ફિલ્મ જગતમાં ખળભળાટ, દક્ષિણ ભારતની ફિલ્મી હસ્તીઓના 17 સ્થળે ઈડીના સામૂહિક દરોડા
દક્ષિણ ભારતની ફિલ્મી હસ્તીઓને ત્યાં ઈડીનાં સામૂહિક દરોડા પડયા છે. કેરળ- તામિલનાડુમાં કુલ 17 જેટલા સ્થળોએ કાર્યવાહી થઈ છે. લકઝરી કારની દાણચોરી- ગેરકાનુની વિદેશી હુંડીયામણની હેરાફેરીનાં મુદ્દે દરોડા પૃથ્વીરાજ- દુલકર સલમાન- અમિત નિર્માતા એન્ટો જોસેફ- લિસ્ટિન સ્ટીફન ઐશ્વર્યા લક્ષ્મી સહિતના મોટા નામો ચર્ચામાં આવતા ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
લક્ઝરી કારની દાણચોરી અને ગેરકાયદેસર વિદેશી હૂંડિયામણ નેટવર્કની તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કેરળ અને તમિલનાડુમાં 17 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં ફિલ્મ સ્ટાર પૃથ્વીરાજ, દુલ્કર સલમાન અને અમિત ચક્કલકલના રહેઠાણો તેમજ એર્નાકુલમ, ત્રિશૂર, કોઝિકોડ, મલપ્પુરમ, કોટ્ટાયમ અને કોઈમ્બતુરમાં ચોક્કસ વાહન માલિકો, ઓટો વર્કશોપ અને વેપારીઓ સાથે જોડાયેલા પરિસરનો સમાવેશ થાય છે.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી, તાજેતરની કસ્ટમ્સ તપાસ બાદ કરવામાં આવી હતી જેમાં ભૂટાનથી ભારતમાં ઉચ્ચ કક્ષાના વાહનોની કથિત દાણચોરીનો ખુલાસો થયો હતો. ગુપ્તચર માહિતીમાં ભારત-ભૂતાન અને નેપાળ રૂટ દ્વારા લેન્ડ ક્રુઝર, ડિફેન્ડર અને માસેરાતી જેવી લક્ઝરી કારની ગેરકાયદેસર આયાત અને નોંધણીમાં રોકાયેલ સિન્ડિકેટનો ખુલાસો થયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈમ્બતુર સ્થિત નેટવર્કે ભારતીય સેના, યુએસ દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા હોવાના કથિત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, સાથે જ અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં નકલી આરટીઓ નોંધણીઓ પણ કરી હતી. આ વાહનો પાછળથી ફિલ્મી હસ્તીઓ સહિત ઉચ્ચ-નેટ-વર્થ ધરાવતા વ્યક્તિઓને ઓછા ભાવે વેચવામાં આવ્યા હતા.
સુત્રોએ જણાવ્યું હતું કે આ કામગીરીનો હેતુ હવાલા ચેનલો દ્વારા કથિત રીતે રૂટ કરાયેલા અનધિકૃત વિદેશી વિનિમય વ્યવહારો અને સરહદ પાર ચૂકવણીની તપાસ કરવાનો છે, જેમાં એફઈએમએની કલમ 3, 4 અને 8 ના પ્રથમ દૃષ્ટિએ ઉલ્લંઘનો શોધી કાઢવામાં આવ્યા છે. વધુમાં, અધિકારીઓ હવે નાણાંના ટ્રેલ, લાભાર્થીઓના નેટવર્ક અને સિન્ડિકેટ સાથે જોડાયેલા ભંડોળની હિલચાલને શોધી રહૃાા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આજે સવારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ સાથે જોડાયેલા એક કેસની તપાસના ભાગરૂપે ઇડીની ટીમોએ તમિલ અને મલયાલમ ફિલ્મોના કેટલાક જાણીતા કલાકારો અને અગ્રણી નિર્માતાઓના તમિલનાડુ અને કેરળ સ્થિત બહુવિધ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીને કારણે સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મીડિયા અહેવાલો મુજબ આ દરોડા ફિલ્મ નિર્માણમાં મોટા પાયે બિનહિસાબી એટલે કે કાળા નાણાંના રોકાણની આશંકાના પગલે પાડવામાં આવ્યા છે. ઇડીને એવી બાતમી મળી હતી કે કેટલાક નિર્માતાઓ અને કલાકારો વિદેશમાંથી હવાલા મારફતે મેળવેલા નાણાંનો ઉપયોગ ફિલ્મો બનાવવા માટે કરી રહૃાા હતા. આ નાણાકીય ગેરરીતિઓની કડીઓ મળ્યા બાદ ઈડીએ આયોજનબદ્ધ રીતે આ ઓપરેશન હાથ ધર્યું છે.
ઇડીની જુદી જુદી ટીમોએ કેરળના કોચી, તિરુવનંતપુરમ અને તમિલનાડુના ચેન્નઈ સહિતના મુખ્ય શહેરોમાં આવેલા કલાકારોના નિવાસસ્થાનો અને નિર્માતાઓની ઓફિસો પર તપાસ હાથ ધરી છે. જેમના પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં મલયાલમ ફિલ્મોના જાણીતા નિર્માતા એન્ટો જોસેફ, લિસ્ટિન સ્ટીફન અને અભિનેત્રી ઐશ્વર્યા લક્ષ્મી સહિત અન્ય કેટલાક મોટા નામોનો સમાવેશ થતો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળે છે કે, ઇડીના અધિકારીઓએ આ સ્થળો પરથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, બેંક ખાતાઓની વિગતો, ડિજિટલ ઉપકરણો અને નાણાકીય વ્યવહારોને લગતા રેકોર્ડ્સ જપ્ત કર્યા છે. અધિકારીઓ દ્વારા સંબંધિત કલાકારો અને નિર્માતાઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
ઇડી એ વાતની તપાસ કરી રહૃાું છે કે ફિલ્મ પ્રોડક્શનમાં રોકાયેલું ભંડોળ કાયદેસરના સ્ત્રોતમાંથી આવ્યું છે કે પછી તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું પરિણામ છે. આ દરોડાને કારણે આગામી સમયમાં દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના અન્ય કેટલાક મોટા માથાઓ પણ ઇડીના સકંજામાં આવી શકે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે. હાલમાં તપાસ ચાલુ હોવાથી ઇડી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ કેસના તાર મોટા નાણાકીય કૌભાંડ સાથે જોડાયેલા હોઈ શકે છે તેવું ચર્ચાઈ રહૃાું છે.