હવે IPOના માધ્યમથી શેર્સ ખરીદવાનું વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોમાં ચલણ
ભારતીય રોકાણકારોએ રોકાણ કરવા માટે પબ્લિક ઇશ્યૂને પસંદ કરવા એફપીઆઈના ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ ઉપરાંત એન્કર બુકમાં FPIની ઉપસ્થિતિ IPOની ગુણવત્તાનો આરંભિક ઈશારો ગણી લઈ નિર્ણય લેવો જોઈએ.
IPOમાં રોકાણ કરતા પહેલાં કંપનીના fundamentalsનું સ્વતંત્ર મૂલ્યાંકન કરી લેવું જોઈએ
અમદાવાદઃ છેલ્લા એક વર્ષમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs-Foreign Portfolio Investors)ના સેકન્ડરી માર્કેટમાં એટલે કે શેરબજારમાં પહેલેથી લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં રોકાણમાં ઘટાડો કરી રહ્યા છે અને તેને બદલે પ્રાયમરી માર્કેટના-IPOના માધ્યમથી એટલે કે પબ્લિક ઇશ્યૂ લઈને આવતી મેઈન બોર્ડ કંપનીઓના શેર્સ ખરીદીને નવી કંપનીઓમાં રોકાણ વધારી રહ્યા છે.
ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે 2025ના વર્ષમાં ઓક્ટોબર માસ સુધીમાં મેઈન બોર્ડના IPOમાં અંદાજે ₹30,728 કરોડનું રોકાણ કર્યું છે. તેની તુલનાએ 29 ઓક્ટોબર 2025 સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે સેકન્ડરી માર્કેટમાંથી ₹1.37 લાખ કરોડના મૂલ્યના શેર્સ ખરીદ્યા છે. આ હકીકત સ્પષ્ટ કરે છે કે FPIs જૂના શેરોમાંથી બહાર નીકળી રહ્યા છે અને નવી કંપનીઓમાં IPO મારફતે નવા રોકાણ વધારી રહી છે. આમ નવા શેર્સમાં પોઝિશન બનાવી રહ્યાં છે.
2021ના વર્ષમાં IPOના માર્કેટમાં ભયંકર તેજી આવી હતી. આ તેજી દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો સરેરાશ હિસ્સો લગભગ 30 ટકાનો હતો. જોકે 2025માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો આઈપીઓના માધ્યમથી શેર્સની ખરીદી કરવાનો હિસ્સો ઘટીને આશરે 20 ટકાનો થયો છે. આ હકીકત દર્શાવે છે કે હવે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માત્ર પસંદગીના અને ગુણવત્તાવાળા IPO પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
નાના રોકાણકારોએ શું શીખવું જોઈએ
અલબત્ત નાના રોકાણકારોએ FPIની ચાલની જ નકલ કરવાથી દૂર રહેવું જોઈએ. એફપીઆઈ-ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના આ વલણનો ભારતના અને ગુજરાતના નાના રોકાણકારોએ એક ફિલ્ટર તરીકે ઉપયોગ કરવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય રોકાણકારોએ કયો પબ્લિક ઇશ્યૂ સારી કંપનીનો છે તેનો અંદાજ બાંધવા માટે એફપીઆઈના ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખવો જોઈએ. એન્કર બુકમાં FPIની ઉપસ્થિતિ IPOની ગુણવત્તાનો આરંભિક ઈશારો માનીને આઈપીઓમાં રોકાણ કરવાનું આયોજન કરવું જોઈએ. જોકે રોકાણ કરતા પહેલાં તેની મૂળભૂત સ્થિતિ (fundamentals)નું સ્વતંત્ર મૂલ્યાંકન કરવું જરૂરી છે.
FPIના વર્તનનો ઉપયોગ કેવી રીતે કરવો
FPIs ભારતીય IPOમાં એન્કર અને નૉન-એન્કર બંને વિભાગમાં રોકાણ કરે છે. તેમાં સરકારી ફંડ, પેન્શન ફંડ, બેન્કો, એસેટ મેનેજરો, હેજ ફંડનો અને ફેમિલી ઓફિસનો સમાવેશ થાય છે. એન્કર રોકાણકારોમાં લાંબા ગાળાના સંસ્થાકીય રોકાણકારો અને તેમાંય ખાસ કરીને સૉવરિન ફંડ અને પેન્શન ફંડનો પ્રભાવ વધુ હોય છે. કુલ IPOના 50-75% હિસ્સો QIB (Qualified Institutional Buyer) કેટેગરીમાં જાય છે, જેમાંથી 60% સુધીનો ભાગ એન્કર રોકાણકારો માટે હોય છે. FPIs ઘણીવાર નૉન-એન્કર વિભાગમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પરિણામે વધારે લવચીકતા-ફ્લેક્સેબિલિટી અને ત્વરિત નિર્ણય લેવામાં અનુકૂળતા રહે છે.
ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના વર્તનમાં આવેલા ફેરફારનું કારણ
FPIs જૂના શેર વેચી ને નવા IPOમાં રોકાણ કેમ કરી રહ્યા છે? કારણ કે વૈશ્વિક જોખમો વધી રહ્યા છે. ડૉલર મજબૂત છે. બોન્ડમાં કરવામાં આવેલા રોકાણ પર સારું વળતર મળી રહ્યું છે. તેથી સેકન્ડરી માર્કેટમાંથી શેર્સ ખરીદવા જાય તો તે મોંઘા પડી રહ્યા છે. Nifty 500એ છેલ્લા દાયકામાં રોકાણકારોને સરેરાશ વાર્ષિક 15 ટકા રિટર્ન આપ્યું છે. તેથી ઘણા FPIsએ નફો બુક કર્યો છે. હવે તેઓ નવા ઉદ્યોગો અને નવી ઉંમરના બિઝનેસ તરફ વળી રહ્યા છે.
છતાંય નાના રોકાણકારોએ FPIને આંખ બંધ કરીને અનુસરવાને બદલે તેમના પ્રક્રિયાને અનુસરવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો મૂળભૂત પરિમાણો, ઉદ્યોગની દિશા અને મૂલ્યાંકન શિસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
એન્કર રોકાણ કરે તેમાં જ સ્થાનિક રોકાણકારોએ ઇન્વેસ્ટ કરવું તે યોગ્ય નથી
FPIનું એન્કર રોકાણ ગુણવત્તાનો સંકેત છે, પરંતુ ગેરંટી નથી. રિટેલ રોકાણકારોએ IPOના ફંડામેન્ટલ્સનું પોતાનું વિશ્લેષણ કરવું જોઈએ. એફપીઆઈના રોકાણનો ટ્રેન્ડ ઊચ્ચ ગુણવત્તાવાળા IPOની યાદી શોર્ટલિસ્ટ કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ અંતિમ નિર્ણય સ્વતંત્ર મૂલ્યાંકન પર આધારિત હોવો જોઈએ.
લૉક-ઇન સમય પર નજર રાખવી જોઈએ
એન્કર રોકાણકારો માટે 50 ટકા શેર્સ 30 દિવસ માટે અને બાકીના 50 ટકા શેર્સ 90 દિવસ માટે લૉક-ઇન રહે છે. રિટેલ રોકાણકારોએ આ સમયગાળાની જાણ રાખવી જોઈએ, કારણ કે લૉક-ઇન પૂરો થયા પછી માર્કેટમાં શેર સપ્લાય વધે છે અને ભાવ તૂટી પણ શકે છે. FPIsએ 2025માં ખાસ કરીને સોફ્ટવેર, ફાઇનાન્સ અને હેલ્થકેર ક્ષેત્રમાં વધુ રોકાણ કર્યું છે. રિટેલ રોકાણકારો દરેક IPOમાં પોતાના ઈક્વિટી પોર્ટફોલિયોના 1-2 ટકા જેટલું રોકાણ રાખી શકે છે. તેમ જ કુલ IPO રોકાણ 5થી 10 ટકા સુધી મર્યાદિત રાખે તો તે તેમના હિતમાં રહેશે.
FPI રોકાણ ધરાવતા IPO હંમેશાં સફળ થયા નથી. છેલ્લા પાંચ વર્ષમાં ₹1,000 કરોડથી વધુ FPI રોકાણ ધરાવતા 17 IPOમાંથી 14એ સકારાત્મક રિટર્ન આપ્યા છે, પરંતુ તેમાં પણ બહુ મોટો ફરક જોવા મળ્યો છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો Eternal, PB Fintech અને Lodha Developersના શેરોએ રોકાણકારોને અનેક ગણો નફો કરાવી આપ્યો છે. બીજીતરફ Vedant Fashions અને Star Health Insurance વળતર અપાવવામાં બહુ જ ઊણાં ઉતર્યા છે. આમ FPIના રોકાણના ટ્રેન્ડનું પગલે પગલું દબાવવાથી સફળતા જ મળશે તેની ખાતરી નથી. અંતે ફંડામેન્ટલ્સ અને માર્કેટ સેન્ટિમેન્ટ જ રોકાણકારને મળનારા વળતરનું પ્રમાણ નક્કી કરે છે.
રોકાણ ક્યારે પાછું ખેંચવું જોઈએ
IPO બાદ FPIની હોલ્ડિંગ કેવી રીતે બદલાય છે તે જાણવા માટે ત્રિમાસિક શેરહોલ્ડિંગ ડેટા તપાસતા રહેવું જોઈએ. આ ડેટાની ચકાસણી કરતાં એફપીઆઈના રોકાણમાં કે હોલ્ડિંગમાં ઘટાડો જોવા મળે તો તેને કંપનીમાંના એફપીઆઈ-ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના ઘટી રહેલા વિશ્વાસનો સંકેત ગણવો જોઈએ. મૂળભૂત રીતે મજબૂત અને ડેવલપિંગ કંપનીઓમાં લાંબા ગાળાનું રોકાણ કરી શકાય છે. પરંતુ FPIની ચાલ પર નજર રાખવાથી તમને સમયસર નિર્ણય લેવા મદદ મળશે.




