રિલાયન્સના શેર્સમાં રૂ. 1785નું મથાળું બતાવી શકે

રિલાયન્સના શેર્સમાં વર્તમાન ભાવ સપાટીએ લેવાલી કરવાનું રેટિંગ એજન્સી જેફરીઝનું સૂચન
અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે બાવન અઠવાડિયાની નવી ઊંચી સપાટીને આંબી ગયો છે. પરિણામે રેટિંગ એજન્સી Jefferiesએ રિલાયન્સના શેર્સમાં લેવાલી કરવાનું સૂચન કર્યું ચે.
નાણાંકીય વર્ષ 2025-26ની શરૂઆતથી રિલાયન્સના ત્રણેય મુખ્ય બિઝનેસ એટલે કે ડિજિટલ સર્વિસિસ, રિટેલ અને ઓઈલ-ટુ-કેમિકલ્સનો વિકાસ દસ ટકાથી વધારેનો રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તદુપરાંત રિસ્ક-રિવોર્ડ માટે કંપનીનું વેલ્યુએશન પણ અનુકૂળ છે.
આ લખાય છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ રૂ. 1570ની આસપાસ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સનું વોલ્યુમ 54,57,819ની આસપાસનું છે. રિલાયન્સનો શેર 28મી નવેમ્બરના દિવસ દરમિયાન 1563નું તળિયું અને 1581.30નું મથાળું બતાવી ચૂક્યો છે. આમ એક જ દિવસમાં એટલે કે શુક્રવાર 28મી નવેમ્બરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ તેનો ભાવ બાવન અઠવાડિયાની નવી ટોચે પહોંચ્યો છે.
Jefferies એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજીની ચાલ ચાલુ રહેવાનો નિર્દેશ આપ્યો છે, કારણ કે ગ્રૂપના તમામ મુખ્ય સેક્ટર મજબૂત વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. 2025-26ના વર્ષના અત્યાર સુધીના આઠ મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 29 ટકાનો વધારો આવી ચૂક્યો છે.
રિલાયન્સે Nifty 50ને સ્પષ્ટ રીતે આઉટપરફોર્મ કર્યું છે, જ્યારે Niftyએ આ જ અવધિમાં ફક્ત 10.5 ટકા રિટર્ન આપ્યો છે. કંપનીનું માર્કેટ કેપ હવે રૂ.21.35 લાખ કરોડ છે. Jefferiesના નિષ્ણાતોનું કહેવું છે કે રિલાયન્સના શેર્સમાં લેવાલી કરી શકાય છે. તેનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 1,785 સુધી જવાનો નિર્દેશ આપ્યો છે. રિલાયન્સના શેર્સમાં વર્તમાન લેવલથી 14 ટકાથી વધુનો સુધારો આવવાની સંભાવના છે.
બ્રોકરેજ હાઉસના નિષ્ણાતોનું કહેવું છે કે રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ સર્વિસિસ અને રિલાયન્સ રિટેલ અને O2C ત્રણેય સેગમેન્ટમાં દસ ટકાથી વધુનો વિકાસ દર રહેવાની સંભાવના છે.
Jioના ટેરિફમાં ફેરફાર આવવાની શક્યતા છે. આ બાબત ટેલિકોમના બિઝનેસ માટે પોઝિટિવ સાબિત થઈ શકે છે. FMCG બિઝનેસ 2026માં વધુ ઓળખ અને ઊંચું વેલ્યુએશન મેળવી શકે છે. નવા એનર્જી પ્લાન અને Google સાથેની ડેટા-સેન્ટર ભાગીદારી રિલાયન્સને વધુ વિકલ્પો પૂરા પાડશે. શેર હજુ લાંબા ગાળાના સરેરાશ EV/EBITDA કરતાં નીચે ટ્રેડ થાય છે. તેથી રિસ્ક-રિવોર્ડ અનુકૂળ છે.




