મ્યુચ્યુઅલ ફંડ્સ માટે SEBIની નવી ફી મર્યાદા પ્રસ્તાવ ફંડ ઉદ્યોગને મોટો ઝટકો આપશે

- મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ દ્વારા રોકાણકારો પાસેથી બમણો ચાર્જ વસૂલવાની સમસ્યાથી આ નવી વ્યવસ્થા છૂટકારો અપાવશેઃ નિષ્ણાતો
- મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણના નાણાં પરત ઉપાડતી વખતે લેવામાં આવતા 0.05 ટકાના એક્ઝિટ લોડને પણ દૂર કરી દેવાનો પ્રસ્તાવ સેબીએ મૂક્યો
ભારતીય મૂડીબજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન ચાર્જમાં મોટા ઘટાડાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગઈકાલે સેબીએ જાહેર કરેલા ડ્રાફ્ટ કન્સલ્ટેશન પેપર અંગે 17મી નવેમ્બર સુધીમાં પ્રતિભાવ આપવાનો સમય લોકોને આપવામાં આવ્યો છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ મૂકેલી નવી દરખાસ્તને પરિણામે મ્યુચ્યુઅલ ફંડ્સને હવે ઈક્વિટી ટ્રેડ પર મહત્તમ 0.02 ટકા અને ડેરિવેટિવ ટ્રેડ પર મહત્તમ 0.01 ટકા જેટલું જ બ્રોકરેજ વસૂલવાની મંજૂરી મળશે. ટોટલ એક્સપેન્સ રેશિયો ઉપરાંત આ બ્રોકરેજ વસૂલવા દેવામાં આવશે. તેનાથી વધુ બ્રોકરેજ વસૂલવામાં આવશે તો તેને ટોટલ એક્સપેન્શ રેશિયો હેઠળના ખર્ચ તરીકે જોવામાં આવશે. સેબીના પ્રસ્તુત નિર્ણયને પરિણામે મ્યુચ્યુઅલ ફંડના રોકાણો કરતી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને સંસ્થાગત બ્રોકરો બંનેની કમાણી પર ખાસ્સું દબાણ આવી શકે છે.
સેબીના પ્રસ્તુત પ્રસ્તાવ અંગે બજારના નિષ્ણાતોએ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ દ્વારા રોકાણકારો પાસેથી બમણો ચાર્જ વસૂલવાની સમસ્યાથી આ નવી વ્યવસ્થા છૂટકારો અપાવશે. જોકે માર્કેટ રિસર્ચ માટે કરવામાં આવતો ખર્ચ એસેટ મેનેજમેન્ટ કંપનીની મેનેજમેન્ટ ફીમાં જ ગણાવો જોઈએ. રોકાણકારો પાસેથી તેની ફરીથી વસૂલી ન થવી જોઈએ. એસેટ મેનેજમેન્ટ કંપની શેર્સમાં 0.02 ટકા કે ડેરીવેટીવ્સમાં 0.01 ટકાથી વધુ નાણાં ચૂકવે તો તે વધારાના ખર્ચને ટોટલ એક્સપેન્શ રેશિયોમાં ગણતરીમાં લેવાનો રહેશે. તેમ કરવાથી ખર્ચ ઘટશે અને પારદર્શકતા વધશે. હા, તેનાથી બ્રોકરોની આવકમાં ઘટાડો થઈ શકે છે. સેબીના નવા પ્રસ્તાવ હેઠળ રોકડના બજારમાં બ્રોકરની આવક 0.12 ટકાથી ઘટીને 0.02 ટકા અને ડેરીવેટિવ્સમાં બ્રોકરની આવક 0.02 ટકાથી ઘટીને 0.01 ટકા થઈ જશે.
બજારના જાણકારોનું કહેવું છે કે ટોટલ એક્સપેન્શ રેશિયોમાં ફેરફાર કરવાથી એસેટ મેનેજમેન્ટ કંપનીઓના નફાના પ્રમાણમાં ઘટાડો થશે. સેબીએ ટોટલ એક્સપેન્શ રેશિયોને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે નવી રૂપરેખા પણ સૂચવી જ છે. નવા પ્રસ્તાવ મુજબ ટોટલ એક્સપેન્સ રેશિયોમાં ફક્ત સ્કીમ સંબંધિત ખર્ચો એટલે કે મેનેજમેન્ટ ફી, બ્રોકરેજ, કસ્ટોડિયલ ચાર્જ અને મેનેજમેન્ટ ચાર્જનો જ સમાવેશ કરવામાં આવશે. બીજીતરફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જેવા વેરાના ખર્ચને ટોટલ એક્સપેન્સ રેશિયોની બહાર મૂકી દેવામાં આવશે. તદુપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણના નાણાં પરત ઉપાડતી વખતે લેવામાં આવતા 0.05 ટકાના એક્ઝિટ લોડને પણ દૂર કરી દેવાનો પ્રસ્તાવ સેબીએ મૂક્યો છે.
SEBIએ કહ્યું છે કે આ નવા ફેરફાર કરવા પાછળનો મૂળભૂત હેતુ ફંડના ખર્ચને સરળ અને ન્યાયસંગત તથા પારદર્શક બનાવવાનો છે. મ્યુચ્યુઅલ ફંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતાનુસાર ફંડ્સમાં નવા પ્રસ્તાવને કારણે ટોટલ એક્સપેન્ડિચર રેશિયોમાં 0.15થી 0.20 ટકાનો ઘટાડો આવી શકે છે. તેનાથી છૂટક રોકાણકારોને સીધો લાભ મળશે. અત્યારે એસેટમેનેજમેન્ટ કંપનીઓ 0.30થી 0.35 ટકાના નફા સાથે અત્યારે કામ કરે છે. તેમાં અડધાથી વધુનો ઘટાડો થઈ જશે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રીબ્યુટર્સનો ખર્ચ ઓછો થઈ શકે છે. તેમ જ તેમની કમાણીમાં પણ ઘટાડો થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સામાન્ય રીતે 0.30થી 0.35 ટકાની નફાક્ષમતા સાથે કામ કરે છે. તેથી જ ટોટલ એક્સપેન્શ રેશિયોમાં ઘટાડો થાય તો ડિસ્ટ્રિબ્યુટરોની કમાણી પણ ઘટી શકે છે. બીજા નિષ્ણાતોનું માનવું છે કે સેબીના પ્રસ્તુત પગલાંને પરિણામે તેમની કુલ આવક પર બહુ મોટી અસર પડશે નહિ. પરંતુ પેસિવ ફંડની કુલ આવક પર 0.07થી 0.08 ટકાનો ઘટાડો થઈ શકે છે. સેબીના નવા પ્રસ્તાવને કારણે નાના નાના શહેરોના ડિસ્ટ્રીબ્યુટર્સે નવી મુશ્કેલીનો સામનો કરવાનો આવશે. પરંતુ સેબીના નવા પ્રસ્તાવને કારણે જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સમસ્યાનો ઉકેલ આવશે. જોકે મ્યુચ્યુઅલ ફંડનો તમામ કારોબાર કે વહેવાર સંભાળવાની જવાબદારી વધી જશે. રૂ. 100 કરોડનો પોર્ટફોલિયો ધરાવતા મ્યુચ્યુઅલ ફંડો વરસે રૂ. 50 લાખની આસપાસની ચોખ્ખી કમાણી કરતા હોવાનું જોવા મળે છે.




