સંપત્તિ સર્જન કરવા માટે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ

બજારની રોજિંદી વધઘટને જોઈને રોકાણ કરવાનો કે રોકાણ પાછું ખેંચી લેવાનો નિર્ણય ન લો
દર મહિને લાખો બેંક ખાતાઓમાંથી નાની, આપમેળે કપાત થતી ચુકવણીઓ થાય છે. પરંતુ દસ વર્ષ પછી, આ સામાન્ય લાગતા વ્યવહારો કંઈક અસામાન્ય સંપતિનું સર્જન કરે છે. માત્ર નિયમિત રીતે રોકાણ કરતા રહેવાની સરળતાથી, બજારના ચઢાવ ઉતારથી પણ ચલિત થયા વિના રોકાણ કરતાં રહેવાની ધીરજનું પરિણામ છે. ત્રણ દાયકાં પહેલાં મ્યુચ્યુઅલ ફંડ(Mutual Funds)નો આરંભ થયો ત્યારે પોતાના પૈસા રોકાણ કરવા માટે અન્યને આપવાની વાતને જ શંકાની નજરથી જોવામાં આવતી હતી. તેમને તે વખતે બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટ અને PPFમાં વધુ વિશ્વાસ હતો. હા, મ્યુચ્યુઅલ ફંડ્સને સફળતાના ધોરીમાર્ગ પર લઈ જવામાં UPIની મદદથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન- SIPની ચૂકવણી સરળ બની તેનો પણ ફાળો છે. બેન્કોમાં E-Mandateની આવેલી સિસ્ટમે SIP ને આપમેળે ચાલુ રાખવામાં મદદ કરીને મ્યુચ્યુઅલ ફંડના ઉદ્યોગને જીવંત રાખવામાં મોટો ફાળો આપ્યો છે. ધીમો પણ એકધારી ગતિએ વિશ્વાસ સાથે આગળ વધનાર વિજેતા બને છે તેવી માન્યતા સમયાંતરે એસઆઈપીના ઇન્વેસ્ટર્સના મનમાં મજબૂત બની તેણે મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગને સફળતાના નવા શિખરે મૂકી દીધો છે. હા, તેમાં ટૂંકા ગાળામાં કમાણી કરી લેવા લલચાવતી સ્ટોક માર્કેટની ટિપ્સે કોઈ જ ભૂમિકા ભજવી નથી.
2019-20માં કોરોનાએ આખી દુનિયાને માંદગીની મજબૂત પકડમાં ભીંસી લીધી ત્યારે એસઆઈપીના કેટલાક રોકાણાકારો ફફડી ઊઠ્યા. તેમણે મ્યુચ્યુઅલ ફંડના નાણાં ઉપાડીને ફિક્સ્ડ ડિપોઝીટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે એક વર્ગે તેમના એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણોને પૂર્વવત જાળવી રાખ્યા હતા. જોકે રોકાણકારોના રોકાણનો પ્રવાહ ઘટી જતાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટના ભાવ તૂટી ગયા હતા. આ તબક્કે સસ્તું મળે ત્યારે ખરીદી લેવાની માનસિકતા ધરાવનારા બીજા વર્ગે રોકાણ વધારી દીધું હતું. મે 2020માં SIP બંધ થવાની દર 81 ટકા સુધી પહોંચી ગયો હતો. અલબત્ત ડિસેમ્બર 2020 સુધીમાં બજાર સ્થિર થવા માંડતા મ્યુચ્યુઅલ ફંડમાંથી નાણાં ઉપાડી લેનારાઓની સંખ્યા ઘટીને 55 ટકા પર આવી ગઈ હતી. આમ કોરોના કાળ પછીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જાળવી રાખનારાઓ ત્રણ વર્ષ બાદ છૂટેલા વળતરે રોકાણકારોને ફરીથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ખેંચી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓમાં ધીરજ હોવી જરૂરી છે.
મ્યુચ્યુઅલ ફંડ પણ એક જ શેર્સમાં કે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં રોકાણકારોના નાણાં લગાવતું નથી. મ્યુચ્યુઅલ ફંડના સંચાલકોના રોકાણ ઇક્વિટી-શેર્સના ફંડમાં, ડેટ ફંડ, ગોલ્ડ સિલ્વર કે કોમોડિટીના સ્ટોક્સમાં પણ હોય જ છે. આમ એક જ બાસ્કેટમાં તમામ ઇંડાંઓ મૂકી દેવાની માનસિકતાથી મ્યુચ્યુઅલ ફંડ્સ જોજનો દૂર છે.
