• 1 December, 2025 - 6:31 AM

આવકવેરા ખાતાની નોટિસો નીકળવા માંડીઃ પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ

આવકવેરા ખાતાની નોટિસો નીકળવા માંડીઃ પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ

રિવોર્ડ પોઈન્ટ મેળવવા માટે અન્યના પેમેન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારા કરદાતાઓ સામે આવકવેરા ખાતું પગલાં લેશે

આવકવેરા ખાતા તરફથી આ સંદર્ભમાં નોટિસ મળે તો દરેક વહેવારની વિગતો અલગ અલગ દર્શાવીને આવકવેરા અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો, માહિતી ન છુપાવો

અમદાવાદઃ રીવોર્ડ પોઈન્ટ મેળવવા માટે અન્યના ખર્ચના પેમન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારાઓને માથે ઇન્કમેટ્કસ વિભાગની તવાઈ આવી રહી છે. તેમની આવક કરતાં ખર્ચ વધી જતાં હોવાના કેસમાં તેમણે આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે. તેમણે ક્રેડિટ કાર્ડના વહેવારો આવકવેરાના રિટર્નમાં દર્શાવ્યા જ ન હોવાથી જાહેર ન કરેલી આવક ગણી લઈને તેમને નોટિસો આપવામાં આવી રહી છે. ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને રિવોર્ડ પોઈન્ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને આ પ્રકારની નોટિસો મળી રહી છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરદાતાઓ manufactured spending અથવા rent gaming કરે છે. કોઈ હાઉસ રેન્ટ એલાવન્સ ક્લેઈમ કરી શકે તે માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે. એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ-AISમા નાણાંકીય વહેવારોની વિગતો પકડી પાડવાની – SFT સિસ્ટમ ખૂબ મજબૂત થઈ છે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટ કહે છે કે આવકવેરા વિભાગ પેમેન્ટની આ પેટર્ન ઝડપથી ઓળખી શકે છે. આવકવેરા અધિકારીઓ આ ખર્ચને જાહેર ન કરેલા ખર્ચ તરીકે ઓળખાવીને તેને પર ટેક્સ ડિમાન્ડ કાઢે છે. આવકવેરા ધારાની કલમ 270-એની જોગવાઈ હેઠળ જાહેર ન કરેલી આવક માટે 50 ટકાનો દંડ પણ કરવામાં આવે છે. આવકવેરા ખાતું તેને ગંભીર ગુનો ગણી લઈને તેના પર 200 ટકા સુધીનો દંડ પણ કરે છે. ક્રેડિટ કાર્ડથી બીજા માટે કરેલા પેમેન્ટ થકી કમાયેલા રીવોર્ડ પોઈન્ટના નાણાં પણ આવકવેરા ખાતું જપ્ત કરી લે છે.

શા માટે હવે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ ટેક્ષની સમસ્યા બની?

છેલ્લાં કેટલાક વર્ષોથી બેન્કો આવક વધારવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે કાર્ડધારકોને કોઈને કોઈ લાભ આપવાની જાહેરાત કરીન લલચાવતી આવી છે. તેથી રિવોર્ડ પોઈન્ટ કમાવા માટે લોકો ક્રેડિટ કાર્ડથી બીજા માટે પેમેન્ટ કરવા તરફ વળ્યા છે. નકલી ભાડું એટલે કે માત્ર હાઉસ રેન્ટ એલાવન્સ ક્લેઈમ કરવા માટે મિત્રો કે સગાને ભાડું ચૂકવવા માટે કાર્ડનો ઉપયોગ કરનારાઓ ફસાય છે. આ પ્રકારના કેસોમાં આવકવેરા વિભાગ કલમ 69C (અજ્ઞાત ખર્ચ) અથવા કલમ  69/69A-જાહેર ન કરેલી આવકની જોગવાઈ કરદાતા સામે લાગુ કરે છે.

અન્યો માટે પેમેન્ટ કરનારની વાસ્તવિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો તેને જાહેર ન કરેલી આવક ગણી લેવામાં આવે છે. આકારણી કરતી વખતે આ ખર્ચને જાહેર ન કરેલી આવક ગણી લેવામાં આવે છે. તેના પર ટેક્સ ડિમાન્ડ ઊભી કરી દેવામાં આવે છે. આવકવેરા અધિકારીને લાગે કે ખર્ચ ખોટો બતાવવામાં આવ્યો છે તો આવકવેરામાંથી હાઉસ રેન્ટ એલાવન્સનો ખર્ચ બાદ મળતો અટકી જાય છે અને તેના પર ટેક્સનો બોજો વધી જાય છે. કંપનીના ડિરેક્ટર કે કન્સલ્ટન્ટ કંપનીનાં ખર્ચ વ્યક્તિગત કાર્ડથી ચૂકવે છે અને રિમ્બર્સમેન્ટ લે છે. તેમાં રિવોર્ડ કેશબેક મોટી રકમનું આવે તો તેવા સંજોગોમાં આવકવેરા ધારાની કલમ  28(iv) હેઠળ તે આવકને બિઝનેસ ઇન્કમ તરીકે ગણાવી શકાય છે.

વાર્ષિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો…

ક્રેડિટ કાર્ડનો વપરાશ કરનાર ઇન્કમટેક્સ રિટર્નમાં તેની વાર્ષિક આવક રૂ. 5થી 6 લાખ બતાવતો હોય અને તેણે ક્રેડિટ કાર્ડથી કરેલો ખર્ચ રૂ. 10થી 15 લાખનો થઈ જાય તો કરદાતાને કલમ 142(1) અને કલમ 148-એ હેઠળ નોટિસ પાઠવી દેવામાં આવે છે.

શું રિવોર્ડ પોઈન્ટ કે કેશબેક પર ટેક્સ લાગે છે?

રીવોર્ડ પોઈન્ટ કે કેશબેક પર ટેક્સ લગાડવાની સીધી કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી. સામાન્ય રીતે તેને વેરામુક્ત ડિસ્કાઉન્ટ ગણી લેવામાં આવે છે. છતાં કેશબેકની રકમ સીધી બેન્કમા જમા થાય અને રકમ મોટી હોય તો તેના પર ટેક્સની જવાબદારી આવી શકે છે. બીજી કોઈ વ્યક્તિ માટે કરેલા ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ મળે તો તેના પર પણ ટેક્સ લાગી શકે છે. કોઈના વતી ભાડું ચૂકવ્યું હોવાનો માત્ર દેખાવ જ કરવા માટે ક્રેડિટકાર્ડથી પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તેવા સંજોગોમાં તેના થકી થયેલી આવક પર ટેક્સ લાગી શકે છે. પરિણામે કરદાતાઓને એઆઈએસ-AIS mismatch તરીકે દર્શાવીને કરદાતાની આવકમાં તે રકમ ઉમેરી દઈને તેના પર ટેક્સ ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે.

નોટિસ મળે તો શું કરવું?

કરદાતાને આ પ્રકારની નોટિસ મળે તો તેણે ક્રેડિટ કાર્ડના પેમેન્ટના સ્ટેટમેન્ટ અને બેન્કના સ્ટેટમેન્ટનું મેળવણું કરી આપવાની રહે છે. આ બંને સ્ટેટમેન્ટને આધારે સમરી શીટ તૈયાર કરીને પુરાવાઓ સાથે તે આવકવેરા કચેરીમાં રજૂ કરવાના રહે છે. આ સ્ટેટમેન્ટમાંથી અંગત ખર્ચા, બિઝનેસના ખર્ચા, રિઇમ્બર્સ થયેલા ખર્ચાને અલગ તારવીને બતાવી દો. તેમ જ કોઈના હાઉસ રેન્ટ એલાવન્સનો લાભ અપાવવા માટે કરેલા ખર્ચની વિગતો અલગ બતાવી દો. આ બધાંમાં સ્પષ્ટ જવાબ આપવાનું રાખો. વિગત છુપાવવાનો નાનો સરખો પ્રયાસ મોટી નુકસાનીમાં ઉતારી શકે છે. તમારા આવકવેરા રિટર્નમાં કોઈ ભૂલ થઈ હોય તો તે સુધારીને આવકવેરા રિટર્ન અપડેટ કરી લેવું જોઈએ.

આ જફામાંથી બચવા માટે કરદાતાઓ આવક કરતાં ખર્ચ વધારે ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. ક્રેડિટ કાર્ડના અન્ય માટે કરવામાં આવેલા ઉપયોગથી થયેલી આવક પણ જાહેર કરી દેવી જોઈએ. ઊંચા મૂલ્યના આર્થિક વહેવારોની સમજૂતી આપી દો. એન્યુઅલ ઇન્ફોર્મેશનના સંદર્ભમાં તમને કોઈ ઈ-મેઈલ આવ્યો હોય તો તે ઇમેઈલની અવગણના ન જ કરો. ટૂંકમાં ઇન્કમ ટેક્સ વિભાગ ક્રેડિટ કાર્ડ પેટર્ન પર હવે બાજ નજર રાખી રહી છે. તોથા જ રિવોર્ડ મેળવવા માટે કૃત્રિમ ટ્રાન્ઝેક્શન કરવી હવે ખતરનાક સાબિત થઈ શકે છે.

Read Previous

UIDAI ની નવી યોજના: આધાર કાર્ડ પર મોબાઇલ નંબર બદલવો હવે સરળ બનશે, ફક્ત ઓનલાઈન જ કરી શકાશે આ પ્રક્રિયા

Read Next

ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટમાંથી અદાણી ગ્રુપને રાહત, એક્ટિવિસ્ટને સિક્રેટ ડેટાની તપાસ કરવાથી રોકી દેવાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular