– વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન દ્વારા રોજિંદા જીવનના જાણ્યા-અજાણ્યા પાસાઓ સાથે દર્શકોને લીન કરી દીધા
અમદાવાદ : ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશનની પહેલ – અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 7મી આવૃત્તિનો પહેલા દિવસે નૃત્ય, સંગીત અને રંગભૂમિના જીવંત મોઝેક તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. શુક્રવારના પ્રદર્શનોમાં પ્રેક્ષકોને કલાત્મક અભિવ્યક્તિઓના ઊંડાણમાં ઉતરવાની તક મળવાની સાથે વિવિધતા સભર અદભૂત અનુભવોનો પણ સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં શહેરના રસ્તાઓ પરની લયના ધબકારાથી લઈને આંતરિક પરિવર્તનનું કાવ્યાત્મક ઓડિસી ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
બીજીતરફ ભારતના ધ્વનિ વારસાને એકસાથે ગૂંથી રાખતી રજૂઆતો કરવામાં આવી હતી. અમદાવાદના ત્રણ સ્થળે એટલે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન કેમ્પસ ખાતે એક સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના એમ્ફીથિયેટર ખાતે, અમદાવાદની રીતુ ચાંગલાનીએ એક સમકાલીન નૃત્ય નાટક ધ બ્લુ અવર પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક સ્વીકૃતિ અને સંતુલનના વિચારની આસપાસ ફરે છે. દિવસ અને રાત વચ્ચેની પ્રકાશ અને અંધકારના સહઅસ્તિત્વની એ ક્ષણિક પરંતુ જાદુઈ ક્ષણમાંથી પ્રેરણા લઈને રૂપકાત્મક રીતે પ્રકાશ અને અંધકાર સુમેળમાં સહઅસ્તિત્વમાં હોય છે તે ક્ષણને પ્રદર્શિત કરે છે.
રીતુ અને તેની ટીમ કોરિયોગ્રાફીનો ઉપયોગ કરીને વિરોધાભાસી બાબતો એકબીજાના પૂરક હોય ત્યારે સુંદરતા અને તેની ગેરહાજરીમાં ખાલીપણું દર્શાવે છે. આ નાટકમાં પ્રકાશનો નવીન ઉપયોગ, તેજ અને પડછાયા વચ્ચેના દબાણ અને ખેંચાણને પ્રતિબિંબિત કરવા માટે પાત્રો સાથે કેવી રીતે સફર કરે છે તે દર્શાવવામાં આવ્યું હતું.
મુંબઈ સ્થિત કલાકાર મોહન સાગરે પોતાના પ્રદર્શન ધ હાર્મોનિયમ બેન્ડ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસ્તુતિમાં તેમણે તે વાદ્ય યંત્રને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેના થકી તેની રચનાત્મક યાત્રાને પોતે આકાર આપ્યો છે. આ અનોખી સંગીત પ્રસ્તુતિ થકી મંચ પર ઊંડાણ અને ગતિશીલતા રજૂ કરી હતી.
રંગમંચના કલાકાર ગિરીશ સોલંકીએ વિચાર-પ્રેરક અભિનય હરગૌરી શાસ્ત્રી પ્રસ્તુત કર્યુ હતુ. જે લૈંગિક ઓળખ અને પરિવર્તનશીલતાનું એક અન્વેષણ છે. બે દાયકાથી વધુ સમયથી રંગમંચમાં સક્રિય ગિરીશ સોલંકી ગુજરાતી નાટકમાં એક જાણીતો ચહેરો છે. આ ખાસ વ્યક્તિગત નાટકમાં સ્ત્રીની ભૂમિકાઓ ભજવતા એક બ્રાહ્મણ અભિનેતાની વાર્તા છે, જે સામાજિક રચનાઓને પડકારે છે અને પૌરાણિક સદ્ભાવનું આહવાન કરે છે – જો શિવ અને શક્તિ એક સાથે અસ્તિત્વમાં હોઈ શકે, તો આજે સમાજ પરિવર્તનશીલતાનો વિરોધ કેમ કરે છે? આ રજુઆત દ્વારા કલાકાર દર્શકોને યાદ અપાવે છે કે સ્વીકૃતિ સહાનુભૂતિથી શરૂ થાય છે.