• 23 November, 2025 - 6:36 AM

સોના અને ચાંદીમાં મોટા કરેક્શનની શક્યતા

 

ઇઝરાયલ-ગાઝાના યુદ્ધના અંતનો આરંભ, યુક્રેન રશિયાના વિવાદનો અંત આવે તો સેફ હેવન ડિમાન્ડ ઘટી જાય તો સોના-ચાંદીના ભાવ ગગડી જવાની શક્યતા

દિવાળીની સીઝનમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ તેના ભાવ નક્કી કરશે. 13મી ઓક્ટોબરે ભારતના બજારમાં દસ ગ્રામ સોનાના ભાવ રૂ. 1.29 લાખની સપાટીને વળોટી ગયા હતા. બીજીતરફ કિલો ચાંદીના ભાવ રૂ. 1.80 લાખને આંબી ગયા હતા. બીજીતરફ વિશ્વમાં રાજકીય સમીકરણો કેવા ગોઠવાય છે તેના પર પણ સોનાના ભાવ નક્કી થાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંઘર્ષ વકરવા માંડ્યો છે. પાકિસ્તાન અમેરિકાના પડખામાં ભરાઈ રહ્યું છે. તેની સામે અફઘાનિસ્તાન રશિયાની નજીક સરક્યું છે. પરિણામે પણ સોનામાં નવું સેફ હેવન બાયિંગ આવે તો સોનાના ભાવમાં ભડકો થઈ શકે છે. (Safe heaven buying)

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia Ukrain war))નો અંત આણવા માટે ડિપ્લોમસી કેવી રહે છે તેની અસર પણ સોના-ચાંદીના બજાર પર જોવા મળશે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં નાના મોટો કરેક્શન સાથે અફરાંતફરી ચાલુ જ રહેશે. આમ તેજી મંદી વચ્ચેનો સંઘર્ષ સોના અને ચાંદી બજારમા ચાલુ જ રહેશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત(Trumph announcement of tarrif on China) કરી છે. તેથી પણ સોનામાં સેફ હેવન બાયિંગ આવી રહ્યું છે. એમસીએક્સ(MCX Gold)ના બજારમાં પાંચમીથી બારમી ઓક્ટોબરના અઠવાડિયામાં પણ સોનામાં તેજીની ચાલ જોવા મળી હતી.

જોકે 2025ના વર્ષમાં સોના અને ચાંદીમાં સળંગ તેજીની ચાલ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ટ્રોય અંશના 4000 ડૉલરના મથાળાને પાર કરીને 4081 ડૉલરની સપાટીને ટચ કરી ચૂક્યું છે(Gold on top price level). હાજર બજારમાં સોનું ટ્રોયઅંશ દીઠ 4059.34ની સપાટીને ટચ કરી ચૂક્યું છે. છેલ્લા આઠ અઠવાડિયાથી સોનામાં મજબૂત તેજી જોવા મળી રહી છે. ત્રણ જ મહિનાના ગાળામાં સોનાના ભાવમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે.

બીજીતરફ ચાંદીમાં પણ ઐતિહાસિક તેજીની ચાલ જોવા મળી છે. ચાંદીમાં પણ મોટી વધઘટ જોવા મળી રહી છે. તેરમી ઓક્ટોબરે ચાંદીના કિલોદીઠ ભાવ રૂ. 1.80 લાખને (Silver cross 1.8 lac)આંબી ગયા હતા. વિશ્વમાં કોમેક્સ સિલ્વર ફ્યુચર ટ્રોયઅંશ દીઠ 49.96ની સપાટીને વળોટીને 51 ડૉલર થઈ ગયા હતા. 14મી ઓક્ટોબરે વિશ્વના સોનાચાંદી બજારમાં 53.33 ડૉલરનો ભાવ થયો હતો. તેમ જ સિલ્વર ફ્ટુચરના રેટ કિલોદીટ રૂ.1.95 લાખ થઈ ગયા હતા. 2025ના વર્ષમાં ચાંદીના ભાવમાં અંદાજે 70થી 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. લંડનના બુલિયન માર્કેટમાં એક મહિનાના લીઝ રેટ 2011 પછી 11 ટકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી જતાં સોનાની તેજીને વધુ હવા મળી હતી. લીઝ રેટ ટૂંકા ગાળા માટે સોનું કે ચાંદી ઊછીનું લેવા માટે ચૂકવવાના થતાં ચાર્જનો દર સૂચવે છે. 2022 પછીનો આ ઊંચામા ઊંચો દર છે. આ દર્શાવે છે કે ઊછીની આપવાની ચાંદીની તીવ્ર અછત છે. ડૉલરમાં ઇન્વેસ્ટ કરનારાઓનો ડૉલરમાંનો વિશ્વાસ તૂટી રહ્યો હોવાથી સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. જોકે 1980 અને 2011માં ચાંદી તેના ટોચના ભાવેથી 50 ટકા ગગડી ગઈ હતી. અત્યારે ચાંદીમાં મોટું કરેક્શન આવવાની સંભાવના નકારી શકાતી નથી. અલબત્ત અત્યારે તો સોના ચાંદીમાં તેજી છે. આ રહ્યા સોના-ચાંદીમાં તેજીના અન્ય કારણો.

સોનાનો ભાવ 4000 ડૉલરની સપાટીને વળોટી ગયો છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ સાથે ઐતિહાસિક ઊંચી સપાટીને વળોટી ગયા છે. તેમ છતાંય  સોનામાં રોકાણ કરનારાઓની ડિમાન્ડ વધી રહી છે. 2025ના આરંભથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 25 ટકાનો વધારો આવી ગયો છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ સોનાના ભાવમાં 12 ટકાનો જબરદસ્ત ઊછાળો જોવા મળ્યો છે.

સવાલ એ થાય છે કે દાગીનાની ખરીદી લોકો માટે દોહ્યલી બની રહી છે ત્યારે સોનાની ડિમાન્ડ કેમ વધી રહી છે.  વૈશ્વિક સ્તરે વધી રહેલી અશાંતિ અને રશિયા-યુક્રેન વચ્ચે તથા ઇઝરાયલ-ગાઝા વચ્ચેના સંઘર્ષને પરિણામે સોનામાં લોકો રોકાણ કરવા માંડ્યા છે. સોનું ગમે ત્યારે વટાવી શકાય તેવી જણસ છે. તેથી જ સોનાની માગ વિશ્વસ્તરે વધી રહી છે. તેથી જ સોનાના ભાવમાં ભડકો થઈ રહ્યો છે.

અમેરિકી ડૉલરની નરમાઈ પણ સોનાના ભાવમાં ભડકો કરી રહી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક વ્યાજના દર ઘટાડશે તેવી સંભાવનાને પરિણામે અમેરિકી ડૉલર નબળો પડ્યો છે. તેથી સોનાના ભાવને વધારાનો ટેકો મળ્યો છે. સોનાના બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલર નબળો પડતા સોનામાં રોકાણ કરવાનું આકર્ષણ વધી ગયું છે. ડૉલરમાં રોકાણ કરનારાઓએ હવે સોનામાં રોકાણ કરવા માંડ્યું છે. સોનામાં રોકાણ કરવાથી વધુ વળતર છૂટવાની આશાએ તેમાં રોકાણ કરનારાઓ સતત વધી રહ્યા છે. બીજીતરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્ફે કહ્યું કે વ્યાજદરમાં કરવામાં આવતી કપાત ધીમી ગતિએ કરવામાં આવી રહી છે. ચતેને પરિણામે પણ વ્યાજદરમાં મોટી કપાત આવવાની ધારણાથી સોનાની ડિમાન્ડ વધી રહી છે. અમેરિકાની સરકારની મોનેટરી પોલીસીને પરિણામે ડૉલરમાં જોવા મળનારી ઘટને પરિણામે થનારા નુકસાનને સરભર કરવા માટે સોનામાં રોકાણ કરવું જરૂરી જણાયું છે. સોનામાં રોકાણ કરીને ડૉલરમાં થનારા નુકસાનને સરભર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકાનું દેવું વધી રહ્યું છે. અમેરિકાનું દેવું 36 લાખ કરોડ ડૉલરનું થઈ ગયું છે. બીજી તરફ ટ્રેડ ટેરિફમાં સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રેડ ટેરિફની અનિશ્ચિતતાને પરિણામે પણ રોકાણકારો સોનામાં રોકાણ કરવા તરફ વધુ ફંટાયા છે. બીજા બજારોમાં અસ્થિરતા અને અફરાંતફરી જોવા મળે ત્યારે સોનાનું બજાર તેમને સ્થિર વળતર આપ્યા કરે તેવી ગણતરી સોનામાં રોકાણ કરનારાઓ માંડી રહ્યા છે.

વિશ્વ ભરના દેશોની મધ્યસ્થ બેન્કો એટલે કે ભારતની રિઝર્વ બેન્ક જેવી બેન્કો સોનામાં લેવાલી કરી રહી હોવાથી પણ સોનાની ડિમાન્ડ વધી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આપેલા આંકડાં મુજબ 2025માં સોનાની ડિમાન્ડ ગયા વર્ષની તુલનાએ બીજા ત્રિમાસિક ગાળામાં 3 ટકા વધીને 1249 ટન થઈ છે. આર્થિક અનિશ્ચિતતા અને વિશ્વના જુદાં જુદાં વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધને પરિણામે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
સોનામાં સીધું રોકાણ ન કરી શકનારાઓ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં પણ રોકાણ કરી રહ્યા છે. તેથી ઈટીએફમાં જંગી પ્રવાહ આવી રહ્યો છે. ઈટીએફમાં રોકાણ કરનારાઓને ફ્યુચર્સની અનિશ્ચિતતા પણ નડતી નથી. તેમણે ફ્યુચર કોન્ટ્રાક્ટ પણ કરવા પડતા નથી. વિશ્લેષકોને પણ સોનામાં અત્યારે સેન્ટીમેન્ટ મજબૂત હોવાનું જણાઈ રહ્યું છે. ઈટીએફમાં આવી રહેલા રોકાણનો પ્રવાહ પણ સોનાના બજાર ભાવને ટકાવી રાખવામાં મદદ કરી રહ્યો છે.

બીજીતરફ સોના ઉપરાંત શેરબજાર અને બિટકોઈન પણ નવી ઊંચાઈએ જઈ રહ્યા છે. રોકાણકારો તેમનું ભંડોળ વિશ્વભરમાં ડાયવર્ટ કરી રહ્યા છે. બિટકોઈનનો ભાવ 1,26,000 ડૉલરનો છે. દુનિયાના દેશોની સ્થિતિને જોતાં આજે દરેક રોકાણકાર લિક્વિડિટીની તલાશમાં છે. તેમ જ એક કરતાં વધુ સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ શોધી રહ્યા છે.

સોનાના ભાવ વધી રહ્યા હોવાથી દાગીનાની ડિમાન્ડ ઘટી રહી છે. દાગીના ખરીદનારે પહેલા ગ્રામદીઠ ડિઝાઈન ચાર્જ કે મજૂરી ખર્ચ ચૂકવવો પડતો હતો. હવે ટકામાં એટલે કે પાંચથી આઠ ટકા સુધી મજૂરી ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે. આ ખર્ચ તેમને બહુ જ મોંઘો પડી રહ્યો છે. તેથી લગડીમાં રોકાણ કરવાનું વલણ વધી રહ્યું છે. સામાન્ય રોકાણકારો પણ લગડીમાં જ લેવાલી કરી રહ્યા છે. બે ગ્રામ, પાંચ ગ્રામ અને દસ ગ્રામમાં રોકાણ કરતાં થયા છે. બાળકોના લગ્ન માટે ભવિષ્યમાં પડનારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પણ તેઓ દાગીનાને બદલે સોનામાં રોકાણ કરી રહ્યા છે.

અત્યારે દિવાળીના તહેવાર સામે ઊભા છે તેવા સમયે પણ ગુજરાત અને ભારતમાં સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. તેની સીધી અસર છૂટક ખરીદી કરનારાઓ પર પડી રહી છે.

અમે સોના-ચાંદીની તેજીમાં કમાવાની તક ચૂકી ગયા હોવાની માન્યતાતી પીડાતા લોકોએ હવે સોના-ચાંદીમાં રોકાણ કરવા માટે પડાપડી કરવી નહિ. સોના-ચાંદીની વર્તમાન ભાવ સપાટીએ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. બીજું નવું લેવાને બદલે લોકો જૂનું વેચીને કમાણી કરવાનું વધુ પસંદ કરશે.

સોના-ચાંદીના બજારના વર્તમાન સંજોગોમાં અગાઉની જેમ મોટા કરેક્શન આવવાની સંભાવના નકારી શકાતી નથી. અમદાવાદ સ્થિત સોનાના મોટા આયાતકાર કાર્તિક પંચાલનું કહેવું છે કે સોનું વર્તમાન સપાટીથી ઘટીને રૂ. 90,000 ભાવ સપાટીએ આવી જાય તો નવાઈ પામવા જેવું નહિ હોય. ચાંદીમાં પણ 1980 અને 2011ની જેમ 50 ટકા જેવું મોટું કરેક્શન આવવાની સંભાવના જોવામાં આવી રહી છે.

 

Read Previous

LG ઇલેક્ટ્રોનિક્સના IPOમાં રોકાણકારોની મોજે મોજ, પ્રથમ દિવસે જ નોંધપાત્ર નફો મેળવ્યો

Read Next

પીએમ કિસાન સન્માન નિધિ અંગે મોટું અપડેટ! 31 લાખ શંકાસ્પદ લાભાર્થીઓની યાદી તૈયાર,2000 રૂપિયાને બદલે દંડ ફટકારાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular