• 8 October, 2025 - 9:39 PM

ગુજરાતમાં આવકવેરાનાં લક્ષ્યાંક 1,19,400 કરોડ સામે અત્‍યાર સુધી કલેકશન 61184 કરોડ

વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા યોજાયેલા ટેક્‍સપેયર્સ હબમાં ઉપસ્‍થિત રહેલા આવકવેરા વિભાગના ગુજરાતના મુખ્‍ય આવકવેરા કમિશનર સતીષ શર્માએ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતનો વર્ષ 2025-26નો આવકવેરાનો લક્ષ્યાંક 1,19,400 કરોડનો છે, જેની સામે સપ્‍ટેમ્‍બર સુધીમાં 61184 કરોડનું કલેકશન થઈ ચૂક્‍યું છે, અને 46.51 ટકા ટાર્ગેટ હાંસલ થઈ ચૂક્‍યો છે.

તેમનું કહેવું હતું કે 61184 કરોડના કલેકશનમાંથી ૫૬૫૧ કરોડનું રિફંડ અપાયું છે અને 55533 કરોડ ચોખ્‍ખી આવક પ્રાપ્ત થઈ છે. ગત વર્ષની સરખામણીએ અત્‍યાર સુધીમાં 20.84 ટકા ગ્રોથ થયો છે. એક સવાલના પ્રત્‍યુત્તરમાં તેમનું કહેવું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો આવકવેરાનો ટાર્ગેટ 25,20,000 કરોડનો છે. જેની સામે 12,43,106 કરોડનું કલેકશન થયું છે. રિફંડ બાદ કરતા 10,82,578 કરોડ વેરાની ચોખ્‍ખી આવક થઇ છે અને લક્ષ્યાંક 42.95 ટકા સપ્‍ટેમ્‍બર સુધીમાં સિધ્‍ધ થઇ ચૂક્‍યો છે.ગુજરાતમાં ગત વર્ષે આવકવેરાનો લક્ષ્યાંક 1.05 લાખ કરોડ હતો, જેની સરખામણીએ આ વર્ષે ટાર્ગેટ 1.19 લાખ કરોડ મૂક્‍યો છે.

ગુજરાતમાં આજની સ્‍થિતિએ 1.34 કરોડ કરદાતા નોંધાયા છે. સરકારે આ વર્ષથી 12 લાખ સુધીની વાર્ષિક આવક સુધી ટેક્‍સ નથી લાધ્‍યો છતાં પણ વેરાની આવકમાં ગ્રોથ નોંધાઇ રહ્યો છે. તેમનું કહેવું હતું કે અગાઉ આવકવેરા વિભાગ પહેલા તપાસ કરતું હતું અને બાદમાં કરદાતા પર વિશ્વાસ મૂકતો હતો, પરંતુ વિભાગના અભિગમમાં બદલાવ આવ્‍યો છે.

આવકવેરા વિભાગ હવે કરદાતા પર પહેલા વિશ્વાસ પહેલા મૂકે છે અને તપાસ પછી કરે છે. આ અભિગમને કારણે કરદાતા વિશ્વાસમાં ખરો ઉતરશે. લોકો ટેક્‍સ ભરતા થયા છે. આમ પણ કરદાતાના આવકવેરા વિભાગને વિવિધ જગ્‍યાએથી અસંખ્‍ય ફાઇલિંગ ડેટા મળે છે. જેના આધારે અમારૂં નેટવર્ક અને સિસ્‍ટમ શોધી કાઢે છે કે કરદાતાએ વેરો ભર્યો નથી. જેથી વિભાગ દ્વારા રોજ મોટી સંખ્‍યામાં એસએમએસ અને ઇએમ પાઠવવાનું ચાલુ છે.

જીએસટી આઈટી વિભાગને નિયમિત ડેટા મોકલતું રહે છે

રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારાઓને પણ એસએમએસ અને ઈમેલ મોકલાતા રહે છે. વિભાગને જીએસટી ડેટાનું શેરિંગ નિયમિત થતું રહે છે. જીએસટીમાં જે તે કરદાતાના ડેટા ખૂબ મોટા જોવા મળે છે, જ્‍યારે બીજીબાજુ આઈટી રિટર્ન ભરેલું નથી હોતું, તો તેના આધારે પણ પકડી પાડવામાં આવે છે, એમ સતીષ શર્માનું કહેવું છે.

Read Previous

ગુજરાતમાં ખાણીપીણીના સ્ટોલ પણ GSTના દાયરામાં આવશે? મોટા ભાગના ખાણીપીણીના સ્ટોલવાળાઓ GST ભરતા નથી

Read Next

‘ફૂટપાથ, હેલ્મેટ, વાહન હેડલાઇટ’: સુપ્રીમ કોર્ટે માર્ગ સલામતી અને રાહદારીઓના મૃત્યુ અંગે નિર્દેશો જારી કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular