• 23 November, 2025 - 5:30 AM

ડિજિટલ અરેસ્ટના વધતા બનાવોને લઈ સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, ડ્રગ્સ મામલે પણ માત્ર પેડલરોની ધરપકડથી સુપ્રીમ નારાજ

સુપ્રીમ કોર્ટે હરિયાણાના અંબાલામાં અદાલત અને તપાસ એજન્સીના ફર્જી આદેશોનો ઉપયોગ કરીને વૃદ્ધ દંપતીને ડિજીટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી 1.05 કરોડ રૂપિયા પડાવી લેવાના અપરાધને ગંભીરતાથી લીધો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠે દેશભરમાં ડિજીટલ અરેસ્ટના વધતા બનાવો ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. 73 વર્ષીય મહિલા તરફથી સીજેઆઈ ગવઈને લખવામાં આવેલા પત્ર ઉપર સ્વત: સંજ્ઞાન લઈને દાખલ કરેલા કેસમાં કેન્દ્ર અને સીબીઆઈ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.

ખંડપીઠ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો સહિત નિર્દોષ લોકોને ડિજીટલ અરેસ્ટ કરવા માટે સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટના ફર્જી આદેશો અને ન્યાયાધીશોના ફર્જી હસ્તાક્ષરો દ્વારા છેતરપિંડી કરવી ન્યાયિક સંસ્થાઓમાં લોકોના વિશ્વાસ અને આસ્થા ઉપર પ્રહાર છે. આવી પ્રવૃત્તિ સંસ્થાની ગરિમા ઉપર સીધો હુમલો છે. પીઠે કહ્યું હતું કે આવા ગંભીર અપરાધિક કૃત્યને છેતરપિંડી કે સાઈબર અપરાધના સામાન્ય કે એકલ અપરાધના રૂપમાં માની શકાય નહી. બેંચે કહ્યું હતું કે ડિજીટલ અરેસ્ટના ઘણા બનાવો બન્યા છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય પોલીસ વચ્ચે પ્રયાસો અને કાર્યવાહીની જરૂરિયાત છે. પીઠે એટોર્ની જનરલની મદદ માગી હતી અને હરિયાણા સરકાર તેમજ અંબાલા સાઈબર અપરાધ વિભાગને વૃદ્ધ દંપતીના કેસમાં અત્યારસુધીમાં કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ દાખલ કરાવવા નિર્દેશ આપ્યો હતો.

ડ્રગ્સ મામલે મોટા માથા પકડાતા જ નથી : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ડ્રગ્સ અને માદક પદાર્થની તસ્કરી અને નિર્માણ સંબંધિત કેસમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે, નાના ખેલાડીઓની ધરપકડ થઈ જાય છે પણ માસ્ટરમાઈન્ડ અને સપ્લાયર પડદા પાછળ છુપાયેલા રહે છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેંચે ભારતમાં વધતા માદક પદાર્થના જોખમની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા ઉપર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે હકીકતમાં કેટલા માસ્ટરમાઈન્ડ પકડાયા છે અને માદક પદાર્થના સપ્લાયના કેટલા ત્રોતને ડામવામાં આવ્યા છે.

સીબીઆઈ તપાસનો આદેશ છેલ્લો ઉપાય : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે મનફાવે તે રીતે અદાલતો સીબીઆઈ તપાસનો આદેશ આપી ન શકે. સુપ્રીમે ગુરુવારે હાઈકોર્ટ અને પોતાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે સીબીઆઈ તપાસનો આદેશ આપવો એ નિયમિત પ્રક્રિયા નહીં પરંતુ છેલ્લો ઉપાય હોવો જોઈએ. સીબીઆઈ તપાસનો આશરો ત્યારે જ લેવો જોઈએ જ્યારે અન્ય તમામ વિકલ્પો સમાપ્ત થઈ ગયા હોય અને તપાસની નિષ્પક્ષતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હોય.

Read Previous

દિવાળીમાં ટૂરિઝમમાં તેજી: રાજસ્થાન, ગોવા,કેરળનો ટ્રાફિક વધ્યો, દિવ, સોમનાથ, દ્વારકા, ગીર, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ ભીડ સર્જાશે

Read Next

Breaking News: પ્રોડક્ટ પર છાપેલી MRP ઉપર ટેક્સ લગાડવા સરકારની સક્રિય વિચારણા શરૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular