• 22 November, 2025 - 9:10 PM

ડાયાબિટીસ છે? ચકાસી લો તમને અમેરિકાના વિઝા મળશે કે નહિ

યુ.એસ. વિઝા માટે અરજી કરતા વિદેશીઓ માટે અમેરિકન એમ્બેસી-US Embasy દ્વારા માન્યતાપ્રાપ્ત ડૉક્ટર્સ પાસે જ તબીબી તપાસ કરાવવી ફરજિયાત કરી દેવામાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પ નીતનવા તૂત કર્યા જ કરે છે. હવે વિઝા માટે કંઈક નવો જ નિયમ લાવી રહ્યા છે. તમને ડાયાબિટીસ હોય કે તમે જાડિયા પાડિયા હોવ તો તમને અમેરિકાના વિઝા ન મળે તેવી સંભાવના છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકા માટે વિઝા મેળવવા અરજી કરનારાઓ માટે તબીબી તપાસના વધુ ચુસ્ત નિયમો લાગુ કર્યા છે. KFF Health Newsના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસનના નવા માર્ગદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ડાયાબિટીસ અથવા મોટાપા જેવી આરોગ્ય સમસ્યા ધરાવતા વિદેશીઓને અમેરિકાનો વિઝા નકારી શકાય છે.

યુ.એસ. વિઝા માટે અરજી કરતા વિદેશીઓ માટે અમેરિકન એમ્બેસી-US Embasy-યુ.એસ. એમ્બેસી દ્વારા માન્યતાપ્રાપ્ત ડૉક્ટર્સ પાસે જ તબીબી તપાસ કરાવવી ફરજિયાત કરી દેવામાં આવી છે. પ્રવાસી-Tourist અને Non-tourist બિનરપ્રવાસી બંને પ્રકારના વિઝાઓ માટે અરજી કરનારાઓની ટીબી જેવી ચેપ લાગતી બીમારીઓ (Infectious sickness like Tuberculosis) માટે પણ ચકાસવામાં આવે છે. હવે દરેક વિઝા અરજદારને તેમની Medical History એટલે કે તેમને તબીબી ઇતિહાસ દર્શાવતો ફોર્મમાં દરેક વિગતો લેવામાં આવશે. આમ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે તબીબી કારણો પર આધારિત વિઝા મંજૂરી માટે વધુ કડક નિયમો લાગુ કર્યા છે. નવા નિર્દેશો મુજબ, યુ.એસ. વિઝા માટે અરજી કરતા વિદેશીઓને ખાસ આરોગ્ય પરિસ્થિતિઓ જેમ કે ડાયાબિટીસ અથવા મોટાપા હોવાના કારણે વિઝા નકારી શકાય છે.

અમેરિકાના વિદેશ ખાતાની સૂચના

KFF Health News દ્વારા સમીક્ષા કરાયેલા સ્ટેટ ડિપાર્ટમેન્ટના કેબલ-સંદેશ પાઠવીને અમેરિકાની  એમ્બેસીની દરેક ઓફઇસ તથા કાઉન્સ્યુલર સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે અરજદારોને નવા કારણોસર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરવાનું શરૂ કરી દેવાનું છે. આમ વિઝા આપવા કે ન આપવા તેનો નિર્ણય વિઝાની અરજી કરનારની ઉંમર અથવા તેઓ જાહેર લાભ (public benefits) પર આધાર રાખતા થાય તેવી સંભાવના રહેલી છે.

અમેરિકાની સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકા મુજબ વિઝા અરજી કરનારી વ્યક્તિઓ પબ્લિક ચાર્જ” એટલે કે, અમેરિકન સંસાધનો પર બોજરૂપ બની શકે છે. તેથી તેમની ઉંમર અથવા આરોગ્ય સમસ્યાઓને કારણે પણ તેમના વિઝાની અરજીનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહેશે.

KFF Health News મુજબ કેબલમાં જણાવવામાં આવ્યું છે કે વિઝાની મંજૂરી આપતા પહેલા તમારે અરજદારોના આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ. તેમાંય ખાસ કરીને હૃદયરોગ, શ્વાસરોગ, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક બીમારીઓ, ન્યુરોલોજીકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિઓ માટે લાખો ડોલર જેટલી સારવાર જરૂરી બની શકે છે. આ બધાં માટે ખર્ચાળ અને લાંબા ગાળાની કાળજીની જરૂર પડે છે.

કેબલમાં વિઝા અધિકારીઓને મોટાપા જેવા વધારાના પરિબળો પર પણ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે મોટાપાથી અસ્થમા, ઊંઘની અડચણ (સ્લીપ એપ્નિયા) અને High blood pressure- હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવનારા વિઝા અરજદારોને આરોગ્યના જોખમો હોવાની શક્યતા છે. પરિણામે અમેરિકાની જનતાને માથે તેમના ખર્ચનો બોજ આવી શકે છે. આ સંજોગોમાં તેમને અમેરિકામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમની વિઝા અરજી નકારી શકાય છે. તદુપરાંત વિઝા માટેની અરજી કરનાર પાસે પૂરતી આર્થિક સગવડ છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની રહેશે. સમગ્ર જીવનકાળ દરમિયાન તબીબી સારવારના ખર્ચ ઉઠાવી શકે અને અમેરિકામાં તબીબી સારવાર માટે તેમને સરકારી સહાય અથવા લાંબા ગાળાની જાહેર સંસ્થાકીય કાળજીની જરૂર ન પડે તેમની જ વિઝા અરજીઓ મંજૂર કરવાની રહેશે.

માર્ગદર્શિકામાં વિઝા અધિકારીઓને અરજદારના પરિવારજનોના આરોગ્ય પર પણ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે, જેમાં બાળકો અને વૃદ્ધ માતાપિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ રીતે અરજદાર પર નભનારાઓ(Dependent on applicants)માં પણ કોઈ અશક્ત હોય કે લાંબી બીમારી ધરાવતું હોય કે પછી તેમને વિશેષ કાળજી રાખવાની જરૂર હોય અને તેની અસર હેઠળ વિઝા અરજદાર માટે રોજગાર જાળવવી કઠિન બનવાની શક્યતા હોય તો તેમને પણ વિઝા આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે.

વિઝા માટેના નવા નિયમોની અસર

KFF Health Newsને નિષ્ણાતોએ જણાવ્યું કે આ નવી માર્ગદર્શિકાઓ વિઝા પ્રક્રિયામાં આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓની યાદીને વિશાળ બનાવશે અને વિઝા અધિકારીઓને વધુ સત્તા આપશે. પરિણામે તેઓ અરજદારોની આરોગ્ય સ્થિતિના આધારે ઇમિગ્રેશનનો નિર્ણય લઈ શકશે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારની પ્રસ્તુત નીતિ દર્શાવે છે કે અમેરિકામાં ગેરકાયદે રહેલા પ્રવાસીઓને બહાર કાઢવા અને નવી ઇમિગ્રેશનને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. આ નીતિનો અમલ કરીને ચોક્કસ દેશોના શરણાર્થીના અમેરિકા આગમન પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. તેમ જ અમેરિકા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં મર્યાદા મૂકવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.

 

Read Previous

હવે IPOના માધ્યમથી શેર્સ ખરીદવાનું વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોમાં ચલણ

Read Next

પીએમ-કિસાનના 21મા હપ્તા અંગે મોટું અપડેટ, 28,000 થી વધુ ખેડૂતોના ખાતામાં 62 કરોડ જમા થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular