અમદાવાદમાં છ ઓક્ટોબરે ક્લિયરિંગ માટે આવેલા 2.30 લાખ ચેકમાંથી 61000 ચેક અનપેઈડ બાઉન્સ થયા
કોન્સ્ટન્ટ ક્લિયરિંગનો વિવાદ, બેન્કની અનિચ્છા કે એનપીસાઈની નબળાઈ
આઠ ઓક્ટોબરે ક્લિયરિગં માટે મોકલેલા 2.25 લાખ ચેકમાંથી રિસીવિંગ બેન્કે 1.45 લાખ ચેકના ક્લિયરિંગને પ્રતિભાવ જ ન આપ્યો
અમદાવાદઃ ચોથી ઓક્ટોબરથી કોન્સ્ટન્ટ ક્લિયરિંગની વ્યવસ્થા દાખલ કરવામાં આવી તેને પરિણામે ચેક બાઉન્સ એટલે કે અનપેઈડ રિટર્ન થવાની સમસ્યા વકરી ગઈ છે. ચોથી ઓક્ટોબરના પહેલા જ દિવસે અમદાવાદમાંથી રજૂ કરવામાં આવેલા અંદાજે 2.60 લાખ ચેકમાંથી 40,000 જેટલા ચેક રિટર્ન થયા હતા.
સમય ઓછો મળતાં સેટિંગ ન થયા
સામાન્ય રીતે ચેક ઇશ્યૂ કરી દઈને નાણાં જમા કરાવનારાઓને એકાદ દિવસનો સમય મળતો હોવાથી અને બેન્કના ક્લિયરિંગ વિભાગના અધિકારીઓ સાથેના સારા સંપર્કને કારણે બેચાર કલાક સુધી તેઓ ચેક હોલ્ડ પર રખાવી શકતા હોવાથી પહેલા તે ચેક રિટર્ન થતાં નહોતા. પરંતુ કોન્સ્ટન્ટ ક્લિયરિંગમાં આ ચેક ક્લિયર કરવામાં વિલંબ કરવો શક્ય ન હોવાથી ચેક રિટર્ન થવાના પ્રમાણમાં તગડો વધારો થઈ ગયો છે.
ચેક બાઉન્સની સંખ્યા વધી
છ ઓક્ટોબરે ક્લિયિંગ માટે આવેલા 2.30 લાખ ચેકમાંથી 61000 ચેક અનપેઈડ બાઉન્સ થયા હતા. સાતમી ઓક્ટોબરે આવેલા 2 લાખ પ્લસ ચેકમાંથી 35000 ચેક બાઉન્સ થયા હતા. તેમ જ આઠમી ઓક્ટોબરે આવેલા 2.25 લાખ ચેકમાંથી 10,500 જેટલા ચેક અનપેઈડ બાઉન્સ થયા હતા. ચેક બાઉન્સ થવાની ટકાવારી 25 ટકા સુધી પહોંચી ગઈ હોવાનું જોવા મળ્યું છે.
ખાતામાં સિલક હોય તો જ ચેક ઇશ્યૂ કરો
જોકે બેન્કિંગના નિયમ મુજબ ખાતામાં બેલેન્સ હોય તે જ પ્રમાણમાં ચેક ઇશ્યૂ કરવાનો નિયમ છે. પરંતુ તેમ છતાંય વેપારીઓ વિવાદ ટાળવા અને ઉઘરાણું કરતાં રહેતા લોકોને શાંત પાડી દેવા માટે ચેક આપી દેતા હતા. ત્યારબાદ બેચાર દિવસ હોલ્ડ પર રખાવીને ચેક જમા કરાવવા કહેતા હતા. તેથી તેમના વહેવારો પણ સચવાઈ જતાં હતા. કોન્સ્ટન્ટ ક્લિયરિંગમાં પાર્ટીને ચેક મળ્યાના અડધા જ કલાકમાં તેઓ પૈસા છૂટી જાય તેવી ગણતરી સાથે જમા કરાવી દેતા હોવાથી તેમના ચેક અનપેઈડ બાઉન્સ થવાનું વલણ વધી રહ્યું છે.
