ચીનમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધતા સુરતનાં હીરા ઉદ્યોગની દિવાળી સુધરી, તેજીનો જોરદાર ચમકારો
લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે આ દિવાળીએ થોડી આશાઓ લઈને આવી છે. લેબ-ગ્રોન ડાયમંડની વૈશ્વિક માંગમાં વધારો થતાં, હીરા ઉદ્યોગ ફરી એકવાર તેજી જોવા મળી રહ્યો છે. આ સકારાત્મક વાતાવરણને પગલે, આ વખતે દિવાળી વેકેશન ટૂંકા રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સામાન્ય રીતે, સુરતમાં હીરાના કારખાનાઓ દિવાળી દરમિયાન 21 થી 25 દિવસ બંધ રહે છે. પરંતુ આ વર્ષે લેબગ્રોન હીરાની માંગને કારણે વેકેશન ફક્ત 10 થી 15 દિવસ રહેવાની શક્યતા છે. અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં કુદરતી હીરાની માંગમાં ઘટાડો થવાને કારણે મંદીને કારણે સુરત હીરા ઉદ્યોગ લાંબા સમયથી મુશ્કેલીમાં હતો. વિદેશમાં તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લેબગ્રોન હીરાની માંગમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. ચીનમાં માંગ વધવાને કારણે લેબગ્રોન રફ હીરાના ભાવમાં 13 થી 15 ટકાનો વધારો થયો છે.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ વર્ષમાં હીરા ઉદ્યોગમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. પરંતુ ઉદ્યોગ ધીમે ધીમે સ્થિર થઈ રહ્યો છે.”


