નોકરિયાતો હવે PF ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે

પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા માટેના નિયમો એકદમ સરળ બનાવી દેવામાં આવ્યા
અમદાવાદ: હવે પોતાના PF ખાતામાં રહેલા ‘પાત્ર બેલેન્સ’નો કર્મચારી તથા નોકરીદાતાની ફાળવણી સહિત 100 ટકા સુધી ઉપાડ કરી શકશે.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 238મી બેઠકમાં નવી દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રના શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાના વડપણમાં યોજાયેલી બેઠકમાં પ્રોવિડન્ટ ફંડ(PF)ના ખાતામાંથી 100% ઉપાડની મંજૂરી આપવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના PF ઉપાડના જૂના નિયમો મુજબ PF ઉપાડ માત્ર નોકરીમાંથી નિવૃત્તિ ટાણે અથવા તો બેરોજગારીની સ્થિતિમાં જ શક્ય હતો. નોકરી છૂટ્યા પછી 1 મહિના બાદ સભ્યને 75 ટકા PF ઉપાડવાની મંજૂરી હતી.બાકી રહેલ 25% રકમ 2 મહિના બાદ ઉપાડી શકાતી હતી. તેમ જ નિવૃત્તિ સમયે સંપૂર્ણ PF રકમ ઉપાડવાની મંજૂરી હતી.
હવે ઉપાડના નિયમો વધુ સરળ બનાવાયા
તદુપરાંત જમીન ખરીદી, ઘરની ખરીદી, ઘરના બાંધકામ કે લોનના હપ્તા-EMI ચુકવણી માટે સભ્યોને તેમના ખાતામાં રહેલા કુલ PF રકમના 90 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી હતી. હવે પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાના નિયમોને વધુ સરળ બનાવી દેવામાં આવ્યા છે. પ્રોવિડન્ટ ફંડના સભ્યોના “Ease of Living” વધારવા માટે EPFOએ 13 અલગ-અલગ જટિલ શરતોને એકત્રિત કરીને માત્ર ત્રણ કેટેગરીમાં વહેંચી દીધી છે.
એક, આવશ્યક જરૂરિયાતો એટલે કે બીમારી, શિક્ષણ, લગ્ન જેવા ખર્ચ માટે પણ પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ આવાસ સંબંધિત જરૂરિયાતો માટે એટલે કે જમીન કે મકાન ખરીદવા અથવા તો તેના હપ્તા ભરવા માટે(EMI) પણ પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ કુદરતી આપત્તિ, લૉકઆઉટ, બેરોજગારીની સ્થિતિમાં પણ પ્રોવિડન્ટ ફંડના નાણાંનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે.
શિક્ષણ ખર્ચ માટે 10 વખત ઉપાડની છૂટ
પરિવારના બાળકોના શિક્ષણ માટે પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ હવે 10 વખત સુધી થઈ શકે છે. તેમ જ લગ્ન માટે ઉપાડ પાંચ વખત થઈ શકે છે. જૂની વ્યવસ્થા હેઠળ બંને હેતુ માટે માત્ર ત્રણ ત્રણ વાર ઉપાડ કરવા દેવામાં આવતો હતો.
પ્રોવિડન્ટ ફંડના ઉપાડ માટે લઘુત્તમ સેવા સમય ઘટાડાયો
પ્રોવિડન્ટ ફંડના ઉપાડ માટે હવે માત્ર 12 મહિનાની સેવા-નોકરી કરેલી હોવી જરૂરી છે. અગાઉ સભ્યોએ ઉપાડ માટે કારણ આપવું ફરજિયાત હતું. તેમણે કુદરતી આપત્તિ, લૉક આઉટ, બેરોજગારી કે પછી ઘર મકાનની ખરીદી અથવા લગ્નના ખર્ચ જેવા કારણ આપવા પડતા હતા. તેને લગતા પુરાવાઓ રજૂ કરવા પડતા હતા. હવે કારણ આપ્યા વગર ઉપાડ માટેની અરજી કરી શકાશે.
PF ખાતામાં ઓછામાં ઓછું 25 ટકા બેલેન્સ જાળવવું ફરજિયાત
શ્રમ મંત્રાલય મુજબ, સભ્યના PF ખાતામાંથી કુલ જમા રકમના 25 ટકા રકમ મિનિમમ બેલેન્સ-લઘુત્તમ બેલેન્સ તરીકે રાખવી ફરજિયાત રહેશે. તેમ કરવાથી પ્રોવિડન્ટ ફંડના સભ્યને EPFOના હાલના 8.25% વ્યાજ દર અને કંપનીંગ લાભો સાથે ઉચ્ચ નિવૃત્તિ ફંડ એકત્રિત કરવામાં મદદ મળશે. આ પગલાથી ઉપાડની સુવિધા વધશે અને નિવૃત્તિ માટે પૂરતો ફંડ પણ જળવાઈ રહેશે.
100 ટકા ઓટો-સેટલમેન્ટ થઈ શકશે
હવે PF ઉપાડ પ્રક્રિયામાં કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. આમ તમામ ઉપાડની અરજીઓનું સો ટકા ઓટો-સેટલમેન્ટ શક્ય બનશે. તેમ જ EPFનું પ્રીમેચ્યોર ફાઈનલ સેટલમેન્ટ હવે 2 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવ્યું છે. આ જ રીતે અંતિમ પેન્શન ઉપાડ માટેનો સમયગાળો 2 મહિનાથી વધારીને 36 મહિના કરી દેવામાં આવ્યો છે. આ સુધારાઓથી સભ્યો તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે અને સાથે નિવૃત્તિ બચત પણ જાળવી શકશે.



One Comment
8xf9kc