ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાના જોખમોને જાણો છો ખરા?, ઓક્ટોબર 2025માં રોકાણ 60 ટકા ઘટી ગયું

ડિજિટલ ગોલ્ડના જોખમોને જાણો છો ખરા?
ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)એ ડિજિટલ ગોલ્ડ “અનિયમિત” હોવાથી તેમાં રહેલા જોખમ અંગે વારંવાર ચેતવણી આપી તને પરિણામે ઓક્ટોબર 2025માં ડિજિટલ ગોલ્ડમાં થતાં રોકાણમાં 60 ટકાનો ઘટાડો આવી ગયો છે ઘણા જાણીતા રોકાણકારોએ પણ નિયમિત વિકલ્પોને પસંદ કરવાની સલાહ આપી છે, જેના કારણે રોકાણકારોની માનસિકતા બદલાઈ છે. બીજું, ડિજિટલ ગોલ્ડ કોઈપણ નાણાકીય સત્તા દ્વારા નિયંત્રિત ન હોવાથી રોકાણકારોને માર્કેટની સુરક્ષા વ્યવસ્થાનો લાભ મળતો નથી. ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરતાં પ્લેટફોર્મ વિશે યોગ્ય તપાસ કરવાની સમગ્ર જવાબદારી રોકાણકાર પર જ છે.
SEBIએ ચેતવણી આપી છે કે જો ડિજિટલ ગોલ્ડ ઓફર કરતું પ્લેટફોર્મ બંધ થઈ જાય અથવા દેવાળું નીકળી જાય, તો રોકાણકોનું પૈસા પાછું મળવાની કોઈ ગેરંટી નથી. ઉપરાંત પ્લેટફોર્મ પાસે રોકાણકારોના ગોલ્ડ બેક કરવા પૂરતું ભૌતિક સોનું છે કે નહીં તેની કોઈ સ્વતંત્ર ચકાસણી થતી જ નથી.
ત્રીજું, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરનારાઓ પાસેથી વસૂલવામાં આવતો ઊંચો એન્ટ્રી લોડ એટલે કે ઇન્વેસ્ટર્સ રોકાણ શરૂ કરે ત્યારે લેવામાં આવતો ખર્ચ ઊંચો હોવાથી પણ તેમાં રોકાણ કરનારાઓ ઘટ્યા છે. ગોલ્ડ ETF જેવી નિયંત્રિત વિકલ્પોની તુલનામાં ડિજિટલ ગોલ્ડ ખરીદી પર 3 ટકાના ન-પરત થાય તેવો GST ભરવો પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમાં જમા કરાવેલો જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિ મળતી નથી. ચોથું ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા માટેના પ્લેટફોર્મ પરથી વેચાણ કે ખરીદી કરવામાં બજાર ભાવી તુલનાએ બેથી પાંચ ટકાનો ગાળો રહે છે. આ એક હિડન ચાર્જ છે. રોકાણ કરવાના પહેલા દિવસે જ રોકાણકારને પાંચથી આઠ ટકાનું નુકસાન થઈ જાય છે. પાંચમું ફ્રી સ્ટોરેજ પિરિયડ બાદ સ્ટોરેજ ફી, ડિલિવરી ચાર્જ અને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ઝન ફી જેવા વધારાના ખર્ચ પણ વસૂલવામાં આવે છે. SEBIએ જોખમ પર ભાર મૂક્યા બાદ રોકાણકારો હવે વધુ સુરક્ષિત અને પારદર્શક વિકલ્પો તરફ વળી રહ્યા છે. SEBI દ્વારા નિયમિત, ઓડિટેડ વોલ્ટથી બેક, ઓછી કિંમત, વધારે લિક્વિડિટી અને GST વિનાના વિકલ્પ તરફ રોકાણકારો વળ્યા છે.
રોકાણકારો પાસે હવે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)માં રોકાણ કરવાનો વિકલ્પ મોજૂદ છે.
2024માં શરૂ કરાયેલ, સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડેબલ, ઓડિટેડ વોલ્ટથી બેક અને સત્તાવાર ફરિયાદ નિવારણ પદ્ધતિ ધરાવતું વિકલ્પ રોકાણકારો પાસે ઉપલબ્ધ છે. ડિજિટલ ગોલ્ડમાં નાના રોકાણ ધરાવતા રોકાણકારોએ હવે નવા પૈસા ઉમેરવાનું બંધ કરવું જોઈએ. મોટા રોકાણ ધરાવતા લોકોએ ધીમે ધીમે એક્ઝિટ લઈને ગોલ્ડ ETF અથવા EGR જેવા નિયમિત વિકલ્પોમાં ફંડ ખસેડવા જોઈએ. નવા રોકાણકારોએ ડિજિટલ ગોલ્ડથી દૂર રહી શરૂઆતથી જ નિયમિત અને સુરક્ષિત વિકલ્પો અપનાવવાથી વધારે ફાયદો થાય છે.
સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-SEBIએ તાજેતરમાં ડિજિટલ ગોલ્ડ ખરીદવાના જોખમો અંગે ચેતવણી આપી છે. ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડ એ સોનાની ખરીદી અને વેચાણ કરવાની ઓનલાઈન પદ્ધતિ છે. ચુકવણી ડિજિટલ હોવા છતાં, તેની પાછળનો અસલ એસેટ ભૌતિક સોનું જ છે. ભારતમાં MMTC-PAMP સૌથી મોટું ગોલ્ડ રિફાઇનરી પ્લેટફોર્મ છે, જે પોતાના પોર્ટલ પર સોનાની ઓનલાઈન ખરીદી અને વેચાણની સુવિધા આપે છે. Digigold અને Safegold પણ આ જ રીતે સોનાનો વેપાર કરતાં પ્લેટફોર્મ છે. Google Pay, PhonePe, Amazon Pay અને Paytm જેવી એપ્સ પણ આ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરીને ડિજિટલ ગોલ્ડ વેચે છે. તનિષ્ક, પી.સી. જ્વેલર્સ, અને જોયાલુકાર જેવા જ્વેલર્સ પણ તેમની વેબસાઈટ દ્વારા ડિજિટલ ગોલ્ડ આપે છે. આ તમામ પ્લેટફોર્મ સોનું સુરક્ષિત વોલ્ટમાં રાખવા અને પરિવહન કરવા સિક્યુરિટી એજન્સીઓ અને લોજિસ્ટિક્સ કંપનીઓની સેવા લે છે.
ડિજિટલ ગોલ્ડ કેવી રીતે કામ કરે છે? શું અંતે ભૌતિક સોનું મળે છે?
ખરીદદારે PAN, સરનામું, ઓળખ અને બેંક વિગતો આપી KYC પૂર્ણ કરવું પડે છે. પછી એપમાં લૉગિન કરી ઑનલાઇન સોનું ખરીદી કે પછી વેચી શકાય છે. રૂ. 100 જેટલી નાની રકમથી પણ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકાય છે. તમારા રોકાણની રકમ પ્રમાણે સોનાની સમકક્ષ માત્રા (ગ્રામના ચાર દશાંશ સુધી) ખરીદી અને વોલ્ટમાં સંગ્રહિત થાય છે. સોનાની સુરક્ષા અને વીમાની જવાબદારી વિખ્યાત એજન્સીઓ પાસે હોય છે. સોનાને વેચવા માટે કોઈ લૉક-ઇન નથી. હા, કેટલાક કેસમાં ત્રણ દિવસની મર્યાદા હોઈ શકે છે. તમે ઇચ્છો તો ભૌતિક સોનાના સિક્કા કે બાર તમારા ઘરે મંગાવી શકો છો. આ સોનું 24 કેરેટ શુદ્ધ હોય છે.
SEBIએ રોકાણકારોને ચેતવણી શા માટે આપી?
ડિજિટલ ગોલ્ડમાં અત્યાર સુધી કોઈ ડિફૉલ્ટ અથવા ફ્રોડ થયાના કેસ નથી. પરંતુ SEBI, RBI અથવા IRDAI જેવી કોઈપણ નિયમનકારી એજન્સી આ સેગમેન્ટને નિયમિત નથી કરતી.
