Lupin કંપનીના કેન્સરની સારવાર માટેના ઇન્જેક્શનને USFDA મંજૂરી મળી

કીમો થેરપી લેવાને કારણે શરીરમાંના રક્તકોષો પર વધતા દબાણને હળવું કરવાની મહત્વની કામગીરી કરતું ઇન્જેક્શન
અમદાવાદઃ Lupin ને તેના બાયોસિમિલર Armlupeg (pegfilgrastim-unne) ઈન્જેક્શન માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી મંજૂરી મળી છે. આ ઈન્જેક્શન કંપનીના પુણે સ્થિત બાયોટેક પ્લાન્ટમાં બનાવાશે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મળતાં લ્યુપિનના શેર્સના ભાવમા આજે મજબૂત સુધારો જોવા મળી શકે છે. Armlupeg નામનું ઈન્જેક્શનને Neulastaના ઇન્જેક્શનનું બાયોસિમિલર માનવામાં આવે છે, તેને USFDA તરફતી લીલી ઝંડી મળી ગઈ છે. આ ઇન્જેક્શનનો છ એમજીનો 0.6 મિલીલિટરનો સિંગલ ડોઝ ચામડીની નીચે ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ મંજૂરી આપતા પહેલા USFDA લ્યુપિનની પુણે ખાતે આવેલા મેન્યુફેક્ચરિગના એકમનું નિરીક્ષણ કરી ચૂક્યું છે.
Armlupegની મેડિકલ ઉપયોગિતાની વાત કરીએ તો ઈન્જેક્શન કૅન્સર દર્દીઓમાં ચેપની સંભાવના ઘટાડે છે. તેમાંય ખાસ કરીને જયારે દર્દીઓ માયેલોસ્પ્રેસિવ એટલે કે રક્તકોષોને દબાવી દેનારી કિમોથેરાપી લઈ રહ્યા હોય ત્યારે આ ઇન્જેક્શન આપવામાં આવે છે. તેમ જ ફેબ્રાઇલ ન્યુટ્રોપેનિયા જેવી સ્થિતિને રોકવામાં મદદરૂપ બને છે. જોરદાર રેડિએશનના સંપર્કમાં આવેલા દર્દીઓમાં સર્વાઇવલ વધારવાનું ઉદ્દેશ પણ આ દવા તૈયાર કરવા પાછળનો છે.
અમેરિકામાં આ દવાની વેચાણ સ્થિતિ
Pegfilgrastim 6 mg/0.6 ml (prefilled syringe)નું અમેરિકામાં સપ્ટેમ્બર 2025 સુધીના 12 મહિનામાં અંદાજિત રૂ. 10,800 કરોડનું વેચાણ નોંધાયું છે. લ્યુપિન લેબોરેટરીઝના CEO વિનીતા ગુપ્તાએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં અમે મજબૂત બાયોસિમિલર પોર્ટફોલિયો લાવવા જઈ રહ્યા છીએ, જે દર્દીઓ અને સમુદાયના હિત માટે આરોગ્ય ની ગુણવત્તા સુધારશે.
Lupin શેર ભાવની વાત કરીએ તો ગયા ટ્રેડિંગ સેશનમાં શેર 0.4% વધીને ₹2,080.5 પર બંધ રહ્યો હતો. 2025-26ના વર્ષના શરૂઆતથી અત્યાર સુધી સ્ટૉકના ભાવમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીના જણાવ્યા મુજબ બાયોસિમિલર પ્રોડક્ટ્સનો વિસ્તાર તેની આગામી વૃદ્ધિની મુખ્ય વ્યૂહરચના રહેશે. Armlupeg તેની યોજનાનો અગત્યનો ભાગ છે.



