ગુજરાતમાં શહેરી વિકાસ: ગુજરાતમાં બુલેટ ટ્રેન સ્ટેશનો આસપાસ સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ માટે નવી પહેલ
ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ–2025 અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે “હાઈ સ્પીડ રેલ સ્ટેશનો આસપાસના નગર આયોજન અને વિકાસ” વિષયક વિઝ્યુલાઇઝેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે, જેમાંથી આશરે 350 કિલોમીટરનો વિસ્તાર ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 12 સ્ટેશનોમાંથી સાબરમતી, કાલુપુર, નડિયાદ, વડોદરા, ભરૂચ, બિલીમોરા, સુરત અને વાપી એમ 8 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં આવેલા છે. આ પ્રોજેક્ટનું બાંધકામ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.
હાઈસ્પીડ રેલ સ્ટેશનોની આસપાસના 1 થી 2 કિલોમીટર વિસ્તારના શહેરી વિકાસ પર વિશેષ ધ્યાન રાખીને, ગુણવત્તાયુક્ત અને સુસંગત ટાઉન પ્લાનિંગ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ દિશામાં જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)ની 15 સભ્યોની નિષ્ણાત ટીમ અકીમુરાના નેતૃત્વ હેઠળ ગુજરાતના નગર આયોજકો સાથે મળીને કાર્ય કરી રહી છે અને જાપાનના અનુભવો તથા શ્રેષ્ઠ નગર આયોજન પદ્ધતિઓનું ગુજરાત સાથે આદાન-પ્રદાન કરી રહી છે.
સેમિનાર દરમિયાન સાબરમતી (અમદાવાદ) તથા સુરતના હાઈ સ્પીડ રેલ સ્ટેશનોના આસપાસના ભાવિ નગર આયોજન અંગે શ્રેણીબદ્ધ પ્રેઝન્ટેશનો રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાતના શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ એમ. થેન્નારાસને સહભાગીઓને જાપાનની નગર આયોજન પદ્ધતિઓને વિગતવાર સમજાવી હતી અને તેના અનુસરણ દ્વારા ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાવાળો, સુસંગત તથા આધુનિક શહેરી વિકાસ સાધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેઓએ હિતધારકોને સ્ટેશન વિસ્તારોમાં સુસંગત નગર આયોજન, જાહેર પરિવહન, ઇન્ટરમોડલ એકીકરણ, વિકાસ નિયમો અને સહયોગી અભિગમને મજબૂત બનાવવા માટે પણ આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના શહેરી વિકાસ વિભાગ, ગૃહનિર્માણ અને શહેરી બાબતોનું મંત્રાલય (MoHUA), રેલ્વે જમીન વિકાસ સત્તામંડળ (RLDA), NHSRCL, CREDAI, ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ, અગ્રણી શિક્ષણવિદો તથા AUDA અને SUDAના નગર આયોજન નિષ્ણાતોએ ઉપસ્થિતિ રહ્યા હતા.