14 ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર દૂર કર્યા પછી કોપર, વાયર, એલ્યુમિનિયમ, એલોય અને ફર્નિચરનાં QCO મુલતવી રાખવાની વિચારણા, MSME ને થશે ફાયદો
14 ગુણવત્તા નિયંત્રણ આદેશો(ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર) દૂર કર્યા પછી સરકાર ઘણા મંત્રાલયો માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1-2 વર્ષ માટે મુલતવી રાખવાનું વિચારી રહી છે. આનાથી કોપર, વાયર, એલ્યુમિનિયમ, એલોય અને ફર્નિચર ઉત્પાદકોને નોંધપાત્ર ફાયદો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક સેગમેન્ટનાં QCO (ગુણવત્તા નિયંત્રણ આદેશો-ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર ) મુલતવી રાખવાનું વિચારી રહ્યા છે. આ કાર્યવાહી ઉચ્ચ-સ્તરીય સમિતિના અહેવાલના આધારે કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1-2 વર્ષ માટે મુલતવી રાખી શકે છે. આ યોજના હેઠળ, કોપર, વાયર, એલ્યુમિનિયમ, એલોય અને ફર્નિચર સંબંધિત ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર મુલતવી રાખી શકાય છે. ઇલેક્ટ્રોનિક ઘટક ઉત્પાદન સંબંધિત ઓર્ડરો પણ મુલતવી રાખી શકાય છે. સૂત્રો એવું પણ સૂચવે છે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટેના QCO પણ મુલતવી રાખી શકાય છે.
ઉદ્યોગ લાંબા સમયથી ગુણવત્તા નિયંત્રણ આદેશો મુલતવી રાખવાની માંગ કરી રહ્યો હતો. નિષ્ણાતો કહે છે કે QCO મુલતવી રાખવાથી MSME ક્ષેત્રને ફાયદો થઈ શકે છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા, નિકાસને પ્રોત્સાહન આપવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને મજબૂત બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. BIS એ 733 ઉત્પાદનો માટે QCO જારી કર્યા હતા.
નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં થોડા દિવસો પહેલા, ભારત સરકારે 14 BIS ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) પાછા ખેંચી લીધા હતા, જેનાથી કેમિકલ, પોલિમર અને ફાઇબર સંબંધિત ઉદ્યોગોને મોટી રાહત મળી હતી. આ ઓર્ડર કેમિકલ, પ્લાસ્ટિક અને ટેક્સટાઇલ ક્ષેત્રોમાં વપરાતા મુખ્ય કાચા માલ જેમ કે ટેરેપ્થાલિક એસિડ, ઇથિલિન ગ્લાયકોલ, પોલિએસ્ટર યાર્ન અને ફાઇબર્સ અને પોલીપ્રોપીલીન, પોલીઇથિલિન, PVC, ABS અને પોલીકાર્બોનેટ જેવા મુખ્ય પ્લાસ્ટિક સંબંધિત હતા.