સામાન્યપણે રોકાણકારો તેમણે ઇન્વેસ્ટ કરેલા ફંડના યુનિટની વેલ્યુ પર જ ધ્યાન આપે છે. વાસ્તવમાં તેમણે બજારની લાંબા ગાળાની દિશા પર નજર રાખવી જોઈએ. એસઆઈપીના ઇન્વેસ્ટર્સ રોજ રોજ અને કેટલાક કિસ્સાઓમાં તો કલાકે કલાકે તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અન તેના વર્તમાન મૂલ્ય તથા તેમને થયેલા નફાની રકમ જોયા કરતા હોય છે. આ માનસિકતાને કારણે જ રોકાણના નાણાં ઝડપથી વધવા જોઈએ તેવી તેની આશા-અપેક્ષાઓ બળવત્તર બનતી જાય છે. તેવું ન થાય ત્યારે આ રોકાણકારો અવિચારી નિર્ણય લઈ લેતા હોવાનું જોવા મળે છે. વોરેન બફેટ જેવો ઇન્વેસ્ટમેન્ટ ગુરુ કહે છે કે, “કલ્પના કરો કે ખેડૂતો દર કલાકે ધાન અથવા ઘઉંના ભાવ ચકાસે અને આજના ચઢાવ-ઉતારના આધારે વાવણીનો નિર્ણય કરે તો તે ખેડૂત કદી વાવણી જ કરી શકશે નહિ.” તમે લાંબા ગાળા માટે રોકાણને જાળવી રાખવા માગતા હોવ અને સારુ સંપત્તિ સર્જન કરવા માગતા હોવ તો રોજબરોજની માર્કેટની વધઘટ પર નજર ન રાખો. રોકાણ કરવા માટેની તમારી જોખમ લેવાની ક્ષમતાનો કેન્દ્રમાં રાખીને તમે નિર્ણય લઈ લો. ત્યારબાદ તમારા પોતાના નિર્ણયમાં વિશ્વાસ રાખીને તેને વળગી રહો અને એસઆઈપીમાં રોકાણ કરતાં રહો.
મ્યુચ્યુઅલ ફંડની ખાસિયત જ એ છ કે રોકાણ કરવાનો નિર્ણયને બજારમાં રોજબરોજની વધઘટના કોલાહલથી દૂર રાખો. તમારા લક્ષ્ય માટે તમે મક્કમ હોવ તો રોજબરોજની વધઘટ તમારા માટે અર્થહીન બની જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પણ પૂરતું વળતર ન મેળવનારાઓમાં ધીરજના અભાવનો અવગુણ હોવાનું જોવા મળે છે. શેરબજારની મંદી નહિ, ધીરજનો અભાવ તેમના સંપત્તિ સર્જનમાં અવરોધરૂપ બને છે. બજાત થોડુંક નરમ પડે એટલે ધીરજ ન ધરાવતા રોકાણકારો નીચેના સ્તરે વેચાણ કરીને નીકળી જાય છે. તેની સાથે જ મ્યુચ્યુઅલ ફંડમાં કદીય પાછા રોકાણ ન કરવાના સોગંદ લઈ લે છે. આ જ રીતે શેરબજાર તેજીની પરાકાષ્ઠાએ હોય ત્યારે સંપૂર્ણ બચતને દાવ પર લગાડી દેનારાઓ પણ બજાર કડાકા સાથે તૂટી પડતાં ભયંકર પછડાટ ખાય જ છે. આમ દરેક રોકાણમાં પૂર્ણ વિશ્વાસ અ મધ્યમ માર્ગી અભિગમ હોવો જરૂરી છે. લાંબા ગાળાનું સફળ રોકાણ કરવા પાછળ કોઈ તેજસ્વી આગાહીમાં જવાબદાર નથી, પરંતુ સ્થિર રીતે સમજદારીપૂર્વકના નિર્ણયો લેવાની અને મોટી ભૂલો ટાળવાની પ્રક્રિયામાં છે.
