હોય નહીં, માનવામાં ન આવે તેવી વાત! શું ખરેખર ITCના શેરનું ડિલિસ્ટિંગ થઈ રહ્યું છે?
શેરબજારમાં એક સમયમાં સૌથી લોકપ્રિય રહેલા અને રોકાણકારોને ખાસ્સી કમાણી કરી આપનારા ડાઇવર્સિફાઇડ કોંગ્લોમરેટ આઇટીસી લિમિટેડે દેશના સૌથી જૂના શેરબજારોમાંના એકમાંથી પોતાના શેર ડિલિસ્ટ કરવાનું નક્કી કર્યું છે.
વાત એમ છે કે, આ કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે કલકત્તા સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (સીએસઇ)માંથી પોતાના શેર સ્વૈચ્છિક રીતે ડિલિસ્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. કલકત્તા સ્ટોક એક્સચેન્જે 20 નવેમ્બર, 2025ના રોજ, એટલે કે આજથી તેની સત્તાવાર એક્સચેન્જ સૂચિમાંથી ITC ના સામાન્ય શેર સ્વૈચ્છિક રીતે ડિલિસ્ટ કરવા માટે મંજૂરી આપી હોવાનું આઇટીસીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.
નોંધનીય છે કે કંપનીના સામાન્ય શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને બીએસઇ લિમિટેડ પર સૂચિબદ્ધ રહેશે. અગાઉ 30 ઓક્ટોબરના રોજ, આઇટીસીના ડિરેકટર બોર્ડે તેની બેઠકમાં ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇક્વિટી શેર્સનું ડિલિસ્ટિંગ) રેગ્યુલેશન્સ, 2021ના નિયમ ૫ાંચ અને છ અનુસાર, સીએસઇમાંથી કંપનીના સામાન્ય શેર સ્વૈચ્છિક રીતે ડિલિસ્ટ કરવાને મંજૂરી આપી હતી.
કંપની બોર્ડની મંજૂરી પછી, આઇટીસીએે સીએસઇને પત્ર લખીને પોતાના શેર ડિલિસ્ટ કરવાના નિર્ણયની જાણ કરી હતી. 19 નવેમ્બર, 2025 ના રોજ, કલકત્તા સ્ટોક એક્સચેન્જે એક પત્ર દ્વારા તેના શેરના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગ માટે મંજૂરીની જાણ કરી હતી.
1908માં સ્થાપિત કલકત્તા સ્ટોક એક્સચેન્જ, ભારતના સૌથી જૂના શેરબજારોમાંનું એક છે. નિયમનકારી બિન-પાલનને કારણે એપ્રિલ 2013માં સેબી દ્વારા સીએસઇ ખાતે ટ્રેડિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. કામગીરીને પુનજીર્વિત કરવા અને કોર્ટમાં સેબીના નિર્દેશોનો વિરોધ કરવાના વર્ષોના પ્રયાસો પછી, એક્સચેન્જે હવે વ્યવસાયમાંથી પાછા ફરવાનો અને તેના સ્ટોક એક્સચેન્જ લાઇસન્સમાંથી સ્વૈચ્છિક રીતે બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.