બીજીતરફ ક્લિયરિંગ માટે ચેક મોકલ્યા હોય પરંતુ જે તે બેન્કે પ્રતિભાવ ન આપ્યો હોય તેવા ચેકની સંખ્યા પણ વધી રહી છે. ચોથી ઓક્ટોબરે પ્રતિભાવ નન મળ્યો હોય તેવા ચેકની સંખ્યા માત્ર 150ની આસપાસની હતી. પરંતુ છઠ્ઠી ઓક્ટોબરે આ પ્રકારના ચેકની સંખ્યા 11,500ની આસપાસની થી ગઈ હતી. તેમ જ સાતમી ઓક્ટોબરે ક્લિયરિંગ માટે જે બેન્કમાં મોકલ્યો હોય તે બેન્કે પ્રતિભાવ ન આપ્યો હોય તેવા ચેકની સંખ્યા 16000થી પણ વધારે રહી હતી. આઠમી ઓક્ટોબરે તો ક્લિયરિંગ માટે મોકલેલા ચેકનો પ્રતિભાવ રિસીવિંગ બેન્ક તરફથી ન મળ્યો હોય તેવા ચેકની સંખ્યા 1.45 લાખથી વધુની થઈ ગઈ હતી.
દસ ઓક્ટોબરે એનપીસીઆઈ મેઈન્ટેનન્સમાં, 11મીએ બેન્ક સ્ટાફને હાજર રહેવા જણાવ્યું
એનપીસીઆઈ મેઈન્ટેનન્સમાં જતાં રજાના દિવસે બેન્કોને સ્ટાફને હાજર રાખવાની સૂચના આપવામાં આવી છે. 10મી ઓક્ટોબરે એનપીસીઆઈની સિસ્ટમ સવારે દસ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી મેઈન્ટેનન્સ હેઠળ હોવાથ શનિવારે 11મી ઓક્ટોબરે ક્લિયરિંગ માટે બેન્ક સ્ટાફને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. બેન્ક સ્ટાફને રજાના દિવસે પણ હાજર રહેવાની ફરજ પાડવામાં આવી હોવાથી તેમની નારાજગી વધી છે. 11મી ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઇન્વર્ડ આવશે તેમ જણાવવામાં આવ્યું છે. બેન્કોએ કન્ફર્મેશન આપવું પડશે. બેન્કોને તેમના પેન્ડિંગ ચેક 10મી ઓક્ટોબરે સાંજના ચાર વાગ્યા સુધી રજૂ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. બેન્કે ક્લિયરિંગ માટે મોકલેલા તમામ ચેક 11મી ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ક્લિયર કરી દેવામાં આવશે.
બેન્કો સાત વાગ્યા સુધી ચેક ક્લિયર ન કરે તો તે ક્લિયર થઈ ગયો હોવાનુ માની લેવામાં આવશે
સાંજે સાત વાગ્યા સુધી બેન્ક તરફથી ચેક ક્લિયરની સૂચના આપવામાં આવશે નહિ તો તેવા સંજોગોમાં ચેક ક્લિયર થયેલો માની લેવામાં આવશે. બેન્કો ભંડોળ છૂટું ન કરતી હોવાની હકીકત પણ ધ્યાનમાં આવી હોવાનું એનપીસીએએ જણાવ્યું છે. પાસ કરી દેવામાં આવેલા ચેક માટેનું ભંડોળ બેન્કોએ તત્કાળ રીલીઝ કરી દેવાનું રહેશે. આ સાથે જ એનપીસીઆઈ-નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 13મી ઓક્ટોબરથી કોઈ જ એક્સટેન્સન ન આપવાની સૂચના આપી દીધી છે. એક્સટેન્શન માટેની વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. અપવાદરૂપ કિસ્સાઓમાં જ કેસ ટુ કેસ અભ્યાસ કરીને આ વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે.