ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ
ગુજરાતના કેમિકલ ઉદ્યોગના ૪૦ ટકાથી વધુ કામકાજ ઓછા થઈ ગયા
અમેરિકા સાથેનો વેપાર મંદ પડી બંધ થઈ રહ્યો છે ત્યારે ભારત-રશિયા ને ચીનની નવી રચાઈ રહેલી ધરી ગુજરાતના કેમિકલ ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવી શકશે
ટેરિફ વૉરને કારણે ગુજરાત અને ભારતમાંથી અમેરિકામાં થતી કેમિકલની નિકાસ મંદ પડીને સાવ જ બંધ થઈ ગઈ હોવાથી કેમિકલ ઉદ્યોગ પર મંદીનો પ્રભાવ વધી રહ્યો છે. બીજીતરફ મંદીની ગિરફ્તમાં આવી રહેલા ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગને ચીન સાથેના સુધરી રહેલા સંબંધમાં વિશ્વ વેપારમાં કાઠું કાઢવાનો અવકાશ જોવા મળી રહ્યો છે, એમ અમદાવાદ સ્થિત વટવા જીઆઈડીસીમાં સક્રિય નોવલ સ્પેન્ટના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કરેલા ટેરિફ વૉરને કારણે કેમિકલની અમેરિકા તરફની નિકાસ સાવ જ ઘટી ગઈ છે. બીજીતરફ અમેરિકાના ટેરિફ વૉરનો મુકાબલો કરવા અને ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી નિર્ણયોનો પ્રતિકાર કરવા માટે ભારત, ચીન અન રશિયા એકબીજાની નજીક સરકી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાતના ફાર્માસ્યૂટિકલ તથા ડાઈઝ ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ચીન પાસેથી રૉ મટિરિયલ મળવાની અને કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્નોલોજી મળવાનો આશા વધી રહી છે.
અમેરિકાએ ટેરિફ વૉર છેડીના ભારતીય કેમિકલ્સ પર ૨૫ ટકા ટેરિફ લગાડી દેતા ભારતના ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા ખતમ થઈ રહી છે. ભારતના એકમોની અમેરિકાની ખાતેની નિકાસ હવે બંધ થવા આવી છે. આમ અમેરિકા તરફની કેમિકલના ઉત્પાદનોની નિકાસ ખાસ્સી ઓછી થઈ ગઈ છે. હવે ભારતીય કેમિકલ ઉદ્યોગના એકમો ચીન પાસે કેમિકલ પ્રોસેસના ઓટોમાઈઝેશન એટલે કે માનવ બળના ઉપયોગ વિના જ થઈ કેમિકલની પ્રક્રિયા માટેની ટેક્નોલોજી મેળવવા માગે છે. ચીન સાથેના સંબંધો સુધરતા ટેક્નોલોજી મળવાનો માર્ગ ખૂલ્લો થશે. કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્નોલોજી મળતાં પ્રોડક્શન કોસ્ટ ખાસ્સી નીચી આવી જવાની સંભાવના રહેલી છે.
અત્યારે ચીનના કેમિકલ ઉદ્યોગના ૮૦ ટકા એકમો ઓટોમાઈઝેશન પર જ ચાલી રહ્યા છે. ભારતમાં ઓટોમાઈઝેશન પર ચાલતા કેમિકલ કે ડાઈઝ ઇન્ટરમિડિયેટ્સના એકમોની સંખ્યા માંડ દસ ટકા જેટલી હોઈ શકે છે. તેથી ચીનની ઓટોમાઈઝેશનની ટેક્નોલોજી કેમિકલ ઉદ્યોગના પ્રોડક્ટ્સની પડતર કિંમતમાં ઘટાડો કરવા માટે એટલે કે કોસ્ટ કટિંગ માટે મહત્વની છે. ભારતના કેમિકલ ઉદ્યોગ હવે કોસ્ટ કટિંગ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાંની સ્પર્ધાત્મકતા વધારવા માટે ચીન પર મદાર બાંધી રહ્યો છે. ઓટોમાઈઝેશનને કારણે કોસ્ટિંગમાં એટલે કે પડતર કિંમતમાં ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો આવી જતો હોવાના ગણિતો માંડવામાં આવી રહ્યા છે. તદુપરાંત ચીનના સસ્તા કેમિકલ રૉ મટિરિયલનો લાભ પણ મળી શકે છે. આજની તારીખે પણ ચીનની કેમિકલના ફિનિશ્ડ પ્રોડક્ટ્સની પડતર કિંમત કરતાં ભારતના ફિનિશ્ડ પ્રોડક્ટ્સની પડતર કિંમત ૨૦ ટકા જેટલી ઊંચી છે.
નોવેલ સ્પેન્ટના ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે સીધી એરલાઈન્સ શરુ થઈ છે. આ દર્શાવે છે કે ચીન અને ભારત નજીક આવી રહ્યા છે. બીજું ભારત-ચીન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હોવાથી ગુજરાત અને ભારતના ફાર્માસ્યૂટિકલ્સ અને ડાઈઝ ઇન્ટરમિડિયેટ્સ ઉદ્યોગને જોઈતા રૉ મટિરિયલ-કાચા માલ સરળતાથી મળતા થશે. કાચા માલ માટે આમેય ભારત ચીન પર ખાસ્સું નિર્ભર છે. ચીનના બેઝિક રૉ મટિરિયલની મદદથી જ ભારતમાં ડાઈઝ ઇન્ટરમિડિયેટ્સના પ્રોક્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમ જ ચીનના બલ્ક ડ્રગ્સનો ઉપયોગ કરીને જ ભારતની ફાર્મા કંપનીઓ દરદીઓ માટેની બહુધા દવાઓ તૈયાર કરે છે. આમ ચીન સાથેના સંબંધ સુધરે તો ભારતના કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ બંને ઉદ્યોગને કાસ્સો લાભ થવાની સંભાવના રહેલી છે.