હા, તેને માટે ઍસેટ ઍલોકેશન એટલે કે કેટલું રોકાણ ઇક્વિટી-શેર્સમાં કરવું અને કેટલું ડેટ ફંડમાં કરવું તે અંગેનો નિર્ણય વધુ મહત્વનો છે. તેમાંય બે પ્રકારના રોકાણકાર હોય છે. પહેલો રોકાણકાર અઠવાડિયા સુધી સૌથી સારું ફંડ શોધવાની મહેનત કરે છે. આ ફંડના છેલ્લા 5 વર્ષના રિટર્ન્સની સરખામણી કરે છે. તેમ જ તે ફંડ અંગેના વિશ્લેષક કે એનાલિસ્ટ રિપોર્ટ્સ પણ વાંચી લે છે. આમ તે પરફેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ શોધે છે. બીજો રોકાણકાર એક સરળ, ઓછી કિંમતવાળું ફંડ પસંદ કરે છે. તેની સાથે સાથે જ યોગ્ય ઍસેટ ઍલોકેશન કરવા પર અને રોકાણને આપમેળે ચાલુ રાખવા પર ફોકસ કરે છે. આ બે ઉદાહરણમાં દસ વર્ષ પછી બીજો રોકાણકાર વધુ સારું પ્રદર્શન કરે છે. આ સારા પ્રદર્શન માટે ફંડ નહિ, પરંતુ તેણે ઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પર ધ્યાન આપ્યું હોવાથી સફળતા મળી હતી. પહેલા રોકાણકારોની માફક વિશ્લેષકોના અનુમાન પર તેણે આધાર રાખ્યો નહોતો. આમ રોકાણ કરવા માટેની યોગ્ય પ્રક્રિયા સારામાં સારા પરિણામ આપી શકે છે.
વાસ્તવિકતા એ છે કે ફક્ત પ્રશ્નો પૂછીને સંપત્તિનુ સર્જન થતું નથી. સમયસર યોગ્ય નિર્ણય લઈને ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લેવો સૌથી વધુ મહત્વનો છે. બીજું, તમારી SIPના નાણાં આપમેળે કપાતા જાય તેવી વ્યવસ્થા ઊભો કરો. ત્રીજું, દર વર્ષે રીબેલેન્સ માટે રિમાઇન્ડર મૂકી દો. રિબેલેન્સમાં દર વર્ષે તમે તમારા મ્યુચ્યુઅલ ફંડના સ્ટોક્સના પોર્ટફોલિયોમાં અને ડેટ ફંડના પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકો છો. દર વર્ષે તેમાં ફેરફાર કરવાનો વિકલ્પ રોકાણકાર તરીકે તમને મળે છે. તેનો લાભ ઊઠાવી શકાય છે. તમારા એસેટ એલોકેશનમાં 70 ટકા શેર્સમાં અને 30 ટકા ડેટ ફંડમાં રોકાણ કરવાનું આયોજન હોય તો તેમાં બદલાવ કરીને સંજોગ પ્રમાણે ઇક્વિટી ફંડમાં 55 ટકા અને ડેટ ફંડમાં 45 ટકા રોકાણ કરવાની સૂચના આપીને તમારા પોર્ટફોલિયોને તમે નવેસરથી સમતોલ કરી શકો છો. આ જ રીતે ઇક્વિટીનું પરફોર્મન્સ સારુ હોય તો તમે ઇક્વિટીમાં તમારા રોકાણ વધારીને 80 ટકા સુધી લઈ જઈ શકો છો અને ડેટ ફંડનું એલોકેશન ઘટાડીને 20 ટકા કરી શકો છો. જોકે ઇક્વિટીમાં રોકાણ વધારો તો તમારા પોર્ટફોલિયો સામેનું જોખમ પણ વધે છે. આ સ્થિતિમાં વાર્ષિક પુનઃસમતોલન કરવાની પ્રક્રિયામાં તમે તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાંથી કેટલાક યુનિટ્સનું વેચાણ કરીને ડેટ ફંડમાં ડાયવર્ટ કરી શકો છો. તમારા પોર્ટફોલિયોને ઓછ જોખમી બનાવવા માટે શેર્સમાં 45 ટકા અને ડેટમાં 55 ટકા રોકાણ કરવાની સૂચના પણ આપી જ શકો છો. અન્યથા ઇન્વેસ્ટમેન્ટના આરંભમાં જ તમે 70 જેમ 30 ટકાનો સ્ટોક-ડેટનો રેશિયો રાખ્યો હતો તે ફરીથી લાવી દઈ શકાય છે. કેલેન્ડર વર્ષ કે નાણાંકીય વર્ષમાં છ મહિનાને ગાળે કે પછી બાર મહિનાના ગાળા બાદ એકવાર રિબેલેન્સિંગ કરવાની તક દરેક રોકાણકારને મળે જ છે. મોટાભાગના ઇન્વેસ્ટર્સ વતી એસેટ મેનેજમેન્ટ કંપની જ રોકાણકારોને જાણ કર્યા વિના જ રિબેલેન્સિંગ કરી દે છે. વાસ્વતમાં એસેટમેનેજમેન્ટ કંપનીઓએ રોકાણકારોને તેની જાણ કરવી જરૂરી છે. અલબત્ત રોકાણકારોને વિશ્વાસમાં લેવાની પ્રક્રિયામાં સમય ચૂકી જવાની સંભાવના રહેલી છે.
બીજું, એસઆઈપીના કે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ તેમનો નફો બુક પણ કરી શકે છે. લૉક ઇન પિરિયડ પૂરો થયા પછી દર વર્ષે કેપિટલ ગેઈનનો રૂ. 1.25 લાખ સુધીનો ઉપાડ કરનારના કેપિટલ ગેઈનને આવકમાં ઉમેરવામાં આવતો નથી. પરિણામે રોકાણકાર દર વર્ષે કેપિટલ ગેઈનની વેરા માફીપાત્ર રકમનો ઉપાડ કરીને જરૂર ન હોય તો તેને અન્ય વિકલ્પમાં નવેસરથી રોકીને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને વધુ સંગીન બનાવી શકાય છે. ત્રીજું, ઇન્વેસ્ટમેન્ટના ગાળામાં રોકાણ કરવામાં શિસ્ત જળવાયેલું રહેવું જોઈએ. વચગાળામાં ઇન્વેસ્ટમેન્ટ અટકાવી દેવું ન જોઈએ. ચોથું લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવાથી ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં અવરોધ આવતો નથી.
હા, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં બધું જ સમુસૂતરું ચાલી રહ્યું છે તેવી માન્યતામાં રાચવાની જરૂર નથી. મોટા ઇન્વેસ્ટમેન્ટના નિર્ણય લેવામાં ફંડ મેનેજરો પોતાનો કટ પણ રાખતા હોય છે. તેમ જ કેટલાક પ્રોડક્ટ રોકાણકારોના હિતમાં ન હોય તો પણ તેને વધુ વેચવામાં આવે છે. તેમ જ કેટલીક જગ્યાએ જરૂર કરતાં ખર્ચ ઊંચો કરવામાં આવે છે. આ સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રીબ્યુશન-વિતરણ પ્રક્રિયામાં સુધારાની જરૂર છે. પરંતુ આ બધાં છતાં, એક અદભૂત સિદ્ધિ પ્રાપ્ત થઈ છે આ પ્રકારની થોડી નબળાઈઓ છતાં શિસ્તબદ્ધ, વિભાજિત અને વ્યાવસાયિક રીતે સંચાલન હેઠળ કરવામાં આવ્યા મ્યુચ્યુઅલ ફંડને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં હવે કરોડો ભારતીયોને વિશ્વાસ બેસી ગયો છે. હવે સવાલ એ નથી કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ, કારણ કે મોટાભાગના ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની તરફેણમાં છે. બીજો સવાલ એ જ છે કે લાંબો સમય મ્યુચ્યુઅલ ફંડના રોકાણની આ પ્રક્રિયા સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહી શકો કે નહીં તે જ છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો શીખી રહ્યા છે કે રોકાણ કરતી વખતે બજારની ચાલ અંગે અનુમાન લગાવવાની જરૂર નથી. રોકાણકારે માત્ર ને માત્ર મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો દ્વારા વારંવાર કરવામાં આવતી ભૂલોને ટાળવી જોઈએ. તેમ કરશો તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓના સંપત્તિ સર્જનના ધ્યેય પાર પડશે જ પડશે. ટીપ સાંભળીને ઇન્વેસ્ટમેન્ટ ન કરો. યોજના તૈયાર કરીને રોકાણ કરશો તો ફાવશો.