આમ કોઈ રેગ્યુલેટરી સંસ્થાની દેખરેખ ન હોવાથી પ્રાઈસ ડિસ્કવરી પારદર્શક નથી અને ગ્રાહક ફરિયાદો માટે કોઈ કાયદાકીય સંસ્થા જવાબદાર નથી. સોનાના વધતા ભાવ અને રોકાણકારોના વધતા રસને ધ્યાનમાં રાખીને SEBIએ ચેતવણી આપી છે.
ડિજિટલ ગોલ્ડમાં મુખ્ય જોખમો શું છે?
જોકે કોઈ ડિફૉલ્ટ નથી, પરંતુ છુપાયેલા ખર્ચો અને પ્રાઈસ ગેપ સૌથી મોટા જોખમો છે:
ડિજિટલ ગોલ્ડના ભાવમાં Buy–Sell સ્પ્રેડ-ગાળો વધારે હોય છે. ડિજિટલ ગોલ્ડના પ્લેટફોર્મના ભાવ બજારના સ્પોટ ભાવ કરતા જુદા હોય છે. ડિજિટલ ગોલ્ડની ખરીદી કરતી વખતે 3 ટકા GST લાગુ પડે છે. વીમા અને વોલ્ટ ચાર્જિસ પેટે ખરીદનારે 0.3થી 0.4 ટકા સુધી ડિજિટલ ગોલ્ડ ખરીદનારને ચૂકવવા પડે છે. ડિજિટલ ગોલ્ડની ભૌતિક ઘરે મંગાવવામાં આવે તો ડિલિવરી ચાર્જિસ ચૂકવવા પડે છે. ડિજિટલ ગોલ્ડ ખરીદનારે મિન્ટિંગ ચાર્જિસ પેટે 03થી 11 ટકા સુધી ચૂકવવા પડે છે. પરિણામે ભૌતિક સોનું મંગાવવું ખર્ચાળ પડે છે. રોકાણકારો માટે કેશ રીડેમ્પશન વધુ ફાયદાકારક રહે છે.
રોકાણકારો માટે સલામત વિકલ્પો શું છે?
ડિજિટલ ગોલ્ડ સંપૂર્ણપણે અસુરક્ષિત નથી, પરંતુ નિયમન વગર હોવાથી વધુ ચોખવટ જરૂરી છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરનારાઓ માટે અન્ય વિકલ્પો પણ મોજૂદ છે. તેઓ ગોલ્ડ ઈટીએફમાં એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરી શકે છે. ગોલ્ડ ઇટીએફ તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ આપવામાં આવે છે. ગોલ્ડ ઇટીએફનું એક્સચેન્જ પર પણ ટ્રેડિંગ થાય છે. ગોલ્ડ ઇટીએફની લિક્વિડિટી સારી છે. તેને માટે ડીમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ હોવા જરૂરી છે. ગોલ્ડ ફંડમાં પણ રોકાણ કરી શકાય છે. ETF સિવાયના ગોલ્ડના રોકાણકારો માટે સરળ વિકલ્પ પણ મોજૂદ છે. તેઓ સોવરિન ગોલ્ડ બોન્ડ-Sovereign Gold Bonds (SGBs)ની રિઝર્વ બેન્ક-RBIના માધ્યમથી ખરીદી કરી શકે છે. તેને માટે તેમની પાસે ડીમેટ અકાઉન્ટ હોવું જરૂરી છે. તેનું રીડેમ્પશન એટલે કે ઉપાડ કરતી વખતે સોનાના પ્રવર્તમાન બજારભાવ પ્રમાણે રકમ મળી જાય છે. તદુપરાંત તેના પર વધારાનું 2.5 ટકા વાર્ષિક વ્યાજ પણ મળે છે. SGBના નવા લૉટ બહાર પાડવાનું 2025થી બંધ થયું છે, પરંતુ સેકન્ડરી માર્કેટમાં ઉપલબ્ધ છે.



