દેવાનાં ડૂંગર તળે દબાયેલા ખેડુતોની વહારે આવ્યા સુરતનાં ઉદ્યોગપતિ, બાબુભાઈ જીરાવાળાએ 290 ખેડુતોનાં 90 લાખ ચૂકવી માનવતાને મહેકાવી
હાલમાં ખેડુતો પર કમોસમી વરસાદનો પ્રકોપ દેખાયો અને અનાજ ધોવાઈ ગયું. આ ઉપરાંત આર્થિક સ્થિતિ અને દેવાના ડૂંગરની બિહામણી પરિસ્થિતિમાં રિબાતા ખેડુતોની વહારે સુરતનાં ઉદ્યોગપતિ આવ્યા છે. જે કામ સરકારનું છે તે કામ ઉદ્યોગપતિએ કરી બતાવતા તેમની કામગીરીને માનવતાના ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે.
વાત છે સુરતનાં ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાળાની. પોતાની માતાની પૂણ્યતિથિ નિમિત્તે તેમણે માનવ સેવા અને સમાજ સેવાનું પ્રેરક અને પૂણ્યશાળી ઉદાહરણ પુરું પાડી માનવતાને મહેકાવી છે. માતાને અદકેરી શ્રદ્વાંજલિ આપી 290 ખેડુતોનાં 90 લાખ રુપિયાના દેવાનો બોજ દુર કરી દેતા ખેડુતોમાં હર્ષમાં લાગણી જન્મી જવા પામી છે.
માતાની પુણ્યતિથિ નિમિત્તે આપી અદકેરી શ્રદ્વાંજલિ
અમરેલીના જીરા ગામના 290 ખેડૂતો 100 વર્ષથી દેવાના બોજ નીચે દટાયેલા હતા,બાબુભાઈએ પોતાની દિવંગત માતાની પુણ્યતિથિને અનુલક્ષી 90 લાખનું મહાદાન કરી ગામના ખેડૂતોના આંસુ લૂછવાનો કર્યો પ્રયાસ કર્યો છે.
બાબુભાઈ જીરાવાલા મૂળ જીરા ગામના વતની છે. 1995થી ચાલી આવતા બોગસ ધિરાણના વિવાદે 290 પરિવારોની ઊંઘ હરામ કરી હતી. આ તમામ ખેડુત પરિવારો કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા હતા.

બાબુભાઈ જીરાવાળાએ જણાવ્યું કે ખેડૂતોનું સૌથી મોટું દુઃખ એ હતું કે આ બોજાને કારણે તેમને સરકાર તરફથી કોઈ સહાય કે લોન મળતી નહોતી, તેમની જમીન પર દેવાનો ડાઘ લાગી ગયો હતો, ખેડૂતો ખૂબ જ દુઃખી હતા. ધિરાણના બોજાને લીધે ખેડૂતોના સાત-બારમાં બોજો પડતો હતો,
તેમણે જણાવ્યું કે પરિણામે તેમને સરકાર તરફથી મળતી સહાયો, લોન અને અન્ય સુવિધાઓથી વંચિત હતા, જીરા ગામના ખેડૂતોએ અવારનવાર આંદોલનો કર્યા, રજૂઆતો કરી, અને સરકારે તપાસ પંચ પણ નીમ્યું પરંતુ તપાસ પંચમાં પ્રમુખ-મંત્રીને જવાબદારી ઠેરવેલી હોવા છતાં, તે લોકોએ મંડળી ન ભરતા, જીરા ગામના ખેડૂતો ખૂબ દુઃખી હતા.આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખેડુતોનાં દુખ-દર્દને દુર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.



