સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર, નકલી માખણ બાદ ઓનલાઈન નકલી કોસ્મેટિક વેચતા ત્રણ ઝડપાયા
સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે. તાજેતરમાં નકલી માખણ ઝડપાયા બાદ સુરત પોલીસે નકલી કોસ્મેટિક વેચી રહેલાં ત્રણ જણાની ધરપકડ કરી છે. સુરતનાં પૂણા વિસ્તારમાંથી પોલીસે છાપો પાડીને કાર્યવાહી કરી હતી અને લાખો રુપિયાનો માલ કબ્જે કર્યો હતો.
વિગતો મુજબ એલસીબી ઝોન-1 અને પૂણા પોલીસે સંયૂક્ત કાર્યવાહી કરી ઇ કોમર્સ વેબસાઇટ પર ઓનલાઈન વેચાણ કરતા ત્રણ જણાની ધરપકડ કરી હતી. પૂણાની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી નકલી કોસ્મેટિક બનાવવામાં માટે વપરાતા રો-મટીરીયલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે નકલી કોસ્મેટિકનો જથ્થો, સ્ટીકર, કોમ્પ્યુટર, સ્ટીકર છાપવાનું પ્રિન્ટ મશીન મળી 12 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલામાં પોલીસે બાબુભાઇ ઉકાભાઇ ચૌહાણ, નિરલ બાબુભાઈ ચૌહાણ અને સિધાર્થ બાબુભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી. પિતા અને બે પુત્રો દ્વારા આ સમગ્ર કાંડ આચરવામાં આવ્યો હતો. વધુ તપાસ પૂણા પોલીસે હાથ ધરી છે.


