ઓછા ભાવે લિસ્ટ થયા છે. આ હકીકત દર્શાવે છે કે આઈપીઓમાં અરજી કરતાં પહેલા અરજદારે કંપનીના ફંડામેન્ટલ્સ પર નજર રાખવી જરૂરી છે. તેના વર્તમાન કામકાજ, નફાનું પ્રમાણ, કંપનીને મળેલા કે નવા મળનારા ઓર્ડર્સ, કંપનીના માર્જિન, માર્જિન ટકી રહેવાની સંભાવના, કંપનાના ખર્ચ, કંપનીને છૂટતું વળતર સહિતની તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેમાં રોકાણ કરવું જોઈએ.

ગંગા બાથ ફિટિંગ્સ લિમિટેડનો શેર પબ્લિક ઇશ્યૂમાં રૂ. 49ના ભાવે ઓફર કરવામાં આવ્યો હતો. તેનું લિસ્ટિંગ રૂ. 59ના ભાવે થયું હતું. ત્રીજી ઓક્ટોબરે બજાર બંધ થયું ત્યારે તેનો ભાવ રૂ. 24.95નો હતો.

થ્રીબી ફિલ્મ્સ લિમિટેડનો શેર રૂ. 50ના ભાવે ઓફર કરવામાં આવ્યો હતો. તેનું લિસ્ટિંગ રૂ. 48.50ના ભાવે થયું હતું. ત્રીજી ઓક્ટોબરે તેના શેરનો બજાર ભાવ રૂ. 30નો બોલાઈ રહ્યો છે.

એક્રેશન ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડના શેરનો ઓફર ભાવ રૂ. 101 હતો. એનએસઈ પર તેનું લિસ્ટિંગ શેરદીઠ રૂ. 79ના ભાવે થયું હતું. ત્રીજી ઓક્ટોબરે તેના શેરનો ભાવ રૂ. 57.40 બોલાયો હતો.

નિકિતા પેપર્સ લિમિટેડનો શેર પબ્લિક ઇશ્યૂમાં રૂ. 104ના ભાવે ઓફર કરાયો હતો. તેના શેરનુંલિસ્ટિંગ રૂ. 90ના ભાવે થયું હતું. હા, આજે તેના શેરનો ભાવ સુધરીને રૂ. 116ની આસપાસની સપાટીએ આવી ગયો છે.

ડાર ક્રેડિટ એન્ડ કેપિટલ લિમિટેડનો શેર આઈપીઓમાં શેર રૂ. 60ના ભાવથી ઓફર કરવામાં આવ્યો હતો. તેનું લિસ્ટિંગ રૂ. 65.15ના ભાવે થયું હતું. પહેલી ઓક્ટોબરે તેનો ભાવ રૂ. 52.95નો બોલાયો હતો.

દેવ એક્સિલટેરના શેર રૂ. 61ના ભાવે ઓફર કરાયો હતો. તેનું લિસ્ટિંગ રૂ. 53ના ભાવે થયુ હતું.

ગણેશ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરનો ઓફર ભાવ રૂ. 322 સામે તેનુ લિસ્ટિંગ રૂ. 296.50ના ભાવે થયું હતું.

પ્રાઈમ કેબલ ઇન્ડસ્ટ્રીજના શેરના રૂ. 83ના ઇશ્યૂ પ્રાઈસ સામે રૂ. 81ના ભાવે લિસ્ટિંગ થયુ હતું. આમ પહેલે દિવસથી જ અરજદાર શેરદીઠ રૂ.2ની ખોટમાં આવી ગયો હતો.

વીએમએસ ટીએમટીનો શેર રૂ. 99ના ભાવે ઓપર કરવામાં આવ્યો હતો, તેનું લિસ્ટિંગ રૂ. 90ના ભાવથી થયું હતું.

આઈ-વેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સનો શેર રૂ. 299ના ભાવે ઓફર કરાયા પછી રૂ. 277ના  ભાવે લિસ્ટ થયો હતો.

સાત્વિક ગ્રીન એનર્જીનો શેર રૂ. 465ના ઓફર ભાવ સામે રૂ. 441ના ભાવે લિસ્ટ થયો હતો.

યુરો પ્રતિક સેલ્સનો શેર રૂ. 247ના ઓફર ભાવ સામે રૂ. 235ના ભાવે લિસ્ટ થયો હતો.

સિદ્ધિ કોટસ્પિનના શેરનો ભાવ રૂ. 108ના ઓફર ભાવ સામે રૂ. 86.40ના ભાવે લિસ્ટ થય હતો.

ગેલેક્સિ મેડિકેરનો શેર રૂ. 54ના ઇશ્યૂ ભાવથી ઓછા ભાવ લિસ્ટ થયો હતો.

કલ્પતરુ મેટલ્સના શેરનો ભાવ પણ રૂ. 92ના ઇશ્યૂ ભાવ સામે ઓછા ભાવથી લિસ્ટ થયો હતો.

Read Previous

ભારતના IT ક્ષેત્ર માટે ગૂડ ન્યૂઝ: વિકાસ દર વધશે, કંપનીઓને ફાયદો થશે

Read Next

માત્ર 4 મિનિટ અને અમેરિકન કંપનીએ કરી દીધી ભારતીયોની છટણી, H-1B વિઝાએ ચિંતા વધારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular