• 22 November, 2025 - 9:25 PM

ફિઝિક્સવાલાના IPOની ઓફર પ્રાઈસ રૂ.103-109 નક્કી કરી

 

ફિઝિક્સ વાલાનો 3.5 અબજ ડોલર મૂલ્યાંકનનો લક્ષ્યાંકઃ શેરો 18 નવેમ્બરનાં રોજ સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ થવાની અપેક્ષા

ટેકનિકલ એજ્યુકેશનના ક્ષેત્રની અગ્રણી કંપની ફિઝિક્સવાલા-Physicwallah એ આઈપીઓમાં એટલે કે પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરવામાં આવનારા શેર્સનો ઓફર પ્રાઈસ રૂ. (PhysicsWallah) રૂ.103 થી રૂ.109 પ્રતિ શેરનો નક્કી કર્યો છે. પ્રાઇસ બેન્ડમાંથી(Price band) ઉપરના એટલે કે કે રૂ. 109ના ભાવથી  કંપનીનું મૂલ્યાંકન લગભગ રૂ.31,169 કરોડ (અંદાજે 3.5 અબજ ડોલર) હશે. અહીં એક વાત ખાસ યાદ કરી લેવા જેવી છે કે સપ્ટેમ્બર 2024ની ફંડિંગ રાઉન્ડ દરમિયાન કંપનીનું મૂલ્યાંકન 2.8 અબજ ડોલર હતું. અત્યારે તેમાં 25 ટકાનો વધારો થઈ ગયો છે. ફિઝિક્સવાલાના શેર્સ માટેનું એન્કર બિડિંગ 10 નવેમ્બરે થશે. 11મી નવેમ્બરે જાહેર રોકાણકારો માટે આઈપીઓ ખૂલશે અને 13 નવેમ્બરે બંધ થશે. ફિઝિક્સવલ્લાહના શેરનું લિસ્ટિંગ 18મી નવેમ્બરે થવાની શક્યતા છે.

રોકાણકારો અને શેરહોલ્ડિંગ (Share holding)

હાલના રોકાણકારો જેમ કે વેસ્ટબ્રિજ કેપિટલ(Westbridge), હોર્નબિલ કેપિટલ(Hornbill capital), GSV વેન્ચર્સ અને લાઇટસ્પીડ આ IPOમાં પોતાનો હિસ્સો વેચી રહ્યા નથી. હાલમાં અલખ પાંડે અને બૂબ પાસે કંપનીમાં 40.31% હિસ્સો છે, જ્યારે વેસ્ટબ્રિજ પાસે 6.40%, GSV વેન્ચર્સ પાસે 2.85%, અને લાઇટસ્પીડ પાસે 1.79% હિસ્સો છે. કુલ રૂ.3,480 કરોડના IPOમાં રૂ. 1ની ફેસ વેલ્યુના શેર્સ રૂ. 103થી 109ની ભાવ રેન્જમાં ઓફર કરવામાં આવશે. આમ રૂ. 3480 કરોડના પબ્લિક ઇશ્યૂમાં રૂ.3,100 કરોડના નવા શેર્સ ઓફર કરવામાં આવશે. તેની સાથે જ પ્રમોટર્સ અને પાર્ટનરના હોલ્ડિંગમાંથી રૂ.380 કરોડના મૂલ્યના શેર્સ ઑફર ફૉર સેલ (OFS)ની કેટેગરીમાં ઓફર કરવામાં આવશે.

IPOમાંથી મેળવેલા નાણાંનો ઉપયોગ

આઈપીઓ મારફતે એકત્રિત કરવામાં આવનારા રૂ. 2480 કરોડનો ઉપયોગ કંપની વિવિધ વ્યૂહાત્મક હેતુઓ માટે કરશે. તેમાંથી રૂ.460.55 કરોડનો ઉપયોગ નવા ઑફલાઇન અને હાઇબ્રિડ સેન્ટર્સ માટે મૂડી ખર્ચ તરીકે ઉપયોગ કરવામાં આવશે.  તેમ જ રૂ.548.31 કરોડ  હાલના સેન્ટર્સના ભાડા ચુકવવા માટે ઉપયોગ કરવામાં આવશે. રૂ.47.17 કરોડ સાથી કંપની ઝાયલમ લર્નિંગ પ્રા. લિ.માં રોકાણ માટે કરવામાં આવશે. તેમ જ નવા સેન્ટર્સ સ્થાપવા માટે રૂ.31.65 કરોડ અને હાલના સેન્ટર્સના ભાડા માટે રૂ.15.52 કરોડનો ઉપયોગ કરવામાં આવશે.

આજ રીતે આઈપીઓના નાણાંમાંથી રૂ.28 કરોડ ઉત્કર્ષ ક્લાસિસ એન્ડ એડયૂટેક પ્રા. લિ.માં ભાડાં સંબંધિત ચુકવણી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આઈપીઓમાં એકત્રિત થનારા નાણાંમાંથી રૂ.200.10 કરોડ સર્વર અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે કરવામાં આવશે. રૂ.710 કરોડ ફિઝિક્સવાલાના માર્કેટિંગ માટે કરવામાં આવશે. તદુપરાંત રૂ.26.5 કરોડનો ખર્ચ ઉત્કર્ષ ક્લાસિસ એન્ડ એડયૂટેકમાં વધારાનો શેર હિસ્સો ખરીદવા માટે કરવામાં આવશે.

આ ખર્ચ કર્યા પછી બચનારી રકમનો અન્ય નવી કંપનીઓ હસ્તગત કરવા માટે અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે વાપરવામાં આવશે. નવી કઈ કંપનીને હસ્તગત કરવામાં આવશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.

વ્યવસાય અને નાણાકીય સ્થિતિ

FY2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળાને અંતે ફિઝિક્સ વલ્લાહ પાસે 303 સેન્ટર્સ હતા. એજ્યુ ટેક કંપનીના  એક વર્ષ પહેલાંના સેન્ટર્સની સરખામણીએ સેન્ટર્સની સંખ્યામાં 68%નો વધારો થઈ ગયો છે.

નાણાકીય પરફોર્મન્સ

નાણાંકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે એટલે કે જૂન 2025ના અંતે માં રૂ.125.5 કરોડનું ચોખ્ખું નુકસાન થયુ હતું. 2024-25ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે એટલે કે જૂન 2024ના અંતે કંપનીની ખોટ રૂ. 70.6 કરોડ હતી. તેની તુલનાએ 2025ના જૂનના અંતે થયેલી ખોટ 78 ટકા વધારે હતી. ફિઝિક્સ વાલાને તેના કામકાજ થકી થતી આવક એટલે કે ઑપરેટિંગ આવક રૂ.847 કરોડ હતી. ઓપરેટિંગ ઇન્કમમાં ગયા વર્ષ કરતાં 33 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2024-25ના નાણાંકીય વર્ષને અંતે એટલે કે 31મી માર્ચ 2025ના અંતે ફિઝિક્સવાલાની ચોખ્ખી ખોટ 78 ટકા ઘટીને રૂ. 243.3 કરોડની થઈ હતી. તેની સામે ઓપરેટિંગ ઇન્કમ 49 ટકાના વધારા સાથે રૂ. 2886.6 કરોડની થઈ હતી.

ફિઝિક્સવાલાના IPO માટેના મુખ્ય બેન્કરોમાં કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિ., JP મોર્ગન ઇન્ડિયા પ્રા. લિ., ગોલ્ડમેન સૅક્સ (ઇન્ડિયા) સિક્યોરિટીઝ પ્રા. લિ., અને ઍક્સિસ કૅપિટલ લિ.નો સમાવેશ થાય છે.

 

Read Previous

કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ”નો બે દિવસીય “MSME કોન્કલેવ” યોજાશે

Read Next

અંબુજા સિમેન્ટઃ એક વર્ષમાં શેરનો ભાવ રૂ. 700ના મથાળે જવાની શક્યતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular